પોરબંદર : મહિલાની હત્યા અને 'બુટલેગર'નો આપઘાત, 'લગ્નેતર સબંધ' અને બે-બે મુત્યુનો મામલો શું છે?

ઇમેજ સ્રોત, Vipul dave/ Vipul Thakrar
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
પોરબંદરમાં નવી ખંડપીઠ વિસ્તાર સામાન્ય દિવસોમાં ધમધમતો હોય છે, પણ આજકાલ અહીં સન્નાટો જોવા મળી રહ્યો છે.
મધ્યમ અને ઓછી આવક ધરાવતા વર્ગની સયુંકત વસતી ધરાવતા આ મહોલ્લામાં છલાયેલા સન્નાટાથી કેટલાક લોકો ખુશ છે, તો કેટલાક લોકોને આવનારા દિવસોમાં કંઈક અજુગતું થવાનો ડર પણ રહેલો છે.
એનું મુખ્ય કારણ ત્યાં થયેલી એક મહિલાની હત્યા અને પછી કથિત આરોપીએ કરેલી આત્મહત્યા છે.
પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ જણાવ્યું કે કંચન બળેજા નામનાં મહિલાનો મૃતદેહ એ જ મહોલ્લામાં રહેતા ત્રિકમ ચાવડાના ઘરેથી મળી આવ્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે, “બીજી તરફ ચોટીલા પોલીસ તરફથી અમને માહિતી મળી હતી કે ચોટીલા મંદિર પાસે 6 એપ્રિલે પોરબંદરના ત્રિકમ ચાવડાએ પોતાની કારમાં આત્મહત્યા કરી છે. અમે અશ્વિન બળેજાની ફરિયાદના આધારે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.”
ચોટીલા પોલીસે પણ ગાડીમાંથી લોહીલુહાણ હાલતમાં ત્રિકમ ચાવડા મળી આવ્યા હોવાની પુષ્ટી કરી છે.
પોરબંદરના કમલાબાગ નજીક આવેલી બાવાજીની સમાધિ પાસેના જુડાળા મહોલ્લામાં રહેતા લોકોનું કહેવું છે કે ત્યાંના બૂટલેગર ત્રિકમ ચાવડા ઉર્ફે મુન્નાભાઈનો ખોફ હતો.
મૂળ બોટાદના ત્રિકમ ચાવડા છેલ્લાં 24 વર્ષથી પોરબંદરમાં રહેતા હતા. પોલીસના ચોપડે તેમના નામે દારૂ પીવા અને તેના વેચાણ તેમજ લોકોને ધમકાવવા તથા મારામારીના કેસ નોંધાયેલા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું હતો સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, vipul thakrar
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પોરબંદરમાં નવી ખંડપીઠ નજીક ખાણી-પીણી બજારમાં અને તેમના મહોલ્લામાં રહેતા લોકો કહે છે કે આર્થિક રીતે નબળા લોકોને ત્રિકમ ચાવડા ઉધાર પૈસા આપી ધમકાવતા હતા, જેથી તેમનો ડર લોકોમાં બન્યો રહે.
પોરબંદર પોલીસે જણાવ્યું કે તેમના પાડોશમાં રહેતાં એક મહિલાનો મૃતદેહ ત્રિકમ ચાવડાના બંધ મકાનમાંથી મળી આવ્યો છે, ત્યારબાદ તેમણે ચોટીલા જઈને આત્મહત્યા કરી લીધી છે.
આ વિસ્તારમાં રહેતા હીરાભાઈ મકવાણાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું છે કે, “અમારા મહોલ્લામાં ત્રિકમ ચાવડાનો ભારે ત્રાસ હતો, એ અવારનવાર દારૂ પીને લોકો સાથે ઝઘડા કરતા હતા, મહિલાઓને પણ હેરાન કરતા હતા. જેના કારણે મહોલ્લામાંથી બે લોકો પોતાનાં મકાન સસ્તા ભાવે વેચી બીજે રહેવા ચાલ્યા ગયા છે.”
તેમણે વધુમાં કહ્યું હતું કે, “જયારે અન્ય લોકોની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી નવું ઘર ખરીદી શકતા નથી, તેથી અહીં રહીને તેનો ત્રાસ સહન કરતા હતા.
જો કોઈ પોલીસમાં ફરિયાદ કરે તો તે જેલમાંથી જામીન પર છૂટીને આવે, ત્યારે તેમને ધમકાવતા હતા. મારા મહોલ્લાની કંચન બળેજા સાથે વારંવાર તેમના ઝઘડા થતા હતા અને તેમનો મૃતદેહ પણ તેના ઘરમાંથી મળી આવ્યો છે.”
તેઓએ કહ્યું હતું કે, “તેની આવી હરકતોથી કંટાળીને તેમનાં પત્ની ધમીબહેન પોતાની બે દીકરીઓને લઈને પિયર જતાં રહ્યાં હતાં. તેમનો દીકરો પણ અઠવાડિયા પહેલાં તેમનાં માતા પાસે ચાલ્યો ગયો હતો.”

ત્રિકમ સાથે કંચનના ઝઘડા થતાં રહેતા

ઇમેજ સ્રોત, Vipul Thakrar
જુડાળા મહોલ્લામાં રહેતા અશ્વિન બળેજાની પત્ની ગુમ થતાં એક અઠવાડિયા પહેલાં તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનાં પત્ની ગુમ છે અને ત્રિકમ સાથે તેમનો અવારનવાર ઝઘડો થતો હતો.
પોરબંદરમાં પ્લમ્બરનું કામ કરતા અશ્વિન બળેજાનો સંપર્ક સાધતા તેમણે કહ્યું હતું કે, તેમનાં લગ્ન 15 વર્ષ પહેલાં સામાજિક રીતરિવાજ મુજબ દોલતગઢના ઓઘડજી ભુવાની દીકરી કંચન સાથે થયાં હતાં. તેઓ બે સંતાનના પિતા છે.
મહોલ્લામાં દારૂ પીને લોકોને પરેશાન કરતા ત્રિકમ સાથે તેમનાં પત્ની કંચનના વારંવાર ઝઘડા થતા હતા. તારીખ ચોથી એપ્રિલે તેમનાં પત્ની આંગણવાડીમાં દવા લેવાં ગયાં હતાં, ત્યારબાદ તેઓ ઘરે પાછાં આવ્યાં જ નહીં.
તેમણે તેમનાં પત્નીની ઘણી શોધ કરી પણ તેઓ ન મળ્યાં.
તેઓએ જણાવ્યું હતું કે, “એ સમયે ત્રિકમનું મકાન પણ બંધ હતું, તેથી મારાં પત્ની કંચનના ગુમ થવા પાછળ ત્રિકમનો હાથ હોવાની પોલીસમાં ફરિયાદ કરી હતી.”
“ત્યારબાદ પોલીસે ત્રિકમના ઘરનો દરવાજો તોડીને તપાસ કરી, ત્યારે મારાં પત્નીનો મૃતદેહ તેના ઘરમાં સોફા પાસે પડ્યો હતો અને ઘરમાં લોહીવાળું ચાકુ હતું.”
પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ કહ્યું હતું કે, “અશ્વિન બળેજાનાં પત્ની ગુમ થયાની ફરિયાદ લઈને તેઓ આવ્યાં હતાં. ત્રિકમનું મકાન બંધ હતું, તેથી ઍક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં તેના ઘરનું તાળું તોડીને તપાસ કરી, ત્યારે ત્યાંથી કંચન બળેજાનો મૃતદેહ મળી આવ્યો હતો.”
તેમણે ઉમેર્યું હતું કે, “બીજી તરફ ચોટીલા પોલીસ તરફથી અમને માહિતી મળી હતી કે ચોટીલા મંદિર પાસે 6 એપ્રિલે પોરબંદરના ત્રિકમ ચાવડાએ પોતાની કારમાં આત્મહત્યા કરી છે. અમે અશ્વિન બળેજાની ફરિયાદના આધારે તેમની સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.”
ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ કહ્યું હતું કે, “ત્રિકમ સામે પોરબંદરમાં દારૂ વેચવાના ગુના પણ નોંધાયેલા છે. કંચન બળેજાની હત્યા થઈ એ સમયે તેના ઘરમાં કોઈ ન હતું. તેમનાં પત્ની 25 દિવસથી બોટાદ ગયાં હતાં.
