સાયરસ મિસ્ત્રી તથા તાતા વચ્ચે જ્યારે મતભેદ થયા અને કોર્ટમાં પરાજય થયો

ઇમેજ સ્રોત, Getty Images
સંપન્ન પારસી પરિવારની પરંપરા મુજબ, મિસ્ત્રી પરિવારના સાયરસ મિસ્ત્રી 21 વર્ષના થયા, ત્યારે તેમને કાર પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું. સાઇરસે કાળા રંગની ફૉર્ડ સિયેરા કોસવર્થ પસંદ કરી હતી, જ્યારે તેમના મોટાભાઈ શાપૂરે લાલ રંગની ફરારી કાર પસંદ કરી હતી.
ઊંચી અને ભવ્ય ઇમારતોના નિર્માણ ઉપરાંત કાર, સ્પીડ અને ઘોડાના શાપુરજી પલોનજી પરિવારની ઓળખ રહી છે. રવિવારે સાઇરસ મિસ્ત્રી કારમાં ઉદવાડાથી મુંબઈ પરિવાર પરત ફરી રહ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત થયો અને સહયાત્રી સાથે તેમનું મૃત્યુ થયું.
મંગળવારે મુંબઈના વર્લી સ્મશાનગૃહ ખાતે સાયરસ અંતિમસંસ્કાર કરવામાં આવ્યા, જેમાં ભાગ લેવા માટે દેશ-વિદેશથી પરિવારજનો એકઠા થયા હતા. આ સિવાય ઉદ્યોગતજગતના મહારથીઓ પણ મહારાષ્ટ્ર અને દેશભરમાંથી એકઠા થયા હતા. છતાં તે મહદંશે પરિવારજનો જ ઉપસ્થિત રહ્યા હતા.
સાયરસના અંતિમસંસ્કાર રૂઢિગત પારસી પરંપરા પ્રમાણે કરવામાં આવ્યા ન હતા. તેમના અંતિમ સંસ્કાર વરલીમાં ઇલેક્ટ્રિક ક્રિમેટોરિયમમાં કરવામાં આવ્યા હતા.

સમૃદ્ધ પરિવારમાં સાદગીભર્યો ઉછેર

ઇમેજ સ્રોત, Getty Images
મનોજ નામબુરૂએ રિયલ ઍસ્ટેટ તથા નિર્માણકાર્યક્ષેત્રે સંકળાયેલા માધાંતાઓ ઉપર 'મુઘલ્સ ઑફ રિયલ ઍસ્ટેટ' નામથી પુસ્તક લખ્યું છે. જેનું એક પ્રકરણ શાપૂરજી પલોનજી ઉપર છે, જેમાં તેઓ મોટાભાઈ શાપૂરને ટાંકતા લખે છે :
"જ્યારે પણ હું અને મારો ભાઈ મારા દાદા શાપૂરજીને મળવા જતા, ત્યારે તેઓ અમને ચાંદીનો એક-એક સિક્કો આપતા હતા, મારાં માતા તરત જ તે સિક્કો લઈ લેતાં હતાં. પિતા દ્વારા તેમને ખિસ્સાખર્ચી પેટે રૂ. 10 આપવામાં આવતા. એમાં ભેળપૂરી, ચાટ અને કૉલ્ડડ્રિંકની માંડ વ્યવસ્થા થઈ શકતી. છતાં પિતા માનતા હતા કે છોકરાઓને ખોટા લાડ લડાવવા ન જોઈએ."
આ વાતને પલોનજી પણ ચરિતાર્થ કરતા હતા. 1975માં પરિવારે દક્ષિણ મુંબઈમાં સરસ પૅન્ટહાઉસ લઈ લીધું હતું અને પરિવાર સદ્ધર સ્થિતિમાં હતો. છતાં મુંબઈના વરસાદ વખતે પાણી ભરાઈ જવાને કારણે અવરજવર મુશ્કેલ બની જતી ત્યારે પલોનજી ટ્રકમાં બેસીને ઑફિસે જતાં પણ રજા ન લેતા. (ટાટ વર્સિસ મિસ્ત્રી, દીપાલી ગુપ્તા, પેજ નં. 38)
સાયરસનાં માતા પેત્સી પરિન દુબાશનો જન્મ આયર્લૅન્ડમાં થયો હોવા છતાં તેમણે એ વાતની ખાતરી રાખી હતી કે સંતાનોનો ઉછેર ભારતીયઢબે થાય અને તેમના પગ જમીન ઉપર રહે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મોટાભાઈની જેમ જ સાયરસનું ઍડમિશન પણ ધનવાન મુંબઈકરોનો વિસ્તાર ગણતા દક્ષિણ મુંબઈની કૅથ્રેડલ સ્કૂલમાં કરાવવામાં આવ્યું હતું. એ પછી તેમણે લંડનની ઇમ્પિરિયલ કૉલેજમાંથી એંજિનિયરિંગનો અને તે પછી લંડન બિઝનેસ સ્કૂલમાંથી મૅનેજમૅન્ટનો અભ્યાસ કર્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
પરત ફરીને તેમણે ડાયરેક્ટર તરીકે કંપની જોઈન કરી. પારસીઓમાં પ્રવર્તમાન ચલણથી વિપરીત માત્ર 24 વર્ષની ઉંમરે તા. બીજી જાન્યુઆરી, 1992ના રોજ તેમણે રોહિકા સાથે લગ્ન કર્યું અને ફિરોઝ તથા ઝહાન નામના બે પુત્રોના પિતા બન્યા.
દેશના ટોચના ધનવાનોમાં સામેલ હોવા છતાં તેઓ લૉ-પ્રોફાઇલ રહેતા. સાયરસ, પલોનજી અને શાપૂર મુંબઈમાં હોય તો તેઓ બપોરનું ભોજન સાથે લેવું તેમનો શરૂઆતનાં વર્ષોનો ક્રમ રહ્યો.
આ સિવાય તેઓ પરિવાર પુણે પાસેના સ્ટડ ફાર્મમાં સમય પસાર કરવાનું પસંદ કરતા. લગભગ 240 એકરમાં ફેલાયેલું આ મંજરી સ્ટડ ફાર્મ તેમણે ગ્વાલિયરના રાજવી પરિવાર પાસેથી ખરીદ્યું હતું. અહીં આંતરરાષ્ટ્રીય દોડ માટે ઘોડાઓને તૈયાર કરવામાં આવે છે, જે અલગ-અલગ રેસમાં ભાગ લે છે.
આ સિવાય મિસ્ત્રી પરિવાર પાસે દેશ-વિદેશની ગાડીઓનો મોટો કાફલો છે. જ્યારે તાતાએ નેનો કાર લૉન્ચ કરી હતી, ત્યારે તેના પ્રારંભિક ખરીદદારોમાંથી એક સાયરસ પણ હતા.

