પહેલાં ‘પ્રેમિકા’ની હત્યા કરી, પછી FB લાઇવ કરી આપઘાત કરી લીધો, શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANKIT’S FACEBOOK
- લેેખક, રવિ પ્રકાશ
- પદ, બીબીસી હિન્દી માટે, રાંચીથી
જો અંકિતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ લાઇવ કર્યા બાદ આત્મહત્યા ન કરી હોત તો તે 15 જૂને 22 વર્ષનો થઈ ગયો હોત.
13 મેના રોજ સાંજે તેની આત્મહત્યાના લગભગ 23 કલાક પહેલાં તેણે પોતાની કથિત પ્રેમિકા નિવેદિતાની પિસ્તોલથી હત્યા કરી, અને પછી એ જ પિસ્તોલથી તેણે પોતાના માથામાં ગોળી મારી હતી.
નિવેદિતા માત્ર 20 વર્ષનાં હતાં. 12મી મેના રોજ સાંજે નિવેદિતાને ગોળી માર્યા બાદ અંકિત ફરાર થઈ ગયો હતો. તેણે પોતાનો ફોન નંબર બંધ કરી દીધો હતો.
પોલીસ હજુ પણ તેને શોધી રહી હતી, ત્યારે 13મેના રોજ સાંજે તેઓ તેના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર લાઇવ આવીને તેણે નિવેદિતાની હત્યાની વાતનો સ્વીકાર કર્યો હતો.
લાઇવ દરમિયાન તેમણે પોતાના માથા પાસે પિસ્તોલ રાખી હતી અને કહ્યું હતું કે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. એ બાદ લાઇવ બંધ થઈ ગયું હતું.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઈન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઈન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.)

અંકિતે આત્મહત્યા પહેલાં શું કર્યું?

ઇમેજ સ્રોત, ANKIT'S FACEBOOK
આત્મહત્યા પહેલાં અંકિતે તેમનું લોકેશન પોતાની બહેનને મોકલ્યું હતું. તેમનો પરિવાર પણ આ લાઇવ જોઈ રહ્યો હતો. તેથી પરિવારે રાંચી પોલીસનો સંપર્ક કરીને આ લોકેશન શૅર કરીને અંકિતને બચાવવા વિનંતી કરી હતી.
આ માહિતી મળતાં જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ઘટનાસ્થળે પહોંચતા પહેલાં જ અંકિતે માથામાં ગોળી મારી દીધી હતી. પોલીસને રાંચીના કોકર વિસ્તારમાંથી લોહીલુહાણ હાલતમાં અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો. તે તેમનાં સાત ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંકિત અને નિવેદિતાનાં ઘર પૈતૃક ગામ બિહારના નવાદા જિલ્લાનાં બે અલગ-અલગ પોલીસસ્ટેશન વિસ્તાર હેઠળ આવતાં હતાં, પરંતુ તેમનાં ઘરો આજુ-બાજુમાં જ હતાં. તેમની જ્ઞાતિ અલગ હતી અને સામાજિક સ્થિતિ પણ અલગ હતી.
નિવેદિતા રાંચીની ઇક્ફાઈ યુનિવર્સિટી(ICFAI)માં બીબીએનાં વિદ્યાર્થિની હતાં. તેઓ અહીં હરમુ વિસ્તારમાં આવેલી ખાનગી હૉસ્ટેલમાં રહીને અભ્યાસ કરી રહ્યાં હતાં.
આ જ હૉસ્ટેલ પાસે અંકિતે તેના માથામાં ગોળી મારીને તેની હત્યા કરી દીધી હતી. આ ઘટનામાં નિવેદિતાની એક સહેલી પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમની સારવાર ચાલી રહી છે.

નિવેદિતાનું મૃત્યુ થયું એ દિવસે શું થયું હતું

ઇમેજ સ્રોત, ANKIT'S FACEBOOK
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અરગોડા પોલીસસ્ટેશન(રાંચી)ના પ્રભારી વિનોદકુમારે મીડિયાને જણાવ્યું હતું કે 12મી મેના રોજ સાંજે નિવેદિતા જ્યારે તેમની એક સહેલી સાથે હૉસ્ટેલ પરત ફરી રહ્યાં હતાંત્યારે તેમને ગોળી મારવામાં આવી હતી.
અંકિત નિવેદિતા પાસે આવ્યો હતો અને તેના માથામાં નજીકથી ગોળી મારી હતી. ત્યાર બાદ નિવેદિતાને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ(રિમ્સ) લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં.
આ મામલે નિવેદિતાના પિતાના નિવેદન પર અંકિત વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
વિનોદકુમારે કહ્યું છે કે, “નિવેદિતાના પરિવારજનોએ અંકિત પર હત્યાની આશંકા જાહેર કરી હતી. અમને પ્રારંભિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે તેના પુરાવા મળ્યા હતા. તેથી અમે તેની ધરપકડ માટે એક ટીમ નવાદા મોકલી હતી.”
“આ દરમિયાન 13મી મેના રોજ સાંજે અમને અંકિતના ફેસબુક લાઇવની માહિતી મળી હતી. પોલીસની ટીમે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું. અમને ઘટનાસ્થળેથી અંકિતનો મૃતદેહ અને હથિયાર મળી આવ્યાં હતાં.”
“પ્રાથમિક તપાસ પરથી એવું લાગી રહ્યું છે કે આ આત્મહત્યાનો મામલો છે. વધુ તપાસ માટે ફોરેન્સિક અને ટેકનિકલ ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે.”
બંને મૃતદેહોનાં પોસ્ટમૉર્ટમ બાદ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. નિવેદિતાના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ 13મી મે અને અંકિતના મૃતદેહનું પોસ્ટમૉર્ટમ 14મી મેના રોજ કરવામાં આવ્યું છે.
બંને રિપોર્ટમાં મૃત્યુનું કારણ ‘બુલેટથી થયેલી ઈજા’ને ગણાવાઈ રહ્યું છે.

પરિવારજનોનું કહેવું શું છે?

ઇમેજ સ્રોત, ANKIT'S FACEBOOK
અંકિતના પિતરાઈ સનોજ યાદવે બીબીસીને જણાવ્યું હતું કે, નિવેદિતા રાંચી શિફ્ટ થયાં એ બાદ અંકિત પણ તેમની હૉસ્ટેલ પાસે ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો. ત્યાં પણ નિવેદિતાની અવરજવર રહેતી હતી.
જે માહિતી સામે આવી છે તે મુજબ બંને વચ્ચે વર્ષ 2019થી જ પ્રેમસંબંધ હતો. સનોજનું કહેવું છે કે, “આ વાત તેમના પરિવારને ખબર હતી અને યુવતીના પરિવારને પણ તેની જાણ હતી. તાજેતરમાં કેટલાંક કારણોસર બંનેની વાતચીત બંધ થઈ ગઈ હતી અને ત્યાર પછી આ દુખદ ઘટના ઘટી હતી.”
નિવેદિતાના પિતા સિદ્ધેશ્વર પ્રસાદે પણ બંને વચ્ચેના સંબંધોનો સ્વીકારી કર્યો હતો અને કહ્યું હતું કે તેમની દીકરીએ અંકિત સાથે વાતચીત બંધ કરી દીધી હતી. આ કારણે અંકિત તેને હેરાન કરવા લાગ્યો હતો.
તેઓ કહે છે કે, “અંતે તેણે મારી દીકરીની હત્યા કરી દીધી. મારું બધુ જ બરબાદ કરી દીધું. મને ન્યાયની આશા છે.”
મીડિયા સાથેની વાતાચીત બાદ સિદ્ધેશ્વર પ્રસાદે રાંચીમાં જ નિવેદિતાના અંતિમસંસ્કાર કરાયા હતા. પરિવારજનો જ્યારે ઘરે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે ફોન કરીને અંકિતની આત્મહત્યાના સમાચાર આપ્યા હતા.
આ ઘટનાને લઈને પૂર્વ મુખ્ય મંત્રી અને ભાજપ ધારાસભ્ય પક્ષના નેતા બાબુલાલ મરાંડીએ સરકારની ટીકા કરી છે.
તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, “રાંચીના પોશ વિસ્તારમાં દિવસેને દિવસે કરવામાં આવતી યુવતીની હત્યા એ સાબિત કરે છે કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી. આજકાલ દીકરીઓ પર અત્યાચારના સમાચાર રોજ સામે આવી રહ્યા છે, પરંતુ મુખ્ય મંત્રીજીને તેનો ફરક પડતો નથી.”

નોંધ: દવા અને થૅરપીથી માનસિક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે. તેના માટે મનોચિકિત્સકની સલાહ લેવી જોઈએ. તમારામાં અથવા તમારા કોઈ પરિચિતમાં કોઈ માનસિક પરેશાનીનાં લક્ષણો દેખાતાં હોય તો નીચે આપેલી હેલ્પલાઇન પર ફોન કરીને મદદ લેવી જોઈએ.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય-1800-599-0019
ઈન્સ્ટીટ્યૂટ ઑફ હ્યુમન બિહેવિયર ઍન્ડ એલાઈડ સાયન્સીઝ- 9868396824, 9868396841, 011-22574820
નૅશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્થ ન્યૂરોસાયન્સીઝ-080-26995000
વિદ્યાસાગર ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેન્ટલ હેલ્થ ઍન્ડ એલાઈડ સાયન્સીઝ- 011 2980 2980














