એકસાથે જન્મેલાં નવ બાળકોનો ઉછેર કેટલો મુશ્કેલ? શું કહે છે માતાપિતા?
ગત વર્ષે 4 મેના દિવસે માલીનાં એક મહિલા હલીમા સિસેએ એકસાથે નવ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોનો જન્મ મોરક્કોની એક હૉસ્પિટલમાં થયો હતો.
માલીની સરકારે મહિલાની વિશેષ કાળજી માટે તેમને મોરક્કો મોકલવાની વ્યવસ્થા કરી હતી.
26 વર્ષીય હલીમા સિસે આજે તેનાં બાળકોનો જન્મદિવસ ઊજવી રહ્યાં છે.

ઇમેજ સ્રોત, SALOUM ARBY
હલીમા સિસેના પતિ અબ્દુલ કાદિર અર્બીએ બીબીસીને કહ્યું, "બાળકોની તબિયત સારી છે."
માલીના સૈન્યમાં કામ કરતા અબ્દુલ કહે છે, "બાળકો હવે ઘૂંટણિયે ચાલી રહ્યાં છે. કેટલાંક બાળકો બેસવા લાગ્યાં છે અને જો તેમને કોઈ વસ્તુનો સહારો મળે તો કેટલાંક ચાલે પણ છે."
આ તમામ બાળકોની સંભાળ મોરક્કોની એ હૉસ્પિટલ રાખી રહી છે જ્યાં તેમનો જન્મ થયો હતો. બાળકોનાં માતા હલીમા સિસેની તબિયત પણ સારી છે.
બાળકોના પિતાએ બીબીસીને કહ્યું, "આમ તો સરળ નથી તો પણ બહુ ઉમદા છે, પછી ભલે તે ક્યારેક બહુ થાકી જવાતું હોય. જ્યારે તમે બાળકોને હારબંધ જુઓ છો અને તેમને સ્વસ્થ જુઓ છો ત્યારે તમારી આંખો ટાઢી થાય છે. બધી મુશ્કેલીઓ ભૂલી જવાય છે."
પિતા અબ્દુલ કાદિર અર્બી 6 મહિનામાં પ્રથમ વખત તેમની ત્રણ વર્ષની મોટી પુત્રી સૌદા સાથે મોરક્કો પહોંચ્યા છે અને તેમના પરિવારને મળીને ખૂબ જ ખુશ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, SALOUM ARBY
અબ્દુલ કાદિરે કહ્યું, "ક્લિનિકમાં કામ કરતી નર્સો અને પડોશીઓ સાથે તેઓ જન્મદિવસની નાનકડી ઉજવણી કરશે. પ્રથમ વર્ષગાંઠથી ઉત્તમ બીજું કશું નથી. અમે આ ક્ષણને યાદ રાખીશું જેને અમે અનુભવવા જઈ રહ્યા છીએ."
4 મે 2021ના રોજ જન્મ પહેલાં હલીમા સિસેને માલી સરકાર દ્વારા નિષ્ણાતોની દેખરેખ હેઠળ મોરક્કો મોકલવામાં આવ્યાં હતાં.
આવી રીતે વધારે બાળકોને જન્મ આપતી ડિલિવરી માત્ર બાળકો જ નહીં પરંતુ પરંતુ તેમનાં માતા માટે પણ ખૂબ જોખમી છે.
જે દેશોમાં ગર્ભપાત કાયદેસર છે, ત્યાં મહિલાઓને તેઓ એકસાથે ચારથી વધુ બાળકોનો ગર્ભ ધારણ ન કરે એવી સલાહ આપવામાં આવે છે.
આવી મોટા ભાગની ગર્ભાવસ્થામાં બાળકો સમય પહેલાં જન્મે છે, હલીમાં સિસેના કિસ્સામાં પણ આવું જ થયું હતું.
જે બાળકો સમય પહેલા જન્મે છે તેને પ્રીમેચ્યોર કહેવામાં આવે છે. આવાં બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે અને ચેપ લાગવાની સંભાવના વધુ હોય છે. ઘણા કિસ્સામાં આવાં બાળકોના મગજનો યોગ્ય વિકાસ થતો નથી.

