અમદાવાદ : 'મિત્રની ગળું કાપીને કરી હતી હત્યા', દસ વર્ષ બાદ એક ફોનથી કઈ રીતે ઉકેલાયો ભેદ?

ઇમેજ સ્રોત, Amish Saroj
- લેેખક, સાગર પટેલ
- પદ, બીબીસી ગુજરાતી સંવાદદાતા
"અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અચાનક એક ફોન આવ્યો કે ‘દસ વર્ષ પહેલાં ચોમાસામાં વટામણથી વાસદ વચ્ચે ગળું કાપીને હત્યા કરાઈ અને મૃતદેહ ફેંકવામાં આવ્યો હતો.’ બાતમીદારે માત્ર આટલી માહિતી આપી અને શરૂ થયો તપાસનો ઘટનાક્રમ."
"અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના બે હેડ કૉન્સ્ટેબલે બાતમીના આધારે આ કેસની તપાસ શરૂ કરી."
"આ કેસ માટે એક કરતાં વધારે પોલીસસ્ટેશનમાં તપાસ કરવાની હતી, જ્યાં આ પ્રકારના કોઈ મૃતદેહની ફરિયાદ નોંધાઈ હોય."
"અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ઇમ્તિયાઝભાઈ અને ભરતભાઈએ અમદાવાદ ગ્રામ્યના પોલીસસ્ટેશનથી તપાસ શરૂ કરી હતી."
"પોલીસે સાણંદ, વટામણ, ધોળકા, કોઠ, બગોદરા સુધીનાં તમામ પોલીસસ્ટેશનોના ડેટા તપાસવાનું શરૂ કર્યુ."
પીઆઈ નિકુંજ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે થયેલી વાતચીતમાં આ માહિતી આપી હતી.
દસ વર્ષ પહેલાંના આ કેસમાં પોલીસે તારીખ પહેલી એપ્રિલે ચાર લોકોની ધરપકડ કરી અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા. રિમાન્ડ પૂરા થયા બાદ આરોપીઓને સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે.

- અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દસ વર્ષ પહેલાંની હત્યાનો કેસ કેવી રીતે ઉકેલ્યો?
- કેવી રીતે મૃતક બ્રિજેશના હત્યારાની ધરપકડ થઈ?
- મૃતક બ્રિજેશ કાંતાપ્રસાદની હત્યા પાછળનું રહસ્ય શું છે?
- સુખદેવસિંહે મૃતક બ્રિજેશનો મૃતદેહ અવાવરુ જગ્યાએ ફેંકી દીધો હતો
- સુખદેવસિંહના ગુનાઓથી કંટાળી તેમનાં પત્ની યુપી પોતાના ગામ જતાં રહ્યાં હતાં

કેવી રીતે મૃતકની મળી માહિતી?

ઇમેજ સ્રોત, saroj amish
પીઆઈ નિકુંજ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ઇમ્તિયાઝભાઈ અને ભરતભાઈ કોઠ પોલીસસ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તપાસ કરતા તેમને એક હત્યાનો કેસ મળી આવ્યો, જે વર્ષ 2010નો 56/10 નંબરનો કેસ હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
"આ કેસમાં મૃતકના શરીર પર છાતીના અને માથાના ભાગમાં ઈજા થઈ હતી અને ધારદાર હથિયારથી ગળું કાપી દેવાયું હતું, જે બાદ મૃતદેહને અવાવરું જગ્યાએ નાખી દેવાયો હતો.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, "આ કેસની માહિતી બાતમીદારની માહિતી સાથે ઘણી મળતી આવી હતી. ત્યારે પોલીસે બાતમીદાર પાસે જગ્યાને ક્રૉસવૅરિફાઈ કરી તેમાં સફળતા મેળવી હતી."
"પોલીસે પૉસ્ટમોર્ટમ રિપોર્ટ મંગાવી તપાસ આગળ વધારી હતી."
નિકુંજ સોલંકીના જણાવ્યા મુજબ, "આ ઘટનાના ગુનેગાર સુધી પહોંચવા માટે મળેલી માહિતી પૂરતી નહોતી, તેના માટે મૃતકની ઓળખ કરવી પણ જરૂરી હતી. પોલીસે બાતમીદાર પાસેથી અન્ય માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસને જાણવા મળ્યું કે મૃતક વડોદરાનો રહેવાસી હતો."
પીઆઈએ માહિતી આપી હતી કે, "પોલીસે મિસિંગ સેલમાં તપાસ શરૂ કરી કે 2010માં ખોવાયેલી વ્યક્તિઓની મિસિંગ ફરિયાદ નોંધાઈ છે. તેમાંથી કોની ઉંમર, કદ, કાઠી મૃતક સાથે મૅચ થાય છે."
આ તપાસ કરતા પોલીસને એક વ્યક્તિ ગુમ થયાની ફરિયાદ મળી હતી.
જેમનું નામ બ્રિજેશ કાંતાપ્રસાદ સરોજ હતું. જે વડોદરાના મકરપુરા વિસ્તારમાંથી ગુમ થયા હતા અને તેમનાં પત્ની સંગીતા કાંતાપ્રસાદે આ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં સુખદેવસિંહ સોહલ ઉર્ફે સુખોનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. બ્રિજેશ છેલ્લે તેની સાથે જોવા મળ્યા હતા. સુખો અને મૃતક બ્રિજેશ ખાસ મિત્રો હતા."

શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, Getty Images
નિકુંજ સોલંકીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "બ્રિજેશ વડોદરામાં રહેતા હતા અને સુખદેવસિંહ એક ગૅરેજ ચલાવતા હતા. મૃતક બ્રિજેશે સુખુદેવસિંહનાં સુનિતા નામનાં યુવતી સાથે લગ્ન કરાવી આપ્યાં હતાં."
"સુખદેવસિંહ ગાડીઓની ચોરીથી લઈ અનેક ગુનાઓમાં સંકળાયેલા હતા. આ વાત જાણી તેનાં પત્ની સુનિતા કંટાળી ગયાં હતાં. તેઓ પોતાના દાગીના અને બે લાખ જેટલી રોકડ રકમ લઈ પોતાના દીકરા સાથે યુપીમાં પોતાના ગામ જતાં રહ્યાં હતાં."
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, "સુુખદેવસિંહ પત્નીને મનાવવા માટે યુપી પણ ગયા હતા, જ્યાં સુખદેવસિંહના વિરુદ્ધમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જેને લઈ સુખદેવ નારાજ હતા."
"સુખદેવસિંહને શંકા ગઈ હતી કે સમગ્ર વાતમાં મૃતક બ્રિજેશે તેનાં પત્ની સુનિતાનો સાથ આપ્યો છે. સુખદેવે પોતાના મિત્રોની મદદ લઈ બ્રિજેશને પાઠ ભણાવવાનું નક્કી કર્યું હતું."
"તે પોતાના મિત્રોને અબ્દુલ ગફાર, ફિરોઝ ખાન અને મીદતને લઈને વડોદરા બ્રિજેશના ઘરે પહોંચ્યા અને તેમને ધમકાવ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. એ જગ્યાએથી સુખદેવ અને તેમના મિત્રોએ બ્રિજેશનું અપહરણ કર્યું અને તેને અમદાવાદના થલતેજ નજીકથી ચોરી કરેલી એક ગાડીમાં બેસાડી પૂછપરછ શરૂ કરી હતી."
પીઆઈએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, "આ દરમિયાન સુખદેવ ઉર્ફે સુખો જે ગાડીમાં બ્રિજેશ સાથે પાછળ બેઠા હતા. ત્યાં તેમણે બ્રિજેશની ચાલુ ગાડીમાં છાતીના ભાગમાં અને માથાના ભાગમાં ઘા મારી હત્યા કરી નાખી."
પોલીસ ફરિયાદ અનુસાર બ્રિજેશની હત્યા કરી મૃતદેહ વટામણથી ધોલેરા પાસે એક અવાવરું જગ્યા પર નાખી દીધો હતો અને ચોરી કરેલી ગાડીને ભરૂચના ઝઘડિયા પાસે એક ઝાડીમાં મૂકી દીધી હતી.
આ ઘટનાને વર્ષો વીતી ગયાં, તમામ લોકો પોતાનું રાબેતા મુજબનું જીવન જીવી રહ્યા હતા, પરંતુ સુખદેવ હજુ પણ પોતાની ટેવ મુજબ ગાડીની ચોરીઓમાં સંડોવાયેલા હતા. તેમના વિરુદ્ધમાં ઘણી ફરિયાદો પણ થઈ હતી.
"2022માં તે ટ્રક ચોરી કરવામાં પકડાયો હતો અને ત્યારબાદ તે જેલમાંથી છૂટી ગયો હતો."

"પપ્પાના ગુમ થયા પછી અમારું જીવન સંઘર્ષમય રહ્યું છે"

ઇમેજ સ્રોત, saroj amish
મૃતક બ્રિજેશનાં પત્ની અને પુત્ર વડોદરામાં રહે છે.
બીબીસી ગુજરાતીને પુત્ર સરોજ અને અમિષે જણાવ્યું હતું કે, "વર્ષોથી અમે એવું જ માનતા હતા કે મારા પપ્પા ગુમ થઈ ગયા છે અથવા ક્યાંક ચાલ્યા ગયા છે. પપ્પાના ગુમ થયા પછી અમારું જીવન ઘણું સંઘર્ષમય રહ્યું છે."
"અમારા ભણતર અને આર્થિક ઉપાર્જન માટે માતા આસપાસના વિસ્તારમાં ઘરકામ કરતા હતા. અમે બંન્ને ભાઈઓ ખાનગી શાળામાં અભ્યાસ કરતા હતા, પરંતુ પપ્પાના ગુમ થયા પછી સરકારી શાળામાં પ્રવેશ મેળવવો પડ્યો."
સરોજ અને અમિષ વધુમાં કહે છે કે, "સુખદેવસિંહ પપ્પાના મિત્ર હતા. અમને ક્યારેય અંદાજો નહોતો કે તેઓ આવું કરશે. અમે પપ્પાના ગુમ થયા પછી તેમના ઘરના સારા નરસા પ્રસંગમાં હાજરી આપી છે."

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિકુંજ સોલંકી અને તેમની ટીમ વડોદરાના રણોલી વિસ્તારમાં આવેલા સુખદેવસિંહના ગૅરેજ પર પહોંચી હતી.
પોલીસે સુખાના ગૅરેજેનો દરવાજો ખખડાવ્યો, ત્યારે દરવાજો ખૂલતા પોલીસે કહ્યું સુખદેવસિંહનું કામ છે. ત્યારે ગૅરેજમાંથી અવાજ આવ્યો કે, ‘હા, મેં હી સુખા હું બતાઈએ’
ત્યારબાદ પોલીસે સુખદેવસિંહની ધરપકડ કરી લીધી હતી. આ કેસમાં અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે અને તેમને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા છે.
સમગ્ર મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ નિકુંજ સોલંકીએ બીબીસી ગુજરાતીની વાતચીતમાં જણાવ્યું હતું કે, “અમારી પાસે ખૂબ મર્યાદિત માહિતી હતી. પરંતુ કેસ ઉકેલાઈ ગયો હતો.”














