કોરોના વાઇરસ : ભારતમાં કોરોનાને કારણે કેટલાં મૃત્યુ થયાં તે ક્યારેય જાણી શકાશે ખરું?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, ભારત સંવાદદાતા
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના જણાવ્યા અનુસાર ભારતમાં કોવિડને કારણે 47 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે, જે ભારતના સત્તાવાર આંકડા કરતાં 10 ગણા કરતાં વધારે છે.
ભારત સરકારે આ આંકડા નકારી કાઢ્યા છે અને કહ્યું કે ગણતરીની રીત ખોટી છે. શું આપણે ક્યારેય સાચો આંકડો મેળવી શકશું કે ભારતમાં કોરોના મહામારીમાં ખરેખર કેટલા લોકો મૃત્યુ પામ્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
નવેમ્બર 2020માં દરેક પ્રકારનાં કારણોસર થતાં મૃત્યુના આંકડા એકઠા કરતી વૈશ્વિક સંસ્થા વર્લ્ડ મૉર્ટાલિટી ડેટાસેટના સંશોધકોએ ભારતના વહીવટીતંત્રને આંકડા આપવા માટે જણાવ્યું હતું.
આંકડા એકઠા કરવામાં જોડાયેલા વૈજ્ઞાનિક એરિયલ કાર્લિન્સ્કીના જણાવ્યા અનુસાર ભારતની મુખ્ય આંકડાકીય સંસ્થાએ પ્રતિસાદમાં જણાવ્યું કે "આવા આંકડા ઉપલબ્ધ નથી".
કાર્લિન્સ્કી 2020 અને 2021માં કોવિડને કારણે વિશ્વમાં કેટલા વધારે લોકોનાં મૃત્યુ થયાં તેના અંદાજ માટે WHO દ્વારા રચાયેલી સલાહકાર સમિતિમાં પણ સભ્ય છે.
મૃત્યુના આંકડામાં કેટલો વધારો થયો તેનો અંદાજ અગાઉના વર્ષેની સરખામણીમાં વર્તમાન વર્ષમાં કેટલાં વધારે મૃત્યુ થયાં હતાં, તેના પરથી લગાવવામાં આવે છે. જોકે કેટલાક લોકોનાં મૃત્યુ કોવિડને કારણે થયા તે ચોક્ક્સ કહેવું મુશ્કેલ હોય છે પરંતુ આ પ્રકારના આંકડાના કારણે મહામારીનો વ્યાપ કેટલો હતો અને કેટલાનો ભોગ લેવાયો તેનો અંદાજ લગાવી શકાય છે.