ઇમેજ સ્રોત, EPA
હાલમાં બાળકો જે ફ્લેટમાં જન્મ થયો હતો તે ફ્લેટમાં જ રહે છે. તેમના પિતા તેને 'મેડિકલાઇઝ્ડ ફ્લેટ' કહે છે. કાસાબ્લૈંકાનો આ ફ્લેટ એન બોર્જા ક્લિનિકના માલિકોનો છે. અહીં બાળકોની વિશેષ સંભાળ લેવામાં આવે છે.
બાળકોના પિતા કહે છે, "મારી પત્ની ઉપરાંત, અહીં નર્સો બાળકોની સંભાળ લેવામાં મદદ કરે છે. હૉસ્પિટલે આપેલા મેનુ મુજબ બાળકોને ભોજન આપવામાં આવે છે."
માલીના સ્વાસ્થ્યમંત્રી ફૈંટા સિબીના જણાવ્યા અનુસાર, 30 અઠવાડિયાંના ગર્ભધારણ બાદ પાંચ પુત્રી અને ચાર પુત્રનો જન્મ થયો હતો.
એન બોર્જા ક્લિનિકના મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર યુસૂફ અલાઉઈએ જન્મ સમયે એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે નવજાતોનું વજન 500 ગ્રામ અને 1 કિલોગ્રામની વચ્ચે હતું. માતાની સિઝેરિયન ડિલિવરી થઈ હતી.
પુત્રોનાં નામ મોહમ્મદ છઠ્ઠા, ઓઉમર, એલ્હાદજી અને બાહ રાખવામાં આવ્યા છે, જ્યારે પુત્રીનાં નામ કદીદિયા, ફાતૌમા, હવા, અદામા અને ઓઉમૌ રાખવામાં આવ્યાં છે.
પિતાનું કહેવું છે કે "દરેકનું વ્યક્તિત્વ અલગ-અલગ છે. કેટલાંક શાંત છે, જ્યારે કેટલાંક ખૂબ અવાજ કરે છે અને રડે છે. કેટલાંક બાળકો ઇચ્છે છે કે કોઈ સતત તેમને ખોળામાં રાખીને રમાડે. બધાં બાળકો અલગ છે અને એકદમ તંદુરસ્ત છે."
માલીની સરકારે પરિવારને જે મદદ કરી છે તેના માટે પિતા આભારી છે. પિતા કહે છે, "બાળકો હજી માલી ગયાં નથી, પરંતુ દેશમાં તેમના વિશે ઘણી ચર્ચા છે. પરિવારજનો, મિત્રો બધા જ બાળકોને જોવા માગે છે."

ગિનીસ વર્લ્ડ રેકર્ડ નોંધાયો

ઇમેજ સ્રોત, MALI'S HEALTH MINISTRY
જન્મસમયે સૌથી વધુ બાળકો જીવિત રહેવાનો ગિનીસ વર્લ્ડ રેકર્ડ પણ હલીમા સિસેના નામે છે.
આ પહેલાં વર્ષ 2009માં અમેરિકામાં રહેતાં એક મહિલાએ એકસાથે આઠ બાળકોને જન્મ આપ્યો હતો, તેનું નામ સૌથી વધુ બાળકો પેદા કરવા બદલ ગિનીસ બુકમાં સામેલ કરવામાં આવ્યું હતું.
અગાઉ પણ આવા બે કિસ્સા સામે આવ્યા હતા. 1971માં ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો અને 1999માં ઈન્ડોનેશિયામાં પણ એક મહિલાએ નવ બાળકોને જન્મ આપ્યો હતો, પરંતુ આ બાળકો માત્ર થોડા દિવસો જ જીવિત રહી શક્યાં હતાં.
વર્લ્ડ રેકર્ડધારક નાદિયા સુલેમાને આઠ બાળકોને જન્મ આપ્યો હતો અને તે બાળકો આજે 12 વર્ષનાં થયાં છે, આ ગર્ભાવસ્થા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન (આઈવીએફ) દ્વારા હાથ ધરવામાં આવી હતી.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













