એલજીબીટીક્યૂ : ત્રણ બહેનોના બે પિતા, ગૅ યુગલની જિંદગી બાળકોએ કઈ રીતે બદલી કાઢી?
- લેેખક, મારિયા ગ્રેસિયા આરેનેલ્સ
- પદ, બીબીસી વર્લ્ડ
આ કોઈ મજાક નથી. 28 ઑક્ટોબરે મીગેલ સાન્ચેઝ અને ઇસ્માઇલ મીણાને તેમના જીવનનો સૌથી ગંભીર ફોન આવ્યો. આ બંને સ્પેનના કેસ્ટિલા લિયોન વિસ્તારમાં રહે છે અને તે વિસ્તારના સામાજિક વિભાગ તરફથી તેમને ફોન આવ્યો હતો. ફોન પર તેમને જાણ કરવામાં આવી કે તમે વાલી બની શકો છો, પણ તમારે છ અઠવાડિયાંની થયેલી ત્રણ બહેનોને દત્તક લેવી પડે.

ઇમેજ સ્રોત, MARÍA GARCÍA ARENALES
આવી વાત આવશે તેની કલ્પના પણ નહોતી, પરંતુ અડધો જ કલાકમાં બંનેએ નિર્ણય કરી લીધો: તક મળી છે, તો ઉપાડી લઈએ અને તેમને નિર્ણય લઈ લીધો કે એક સાથે જન્મેલી ત્રણ જોડકી દીકરીઓને દત્તક લેવી.
દીકરીને રમાડતાં રમાડતાં મીગેલ બીબીસીને જણાવે છે, "ગાંડપણ જેવું લાગતું હતું, પણ હવે બહુ ખુશ છીએ. ત્રણ દીકરીઓને સંભાળવી સહેલી નથી, પણ નસીબદાર છીએ કે ત્રણેય બહુ ડાહી છે અને સંભાળી શકીએ છીએ."
ત્રણેયનો જન્મ વહેલો થયો હતો, એટલે કેટલાક દિવસ સંભાળ લેવી પડે તેમ હતી અને તેથી 12 જાન્યુઆરીએ આ ઘરમાં ત્રણેયનું આગમન થયું. ત્રણેયને સાચવી શકાય તે ધ્યાનમાં રાખીને ત્યાં સુધીમાં ઘરને નવેસરથી સજાવાયું હતું અને દરેક વસ્તુને ત્રણ ત્રણની જોડીમાં રાખવી પડી હતી.
એકને કે જોડિયાં બાળકોને ટ્રોલીમાં બેસાડીને હજી ફરવા લઈ જઈ શકાય, પણ ત્રણને એક જ સ્ટ્રોલરમાં બેસાડીને ફેરવવાનું કામ સરળ હોતું નથી.
નવા નવા વાલી બનેલા આ બંનેએ ત્રણ દીકરીઓને ઉછેરવાનો કેવો અનુભવ થયો છે, તેની વાત ટ્વિટર પર શૅર કરવાનું શરૂ કર્યું હતું.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
ત્રણેય દીકરો ડાહી અને શાંત છે, એટલે તેમને સાચવવાનું કામ સહેલું બન્યું, પરંતુ આમ છતાં બંને પરિવાર અને મિત્રોને ઉછેરમાં કેવી કાળજી રાખવી તે પૂછતા પણ રહેતા હોય છે, અને કહે છે કે "તેમની મદદ વિના આ શક્ય જ બન્યું ના હોત."
બાળકીઓ ઘરે આવે તે પહેલાં હૉસ્પિટલમાં પણ લાંબો સમય બંનેએ વિતાવવો પડ્યો હતો અને તે સાથે જ ઘરે ઘોડિયા લાવવાથી માંડીને બીજી પણ ઘણી બધી તૈયારીઓ કરવાની હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સજાતીય સંબંધો ધરાવતા આ બંને કહે છે, "અમારું મિત્રવર્તુળ ઘણું સારું છે એટલે તેમની સહાય મળી. અમારા પરિવારો સાથે પણ નિકટનો નાતો છે તેનો પણ ફાયદો થયો અને ઘણા સંતાનો ધરાવતા મિત્રોનું પણ માર્ગદર્શન મળ્યું."
આ બાબત મહત્ત્વની પણ સાબિત થઈ હતી, કેમ કે સામાજિક વિભાગ પણ દત્તક આપતા પહેલાં એ ખાતરી કરતો હોય છે કે દત્તક લેનારાની પૂરતી સંભાળ લઈ શકાશે. તેમની નોકરી કેવી છે અને આર્થિક સ્થિતિ કેવી છે, તેના કરતાં એક સાથે ત્રણ સંતાનોની કાળજી લઈ શકશે ખરા તેની ખાતરી અધિકારીઓ કરી લેવા માગતા હતા એમ બંને જણાવે છે.
મીગેલ કહે છે, "કાયમી નોકરી હોય કે ઊંચો પગાર હોય તે જરૂરી નથી. ઘરનો માહોલ, બીજા પરિવારોનો ટેકો મળશે કે કેમ વગેરે પણ ધ્યાને લેવાતું હોય છે. સંતાનોની કાળજી લેવાશે તેની ખાતરી કરવાનું સૌથી વધારે જરૂરી હોય છે."

