ગુજરાત હાઈકોર્ટે કોરોનામાં અનાથ થનાર બાળકની કસ્ટડી સમૃદ્ધ દાદાને છોડી માસીને કેમ સોંપી?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અપીલકર્તા (દાદા) અમદાવાદમાં એકલા તેમનાં પત્ની સાથે રહે છે. જ્યારે તેમની સામે જવાબ આપનાર ચાર (માસી) દાહોદમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે."

"અમે આ સમયે એવું અનુભવીએ છીએ કે, બાળક કુમળી વયે વિભક્ત પરિવાર કરતાં સંયુક્ત પરિવારમાં રહેશે તો તેના ઉછેરમાં નોંધપાત્ર હકારાત્મક ફેરફાર જોવા મળશે."

ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠ દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતા ગુમાવનારા છ વર્ષના બાળકની કસ્ટડી તેમનાં માસીને સોંપવાનો આદેશ કરાયો હતો

ઇમેજ સ્રોત, Kalpit Bhachech

ઇમેજ કૅપ્શન, ગુજરાત હાઇકોર્ટનાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠ દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતા ગુમાવનારા છ વર્ષના બાળકની કસ્ટડી તેમનાં માસીને સોંપવાનો આદેશ કરાયો હતો

ઉપરોક્ત અવલોકન તારીખ બીજી મે 2022ના રોજ ગુજરાત હાઈકોર્ટ દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતાને ગુમાવનાર બાળકની કસ્ટડી માસીને સોંપવાના આદેશમાં કરવામાં આવ્યું છે.

ગુજરાત હાઈકોર્ટનાં જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠ દ્વારા કોરોનાની મહામારીમાં માતા-પિતા ગુમાવનારા છ વર્ષના બાળકની કસ્ટડી તેમનાં માસીને સોંપવાનો આદેશ કરતાં ચાર બાબતોને ધ્યાને લેવામાં આવી હતી.

જેમાં ઉંમર, પરિવાર, આવક અને શિક્ષણ ઉપર ભાર આપતાં બાળકની કસ્ટડી તેમનાં માસીને સોંપવી યોગ્ય લાગે છે તેવા અવલોકન સાથે આદેશ કરાયો હતો.

આ આદેશમાં સંયુક્ત પરિવારમાં બાળકનો હકારાત્મક ઉછેર થશે સાથે તેને માતા-પિતા ગુમાવ્યાના આઘાતમાંથી બહાર આવવામાં મદદરૂપ થશે તેવી આશા પણ વ્યક્ત કરાઈ હતી.

ખંડપીઠ દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું કે, "બંને પક્ષો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી લાગણીઓ કદાચ માર્ગદર્શક પરિબળ તરીકે કામ કરી શકશે નહીં."

"બંનેમાંથી કોઈ એકને બાળકની કસ્ટડી સોંપવાથી કોઈ ફેર નહીં પડે. બંને પરિવારો આર્થિક રીતે મજબૂત છે પરંતુ માસી અપરણિત છે અને 46 વર્ષનાં છે."

"તેમના ઉપર અન્ય કોઈ કૌટુંબિક જવાબદારી નથી. કોર્ટને લાગે છે કે, માસી બાળકની જરૂરિયાતો પૂરી કરવામાં અને તેના શિક્ષણની કાળજી લેવા માટે યોગ્ય રહેશે."

ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં દાદા-દાદીને મહિનામાં બે વાર બાળકની મુલાકાત લેવાની અને તેની સાથે વીડિયો કૉલ ઉપર વાત કરવાની પરવાનગી આપી છે.

line

આંતરજ્ઞાતીય લગ્નના કારણે શરૂ થયો વિવાદ

માતા-પિતાના અચાનક અવસાન બાદ ગૌતમ (બદલેલ નામ) અનાથ બન્યો હતો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માતા-પિતાના અચાનક અવસાન બાદ ગૌતમ (બદલેલ નામ) અનાથ બન્યો હતો (પ્રતીકાત્મક તસવીર)

કેસમાં જે વિગતો સામે આવી તે મુજબ વર્ષ 2011માં સ્મિતા(નામ બદલ્યું છે) અને રાહુલ (નામ બદલ્યું છે)ની મુલાકાત થઈ હતી અને તે પ્રેમમાં પરિણમી હતી પછી બંનેએ આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કરી લીધાં હતાં.