ભારતના અંદાજ કરતાં દસ ગણાં મૃત્યુ થયા હોવાનો વિશ્વ આરોગ્ય સંગઠનનું અનુમાન

ઇમેજ સ્રોત, Reuters
કોરોના વાઇરસને કારણે અત્યાર સુધી ભારતમાં સત્તાવાર રીતે પાંચ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
એક જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2021 સુધીમાં ભારતમાં કોવિડને કારણે 4,81,000 લોકોનાં મૃત્યુ થયા હોવાનું નોંધાયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેની સામે વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે કે આનાથી 10 ગણાથી વધુ મૃત્યુ થયાં છે. WHOના અંદાજ અનુસાર વિશ્વમાં કોવિડથી થયેલાં કુલ મૃત્યુમાંથી ત્રીજા ભાગનાં માત્ર ભારતમાં જ થયાં છે.
વિશ્વની વસતિનો લગભગ 50 ટકા હિસ્સો ધરાવતા વિશ્વના 20 દેશોમાં ભારતનો સમાવેશ થાય છે.
વિશ્વમાં આ સમયગાળા દરમિયાન જેટલા વધારાનાં મૃત્યુ થયાં છે તેમાંથી 80 ટકા આ દેશોમાં થયાં હતાં. અને આંકડા સૂચવે છે કે અત્યાર સુધી વિશ્વમાં જે મૃત્યુની નોંધ નથી કરાઈ તેના અડધોઅડધ માત્ર ભારતમાં છે.
વર્લ્ડ મૉર્ટાલિટી ડેટાસેટ જેવા વૈશ્વિક આંકડાકીય સંકલનમાં ભારતના આંકડા નથી તેનો અર્થ એ કે દેશમાં જે આંકડા નોંધાયા છે તે મૉડલ આધારિત બધા કારણોસર થયેલાં વધારાનાં મૃત્યુના આંકડાનો અંદાજ છે.
(આ પ્રકારના મૉડલમાં રાજ્યોમાં સ્થાનિક પંચાયતોમાં નોંધાયેલાં મૃત્યુ, વૈશ્વિક બીમારીના અભ્યાસના આંકડા, ખાનગી સરવે એજન્સીએ આપેલા અંદાજ, અને કોવિડના અન્ય ધોરણો અનુસાર એકઠી થયેલી માહિતીનો સમાવેશ થાય છે.)
આ અઠવાડિયના પ્રારંભે ભારત સરકારે મરણ નોંધનો ડેટા જાહેર કર્યો હતો જેમાં જણાવાયું હતું કે 2020માં 81 લાખ મૃત્યુ નોંધાયા જે અગાઉના વર્ષ કરતાં છ ટકા વધારે છે.
અધિકારોએ એવું સમજાવવાની કોશિશ કરી કે આ રીતે વધારાના 474,806 મૃત્યુ થયાં તેને કોવિડથી થયેલા ના ગણી શકાય. સત્તાવાર રીતે 2020ના વર્ષમાં ભારતમાં કોવિડથી ફક્ત 149,000 મૃત્યુ થયાં હતાં.
વધારાનાં કેટલાં મૃત્યુ થયાં તે માટેની WHOના નિષ્ણાતોની ટીમના સભ્ય તથા ટૉરોન્ટોની સેન્ટર ફૉર ગ્લૉબલ હૅલ્થ રિસર્ચના ડિરેક્ટર પ્રભાત ઝા કહે છે, "મૂળભૂત રીતે કોવિડને કારણે થયેલાં મૃત્યુની બાબતમાં ભારતમાં બહુ ઓછાં મૃત્યુ થયાં એવું નથી, પણ બહુ ઓછા નોંધાયા છે એવું થયું છે."
સહકર્મીઓ દ્વારા રિવ્યૂ થયા હોય તેવા ત્રણ અભ્યાસોમાં એવું જોવા મળ્યું છે કે ભારતમાં સપ્ટેમ્બર 2021 સુધીમાં કોરોનાથી થયેલાં મૃત્યુની સંખ્યા "સત્તાવાર નોંધણી કરતાં છથી સાત ગણી વધુ હતી".
ઇન્સ્ટિટ્યૂટ ફૉર હૅલ્થ મેટ્રિક્સ ઍન્ડ ઇવૅલ્યૂએશન (IHME)નો લાન્સેટ સામયિકમાં છપાયેલા અહેવાલમાં ભારતના 12 રાજ્યોમાં અપાયેલાં મરણના દાખલા આધારે અંદાજ મૂકાયો હતો. તે અંદાજ પ્રમાણે WHOની જેમ જ વધારે મોટી સંખ્યામાં મૃત્યુ થયાં હતાં.

