પશ્ચિમ બંગાળઃ રામનવમીના તહેવારે વારે વારે કેમ થઈ રહી છે સાંપ્રદાયિક હિંસા?

રામનવમી
    • લેેખક, અમિતાભ ભટ્ટાસાલી
    • પદ, બીબીસી ન્યૂઝ બાંગ્લા

બાદશાહ શેરશાહ સૂરીએ (1486-1545) ભારતના પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડવા માટે ગ્રાન્ડ ટ્રન્ક રોડ એટલે કે જીટી રોડ નામે જાણીતો મહામાર્ગ તૈયાર કરાવ્યો હતો. આ જીટી રોડના કિનારે જ એક જગ્યાએ મોહમ્મદ સઉદ ચાની નાનકડી દુકાન ચલાવે છે. તૂટેલી હાલતમાં દુકાન પાસે તે ચુપચાપ બેઠા છે. તેની દુકાનની બાજુમાં જ એક હિન્દુ મંદિર આવેલું છે.

બીબીસી સાથેની વાતચીતમાં મોહમ્મદ સઉદ કહે છે, "હું મુસલમાન છું. મારી બાજુમાં જ હિન્દુ મંદિર આવેલું છે. તેના બીજા છેડે મારા ભાઈની દુકાન બનેલી છે. અમે જ આ મંદિરની સાફસફાઈ કરીએ છીએ અને દીવાબત્તી કરી લઈએ છીએ. આટલાં વર્ષોથી હું અહીં દુકાન ચલાવું છું. આજ સુધી ક્યારેય કોઈ મુશ્કેલી થઈ નહોતી. પણ હવે જુઓ લોકો મારી દુકાનમાં તોડફોડ કરીને જતા રહ્યા."

મોહમ્મદ સઉદ બિહારના સમસ્તીપુરમાંથી ચારેક દાયકા પહેલાં રોજીરોટીની શોધમાં હુગલી જિલ્લામાં આવ્યા હતા. જિલ્લાના શણનાં કારખાનાં આવેલાં છે તે રિસડા વિસ્તારમાં આવીને વસ્યા હતા. આ જ રિસડા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા હતા.

પોલીસે તહેવારના બે દિવસ બાદ અહીં યાત્રા કાઢવા માટેની અનુમતિ આપી હતી. તે માટે એવી દલીલ આપવામાં આવી હતી કે બધા જ વિસ્તારોમાં એક સાથે રામનવમીના યાત્રા કાઢવામાં આવે તો પોલીસ બધી જગ્યાએ બંદોબસ્ત માટે પહોંચી શકે નહીં. એટલે અલગઅલગ દિવસે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિસડામાં બીજી એપ્રિલ રવિવારે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સઉદની દુકાન સામે બીજી એક દુકાન પણ વેરવિખેર હાલતમાં દેખાય છે. સઉદ કહે છે, "મેં સાંભળ્યું હતું કે જુલૂસ જ્યાં નીકળ્યું હતું ત્યાં તોફાનો થયાં હતાં. સાંજના સમયે કેટલાક યુવાનોનું એક ટોળું આવ્યું અને અહીં લારીગલ્લા હતા તેને આગ ચાંપી દીધી હતી. આ બધા ઠેલા મુસલમાનોના હતા. તે પછી મારી દુકાનમાં પણ તોડફોડ કરવામાં આવી અને સામાનને વેરવિખેર કરી નાખવામાં આવ્યો."

જીટી રોડ પર દુકાનોમાં તોડફોડના અને લારીગલ્લામાં આગ ચાંપવાના બનાવો બની રહ્યા હતા ત્યારે થોડે જ દૂર આવેલા હિન્દુ બહુમતીવાળા વિસ્તારમાં ઈંટોથી પથ્થરમારો થઈ રહ્યો હતો અને બૉટલો ફેંકવામાં આવી રહી હતી. એ ઘટનાના કેટલાક દિવસો પછીય રસ્તા પર ઈંટોના ટુકડા અને તૂટેલી બૉટલો એક કોરાણે કરેલા જોવા મળે છે.

આ વિસ્તારની ગલીઓમાં ચારે બાજુ હિન્દુત્વના પ્રતીક તરીકે ભગવા ઝંડાઓ લગાવવામાં આવેલા છે. ચાર રસ્તે લોકોની ભીડ જામેલી છે. પોલીસ વારંવાર આવીને સૌને વિખેરાઈ જવા માટે જણાવે છે.