મૂળ દક્ષિણ ભારતીય એવા રાહુલનો પરિવાર વર્ષોથી અમદાવાદમાં સ્થાયી થયો હતો તેઓ ઉચ્ચ જ્ઞાતિના પરિવારમાંથી આવતા હતા જ્યારે દાહોદના અનુસૂચિત જાતિના પરિવારનાં સ્મિતા અમદાવાદમાં નોકરી કરતાં હતા.

બંનેને પ્રેમ થયા બાદ લગ્ન કર્યાં હતાં.

જોકે, રાહુલનો પરિવાર આ લગ્નથી ખુશ ન હતો. જેથી રાહુલ પોતાના પરિવાર સાથે રહેતા ન હતા.

જ્યારે સ્મિતાના પરિવારે લગ્નને સ્વીકારી લીધાં હતાં અને રાહુલ અને સ્મિતાના રહેવા માટે સ્મિતાનાં મોટાં બહેને અમદાવાદમાં એક ફ્લૅટ આપ્યો હતો જ્યાં બંને ખુશાલ જીવન જીવતાં હતાં.

જોકે, થોડો સમય પસાર થયા બાદ રાહુલનાં માતા-પિતા રાહુલ અને સ્મિતાની સાથે વાતચીત કરવા લાગ્યાં હતાં. તહેવાર અને અન્ય પ્રસંગોમાં તેઓ દીકરા અને વહુને મળવા આવતાં હતાં.

રાહુલ અને સ્મિતાનાં લગ્નનાં પાંચ વર્ષ બાદ 14 જૂન 2016ના રોજ બાળક ગૌતમનો (નામ બદલ્યું છે) જન્મ થયો હતો. આખો પરિવાર ખુશ હતો.

જોકે, માર્ચ 2020માં કોરોના મહામારીના કારણે આ પરિવાર ઉપર આફત આવી પડી હતી.

કોરોના મહામારીની બીજી લહેર મે-જૂન 2021માં આવી હતી, તે દરમિયાન રાહુલ અને સ્મિતા પણ કોરોના વાઇરસમાં સપડાયાં હતાં.

મે 2021માં કોરોના સંક્રમણથી રાહુલનું મૃત્યુ થયું હતું અને એક મહિના બાદ જૂન 2021માં કોરોના વાઇરસ સ્મિતાને પણ ભરખી ગયો હતો.

માતા-પિતાના અચાનક અવસાન બાદ ગૌતમ અનાથ બન્યો હતો.

સ્મિતાનાં મોટાં બહેન અને ગૌતમનાં માસી તેને દાહોદ લઈ ગયાં હતાં. જોકે, આ નિર્ણયથી નાખુશ થયેલા રાહુલનાં માતા-પિતાએ બાળકનો કબજો મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ રિટ અરજી દાખલ કરી હતી.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા વચગાળાના હુકમથી બાળકની કસ્ટડી દાદા-દાદીને સોંપી હતી.

જોકે, આ બાદ આ બંને પરિવારો વચ્ચે બાળકની કસ્ટડીના મુદ્દે કાનૂની લડાઈ ચાલી હતી.

line

હાકોર્ટે સમૃદ્ધ નહીં સંયુક્ત પરિવાર પસંદ કર્યો

બાળકની કસ્ટડી દાદા-દાદીને સોંપવામાં આવી હતી જેની સામે બાળકની કસ્ટડી મેળવવા માટે મૃતક સ્મીતાનાં મોટાં બહેન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બાળકની કસ્ટડી દાદા-દાદીને સોંપવામાં આવી હતી જેની સામે બાળકની કસ્ટડી મેળવવા માટે મૃતક સ્મીતાનાં મોટાં બહેન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી (પ્રતીકાત્મક તસવીર)

બાળકની કસ્ટડી દાદા-દાદીને સોંપવામાં આવી હતી જેની સામે બાળકની કસ્ટડી મેળવવા માટે મૃતક સ્મિતાનાં મોટાં બહેન દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં બંને પક્ષ દ્વારા બાળકની કસ્ટડી મેળવવા માટે દલીલો કરવામાં આવી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં બાળકનાં માસી તરફના વકીલ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, "બાળકના પૈતૃક પરિવારે જાતિના મતભેદોને કારણે દંપતીનાં લગ્ન સામે વાંધો ઉઠાવ્યો હતો. પૈતૃક પક્ષે લગ્નમાં હાજરી આપી ન હતી અને તેઓ આ લગનથી ખુશ હતા નહીં."

