ગુજરાતમાં દરરોજ છ બાળકો પર બળાત્કાર, કયાં કારણો જવાબદાર?

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
લાઇન
  • ગુજરાતમાં બાળકો પર બળાત્કારની સંખ્યા પાંચ વર્ષમાં 60 ટકા વધી
  • વર્ષ 2017માં ગુજરાતમાં 1,233 બાળકો પર થયો હતો બળાત્કાર
  • વર્ષ 2021માં આ આંકડો વધીને 2,060 સુધી પહોંચી ગયો
  • કોરોના મહામારી દરમિયાન કિસ્સાઓમાં થયો વધારો
લાઇન

વર્ષ 2021માં બાળકો પર થયેલા બળાત્કાર મામલે ગુજરાત દેશમાં છઠ્ઠા ક્રમાંકે છે.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના તાજેતરના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 2021માં એક બાજુ 18 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ પર બળાત્કારના 582 કેસ નોંધાયા છે. બીજી બાજુ બાળકો પર બળાત્કાર અંગેના 2,060 કેસ નોંધાયા.

આ આંકડા મુજબ ગુજરાતમાં દરરોજ સરેરાશ છ બાળકો પર બળાત્કાર થયો હોવાનું સામે આવ્યું છે.

આ ઉપરાંત ગુજરાતમાં 18 વર્ષથી ઓછી વયની સગીરાઓ પર બળાત્કારના સાત એવા કેસ છે જે પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સૅક્સુઅલ ઓફેન્સિસ ઍક્ટ (પોક્સો) અંતર્ગત નહીં પરંતુ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અંતર્ગત નોંધાયા છે.

line

પાંચ વર્ષમાં 1233 કેસથી વધીને 2060 કેસ

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

એનસીઆરબી દ્વારા દર વર્ષે ભારતમાં ક્રાઇમને લગતા આંકડા જાહેર કરવામાં આવે છે.

એનસીઆરબી દ્વારા વર્ષ 2017માં જાહેર કરાયેલા આંકડા મુજબ ગુજરાતમાં બાળકો પર બળાત્કારના 1,233 કેસ નોંધાયા હતા. આ 1,233 કેસમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા 1,237 હતી.

વર્ષ 2018માં ગુજરાતમાં બાળકો પર બળાત્કારના 1,455 કેસ નોંધાયા હતા. જેમાં પીડિતોની સંખ્યા 1,490 હતી.

2019માં કેસનો આંકડો વધીને 1,539 થયો હતો. જેમાં પીડિતોની સંખ્યા 1,547 હતી અને વર્ષ 2020માં બાળકો પર બળાત્કારના આંકડામાં ઉછાળો જોવા મળ્યો હતો.

જે મુજબ ગુજરાતમાં એ વર્ષે 1,871 કેસ નોંધાયા હતા. જેમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા 1,881 હતી.

ત્યાર બાદ તાજેતરમાં જાહેર કરાયેલા આંકડા મુજબ કેસની કુલ સંખ્યા 2,060 પર પહોંચી છે. જેમાં ભોગ બનનારાં બાળકોની સંખ્યા 2,069 છે.

line

શિક્ષણનો અભાવ, પૉક્સો ઍક્ટ અંગેની જાગૃતિ

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં વર્ષો સુધી બાળઅધિકારો માટે કામ કરનારા કર્મશીલ અનિરુદ્ધસિંહ જાડેજાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે બાળકો પર બળાત્કારના કેસ વધવા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે.

તેઓ પહેલું કારણ આપતાં કહે છે, "અગાઉ બાળકો પર બળાત્કારની ઘટનાઓ તો બનતી હતી પરંતુ તે સામે આવતું ન હતું. પોક્સો ઍક્ટ આવ્યા બાદ લોકોમાં જાગૃતિ વધી છે. લોકો પોતાનાં બાળકો સાથે થતા દુષ્કર્મના મામલાને લઈને પોલીસ સ્ટેશન સુધી જતા થયા છે. જેના કારણે વધુ કેસ નોંધાવાના શરૂ થયા છે."

અનિરુદ્ધસિંહ બીજું કારણ આપે છે કે, "જ્યારથી ભારતમાં સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો છે ત્યારથી આ પ્રકારના કિસ્સા વધવા લાગ્યા છે. બાળકો આવાં કૃત્યો માટે સૌથી સરળ શિકાર હોય છે અને સોશિયલ મીડિયા પર તેઓ સરળતાથી આવી વ્યક્તિઓના સકંજામાં આવી જતાં હોય છે. જેથી બાળકોમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પણ ધ્યાન રાખવું જરૂરી બને છે."

તેઓ ત્રીજું અને અંતિમ કારણ આપે છે, "જો આંકડાનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવશે કે બાળકો પર થતા બળાત્કારના મોટા ભાગના કિસ્સા એવા વિસ્તારોમાંથી આવે છે જ્યાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય. અશિક્ષિત લોકો બાળકોને લગતા કાયદા અને આ પ્રકારનું કામ કર્યા બાદનાં પરિણામોથી અજાણ હોય છે."

line

ઇન્ટરનેટની સરળ પહોંચ, પોર્નોગ્રાફી ચિંતાનો વિષય

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતી અલી એક સામાજિક કાર્યકર્તા છે અને 'હક, સેન્ટર ફૉર ચાઇલ્ડ રાઇટ્સ' નામની એક સંસ્થાનાં સહ-સ્થાપક છે. તેમણે તાજેતરમાં બીબીસી સંવાદદાતા રાઘવેન્દ્ર રાવ સાથે ભારતમાં બાળકો પર વધી રહેલા બળાત્કારના કેસ અંગે વાત કરી હતી.

તેમણે કહ્યું, "બાળકો પર થતા બળાત્કારની ઘટનાઓ પણ વધી છે અને અગાઉ કરતાં હવે આ પ્રકારના કેસ વધારે સંખ્યામાં નોંધાતા થયા છે. એમ ન કહી શકાય કે માત્ર કેસનું રિપોર્ટિંગ વધવાને કારણે આંકડા વધુ છે. આ કદાચ બંને બાબતોનું મિશ્રણ છે."

તેમના પ્રમાણે આ મામલાના ઘણા ભાગ છે. જેમાંનો એક છે બાળકો પાસે ઉપલબ્ધ ઇન્ટરનેટની સરળ પહોંચ છે. તેનો દુરુપયોગ થવાનો ડર સતત રહેલો છે.

ભારતી અલીએ જણાવ્યું, "બાળકોની સોશિયલ મીડિયા સુધીની પહોંચ અને તેઓ જે રીતે ઓનલાઇન મિત્રો બનાવે છે, તેની સાથે જોડાયેલા ઘણા મુદ્દા છે. તથ્ય એ છે કે આપણાં બાળકો ઘણી સંદિગ્ધ સામગ્રી અને સંબંધોના સંપર્કમાં આવે છે જે ઓનલાઇન શરૂ થાય છે અને અપમાનજનક સ્થિતિઓમાં બદલાઈ જાય છે."

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

તેમનું એમ પણ માનવું છે કે આ પ્રકારના કેસ વધવા પાછળ બાળકોની પોર્નોગ્રાફી સુધીની સરળ પહોંચ પણ એક કારણ છે. ભારતી અલીનું કહેવું છે કે કોરોના મહામારીના સમયમાં આવી ઘટનાઓ વધવી એક ચિંતાજનક બાબત હતી.

તેમણે કહ્યું, "તમને જાણીને નવાઈ લાગશે કે કોરોના મહામારી દરમિયાન લૉકડાઉનમાં મોટા ભાગના લોકો પોતપોતાનાં ઘરમાં હતા એટલે આવી ઘટના ઓછી થઈ હશે પરંતુ એમ થયું ન હતું. જ્યારે બાળકો ઘર પર હતાં, ત્યારે પણ શોષણની ઘટનાઓ ચાલુ હતી અને એ વાતની પણ પર્યાપ્ત જાણકારી છે કે શોષણ કરનારા મોટા ભાગના લોકો નજીકના સંબંધીઓ જ હોય છે."

આ સિવાય પોક્સો ઍક્ટ 18 વર્ષથી ઓછી વયના લોકોને બાળક માને છે જેથી આ કાયદામાં સહમતીની ઉંમરને 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી છે.

ભારતી અલી પ્રમાણે સહમતીની ઉંમર 16 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હોવાથી પણ પોક્સો ઍક્ટ અંતર્ગત નોંધાતા બળાત્કારના કેસમાં વધારાનું એક કારણ હોઈ શકે છે.

line

પોક્સો ઍક્ટ અંતર્ગત એક પણ કેસ નહીં પરંતુ IPCની કલમ 376 અંતર્ગત સૌથી વધુ કેસ

ગુજરાતમાં બાળકો પર બળાત્કાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

દેશમાં વર્ષ 2021માં સગીરો પર બળાત્કારના 36,069 કેસ નોંધાયા છે. જેમાંથી 33,036 કેસ પૉક્સો ઍક્ટ અંતર્ગત નોંધાયા છે. જ્યારે 3,033 કેસ આઈપીસીની કલમ 376 અંતર્ગત નોંધવામાં આવ્યા છે.

જેમાં પ્રથમ નંબરે મધ્ય પ્રદેશ (3,512 કેસ), બીજા નંબરે મહારાષ્ટ્ર (3,458 કેસ), ત્રીજા નંબરે તામિલનાડુ (3,401 કેસ), ચોથા નંબરે ઉત્તર પ્રદેશ (2,747 કેસ), પાંચમા નંબરે કર્ણાટક (2,090 કેસ) અને છઠ્ઠા ક્રમાંકે ગુજરાત (2,060 કેસ)નો સમાવેશ થાય છે.

કેટલાંક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવાં પણ છે જ્યાં પોક્સો ઍક્ટ અંતર્ગત બળાત્કારનો એક પણ કેસ નોંધાયો નથી. જેમાં ગોવા, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન. ચંદીગઢ અને લદ્દાખ સામેલ છે.

જોકે, આ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આઈપીસીની કલમ 376 અંતર્ગત બળાત્કારના ઘણા કેસો નોંધાઈ ચૂક્યા છે.

રસપ્રદ બાબત એ છે કે રાજસ્થાનમાં પોક્સો ઍક્ટ અંતર્ગત બળાત્કારનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ આઈપીસીની કલમ 376 અંતર્ગત સૌથી વધુ બળાત્કારના કેસ (6,337) નોંધાયા છે.

ગુજરાતમાં બાળકો પર થતા બળાત્કારના કેસ છેલ્લાં પાંચ વર્ષમાં 60 ટકા જેટલા વધ્યા છે. ત્યારે ગુજરાત સરકાર તેને અટકાવવા શું પગલાં લઈ રહી છે. તે જાણવા માટે ગુજરાત સરકારમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો ધરાવતાં ધારાસભ્ય મનીષા વકીલનો બીબીસી ગુજરાતીએ સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિક્રિયા મળી ન હતી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન