ઋષિ સુનક બ્રિટનના પીએમપદની રેસમાં લિઝ ટ્રસ સામે કઈ રીતે હારી ગયા?

યુનાઇટેડ કિંગડમમાં બોરિસ જોનસનની કૅબિનેટમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકની ક્ષમતા અને લોકપ્રિયતા છતાં દેશના આગામી વડા પ્રધાનની પ્રતિષ્ઠિત હોદ્દાની રેસમાં તેમની હાર નિશ્ચિત હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુનાઇટેડ કિંગડમમાં બોરિસ જોનસનની કૅબિનેટમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકની ક્ષમતા અને લોકપ્રિયતા છતાં દેશના આગામી વડા પ્રધાનની પ્રતિષ્ઠિત હોદ્દાની રેસમાં તેમની હાર નિશ્ચિત હતી
    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

યુનાઇટેડ કિંગડમમાં બોરિસ જોનસનની કૅબિનેટમાં નાણામંત્રી રહી ચૂકેલા ઋષિ સુનકની ક્ષમતા અને લોકપ્રિયતા છતાં દેશના આગામી વડા પ્રધાનની પ્રતિષ્ઠિત હોદ્દાની રેસમાં તેમની હાર નિશ્ચિત હતી. તેમનાં પ્રતિદ્વંદ્વી અને દેશનાં વિદેશમંત્રી લિઝ ટ્રસ ચૂંટણીમાં તેમના કરતાં ઘણાં આગળ રહ્યાં હતાં.

જો, ઋષિ સુનક આ ચૂંટણી જીત્યાં હોત, તો તે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ હોત. તેઓ યુનાઇટેડ કિંગ્ડમના પહેલા અશ્વેત અને મૂળ ભારતીય વડા પ્રધાન બન્યા હોત.

તેઓ 2008માં બરાક ઓબામા દ્વારા રચવામાં આવેલા ઇતિહાસની લગભગ સમકક્ષ હોત, જ્યારે તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

દક્ષિણ એશિયાના ઘણા એવા નેતાઓ છે કે જેઓએ મંત્રી તેમજ મેયરનાં પદ સંભાળ્યાં છે, જેમ કે પ્રીતિ પટેલ ગૃહ મંત્રાલય સંભાળી રહ્યાં છે અને સાદિક ખાન લંડનના મેયર છે.

વર્ષ 2020માં જ્યારે તેઓ સરકારી તિજોરીના ચાન્સેલર અથવા નાણામંત્રીના પદ પર બઢતી પામ્યા ત્યારે તેઓ પોતે પણ દેશના બીજા સૌથી મહત્ત્વપૂર્ણ નેતા બન્યા હતા.

પરંતુ અત્યાર સુધી વંશીય લઘુમતી સમુદાયમાંથી કોઈ પણ વડા પ્રધાનપદનું દાવેદાર બની શક્યું ન હતું.

ડૉ. નીલમ રૈના મિડલસેક્સ યુનિવર્સિટીમાં ભણાવે છે.

તેઓ કહે છે, "ધાર્મિક અને વંશીય લઘુમતી સમુદાયો આ દેશની સંસદમાં ભારત કરતાં વધુ પ્રતિનિધિત્વ ધરાવે છે. પરંતુ ઋષિની ચૂંટણી ઐતિહાસિક સાબિત થઈ હોત કેમ કે તેમની એક અલગ વંશીય ઓળખ હતી."

યુનાઇટેડ કિંગડમની બહાર, મૂળ ભારતીય નેતાઓની લાંબી યાદી છે જેઓ દુનિયાના કોઈ ને કોઈ દેશમાં કાં તો વડા પ્રધાન છે અથવા તો રાષ્ટ્રપતિ છે. કેટલાક એવા દેશોમાં મૉરિશિયસ, ગુયાના, આયર્લૅન્ડ, પોર્ટુગલ અને ફિજીનો સમાવેશ થાય છે.

ભારત સિવાય વિશ્વમાં એવો કોઈ દેશ નથી કે જેના ડાયસ્પોરા 30 થી વધુ દેશો પર રાજ કરે છે અથવા શાસન કરે છે.

42 વર્ષીય ઋષિ સુનકનું નામ આ યાદીમાં ઉમેરાઈ શક્યું હોત. ઋષિએ લોકોમાં પોતાની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા નાણામંત્રી તરીકે તેમના કાર્યકાળ દરમિયાન બનાવી હતી, જ્યારે તેમણે કોવિડ મહામારીની આર્થિક અસરનો પ્રશંસનીય રીતે સામનો કર્યો હતો.

જો તેઓ જીતી ગયા હોત તો લોકોનો એ દૃષ્ટિકોણ પણ મજબૂત બન્યો હોત કે બ્રિટિશ સમાજ વિવિધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

લાઇન

ઋષિ સુનક કેમ બ્રિટનના વડા પ્રધાનની ચૂંટણી હારી ગયા?

લાઇન
  • ભારતીય મૂળનાં ઋષિ સુનકને વડા પ્રધાનની રેસમાં માત આપી બ્રિટનનાં નવાં વડાં પ્રધાન બનશે લિઝ ટ્રસ
  • જો, ઋષિ સુનક આ ચૂંટણી જીત્યાં હોત, તો તે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ હોત
  • તેઓ યુનાઇટેડ કિંગ્ડમના પહેલા અશ્વેત અને મૂળ ભારતીય વડા પ્રધાન બન્યા હોત
  • જો તેઓ જીતી ગયા હોત તો લોકોનો એ દૃષ્ટિકોણ પણ મજબૂત બન્યો હોત કે બ્રિટિશ સમાજ વિવિધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે
  • કન્ઝર્વેટિવ પાર્ટીનાં નેતાની ચૂંટણી 47 વર્ષીય લિઝ ટ્રસે જીતી લીધી છે. તેમને 81,326 મત મળ્યા છે, જ્યારે ઋષિ સુનકને 60,339 મત મળ્યા હતા
  • નિરીક્ષકો કહે છે કે આ ચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે કન્ઝર્વેટીવ પાર્ટી હજુ અશ્વેત વડા પ્રધાનને સ્વીકારવા માટે તૈયાર નથી.
લાઇન

'સુનક ત્વચાના રંગના કારણે ન બની શક્યા PM'

જો, ઋષિ સુનક આ ચૂંટણી જીત્યાં હોત, તો તે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ હોત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જો, ઋષિ સુનક આ ચૂંટણી જીત્યાં હોત, તો તે એક ઐતિહાસિક ક્ષણ બની ગઈ હોત

ઋષિ સુનક એક સ્વઘોષિત હિંદુ છે અને જાહેરમાં કેટલીક ધાર્મિક વિધિઓ કરે છે. 2015માં પહેલી વખત સંસદમાં ચૂંટાયા બાદ, તેમણે ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા.

યુકેમાં રહેતાં મૂળ ભારતીય લોકો તેમના વિજય માટે પૂજા કરતા હતા. તેમાંથી એક હતા 75 વર્ષના નરેશ સોનચટલા, જેઓ ઋષિના વતન સાઉથેમ્પ્ટનમાં રહે છે અને તેઓ આ નેતાને તેમના નાનપણના સમયથી જાણે છે.

નરેશ સોનચટલા કહે છે, "મને લાગ્યું હતું કે ઋષિ વડા પ્રધાન બનશે. પરંતુ તે બની શક્યા નથી. મને લાગે છે કે તેનું કારણ તેમનો રંગ છે."

ગયા મહિને બીબીસી ઇન્ડિયાની ટીમ યુકેમાં હતી અને તેને જાણવા મળ્યું કે નરેશ સોનચટલા જેવા એશિયન લોકોને એ ડર હતો કે ઋષિની ત્વચાનો રંગ તેમને વડા પ્રધાન બનવાથી રોકી શકે છે.

આ ડર પાછળ કન્ઝર્વેટિવ પાર્ટીની રચના દેખાઈ. પાર્ટીના 1,60,000 થી વધુ પેઇડ સભ્યોએ ઋષિ સુનક અને લિઝ ટ્રસ વચ્ચે તેમના નેતાની પસંદગી કરવા માટે તેમના મત આપવા પડ્યા હતા.

પાર્ટીના 97 ટકા સભ્યો શ્વેત છે અને 50 ટકા કરતાં વધારે પુરુષો છે.

કુલ સભ્યોમાંથી 44 ટકા 65 વર્ષ કરતાં વધારે છે. પાર્ટીની યુવા પેઢી ઋષિની સાથે હોય તેવું લાગ્યું, પરંતુ વરિષ્ઠ સભ્યો લિઝ ટ્રસના પક્ષમાં હતા.

ગયા મહિને કેટલાક વૃદ્ધ સભ્યોએ બીબીસી ઇન્ડિયાની ટીમને કહ્યું હતું કે તેઓ ઋષિને પસંદ કરે છે પણ તેમનો મત લિઝ ટ્રસને જશે.

નિરીક્ષકો કહે છે કે આ ચૂંટણીનાં પરિણામોએ સ્પષ્ટ કરી દીધું છે કે કન્ઝર્વેટીવ પાર્ટી હજુ અશ્વેત વડા પ્રધાનને સ્વીકારવા માટે તૈયાર નથી.

line

શું વંશીય પૃષ્ઠભૂમિ જ હતી મુદ્દો?

ઋષિ સુનકને હરાવી લિઝ ટ્રસ બન્યાં બ્રિટનનાં વડાં પ્રધાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષિ સુનકને હરાવી લિઝ ટ્રસ બન્યાં બ્રિટનનાં વડાં પ્રધાન

પરંતુ વંશીય પૃષ્ઠભૂમિ જ હારનું એકમાત્ર કારણ હોઈ શકતી નથી.

સંજય સક્સેના લંડનની બાર્કલેઝ બૅન્કના વરિષ્ઠ અધિકારી છે. તેઓ માને છે કે પાર્ટીના લોકોએ બંને નેતાઓની આર્થિક પૉલિસી અને પ્રોગ્રામને જોઈને જ તેમના માટે વોટ આપ્યા હશે.

તેઓ કહે છે, "હું છેલ્લાં 20 વર્ષથી આ દેશમાં રહું છું. મેં અહીં વિવિધતા જોઈ છે અને અનુભવી પણ છે. મેં જોયું છે કે ભારતના લોકો ઊંચાં પદ પર પહોંચ્યા છે. મને નથી લાગતું કે ઋષિની હાર તેમના રંગના કારણે થઈ છે. લિઝે વડાં પ્રધાન બનવા પર તુરંત ટૅક્સ પર કાપ મૂકવાનો વાયદો કર્યો હતો જે સામાન્ય જનતા માટે આકર્ષક હતું. પાર્ટીના મતદારો એ લોકો છે જેમને ટૅક્સ વધારાની અસર થઈ છે કેમ કે તેમાંથી મોટાભાગના લોકો મધ્યમ વર્ગના છે."

કેટલાક નિષ્ણાતોએ પહેલેથી કહી દીધું હતું કે ટ્રસ દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા, જેમ કે નેશનલ ઇન્શ્યોરન્સનો ભાવ ઘટાડવો, તે સામાન્ય જનતા માટે આકર્ષક હતા.

લિઝ ટ્રસ દેશનાં વિદેશમંત્રી પણ છે, તેમણે પરિવારોને મદદ કરવા માટે પૂર્વનિયોજિત કૉર્પોરેશન ટૅક્સના વધારાને રદ કરવાનું નક્કી કર્યું હતું. ઋષિ સુનકે નાણામંત્રી તરીકે નેશનલ ઇન્શ્યોરન્સમાં એપ્રિલ મહિનામાં વધારો કર્યો હતો.

લિઝે વાયદો કર્યો હતો કે તેઓ વધારાને હઠાવી લેશે. તેમની દલીલ હતી કે વધુ ટૅક્સ 'સંભવિત રીતે આર્થિક વિકાસને અટકાવે છે.'

ઋષિ સુનકનો વાયદો હતો કે તેઓ લોકોને તુરંત રાહત આપવાના બદલે પહેલાં અર્થતંત્રને મજબૂત કરશે, જેના કારણે ટૅક્સમાં તુરંત ઘટાડો શક્ય ન હતો.

ઋષિ સુનકે કહ્યું હતું કે તેઓ ખોટા વાયદા કરીને જનતાને ભ્રમિત કરવા માગતા ન હતા. તેઓ ઘણી વખત કહેતા કે તેઓ હારને સ્વીકારી લેશે પરંતુ જનતા સાથે અપ્રમાણિક નહીં બને.

બ્રિટનમાં સામાન્ય માન્યતા છે કે ઋષિ સુનક ખૂબ પૈસાદાર છે જેમના માટે સામાન્ય લોકોની તકલીફો સમજવી અઘરી છે.

હાલ થયેલા સર્વે પ્રમાણે તેઓ બ્રિટનના 250 સૌથી પૈસાદાર પરિવારોમાંથી એક છે.

પરંતુ શું તેઓ જન્મથી જ પૈસાદાર છે? કદાચ ના.

તેમનો જન્મ સાઉથૅમ્પ્ટનમાં એક મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો.

તેમના પિતા એક ડૉક્ટર હતા અને માતા એક કેમિસ્ટ.

બાળક તરીકે તેઓ સાઉથૅમ્પ્ટનના મંદિરની મુલાકાત લેતા હતા.

ત્યાંના લોકોએ બીબીસીને જણાવ્યું કે તેઓ એક સાદા અને સરળ પરિવારમાંથી આવતા હતા જેનો વધારે ભાર ભણતર પર હતો.

તેઓ પૈસાદાર બન્યા તો તેની પાછળ તેમની મહેનત છે.

ઋષિ તેમની વેબસાઇટ પર લખે છે, "મારાં માતાપિતાએ ઘણાં બલિદાનો આપ્યાં જેથી હું એક સારી સ્કૂલે જઈ શક્યો હતો. હું નસીબદાર હતો કે હું વિન્ચેસ્ટર કૉલેજ, ઑક્સફર્ડ યુનિવર્સિટી અને સ્ટેનફર્ડ યુનિવર્સિટીમાં ભણી શક્યો."

ઋષિએ અક્ષતા મૂર્તિ સાથે વર્ષ 2009માં બૅંગલુરૂમાં લગ્ન કર્યાં હતાં.

તેઓ ઇન્ફોસિસનાં સ્થાપક નારાયણ મૂર્તિનાં દીકરી છે.

હાલ તેમનાં બે બાળકો છે. એવું કહેવામાં આવે છે કે તેમનાં પત્ની પાસે 730 મિલિયન પાઉન્ડની સંપત્તિ છે.

ઋષિ સ્વ-નિર્મિત છે, તેઓ પોતાની વેબસાઇટ પર લખે છે : "હું નસીબદાર છું કે હું સફળ બિઝનેસ કરિયરનો આનંદ લઈ શક્યો છું. મેં સિલિકોન વૅલીથી લઈને બૅંગલુરૂ સુધીની કંપનીઓ સાથે એક મોટી રોકાણ કંપનીની સહ-સ્થાપના કરી. તે અત્યારે કામ કરે છે."

line

કદાચ 2024 સુધી રાહ જોવી પડશે

ઋષિએ જુલાઈમાં નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યાર બાદ ઘણા મંત્રીઓએ બોરિસ જોનસનની કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઋષિએ જુલાઈમાં નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યાર બાદ ઘણા મંત્રીઓએ બોરિસ જોનસનની કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું

કેટલાક લોકોનું કહેવું છે કે પાર્ટીના ઘણા સભ્યો ગુસ્સામાં છે કેમ કે તેમને લાગે છે કે ઋષિએ બોરિસ જોનસનના પીઠ પર છરો માર્યો છે.

ઋષિએ જુલાઈમાં નાણામંત્રી તરીકે રાજીનામું આપ્યું ત્યાર બાદ ઘણા મંત્રીઓએ બોરિસ જોનસનની કૅબિનેટમાંથી રાજીનામું આપી દીધું, જેના કારણે તેમણે પોતે પણ અંતે રાજીનામું આપવું પડ્યું.

ત્યાર બાદ વડા પ્રધાન પદની ચૂંટણીના પહેલા તબક્કામાં આઠ ઉમેદવારો સામે આવ્યા હતા. છેલ્લા રાઉન્ડ પહેલાં, પાર્ટીના એમપી જ વોટ આપી શકતા હતા, પાર્ટીના સભ્યો નહીં. સંસદસભ્યોએ ઋષિ સુનક અને લિઝ ટ્રસને છેલ્લા રાઉન્ડ માટે પસંદ કર્યાં હતાં. છેલ્લા રાઉન્ડમાં સંસદસભ્યો નહીં પણ પાર્ટી સભ્યો જ વોટ આપી શકે છે.

લોકો કહે છે કે બોરિસ જોન્સને ઋષિ સુનકને તેમની રાજકીય કારકિર્દીમાં આગળ વધવામાં ઘણી મદદ કરી છે.

એવું પણ કહેવામાં આવે છે કે તેઓ ઋષિથી ખૂબ ગુસ્સે હતા. ગયા અઠવાડિયે ઋષિએ રિપોર્ટરોની સામે સ્વીકાર્યું કે બોરિસ જોનસન સુધી પહોંચવા માટેના તેમના પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે.

કન્ઝર્વેટીવ પાર્ટી હજુ અશ્વેત વડા પ્રધાનને ચૂંટવા માટે તૈયાર નથી, પરંતુ દેશના લોકો તેના માટે તૈયાર છે.

ઋષિ સુનકની લોકપ્રિયતા દેશમાં લિઝ ટ્રસ કરતાં ઘણી વધારે છે અને મજબૂત છે.

રાજકીય નિષ્ણાતો કહે છે કે જો સામાન્ય ચૂંટણી થઈ હોત તો ઋષિ સુનક સહેલાઈથી જીતી ગયા હોત. કદાચ તેમણે અને તેમના સમર્થકોએ 2024ની સામાન્ય ચૂંટણીની રાહ જોવી પડશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