"જેથી દંપતી લગ્ન બાદ અલગ રહેતાં હતાં. દંપતીને રહેવાની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મૃતક રાહુલનાં માતા-પિતા અમદાવાદમાં વસવાટ કરતાં હતાં છતાં તેમના બાળકને માતાની બહેનના ઘરે રહેવાની ફરજ પડી હતી."

આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન દંપતીને કોરોના સંક્રમણથી હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી તે દરમિયાન મૃતક સ્મિતાનાં બહેને તેમનો હૉસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ ઉપાડ્યો હતો સાથે તેમની સારવાર વખતે તેઓ હાજર રહ્યાં હતાં.

તે સમયગાળા દરમિયાન બાળકનાં માસીએ જ બાળકની સારસંભાળ લીધી હતી અને દંપતીનાં મૃત્યુ પછી પણ તેમણે બાળકની સંભાળ લીધી હતી.

ગુજરાત હાઈકોર્ટમાં બાળકની કસ્ટડી મેળવવા માટે માસી તરફથી રજૂ થયેલા ઍડ્વોકેટ જુબીન ભદ્રાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "કોરોના મહામારી દરમિયાન બાળકનાં માતા-પિતા મૃત્યુ પામ્યાં હતાં, બાળકની કસ્ટડી મેળવવા માટે બાળકનાં માસી અને બાળકનાં દાદા-દાદી વચ્ચે કેસ ચાલી રહ્યો હતો."

"બાળકનાં માતા અનુસૂચિત જાતિમાંથી આવતાં હતાં તેમજ બાળકના પિતા કેરળના બ્રાહ્મણ હતા. આ આંતરજ્ઞાતીય લગ્નથી બાળકનાં દાદા-દાદી તે સમયે ખુશ ન હતાં."

"આ કેસની હકીકતોને ધ્યાને રાખીને જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ મૌના ભટ્ટની ખંડપીઠ દ્વારા બાળકની કસ્ટડી બાળકનાં માસીને આપવાનો આદેશ કરાયો હતો."

ગુજરાત હાઈકોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું છે કે, "બાળકનાં માસી અપરિણીત છે, તેઓની ઉંમર 46 વર્ષની છે, તેઓ કેન્દ્ર સરકારમાં નોકરી કરે છે."

"તેઓ ભાઈ-ભાભી અને તેમનાં બાળકો સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. સંયુક્ત પરિવાર બાળકના ઉછેર માટે મહત્ત્વનો છે."

"જ્યારે બાળકનાં દાદા-દાદી સિનિયર સિટિઝન છે. અમદાવાદમાં એકલાં રહે છે."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"બાળકના કાકા પોતાના બિઝનેસ અર્થે કોયમ્બતુરમાં વસવાટ કરે છે તેવા સંજોગોમાં કોઈ ઇમરજન્સીમાં તેઓ તાત્કાલિક પહોંચી શકે તેમ નથી."

"બાળકનાં દાદા-દાદી પેન્શન પર નિર્વાહ કરે છે. આ દરેક બાબતોને ધ્યાનમાં રાખીને નામદાર કોર્ટ દ્વારા બાળકની કસ્ટડી બાળકનાં માસીને આપવાનો હુકમ કરાયો છે."

સ્થાનિક અખબારોના અહેવાલોમાં કેસ અંગેના કોર્ટના અવલોકનમાં લખાયું હતું કે, 'બાળકના શ્રેષ્ઠ ઉછેર માટે સમૃદ્ધ નહીં સંયુક્ત પરિવારની દરકાર હોય છે.'

બાળકનાં માસીએ નામ ન જાહેર કરવાની શરતે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, " બાળકનો વિકાસ અમારા માટે સૌથી મહત્ત્વનો છે. નામદાર હાઇકોર્ટ દ્વારા બાળકની કસ્ટડી મને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે જેથી અમે ખૂબ જ ખુશ છીએ."

"અમે ઇચ્છીએ છીએ કે, બાળકનાં દાદા-દાદીનો પ્રેમ પણ બાળકને મળે અને અમે સૌ સાથે મળીને બાળકનો ઉછેર કરીએ."

"અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. હું મારા ભાણેજના ઉછેરમાં કોઈ કમી નહીં રહેવા દઉં. મારી બહેને તેના અંતિમ ક્ષણોમાં મને મારા ભાણેજની જવાબદારી સોંપી હતી."

"બાળકની કસ્ટડી હાલ તો તેનાં દાદા-દાદી પાસે છે. કોર્ટના ચુકાદા અનુસાર બાળકની કસ્ટડી અમને 31મી મે 2022ના રોજ મળશે."

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો