કેરળનાં પૂર્વ આરોગ્યમંત્રીએ રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ સ્વીકારવાનો ઇન્કાર કેમ કર્યો?

ઇમેજ સ્રોત, @KKSHAILAJA
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
કેરળનાં પૂર્વ આરોગ્યમંત્રી કે.કે. શૈલજાએ રૅમન મૅગ્સેસે ઍવૉર્ડને અસ્વીકાર કર્યો છે.
કે.કે. શૈલજાને તેમના કાર્યકાળ દરમિયાન કોવિડ-19 અને નિપા વાઇરસના ચેપના ફેલાવાને રોકવામાં તેમના યોગદાન માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં.
તેમણે કહ્યું, "અમે આ મુદ્દા પર પાર્ટી સાથે ચર્ચા કરી છે અને નિર્ણય કર્યો છે કે અમે ઍવૉર્ડને સ્વીકારીશું નહીં. સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કેરળ સરકારના કામ પર ચર્ચા કરવામાં આવી છે. તેમણે કોવિડ અને નિપા મહામારીને કાબૂમાં લેવા માટે કેરળ સરકારના કામની નોંધ લીધી છે."
શૈલજાએ કહ્યું, "આ સન્માન પ્રત્યે પૂરા આદર સાથે મેં લખ્યું છે કે કેટલાંક રાજકીય કારણોસર હું તેને સ્વીકારી શકતી નથી કારણ કે તે એક સામૂહિક કાર્ય છે. વ્યક્તિગત રૂપે હું તેને સ્વીકારી શકતી નથી."


કેરળનાં પૂર્વ મંત્રી કે.કે. શૈલજાએ રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ કેમ ન સ્વીકાર્યો?

- કેરળનાં પૂર્વ આરોગ્યમંત્રી કે.કે. શૈલજાએ રૅમન મૅગ્સેસે ઍવૉર્ડને સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે
- કે.કે. શૈલજાને તેમના કાર્યકાળ દરમિયાન કોવિડ-19 અને નિપા વાઇરસના ચેપના ફેલાવાને રોકવામાં તેમના યોગદાન માટે નામાંકિત કરવામાં આવ્યાં હતાં
- એવું માનવામાં આવે છે કે કે.કે. શૈલજા પર પાર્ટી તરફથી ઍવૉર્ડ નહીં સ્વીકારવાનું દબાણ હતું. પરંતુ એવી ચર્ચા ચાલી રહી છે કે સીપીઆઈ(એમ)ના ટોચના નેતૃત્વમાં ઍવૉર્ડ ન સ્વીકારવા અંગે સર્વસંમતિ નહોતી
- એવી પણ દલીલ છે કે ફિલિપાઇન્સના નેતા રૅમન મૅગ્સેસે જેમના નામ પરથી આ ઍવોર્ડ અપાય છે તેઓ ડાબેરીઓ પર ક્રૂર અત્યાચારનો ઇતિહાસ ધરાવે છે

શૈલજા પર પાર્ટીનું દબાણ હતું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
એવું માનવામાં આવે છે કે કે.કે. શૈલજા પર પાર્ટી તરફથી ઍવૉર્ડ નહીં સ્વીકારવાનું દબાણ હતું.
જોકે, પાર્ટી તેને સર્વસંમતિથી લેવાયેલો નિર્ણય ગણાવી રહી છે.
પરંતુ રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા ચાલી રહી છે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) એટલે કે સીપીઆઈ(એમ)ના ટોચના નેતૃત્વમાં ઍવોર્ડ ન સ્વીકારવા અંગે સર્વસંમતિ નહોતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓનું માનવું હતું કે આ ઍવૉર્ડ સ્વીકારવાથી સરકારની કામગીરી અંગેનો સકારાત્મક સંદેશ વિશ્વ સ્તરે પહોંચત.
કેટલાક નિષ્ણાતો એવું પણ માને છે કે આ ઍવૉર્ડ સ્વીકારવાથી આરોગ્યક્ષેત્રે કામ કરતા લોકો માટે સારો સંદેશ જાત.

પાર્ટીને સમસ્યા ક્યાં દેખાઈ?

ઇમેજ સ્રોત, Getty Images
શૈલજાએ કેરળનાં આરોગ્યમંત્રી તરીકે, ખાસ કરીને કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં જાહેર-આરોગ્યના મુદ્દાને જે રીતે સફળતાપૂર્વક સંભાળ્યો તે બદલ તેમને રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ 2022 માટે પસંદ કરવામાં આવ્યાં હતાં.
તો પછી પાર્ટીએ આ સન્માન સ્વીકારવાનો ઇનકાર કેમ કર્યો તેની પાછળ સીપીએમ નેતા સીતારામ યેચુરીએ ત્રણ કારણો આપ્યાં છે.
યેચુરીના મતે, પાર્ટી માને છે કે જાહેર આરોગ્યના કાર્યોમાં પૂર્વ મંત્રી શૈલજાની સફળતા માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી. તે કેરળ સરકાર અને આરોગ્ય મંત્રાલયના તમામ લોકોની સંયુક્ત સફળતા છે. આ માટે કોઈ એકને શ્રેય આપી શકાય નહીં.
પાર્ટીએ બીજી દલીલ આપી છે કે આ ઍવૉર્ડ કોઈ સક્રિય રાજકારણીને આપવામાં આવ્યો નથી. શૈલજા સીપીએમની સેન્ટ્રલ કમિટીનાં સભ્ય છે, જે પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા છે. એટલે કે તે હજુ પણ રાજકારણમાં સક્રિય છે.
સન્માન ન સ્વીકારવા પાછળ પક્ષની ત્રીજી દલીલ એ છે કે ફિલિપાઈન્સના નેતા રૅમન મૅગ્સેસે જેના નામ પરથી આ ઍવોર્ડ અપાય છે તેઓ ડાબેરીઓ પર ક્રૂર અત્યાચારનો ઇતિહાસ ધરાવે છે.
આ કારણોસર, એક નેતા તરીકે રૅમન મૅગ્સેસેનો ઇતિહાસ જાણવો જરૂરી છે.

રૅમન મૅગ્સેસે કોણ હતા? સામ્યવાદીઓને તેમની સાથે શું વાંકું પડ્યું?
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
રૅમન મૅગ્સેસે ફિલિપાઇન્સના સાતમા રાષ્ટ્રપતિ હતા. તેમનું પૂરું નામ રૅમન ડેલ ફેરેરો મૅગ્સેસે હતું.
1953 થી 1957 સુધી, તેઓ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ પદ પર રહ્યા. પછી વિમાન દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું.
જેએનયુના નિવૃત્ત પ્રોફેસર મનમોહિની કૌલ કહે છે, "રૅમન મૅગ્સેસે ફિલિપાઇન્સમાં ખૂબ જ લોકપ્રિય હતા, તેઓ એક ઈમાનદાર નેતાની છબી ધરાવતા હતા. તેઓ બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હતા."
"તેમણે પોતાની મહેનતથી પોતાની આગવી ઓળખ બનાવી હતી. તેમણે ફિલિપાઇન્સમાં લોકોના હિત માટે ઘણાં સુધારાવાદી કાર્યો કર્યા. વર્ષ 1950માં તેઓ ફિલિપાઇન્સના સંરક્ષણ સચિવ બન્યા અને બાદમાં વર્ષ 1953માં રાષ્ટ્રપતિપદ પર પહોંચ્યા."
ફિલિપાઇન્સ પર જાપાનનો કબજો હતો ત્યારથી ત્યાં એક સામ્યવાદી ચળવળ ચાલતી હતી જે હુકબાલાહાપ આંદોલન અથવા હુક આંદોલન તરીકે ઓળખાતું હતું અને તેના નેતા લુઈ તારુક હતા. આ આંદોલન જાપાનીઓ વિરુદ્ધ શરૂ કરવામાં આવ્યું હતું.
પરંતુ 1946માં ફિલિપાઇન્સની આઝાદી પછી અમીર અને ગરીબ વચ્ચેનું અંતર વધતું જ ગયું, તેથી હુકબાલાહાપ આંદોલનકારીઓએ સરકાર સામે વિરોધ કરવાનું શરૂ કર્યું.
કૌલે કહ્યું, "જાપાનીઓએ ફિલિપાઇન્સ છોડ્યા પછી, આ આંદોલનકારીઓ ખેડૂતોના અધિકારોની લડાઈમાં સામેલ થઈ ગયા અને આ સમગ્ર આંદોલન કૃષિક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનું આંદોલન બની ગયું."
"અમેરિકા ત્યારે પણ ફિલિપાઇન્સની ખૂબ નજીક માનવામાં આવતું હતું. ત્યાં સુધીમાં રૅમન મૅગ્સેસે ફિલિપાઇન્સના સંરક્ષણ સચિવ બની ગયા હતા."
"રૅમન મૅગ્સેસેએ આ આંદોલનકારીઓને દબાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આંદોલનકારીઓ પર સૈન્યબળનો ઉપયોગ કર્યો."
"કદાચ આ જ કારણે સીપીએમ નેતાઓને રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ સ્વીકારવામાં તકલીફ પડી રહી છે."

અમેરિકાના પ્રિય નેતા

ઇમેજ સ્રોત, RAMON MAGSAYSAY AWARD
મનમોહિની કૌલ એમ પણ કહે છે કે ઘણાં પુસ્તકોમાં એવો ઉલ્લેખ છે કે જ્યારે રૅમન મૅગ્સેસે ફિલિપાઇન્સના સંરક્ષણ સચિવ બન્યા ત્યારે તેમણે સામ્યવાદી ચળવળને દબાવવામાં ઘણું સારું કામ કર્યું હતું.
આ કારણે અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએનો ઇરાદો તેમને ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ બનાવવાનો હતો. તેમને અમેરિકાની ઘણા નજીક માનવામાં આવતા હતા.
રૅમન મૅગ્સેસે રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ એક વર્ષમાં સામ્યવાદી આંદોલન (હૂક આંદોલન)નો સફાયો કરી દેવાયો. હુકબાલાહાપ આંદોલનના નેતા લુઈ તારુકે આત્મસમર્પણ કર્યું.
પરંતુ મનમોહિની કૌલ માને છે કે "મૅગ્સેસેએ ગરીબ લોકોને જમીન માલિકીના અધિકાર આપવા જેવાં ઘણાં સારાં કામ પણ કર્યાં હતાં. તેઓ પોતે એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા."
તેથી એમ કહેવું ખોટું ગણાશે કે તેમણે માત્ર સામ્યવાદીઓ સામે જ ક્રૂરતા દર્શાવી.
આ સુધારાઓને કારણે જ તેમનું નામ ફિલિપાઇન્સમાં સારા શાસકોમાં સામેલ છે.

ઍવૉર્ડ શા માટે આપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, RAMON MAGSAYSAY
ફિલિપાઇન્સના સાતમા રાષ્ટ્રપતિ રૅમન મૅગ્સેસેની યાદમાં 1957માં રૅમન મૅગ્સેસે ઍવૉર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જે એશિયામાં સરકાર ચલાવવા અથવા સામાજિક સુધારાના ક્ષેત્રમાં થઈ રહેલા સારા કાર્યોને સન્માનિત કરવા માટે કરવામાં આવી હતી.
આ પુરસ્કારની સ્થાપના પાછળ ફિલિપાઇન્સ સરકારની સાથે રૉકફેલર સોસાયટીએ પણ સહયોગ આપ્યો છે. રૉકફેલર સોસાયટી અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં આવેલી છે.
તેને એશિયાનો નોબલ પુરસ્કાર પણ કહેવામાં આવે છે.
છેલ્લા છ દાયકામાં આ ઍવૉર્ડ 300થી વધુ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, RAMON MAGSAYSAY AWARD
2008 સુધી, આ પુરસ્કાર માત્ર છ કૅટેગરીના ક્ષેત્રમાં કામ કરનારાઓને આપવામાં આવતો હતો. સરકારી કાર્યમાં યોગદાન, સમાજ સેવા, સમુદાય નેતૃત્વ, પત્રકારત્વ-સાહિત્ય-કલા, શાંતિ અને આંતરરાષ્ટ્રીય સદ્ભાવનામાં યોગદાન.
આમાં વર્ષ 2000માં 'ઊભરતા નેતા'ની શ્રેણી ઉમેરવામાં આવી હતી. આ શ્રેણીમાં, ઍવૉર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમની ઉંમર 40 વર્ષ કે તેથી ઓછી હોય, જેમણે પોતાના સમાજના લોકો માટે નોંધપાત્ર કામ કર્યું હોય અને જેના વિશે તે સમાજની બહારના લોકો વધારે જાણતા ન હોય.
જોકે, 2009થી છેલ્લી કૅટેગરી સિવાયની પહેલી પાંચ શ્રેણીઓનું બહુ મહત્ત્વ ન રહ્યું. મૅગ્સેસે પુરસ્કારમાં ઊભરતા નેતાઓની છઠ્ઠી શ્રેણી વર્ષ 2000માં રજૂ કરવામાં આવી હતી, જેમાં ફોર્ડ ફાઉન્ડેશનના સહયોગથી વિજેતાને રકમ પણ આપવામાં આવે છે. ફોર્ડ ફાઉન્ડેશન એ અમેરિકન સંસ્થા છે.
આ પુરસ્કાર મેળવનારને પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે જેમાં ફિલિપાઇન્સના નેતા રૅમન મૅગ્સેસેની તસવીર હોય છે.