સાયરસ અને તાતા વચ્ચે જ્યારે મતભેદ થયો

ઇમેજ સ્રોત, Getty Images
સાયરસના દાદા શાપૂરજી જ્યારે નિર્માણક્ષેત્રે સંઘર્ષ કરી રહ્યા હતા, ત્યારે તાતા જૂથ હોટલ, હાઇડ્રોપાવર અને સ્ટીલ ઉદ્યોગક્ષેત્રે પગ જમાવવા પ્રયાસરત હતું. એક પ્રોજેક્ટ માટે તાતાએ એફઈ દિનશા પાસેથી લૉન લીધી હતી. તાતાને ખબર હતી કે તેઓ આ રકમ ચૂકવી નહીં શકે એટલે તેમણે દીનશાને કંપનીમાં અને નફામાં ભાગ આપ્યો.
આગળ જતાં તાતા જૂથની કંપનીઓની વર્તમાન તથા ભવિષ્યની કંપનીઓનો માલિકીહક્ક 'તાતા સન્સ' પાસે આવ્યો. આગળ જતાં આ હિસ્સો શાપૂરજીએ ખરીદ્યો. આજે તેમની પાસે કુલ 18.4 ટકા જેટલો હિસ્સો છે.
જે તેમણે સમયાંતરે તાતા પરિવારના સભ્યો પાસેથી તથા અન્ય રીતે હાંસલ કર્યો હતો. જેઆરડી 'બિનતાતા' પાસે શૅરથી ખુશ ન હતા, પરંતુ શાપૂરજી અને પછી પલોનજીએ ક્યારેય તાતા જૂથના કામકાજમાં દખલ ન દીધી.
2010 આસપાસ તાતા જૂથના ચૅરમૅન રતન તાતાએ નિવૃત્તિની ઇચ્છા જાહેર કરી ત્યારે તેમના ઉત્તરાધિકારીની શોધ માટે પેનલનું ગઠન કરવામાં આવ્યું. 1996થી 2006 સુધી તેઓ તાતા પાવરમાં ડાયરેક્ટર હતા. આથી, રતન તાતાએ તેમની કાર્યપદ્ધતિને નજીકથી જોઈ હતી. સાયરસને ઉમેદવારી કરવા માટે કહેવામાં આવ્યું, જેના માટે તેઓ અનિચ્છાએ તૈયાર થયા.
એક તબક્કે રતનના સાવકા ભાઈ નોએલને અનુગામી બનાવવામાં આવશે એવું માનવામાં આવતું હતું. જેઓ સાયરસ મિસ્ત્રીનાં બહેન અલુનાં પતિ પણ થાય છે.
અલગ-અલગ મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ચૅરમૅન તરીકે સાયરસ 'નફા નુસાન' અને 'આંકડા' ઉપર ધ્યાન આપતા, જ્યારે તાતાને માટે જૂથની શાખ, કર્મચારીઓની આજીવિકા તથા ધંધાના વેપારચક્ર પણ મહત્ત્વપૂર્ણ હતા, જેના કારણે બંને વચ્ચે મતભેદ થયા.
આ સિવાય માતાના જન્મના આધારે સાયરસના પિતા અને બંને ભાઈઓએ આયર્લૅન્ડનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું, કારણ કે ભારતીય કાયદા પ્રમાણે, તેઓ બેવડું નાગરિકત્વ રાખી શકે તેમ ન હતા.
આ એક તબક્કે સાયરસ તથા તાતા જૂથ વચ્ચે મતભેદનું કારણ હતું. કથિત રીતે પસંદગી સમયે સાયરસે આયર્લૅન્ડનું નાગરિકત્વ ત્યજી દેવાની વાત કહી હતી, પરંતુ તેમણે આ દિશામાં કોઈ પગલાં લીધા ન હતા, જેના કારણે પણ તેમની અને તાતાની વચ્ચે મતભેદ થયા હતા.
જ્યારે આ વિવાદ અદાલતના દરવાજે પહોંચ્યો ત્યારે સાયરસના સસરા વિખ્યાત વકીલ ઇકબાલ ચાગલાએ તેમનો કેસ તૈયાર કર્યો હતો.

તાતા, સાયરસ અને ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images
તાતા અને શાપુરજી જૂથ વચ્ચે વ્યવસાયિક સંબંધ પણ રહ્યા હતા. તાજ પેલેસ હોટલના નૉર્થ બ્લૉકનું નિર્માણ શાપુરજી પાલનજીએ કર્યું હતું. આ સિવાય તાતા જૂથના મુખ્યાલય 'બૉમ્બે હાઉસ'નું તેમણે નિર્માણ કર્યું હતું.
1939માં તાતા કેમિકલ્સે (હાલના) દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં કેમિકલ ઉદ્યમ શરૂ કરવાનો નિર્ણય કર્યો, ત્યારે શાપૂરજીએ ન કેવળ ફેકટરી બલકે કર્મચારીઓના રહેણાક માટેના ક્વાર્ટર પણ ઊભા કરવાના હતા, જે એક ટાઉનશિપ જ હતી.
2008માં તાતા મોટર્સે તેની ફેકટરીને પશ્ચિમ બંગાળના સિંગૂર ખાતે સ્થાપવાનો નિર્ણય કર્યો હતો, અહીં તેઓ બહુપ્રતિષ્ઠિત લાખ રૂપિયાની 'નેનો' કાર બનાવવા માગતા હતા. પરંતુ મમતા બેનરજીના વિરોધ બાદ તે તાતાએ પ્રસ્થાન કરવું પડ્યું હતું.
ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની મદદથી તાતા મોટર્સને ગુજરાતમાં જમીન તો મળી ગઈ, પરંતુ સમયસર તેનું પુનઃસ્થાપન થાય તે જરૂરી હતું. સાયરસની કંપનીએ નિર્ધારિત સમય કરતાં પહેલાં આ કામ પૂરું કરી આપ્યું હતું.
તાતા પાવરે જ્યારે મુંદ્રા ખાતે અલ્ટ્રા મૅગા પાવર પ્લાન્ટ નાખવાની જાહેરાત કરી ત્યારે તેઓ તાતા પાવરમાં ડાયરેક્ટર હતા. તેમણે પ્રોજેક્ટમાં પડનારી મુશ્કેલીઓ અંગે વરિષ્ઠોનું ધ્યાન દોર્યું હતું. તેમની અવગણના કરવામાં આવી હતી,પરંતુ સમયાંતરે તેમણે રજૂ કરેલી અમુક આશંકા સાચી ઠરી હતી.
ગુજરાતના અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે આવેલા માછલીઘરનું નિર્માણ શાપૂરજીની કંપનીએ કર્યું છે, જેની ગણતરી પાંચમી પેઢીના માછલીઘર તરીકે થાય છે. ઍક્રેલિકની શાર્ક ટનલ તેનું પ્રમુખ આકર્ષણ છે.
શાપૂરજી પલોનજી કંપનીને સરેરાશ 10-12 ટકા વ્યવસાય તાતા જૂથમાંથી મળતો. આથી, 2012માં જ્યારે સાયરસે તાતા જૂથની કમાન સંભાળી ત્યારે પરસ્પર 'હિતોનો ટકરાવ' ન થાય તે માટે કંપનીના હોદ્દા છોડ્યા અને મોટાભાઈ શાપૂરજીએ પરિવારનો ધંધો સંભાળ્યો. ટૅન્ડરપ્રક્રિયા વગર શાપૂરજીની કંપનીને કૉન્ટ્રાક્ટ ન આપવા એવું પણ નક્કી થયું.