ત્રણ બાળકીની સંભાળ

ઇમેજ સ્રોત, MARÍA GARCÍA ARENALES
જોકે ત્રણેય દીકરીઓના આગમન સાથે સંભાળ લેવી સહેલી નથી તેનો પડકાર પણ સ્પષ્ટ થવા લાગ્યો હતો અને રોજબરોજના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું.
ઘરનું બજેટ પણ બદલાયું, કેમ કે ત્રણેય માટે મહિને હવે 750 ડાયપર જરૂરી બન્યા હતા. મહિને 300 યુરો દૂધનો ખર્ચ પણ ખરો એટલે આવી બધી વસ્તુઓ ખરીદવા માટે "અમે હવે ઇન્ટરનેટ પર બેસ્ટ ઑફર સતત શોધતા રહીએ છીએ," એમ ઇસ્માઇલ કહે છે.
હવે પરિવાર વધ્યો એટલે કાર પણ મોટી લેવી પડી.
ઇસ્માઇલ અને મીગેલ બંને શિક્ષક તરીકે કામ કરે છે અને અત્યારે તો પેટરનિટી રજાઓ પણ મળી છે. સ્પેનમાં માતાપિતાને 16 અઠવાડિયાંની રજા મળે છે. એક સાથે ત્રણ દીકરીઓને સંભાળવાની છે અને વહેલી જન્મેલી છે એટલે તેમને ચાર અઠવાડિયાં વધારે મળે.
અત્યારે સાંજના સમયે ત્રણેયને સંભાળવા માટે એક મિત્રને કામે રાખ્યો છે, જે સોમથી શુક્ર આવે છે, જ્યારે રાત્રે બંને વારાફરતી જાગે છે અને સંભાળ રાખે છે.
રાત્રે બાર વાગ્યે અને 3 વાગ્યે તેમને દૂધની બૉટલ આપવાનું કામ મીગેલનું, જ્યારે સવારે છ વાગ્યે અને પછી નવ વાગ્યે ઇસ્માઇલે તે કામ કરવાનું. "આ રીતે અમને બંનેને સૂવાનો પણ ટાઇમ મળી જાય છે," એમ કહે છે, પણ ચિંતા પણ વ્યક્ત કરે છે કે અત્યારે તો નાની છે, પણ થોડી મોટી થશે પછી ત્રણ દીકરીઓને સંભાળવાનું મુશ્કેલ બનશે.
મોટા શહેરમાં રહેવાના કારણે બધી વસ્તુઓ નજીકમાંથી મળી રહે છે એટલો ફાયદો ખરો. ત્રણેય થોડી મોટી થશે તે પછીય હેલ્થ સેન્ટર, સુપરમાર્કેટ કે ડે કૅર સેન્ટરમાં જવાનું થશે ત્યારે તે નજીક નજીકમાં છે એટલે કાર વિના પણ જઈ શકાશે.