રિસડા મૂળભૂત રીતે ઔદ્યોગિક વિસ્તાર છે. નજીકમાં જ શણની મિલ પણ આવેલી છે. અહીં મજૂરોના મહોલ્લાઓ છે અને અહીં સામાન્ય રીતે હિંસાના બનવાનો બનતા નહોતા.

રિસડામાં આ પહેલાં ક્યારેય સાંપ્રદાયિક હિંસાના બનાવો બન્યા નહોતા.

ગ્રે લાઇન

આ વખતે શા માટે તણાવ શરૂ થયો?

મોહમ્મદ સઉદ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અભિષેકસિંહ નામનો એક યુવક કહે છે, "છેલ્લાં 12 વર્ષથી જે રીતે રામનવમીની શોભાયાત્રા નીકળે છે, તે રીતે જ આ વખતે પણ નીકળી હતી. આ વખતે ફરક એ હતો કે ભીડ વધારે થઈ ગઈ હતી. બહુ બધા લોકો એકઠા થઈ ગયા હતા. શોભાયાત્રા જીટી રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે બીજી કોમના લોકો (મુસલમાનોએ) પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બસ તે પછી ઝઘડો થયો હતો."

રિસડામાં આ તોફાનો થયાં તેના બે દિવસ પહેલાં જ હાવડાના શિવપુરમાં પણ આવી રીતે કોમી તોફાનો થયાં હતાં.

હુગલી જિલ્લાના રિસડામાં અગાઉ ક્યારેય કોમી ઘર્ષણ થયેલું નહોતું, પરંતુ હાવડાના જે વિસ્તારમાં 30 માર્ચે રામનવમીના દિવસે તોફાનો થયાં ત્યાં અગાઉ તોફાનો થયાં હતાં. 2022ના વર્ષમાં રામનવમીની સાંજે આવી રીતે જ તોફાનો થયાં હતાં.

શિવપુરના કાઝીપાડા વિસ્તારમાં નીકળીએ ત્યારે એક હિન્દુ મંદિર તરત ધ્યાને ચડે છે. મંદિરની સામે જ લાઈનબંધ મુસ્લિમોની ફળોની દુકાનો આવેલી છે.

અહીં રોજા રાખ્યા હોય તે મુસ્લિમો (હાલમાં રમજાન મહિનો ચાલી રહ્યો છે એટલે) ફળો ખરીદે છે અને સાથે જ હિન્દુઓ પણ ફળો ખરીદવા માટે આવતા હોય છે.

નજીકમાં જ આવેલી એક આવાસ ઇમારતમાં રહેતા રાજેશ ઝંવર કહે છે, "આ લોકો સાથે અમારા સંબંધો ક્યારેય ખરાબ થયા નથી. અમે સામાન્ય રીતે તેમની દુકાનોમાંથી જ ફળો અને શાકભાજી ખરીદીએ છીએ. તે દિવસે ખબર નહીં શા માટે આ લોકોએ પથ્થરમારો કરવાનું શરૂ કરી દીધું."

રામનવમી

સ્થાનિક લોકોનું કહેવું છે કે રામનવમીની શોભાયાત્રા એક મસ્જિદ પાસેથી પસાર થઈ ત્યારે તેમાંથી પથ્થરમારો થયો હતો. તે વખતે ત્યાં ઇફ્તાર ચાલી રહ્યો હતો.

સરકારનો દાવો છે કે આ વિસ્તારમાં યાત્રા કાઢવા માટેની મંજૂરી આપવામાં આવી નહોતી, કેમ કે ગયા વર્ષે પણ અહીં તોફાનો થયાં હતાં.

પોલીસના જણાવ્યા અનુસાર મંજૂરી નહોતી છતાં યાત્રા કાઢવામાં આવી હતી. યાત્રામાં જોડાયેલા લોકોના હાથમાં હથિયાર અને પિસ્તોલ પણ હતી.

સ્થાનિક રહેવાસી મહતાબ અઝીઝ કહે છે, "કોણે પહેલા પથ્થરો ફેંકવાનું શરૂ કર્યું એની મને ખબર નથી, પણ બાદમાં બંને ધર્મના લોકોએ એકબીજા પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો."

રાજેશ ઝંવર જે બહુમાળી ઇમારતમાં રહે છે ત્યાંના જ એક નિવાસીએ પોતાનું નામ નહીં છાપવાની શરતે જણાવ્યું કે, "હું બારી પાસે બેસીને મારા લેપટૉપ પર કામ કરી રહ્યો હતો. થોડા જ વખતમાં સામે આવેલી શેરી જાણે યુદ્ધભૂમિ હોય તેવી હાલત થઈ ગઈ હતી."