ભારત મૃત્યુના આંકડા જાહેર કરવામાં ઘણું પાછળ

ઇમેજ સ્રોત, Getty Images
ભારત સરકાર તરફથી કોરોના સંકટનો બહુ સારી રીતે સામનો કરવામાં આવ્યો એવી વાહવાહી કરવાના પ્રયત્નો થતા રહ્યા છે.
ત્યારે સ્વતંત્ર રીતે વધારે મૃત્યુ થયાના અભ્યાસોને સરકારે નકારી કાઢે છે.
સત્તાધીશો તેમને "ખોટા, અધૂરી માહિતીવાળા અને તકરાર પેદા કરવાની કોશિશવાળા" ગણાવતા રહ્યા છે અને એવો આક્ષેપ મૂકે છે કે આવી ગણતરી માટે અપનાવાયેલી પદ્ધતિ અને સૅમ્પલ સાઇઝમાં ખામી છે.
અધિકારીઓનું કહેવું છે કે ઓછાં મૃત્યુ નોંધાયાં હોય તેવી શક્યતા બહુ ઓછી છે.
કાર્લિન્સ્કી કહે છે, "મને ડર છે કે હવે બધા જ આંકડા ઉપલબ્ધ હશે તો પણ સરકાર તેને જાહેર કરતા અચકાશે, કેમ કે તેના કારણે ભારત સરકારે જાહેર કરેલા આંકડા અને ભારતે કોવિડને હરાવ્યો એવા દાવા સામે સવાલ ઊભો થશે."
એ વાત પણ સાચી છે કે ઘણા બધા દેશોએ કોરોના વિશેના સાચા આંકડા આપ્યા નથી. ભોગ બનેલા ઘણા લોકોનાં નામો નોંધાયાં જ નહીં, કેમ કે તેમના કોરોના માટેના ટેસ્ટ જ થયા નહોતા.
મૃત્યુની નોંધણીનું કામ પણ ધીમું અને અસ્તવ્યસ્ત હતું. ઘણા વિકસિત દેશોમાં પણ કુલ મૃત્યુની સંખ્યાના આંકડા પણ ઘણા મોડા પ્રગટ થયા હતા.
મરણ નોંધ સમયસર અને પૂર્ણ રીતે પ્રગટ કરવામાં ભારત અમેરિકા અને રશિયાની પાછળ છે.
વસતિની રીતે ભારત સાથે સરખામણી થઈ શકે તેવા એકમાત્ર દેશ ચીન દ્વારા જાહેર થયેલા મૃત્યુનાં આંકડા પણ "અમુક અંશે અસ્પષ્ટ" છે.
ચીનની સરકારે 2020 અને 2021 દરમિયાન થયેલાં બધાં જ કારણોસર થયેલાં કુલ મૃત્યુના આંકડા જાહેર કર્યા છે.
ભારતની જેમ જ પાકિસ્તાને પણ આંકડા આપ્યા નથી, ભલે પાકિસ્તાનની નોંધણી કરવાની રીત "ધારણા પ્રમાણે સારી હોય".
ભારતમાં કુલ મૃતકોની સંખ્યા જાણવાનું સહેલું નથી.

ભારત આંકડા આપવા તૈયાર નથી?

ઇમેજ સ્રોત, Getty Images
કુલ મૃત્યુમાંથી અડધોઅડધ ઘરે જ થતાં હોય છે, ખાસ કરીને ગામડાંમાં. તેની નોંધણી સરખી રીતે ના થઈ હોય તેના કારણે એક કરોડ મરણમાંથી 70 લાખમાં તબીબી રીતે મરણનું કારણ નોંધાતું નથી.
30 લાખ જેટલાં મૃત્યુની તો નોંધણી પણ થતી નથી. આ અંદાજ સંયુક્ત રાષ્ટ્ર સંઘની વસતિ અંગેના અભ્યાસના આધારે મૂકાયો છે.
મહિલાઓનાં મરણની ઓછી નોંધણી થાય છે અને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા ગરીબ રાજ્યોમાં નોંધણીનું પ્રમાણ બહુ ઓછું હોય છે.
સંશોધકો કહે છે કે, "ભારતે કોરોના મહામારી અંગેના પાયાના આંકડા જાહેર કરવાનો પણ ઇનકાર કર્યો છે. કુલ કેસના પ્રકાર, દવાખાને કેટલાએ દાખલ થવું પડ્યું, ઉંમર, લિંગ પ્રમાણે કેટલાં મૃત્યુ થયાં અને વૅક્સિન લીધી હોય છતાં કેટલાનાં મૃત્યુ થયા વગેરેનું વર્ગીકરણ પણ જાહેર થયું નથી. મૃત્યુની આધારભૂત માહિતીના અભાવમાં રસણીકરણને કારણે ખરેખર મૃત્યુની સંખ્યા ઘટાડી શકાય કે કેમ તે જાણવું મુશ્કેલ બન્યું છે."
કોરોના રોગચાળાનો અભ્યાસ કરનારા મિશિગન યુનિવર્સિટીના બાયોસ્ટૅસ્ટિક્સના પ્રોફેસર ભ્રમર મુખરજી કહે છે કે, "ભારતમાં મહામારી દરમિયાન આંકડાનો અભાવ અને આંકડા વિશેની પારદર્શિતાનો અભાવ પ્રવર્તમાન રહ્યો. ઘણી વાર એક પ્રકારનો જડ અભિગમ દેખાતો હતો કે આંકડા અપાશે નહીં અને તેની ગુણવત્તા સુધારાશે નહીં."
પોતાના સત્તાવાર આંકડા જ સાચા છે એવા ભારતના હઠાગ્રહથી ઘણાને નવાઈ લાગે છે.
રાજ્યોમાં સત્તાવાર રીતે કોરોનાને કારણે મૃત્યુ જાહેર થયાં તેના કરતાં ઘણી મોટી સંખ્યામાં તેના વળતર માટેના દાવા થયા છે.
ભારતની મહત્ત્વાકાંક્ષી મિલિયન ડેથ સ્ટડી કાર્યક્રમની આગેવાની પણ સંભાળી રહેલા ઝાનું કહેવું છે કે, "પક્ષીય આધારે રાજકીય વિરોધ થતો હોય તે સમજી શકાય છે, પણ તેના કારણે આંખે પાટા બાંધીને ઊડવાનું બહાનું મળી જતું નથી."