નોંધણી કેવી રીતે થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ માટે સામાન્ય રીતે નૉમિનેશન પ્રક્રિયા હોય છે. રૅમન મૅગ્સેસે પ્રાઇઝ ફાઉન્ડેશને વિશ્વભરના નૉમિનીનો એક પૂલ તૈયાર કર્યો છે અને તેમનાં નામ ગુપ્ત રાખવામાં આવ્યાં છે.
આ ગોપનીય પસંદગીકારો ઍવૉર્ડ માટે સંભવિત નામોની યાદી તૈયાર કરે છે. ત્યારબાદ ઍવૉર્ડ ફાઉન્ડેશન તે નામોની વિગતવાર તપાસ કરે છે અને અંતિમ યાદી તૈયાર કરવામાં આવે છે.
આ પુરસ્કાર માટે સામાન્ય જનતા પાસેથી નામાંકન માગવામાં આવતા નથી.
આ પુરસ્કાર દર વર્ષે ફિલિપાઇન્સની રાજધાની મનિલામાં 31 ઑગસ્ટના રોજ રૅમન મૅગ્સેસેના જન્મદિવસ પર જાહેર કરવામાં આવે છે.
આ વર્ષે આ ઍવૉર્ડ ચાર લોકોને આપવામાં આવ્યો છે, જેમાં કંબોડિયન મનોચિકિત્સક સોથિયારા છિમ, જાપાનના નેત્ર ચિકિત્સક તદાશી હતોરી, ફિલિપાઇન્સના બાળરોગ ચિકિત્સક બર્નાડેટ જે. મૅડ્રિડ અને ઇન્ડોનેશિયા સ્થિત ફ્રૅન્ચ પર્યાવરણ કાર્યકર્તા ગેરી બેનચેધિનો સમાવેશ થાય છે.
ભારતમાં આ ઍવૉર્ડ વિનોબા ભાવે, મધર ટૅરેસા, અરુણ શૌરી, કિરણ બેદી, સંદીપ પાંડે, રાજેન્દ્રસિંહ, અરુણા રૉય, મહાશ્વેતા દેવી, અરવિંદ કેજરીવાલ, પી સાંઈનાથ, રવીશ કુમાર જેવી ઘણી પ્રતિષ્ઠિત હસ્તીઓને મળ્યો છે.

કોણ છે કે.કે. શૈલજા

ઇમેજ સ્રોત, @MOHFW_INDIA
કેરળનાં ભૂતપૂર્વ આરોગ્યમંત્રી કે.કે. શૈલજાને રાજ્યમાં કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે તેમના પ્રયાસો અને અપનાવવામાં આવેલી પદ્ધતિઓ માટે 'રૉકસ્ટાર' કહેવામાં આવતાં હતાં.
પરંતુ કોરોના બાદ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં તેઓ જીતી ગયાં. પાર્ટીએ ફરી સરકાર બનાવી. પરંતુ તેમ છતાં તેમને મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની નવી સરકારમાં સ્થાન મળ્યું નથી.
તે સમયે પણ આ મુદ્દે ભારે વિવાદ થયો હતો.
આજે રૅમન મૅગ્સેસે ઍવૉર્ડ ન સ્વીકારવાને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.
વરિષ્ઠ પત્રકાર બરખા દત્તે ટ્વિટ કરીને લખ્યું કે શૈલજાની પાર્ટી 'ઇનસિક્યોર બૉયઝ ક્લબ' જેવું વર્તન કરી રહી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
તાજેતરની ઘટનાઓ પર વાત કરતા રાજકીય વિશ્લેષક બીઆરપી ભાસ્કરે બીબીસી હિન્દીના સહયોગી પત્રકાર ઇમરાન કુરેશીને કહ્યું, "આ ઍવૉર્ડની સ્થાપના અમેરિકાની મદદથી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં સીપીએમવાળા કે.કે. શૈલજાને આ પુરસ્કાર કેમ નથી લેવા દેતા તે સમજવું મુશ્કેલ નથી."
"પરંતુ સત્ય એ છે કે કોવિડ મહામારી દરમિયાન શૈલજાએ કરેલા કામની આજે પણ પ્રશંસા થઈ રહી છે. ઍવૉર્ડ નકારવાથી તેની લોકપ્રિયતા ઓછી નહીં થાય."
બીઆરપી ભાસ્કર વધુમાં કહે છે, "મૅગ્સેસે ફિલિપાઇન્સમાં કમ્યુનિસ્ટ પાર્ટીના દમન માટે જાણીતા હતા. તેથી જ અમેરિકનોએ તેમના નામે ઍવૉર્ડની જાહેરાત કરી હતી."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