ત્રિકમના ઘરમાં લાગેલા સીસીટીવી ફૂટેજ અમે તપાસી રહ્યા છીએ અને હત્યા માટે વપરાયેલું ચાકુ અમે કંચન બળેજાના મૃતદેહ પાસેથી કબજે કર્યું છે. સાથે અમે ચોટીલા પોલીસના સંકલનમાં રહીને કેસની વધુ તપાસ કરી રહ્યા છીએ.”

પોલીસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, vipul Dave
હનુમાન જયંતિના દિવસે ચોટીલા મંદિર પાસે પોતાના પરિવારને દર્શન કરવા મોકલી દઈ, ત્રિકમે પોતાની કારમાં ગળા પર ચાકુ મારીને આત્મહત્યા કરી હતી. ત્યારબાદ તેમનો પરિવાર કાર પાસે આવ્યો, ત્યારે ત્રિકમની સારવાર માટે તેમના પત્નીએ પોલીસ પાસે મદદ માગી હતી.
ચોટીલા રેન્જના ડીવાયએસપી ચેતન મુંધવાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, “ત્રિકમ ચાવડા પોતાના પત્ની અને બે દીકરીઓને લઇને હનુમાન જયંતિના દિવસે ચોટીલા મંદિરે 6 એપ્રિલે આવ્યા હતા. તેમનાં પત્ની અને બંને દીકરીઓને દર્શન કરવા જવાનું કહી એ કારમાં બેઠા હતા.”
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “અંદાજે 12 વાગે તેમનાં પત્ની ધમીબહેન ચાવડાએ તેમના પતિ કારમાં લોહી લુહાણ હાલતમાં હોવાની પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે ત્યાં પહોંચી ત્રિકમને ચોટીલા હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા, પરંતુ એ સમયે ત્રિકમનું લોહી વધુ વહી ગયું હોવાથી તેને એમ્બ્યુલન્સમાં રાજકોટ લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમનું મૃત્યુ થયું હતું.”
ચેતન મુંધવા કહે છે કે, “ત્રિકમ ચાવડાની આત્મહત્યા પાછળનું કારણ પૂછ્યું, ત્યારે તેમના પત્ની ધમીબહેને કહ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક દિવસથી પોરબંદરથી બોટાદ આવ્યાં હતાં અને તેમના પતિને ખૂબ ટેન્શન રહેતું હોવાના કારણે આ પગલું ભર્યું હોવાનું જણાય છે. આ અંગે અમે પોરબંદર પોલીસને જાણ કરી હતી. અમે પોરબંદર પોલીસના સંપર્કમાં રહીને વધુ તપાસ કરી રહ્યા છીએ.”
પતિની અંતિમ વિધિના કારણે બોટાદમાં રહેલાં ધમીબહેન સાથે સ્થાનિક આગેવાનની મદદથી સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, “મારા પતિ અને કંચન બળેજા વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મારા પતિની અંતિમ ક્રિયા બાદ હું પોરબંદર જઈશ, પરંતુ હાલ મેં પોલીસને તે દિશામાં તપાસ કરવા ફોન પર વિનંતી કરી છે.”
પોરબંદરના ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ કહ્યું હતું કે, “હજુ સુધી આવી કોઈ વિધિવત જાણ પોલીસને કરવામાં આવી નથી. પોલીસ આ કેસના તમામ પાસાઓની તપાસ કરી રહી છે, સાથે પોલીસ તેમનાં પત્નીનું નિવેદન લેવા પણ જશે. એ સમયે અધિકૃત જો જાણ કરશે તો પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે.”
તેઓએ જણાવ્યું હતું કે, “હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક રિપોર્ટ તથા કંચન અને ત્રિકમના ફોનની કોલ ડીટેલ એકઠી કરી રહી છે. 4 એપ્રિલે કંચનની હત્યા થયા પછી ત્રિકમ ક્યાં હતો, એ તમામ બાબતોની તપાસ કરી રહી છે.”
આ અંગે કંચન બળેજાના પતિ અશ્વિન બળેજાએ પોતાના પત્નીના ત્રિકમ સાથે ઝઘડા થતા હોવાથી ત્રિકમ ચાવડાએ આવું કર્યું હોવાનો આરોપ લગાવતા કહ્યું કે, “મેં પોલીસ ફરિયાદમાં પણ આજ વાત લખાવી છે.”