કેવી રીતે જાણી શકાય કે ભારતમાં કોરોનાના કારણે ખરેખર કેટલાં મૃત્યુ થયાં?

ઇમેજ સ્રોત, NurPhoto
સંશોધકો કહે છે કે, "ભારતે મરણની નોંધણીની પ્રક્રિયાને વધારે સારી કરવની જરૂર છે, મરણની નોંધ કરાવવા માટે પ્રોત્સાહન આપવાની જરૂર છે, મરણનું તબીબી કારણ નોંધાય અને આંકડા તૈયાર થાય તેવું કરવું જરૂરી છે."
"આધુનિક મશીન લર્નિંગ અને જાહેર આરોગ્યતંત્રમાં કામ કરતા કર્મચારીઓની મદદ વડે ભારત મરણની નોંધણીને ક્રાઉડસોર્સ પણ કરી શકે છે. આધાર કાર્ડનો વપરાશ બંધ થઈ જાય કે સેલફોન બંધ કરાવવામાં આવે તેની માહિતીના આધારે પણ મૃત્યુની સંખ્યાનો અંદાજ લગાવી શકાય છે."
"ચીનમાં થઈ રહ્યું છે કે વધુ ને વધુ સંખ્યામાં લોકોનાં મૃત્યુ હૉસ્પિટલમાં થવાં લાગ્યાં છે, તેવું થાય ત્યારે મરણની નોંધ અને તેનું મેડિકલ કારણ ભવિષ્યમાં વધારે સારી રીતે નોંધી શકાશે."
કોરોનાએ કેટલાનો ભોગ લીધો તેને સારી રીતે સમજી લેવા માટેનો એક ઉપાય એ છે કે આગામી સમયમાં વસતિ ગણતરી યોજાય ત્યારે તેમાં એક માહિતી માટેનું ખાનું ઉમેરી દેવાની જરૂર છે: શું 1 જાન્યુઆરી 2020 પછી તમારા પરિવારમાં કોઈનું મૃત્યુ થયું ખરું? જવાબ જો હા હોય તો મરનારીની ઉંમર અને લિંગ તથા મરણનું કારણ જાણીને નોંધવાનું.
ડૉ. ઝા કહે છે, "આ રીતે કોરોના રોગચાળાએ કેટલા વધારે લોકોનો ભોગ લીધો તેનો સીધો અંદાજ મળી જશે."
આરોગ્યની સુવિધા સુધારવા માટે મૃત્યુની વિગતો અને બીમારીની માહિતી એકઠી કરવી જરૂરી છે.
1930ના દાયકામાં અમેરિકા અને યુકેમાં ફેફસાંના કૅન્સરથી લોકોનાં મૃત્યુ થયા હોવાનું મોટા પ્રમાણ નોંધાયું હતું. તેના આધારે અભ્યાસ કરાયો ત્યારે ખ્યાલ આવ્યો કે ધૂમ્રપાનને કારણે લોકો વધારે મૃત્યુ પામી રહ્યા છે.
1980ના દાયકામાં કૅલિફોર્નિયામાં મરણની નોંધમાં યુવાન ગે પુરુષોમાં અચાનક મૃત્યુનું પ્રમાણ વધારે થઈ રહ્યું છે તેવું જોવા મળ્યું હતું. તેના આધારે એઆઈવી-એઇડ્સનો ખ્યાલ આવ્યો અને તેને વૈશ્વિક મહામારીની શરૂઆત ગણાવવામાં આવી હતી.
પ્રોફેસર મુખરજી કહે છે કે, "ભારતે કોરોના સંકટના સમયગાળામાં બધાં જ કારણોસર થયેલાં કુલ મરણનાં આંકડા જાહેર કરીને ટીકાકારોને શાંત કરી દેવાની જરૂર છે."
તેઓ કહે છે, "વિજ્ઞાનનો સામનો વિજ્ઞાનથી કરો. બધા જ રાષ્ટ્રીય આંકડા જાહેર કરી દો."

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












