‘આંસુ સૂકાઈ નથી રહ્યાં’, કૅનેડામાં મોતનો શિકાર બનેલા પરિવારના ગામમાં કેવી છે સ્થિતિ?

જસુભાઈ ચૌધરી

ઇમેજ સ્રોત, BBC GUJARATI

ઇમેજ કૅપ્શન, ડાબેથી જસુભાઈ ચૌધરી. તેઓ કહે છે કે હવે મૃતદેહો પરત લાવવા કોશિશ થઈ રહી છે.
    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ફરી એક વખત ઉત્તર ગુજરાતનો જ એક પરિવાર કથિતરૂપે અમેરિકામાં ગેરકાયદે પ્રવેશવાની કોશિશમાં કૅનેડાની સરહદે એક નદીમાં ડૂબી જવાથી મોતનો શિકાર બનતા ગુજરાતમાં રહેતા તેમના પાડોશીઓ અને સંબંધી સહિતના તમામ લોકો અત્યંત શોકમાં છે.

જુવાનજોધ દીકરા અને દીકરી સાથે આખોય પરિવાર જે રીતે મોતને ભેટ્યો એની વેદના ગામમાં પણ અનુભવાય છે.

બીબીસીએ આ મૃતક પરિવારના ગામની મુલાકાત લઈને મૃતક પરિવાર વિશે વધુ જાણવાની કોશિશ કરી.

પરિવાર શું કરતો હતો અને છેલ્લે એ કોને મળ્યો હતો ઉપરાંત તેમને ઓળખતા લોકો શું પ્રતિક્રિયા આપે છે એ જાણવાના પ્રયાસમાં કેટલીક મહત્ત્વની વાતો સામે આવી છે.

મહેસાણાના ‘માણેકપુરા ડાભલા’ ગામમાં પ્રવેશ કરતા દૂર મહિલાઓનાં એક સમૂહનું રુદન સંભળાયા કરતું હતું.

એક તરફ માથે સફેદ કપડું બાંધીને યુવાનોનું એક જૂથ બેઠું હતું, તો બીજી બાજુ ગાડીઓ ભરીને મહિલાઓ શોકસભામાં ભાગ લેવા આવતાં દેખાઈ રહ્યાં હતાં.

આ નાનકડા ગામમાં આમ તો મોટાભાગે પાટીદાર સમુદાયના વધારે મકાનો છે, પરંતુ તેમની સાથે ચૌધરી સમુદાયના લોકો વર્ષોથી આ ગામમાં રહે છે.

હાલમાં આ બન્ને સમુદાયના લોકો દુઃખી છે, કારણ કે આ ગામના 4 સભ્યો કૅનેડા-અમેરિકાની સરહદ પર મૃત્યુ પામ્યા છે.

પાકા રસ્તા, અને મોટા બંગલા ધરાવતા માણેકપુરા ગામમાં પ્રવીણભાઇ ચૌધરી (50), તેમનાં પત્ની દક્ષાબહેન, તેમના બે બાળકો મીત અને વિધિ વર્ષોથી અહીં રહેતાં હતાં.

ગ્રે લાઇન

ગામલોકોએ છેલ્લે ક્યારે તેમને જોયા હતા?

ઘર

ઇમેજ સ્રોત, PAVAN JAISHWAL

ઇમેજ કૅપ્શન, મહેસાણામાં ચૌધરી પરિવારનું મકાન.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગામલોકોએ તેમને છેલ્લે 3જી ફેબ્રુઆરીએ જોયાં હતાં. છેલ્લે જ્યારે તેઓ ચારેય કૅનેડા જવા માટે રવાના થયાં હતાં. કૅનેડાના વિઝીટર વિઝાના આધારે તેઓ ગામ છોડીને કૅનેડા ગયાં અને તેના લગભગ 2 મહિના બાદ કૅનેડા-અમેરિકા બોર્ડર પર તેમનું મૃત્યુ થયું હોવાના સમાચારો ગામલોકોને મળ્યાં.

30 માર્ચના રોજ કૅનેડા પોલીસને કૅસી ઑકસ નામની વ્યક્તિને શોધવાના તપાસ અભિયાન દરમિયાન સેન્ટ લૉરેન્સ નદીમાંથી 8 જેટલા મૃતદેહો મળ્યા હતા. કૅનેડીયન પોલીસની એક પ્રેસનોટ પ્રમાણે આ 8 લોકો 2 પરિવારના સભ્યો હતા. તેમાંથી 4 લોકો રોમાનિયન મૂળના જ્યારે બીજા 4 લોકો ભારતીયો હતા.

આ માહિતીની જાણ થતા પ્રવીણભાઇના પિતરાઈ ભાઈ જસુ ચૌધરીએ પોલીસ અને સ્થાનિક કલેક્ટરનો સંપર્ક કરીને, પોતાના ઘરના ચાર સભ્યોની છેલ્લા કેટલાક દિવસોથી કોઈ ભાળ નથી તેવી માહિતી આપી હતી, અને ત્યારબાદ મહેસાણા કલેક્ટર ઓફિસ અને સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ હરકતમાં આવી ગયા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મહેસાણા જીલ્લા કલેક્ટર એમ નાગરાજને કહ્યું કે, “અમને પરિવારે સંપર્ક કર્યો ત્યારબાદ અમે રાજ્ય સરકારને જાણ કરી હતી. આ તમામ મૃતદેહો ભારત લાવવાની પ્રક્રિયા ઝડપથી શરૂ થાય તે માટેની રજૂઆતો કરી છે.”

જોકે મહેસાણા સુપ્રિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ અચલ ત્યાગીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું હતું કે, આ ચારેય લોકોની પાસપૉર્ટની વિગતો અને તેમની તસવીરને આધારે તેમણે પોતે કૅનેડિયન પોલીસનો સંપર્ક કર્યો હતો, અને જાણવા મળ્યું હતું કે આ ચારેય વ્યક્તિઓ મહેસાણાના માણેકપુરા ગામની વતની હતી.

ગ્રે લાઇન

મૃતદેહોની ઓળખ કેવી રીતે થઈ?

તપાસ સમયની તસવીર

ઇમેજ સ્રોત, AKWESASNE MOHAWK POLICE SERVICE FACEBOOK

પોલીસ ઉપરાંત પરીવારજનોએ પણ આ અંગે પોતાની રીતે મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા, જસુભાઇ ચૌધરીએ કહ્યું કે, “તેમના પરિવારની એક દીકરી અમેરીકામાં રહે છે અને તેણે પ્રવીણભાઇના પરીવારજનોની તસવીર કૅનેડીયન પોલીસને ઇ-મેઇલ મારફતે મોકલીને આ ચારેયની ઓળખ કરી હતી."

“અમે હવે તેમના મૃતદેહોને ભારત લાવવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ.”

જસુભાઈ અને સમાજના બીજા આગેવાનોએ સ્થાનિક ધારાસભ્યો, સંસદસભ્યો, સામાજિક આગેવાનો વગેરેની મદદથી મૃતદેહો ભારત લાવવાની પ્રક્રીયા ઝડપથી શરૂ કરવાની માંગણી કરી છે.

બીબીસી ગુજરાતી

મિલનસાર ચૌધરી પરિવાર

મહેસાણાસ્થિત ઘરમાં શોક પાળી રહેલી મહિલાઓ

ઇમેજ સ્રોત, KETAN PATEL

ઇમેજ કૅપ્શન, મહેસાણાસ્થિત ઘરમાં શોક પાળી રહેલી મહિલાઓ

પ્રવીણભાઈ ચૌધરીના પાડોશી સંજુભાઇ ચૌધરીએ પ્રવીણભાઈના વ્યવસાય વિશે બીબીસીને કહ્યું, “હું તેમને ખૂબ સારી રીતે જાણું છું. તેઓ ખેતીનું કામ તો કરતા જ હતા, પરંતુ તેની સાથે સાથે તેઓ દૂધના ટૅન્કરનું પણ સંચાલન કરતા હતા. એટલે કે ટૅન્કરમાં દૂધ ભરીને અલગ અલગ સ્થળોએ મોકલતા હતા. મારા મત પ્રમાણે તેમનો ધંધો ખૂબ સારો ચાલી રહ્યો હતો.”

ગામનાં મહિલા કૈલાશ પટેલે કહ્યું, “અમે ખેતર પાડોશી છીએ. આ પરિવાર સાથે અમારા ખૂબ સારા સંબંધો હતા. જોકે તેમણે પોતાના પ્રવાસ વિશે કોઇને છેલ્લા દિવસ સુધી કંઈ જ કહ્યું નહોતું. અત્યારે આ સમાચાર સાંભળીને અમારા આંસુ રોકાવવાનું નામ નથી લેતા.”

બીબીસી ગુજરાતી

કેમ બની રહી છે આવી ઘટનાઓ?

કૅનેડા પોલીસની પ્રેસનોટ

ઇમેજ સ્રોત, AKWESASNE MOHAWK POLICE SERVICE FACEBOOK

ઇમેજ કૅપ્શન, કૅનેડા પોલીસની પ્રેસનોટ

આ વિશે બીબીસીએ વિવિધ સમાજિક આગેવાનો સાથે વાત કરી. સરદાર પટેલ ગ્રૂપના પ્રમુખ લાલજી પટેલ પ્રમાણે તેઓ જ્યાં જાય ત્યાં લોકોને કાયદેસર રીતે જ વિદેશ જવાનો આગ્રહ રાખવાની વાત કરતા હોય છે.

“અમે લોકોમાં આ વિશે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ, અને કહીએ છીએ કે લોકો પોતાનાં બાળકો માટે મહેનત કરીને તેમને વિદેશ મોકલે અને તેમની સાથે પછી પોતે પણ જતા રહે, પરંતુ હજી સુધી આ તમામ કાર્યોની કોઇ ખાસ અસર પડી હોય તેવું અમને લાગતું નથી.”

બનાસકાંઠાના ભાજપના આગેવાન અને ભુતપૂર્વ કેન્દ્રીય મંત્રી હરીભાઈ ચૌધરીએ કહ્યું કે, “અમારા જિલ્લામાં આવી રીતે વિદેશ જતા લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ આ સમસ્યા મોટી છે.”

લાલજી પટેલના જણાવ્યા અનુસાર હાલમાં બેરોજગારી અને ધંધા-રોજગારીની ઓછી તકોને કારણે ઘણા લોકો વિદેશમાં જવાનું પસંદ કરે છે, અને તે માટે ગમે તેટલો ખર્ચ કરવા પણ તૈયાર હોય છે.

બીબીસી ગુજરાતી

પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે?

આ કેસની પ્રાથમિક તપાસ વિસનગરના ડીવાય.એસ.પી. દિનેશસિંહ ચૌહાણ કરી રહ્યા છે.

બીબીસી સાથેની તેમની વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે, "આ ચારેય લોકો કાયદેસરના વિઝા લઇને કૅનેડા ગયા હતા, તેમના પાસપૉર્ટ પણ કાયદેસરના હતા. હાલના તબક્કે આ કેસની તપાસમાં અમારે વધારે કંઇ તપાસ કરવાની જરુર લાગતી નથી. પરંતુ પરિવારને મદદરુપ થવા માટે આ મૃતદેહો પાછા દેશમાં લાવવા માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ."

ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં મહેસાણા જિલ્લાના ડીંગુચા ગામના પણ એક જ પરિવારના ચાર સભ્યો આવી જ રીતે કૅનેડાથી અમેરિકા જવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં અને માઇનસ 35 ડિગ્રી તાપમાનમાં તેઓ થીજી ગયા હતા અને મૃત્યુ પામ્યાં હતાં.

એ કેસની તપાસ હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સીઆઇડી ક્રાઇમ કરી રહી છે અને તેમાં ગુજરાતથી ચાલતા માનવ તસ્કરીના રૅકેટનો પર્દાફાશ કર્યો છે.

રેડ લાઇન
રેડ લાઇન