15 મહિનાની રાહ

ઇમેજ સ્રોત, MIGUEL SÁNCHEZ E ISMAEL MENA
સ્પેનમાં 20 દત્તક કેન્દ્રોના આંકડા સંકલિત કરતી સંસ્થા એડપ્શન ઍન્ડ ફોસ્ટ કેર ઍસોસિયેશનના જણાવ્યા અનુસાર કેસ્ટિલા લીઓન વિસ્તારમાં દત્તક લેવા માટે ઘણી રાહ જોવી પડે છે - સરેરાશ નવ વર્ષે વારો આવે છે. પરંતુ મીગેલ અને ઇસ્માઇલને માત્ર 15 મહિનામાં જ તક મળી ગઈ છે.
આ બંનેએ દત્તક બાળકો માટે જે શરતો મૂકી હતી, તેના કારણે વહેલી તક મળી ગઈ. તેઓએ કહેલું કે એકથી વધારે બાળકો હશે તો પણ દત્તક લઈ લેશે અને પાંચ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને પણ સ્વીકારશે. આવાં બાળકોને કોઈ બીમારી હોય કે કોઈ શારીરિક ખોડ હોય તો પણ તેમને વાંધો નહોતો.
મીગેલ કહે છે, "તમારે વાસ્તવિકતા પણ સમજવી પડે અને જે મળે તેનો સ્વીકાર કરવો જોઈએ. તેથી અમે કોઈ શરતો વિના પણ દત્તક લેવા તૈયાર હતા." આના કારણે એવું થયેલું કે અધિકારીએ તેમને પૂછી પણ લીધેલું કે તમે ફૉર્મ ભરવામાં ભૂલ નથી કરીને.
મોટા ભાગે પરિવારો બેથી ત્રણ વર્ષનું બાળક હોય, સ્વસ્થ હોય વગેરે શરતો રાખતો હોય છે. આ બંનેએ શરતો રાખી નહોતી જેથી તેમને ઝડપથી દત્તક સંતાનો મળી શકે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તેઓ કહે છે, "એ યાદ રાખવું જોઈએ કે માતાપિતાની શું ઇચ્છા છે, તે રીતે દત્તક આપવાનું હોતું નથી, પરંતુ બાળકની સલામતી અને તેમને પરિવાર મળે તે અગત્યની બાબતો હોય છે."
બાળસંભાળ કેન્દ્રમાં બાળકો આવ્યાં હોય છે, તેઓ આમ પણ બહુ મુશ્કેલ સ્થિતિમાંથી આવ્યાં હોય છે. કેટલીક વાર સેવાભાવી સંસ્થાઓ આવાં અનાથ બાળકોને સંભાળતી હોય છે અથવા કેટલાક કિસ્સામાં કેટલાક પરિવારો થોડા સમય માટે બાળકો સાચવતા હોય છે. બાકીના કિસ્સામાં તેમને કાયમી દત્તક લેવાતા હોય છે.
CORA સંસ્થાના કૉઓર્ડિનેટર એન્ના મારિયા કહે છે કે જન્મ આપનારાં માતાપિતા મુશ્કેલીમાં હોય, વ્યસનના રવાડે ચડી ગયાં હોય, પરિવારમાં હિંસાનું વાતાવરણ હોય, માનસિક બીમારી હોય અને બાળકોની સંભાળ લઈ શકે તેમ ના હોય ત્યારે પણ તેમનાં સંતાનોને લઈને અન્યને દત્તક અપાતા હોય છે.
મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થયેલાં બાળકોને સંભાળવા મુશ્કેલ હોય છે અને દત્તક લેનારાં માતાપિતા પણ મુશ્કેલી અનુભવતાં હોય છે. તેના કારણે ઘણી વાર એવું બને છે કે બાળકોને દત્તક આપી શકાતાં નથી અને બાળસુરક્ષા કેન્દ્રમાં મોટી સંખ્યામાં તેમની સંભાળ લેવી પડતી હોય છે.
તાજા આંકડા અનુસાર સ્પેનમાં 2020ના વર્ષમાં કુલ 542 બાળકોને દત્તક લેવામાં આવ્યાં હતાં.

સ્થાનિક ધોરણે જ દત્તક

ઇમેજ સ્રોત, MIGUEL SÁNCHEZ E ISMAEL MENA
મીગેલ અને ઇસ્માઇલે આંતરરાષ્ટ્રીય સ્તરેથી દત્તક લેવાનું પણ વિચારેલું, પણ પછી તે શક્ય લાગ્યું નહીં, કેમ કે તે મોંઘું પણ પડતું હોય છે અને ચીન, હંગેરી કે રશિયા જેવા ઘણા દેશોમાં હોમોસેક્સુયલ કપલને બાળકો દત્તક આપવામાં આવતાં નથી.
સરોગસીથી સંતાન મેળવવાનો વિચાર પણ પડતો મૂક્યો, કેમ કે તેઓ કહે છે તે પ્રમાણે "પૈસા આપીને કોઈ ગરીબ મહિલાની કૂખ ભાડે લેવાની વાત અમને સારો વિકલ્પ લાગ્યો નહોતો".
તેથી સ્થાનિક ધોરણે જ દત્તક લેવાનું વિચાર્યું, કેમ કે તેમાં કોઈ ખર્ચ થતો નથી. બીજું કે દત્તક લેવાની પ્રક્રિયા એટલી અઘરી પણ નહોતી એમ બંને કહે છે.
ઇસ્માઇલ કહે છે, "આના કરતાં તો તમારે બાર્સેલોનામાં મકાન ભાડે લેવું હોય તો વધારે દસ્તાવેજો આપવા પડતા હોય છે." જોકે દત્તક લેવાની પ્રક્રિયામાં દંપતિમાં સ્ત્રી અને પુરુષ જ હોય તેમ ધારી લેવાય છે તે બાબતમાં બંનેને વાંધો હતો.
બંને માને છે કે તેમના માટે દત્તક લેવાની વાત વાજબી હતી, કેમ કે તેઓ આ બાબતમાં સ્પષ્ટ હતા: "માત્ર જૈવિક રીતે કે જિનેટિક્સથી પરિવાર બનાવવાની વાત હોતી નથી, પણ લોકો એક બીજાને પ્રેમ કરે અને સાથે રહે તેનાથી પણ પરિવાર બને છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