પારસી અને અંતિમવિધિ

ઇમેજ સ્રોત, Getty Images
પારસીઓ પૃથ્વી, જળ અને અગ્નિને પવિત્ર માને છે એટલે મૃતદેહને તેને હવાલે નથી કરતા, પરંતુ દખમામાં રાખે છે. અહીં મૃતદેહને ઊંચાઈ ઉપર એવી રીતે રાખવામાં આવે છે કે ગીધ, સમડી અને કાગડાં સહિતના પક્ષીઓ તેને જોઈ શકે ભોજન કરી શકે.
કેટલાક પ્રગતિશીલ પારસીઓ દ્વારા વરલી ખાતે સ્મશાનગૃહ ઊભું કરવામાં આવ્યું છે. જ્યાં સાયરસની અંતિમવિધિ કરવામાં આવી હતી, જેમાં રામભજન તથા ગાયત્રી મંત્રના પાઠ પણ થયા હતા.
જ્યારે મીડિયા રિપોર્ટ અનુસાર તેમની સાથે મૃત્યુ પામેલા જહાંગીર પંડોલેના મૃતદેહને દખમા ખાતે લઈ જવામાં આવ્યો.
મૃતદેહ વિસર્જનની આ પ્રક્રિયા લગભગ ત્રણ હજાર વર્ષથી ચાલી રહી છે. માત્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં પારસીઓની વસતિ નોંધપાત્ર છે. અહીં અમુક દખમા આવેલાં છે, પરંતુ ગીધોની વસતિ ઘટી રહી છે, એટલે મુંબઈના મલાબાર હિલ્સ ખાતે આવેલા દખમામાં સોલાર પેનલ પણ રાખવામાં આવી છે, જેથી કરીને મૃતદેહોનું વિસર્જન થઈ શકે.
2020માં કોરોના કાળ દરમિયાન મૃતદેહોના દાહસંસ્કાર ન કરવામાં આવે તેવી માગ સાથે સુરતની પારસી પંચાયતે ગુજરાત હાઈકોર્ટમાં ધા નાખી હતી, પરંતુ તેમના વાંધાને કાઢી નાખવામાં આવ્યો હતો.
આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો ત્યારે સર્વોચ્ચ અદાલતે વચલો રસ્તો કાઢવા માટે કહ્યું હતું. જે મુજબ જે કોઈ પારસી કોરોનાથી મૃત્યુ પામે તેમને ત્રણ નંબરના દખમામાં રાખવામાં આવે. તેની ઉપર લોખંડની જાળી એવી રીતે રાખવામાં આવે કે પક્ષીઓ તેનું માંસ બહાર ફેલાવી ન શકે. જ્યારે સામાન્ય રીતે મૃત્યુ પામનારના મૃતદેહોને અન્ય દખમામાં રાખવામાં આવે.
મૃતદેહને બૅગમાં લાવવામાં આવે અને પરિવારજનો 10 ફૂટ દૂરથી તેને જોઈ શકે. આ સિવાય પાઠ અને જલ છંટકાવ વગેરે વિધિ કરી શકે.
પારસી પંચાયત દ્વારા નિમવામાં આવેલા ખાડિયાનું પૂર્ણ વૅક્સિનેશન થયેલું હોવું જોઈએ, તેઓ પીપીઈ કિટ તથા હાથમોજાં પહેરે તેવું નક્કી કરવામાં આવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