પોતાના ફ્લેટમાંથી તેમણે વીડિયો રેકૉર્ડ કર્યો હતો તે મને બતાવ્યો. વીડિયોમાં જોવા મળે છે કે પથ્થરમારો કરી રહેલા લોકોમાં કેટલાકે ટોપી પહેરેલી છે, જ્યારે કેટલાકના હાથમાં ગેરુ રંગની ધજાઓ છે.

પથ્થરમારો થયો તે પછી આ વિસ્તારમાં આંગ ચાપવાના અને તોડફોડના બનાવો બન્યા હતા. તોફાનોમાં કેટલાકની ફળોની દુકાનોને સળગાવી દેવાઈ, જ્યારે કોઈની બૅન્ક લોન લઈને લીધેલી ટેક્સી પણ સળગી ગઈ.

પીએમ બસ્તીની મસ્જિદ સામે તોફાનો થયાં હતાં. તે ગલીમાં શાહીદ વારસી સાથે મારી મુલાકાત થઈ. બાળી દેવાયેલી ટેક્સી તેમણે જ બૅન્ક લોન લઈને ખરીદી હતી.

વારસી કહે છે, "મારી ટેક્સી એક ખૂણે પડી હતી. તેના પર મારું નામ અને માશા અલ્લાહ લખેલું હતું. તે જોઈને જ લોકોએ ટેક્સીને સળગાવી દીધી હતી. આ બાબતની જાણ કરવા માટે હું બૅન્કમાં ગયો હતો, પણ તે લોકોએ હાથ ઊંચા કરી દીધા અને કહ્યું કે તે લોકો આ બાબતમાં કંઈ કરી શકે નહીં. એ લોકોએ મારી ટેક્સી સળગાવી દીધી, પણ હવે મારે હવે દેવું ચૂકવવા હપ્તા ભરવા પડશે."

શાહિદ વારસી

સ્થાનિક લોકોનું કહેવું છે કે આગલા દિવસે એટલે કે શુક્રવારે જુમ્માની નમાઝ પુછી મુસ્લિમોનાં જુદાં જુદાં ટોળાંએ રહેઠાણ વિસ્તારમાં આવીને જુદી જુદી ઇમારતો પર પથ્થરમારો કર્યો હતો.

આ વિસ્તારમાં રહેતી મેઘના ઝંવર કહે છે, "નમાઝ પછી મુસલમાનોએ અહીં આવીને પથ્થરમારો કર્યો. રહેઠાણ ઇમારત પર પથ્થરો ફેંકવા ઉપરાંત એક મંદિર પર પણ પથ્થરો ફેંકવામાં આવ્યા. એક મોટા શો રૂમનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો અને તેમાં આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ સ્થળ પર હાજર હતી છતાં કશું કર્યું નહોતું."

તેમનું કહેવું છે કે ગયા વર્ષે પણ આવી જ ઘટનાઓ બની હતી. પણ તેનો અર્થ એવો નથી કે યોગાનુયોગે આ તોફાનો થયાં છે. આ એક સુનિયોજિત રીતે થયું છે એમ તેમનું કહેવું છે.

મેઘના ઝંવર

શુક્રવારે બપોરે આ વિસ્તારના મંદિર પર પથ્થરમારો થયો, જ્યાં આજે પણ ચારે બાજુ સાબિતી આપતા પથ્થરો પડેલા છે.

મંદિરના પૂજારી સુદામા ઠાકુર કહે છે, "બપોરે લગભગ એક દોઢ વાગ્યે અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. હું ત્યારે મંદિર પરિસરમાં અંદર જ હતો. કોઈ મંદિરની અંદરની તરફ પથ્થરો નહોતા ફેંક્યા, પરંતુ બહારની બાજુ, અને છત પર પથ્થરોનો જાણે વરસાદ થયો હતો. મેં એ બધા પથ્થરોને એક જગ્યાએ એકઠા કરી રાખ્યા છે."

ગ્રે લાઇન

સામસામા રાજકીય આરોપો

મંદિર પર હુમલાનો આરોપ

હાવડામાં રહેતા રાજ્ય સરકારમાં પ્રધાન અરૂપ રાયે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે તો નાનપણથી રામનવમીના સરઘસ જોતા આવ્યા છીએ. અમારા શહેરનો રામરાજાતલા વિસ્તાર તો રામની પૂજા માટે સુપ્રસિદ્ધ છે."

"પરંતુ અમે ક્યારેય લાકડીઓ, તલવાર અને પિસ્તોલ સાથે રામનવમીની શોભાયાત્રા નીકળતી ક્યારેય નહોતી જોઈ. પરંતુ હાલનાં વર્ષોમાં આ બધું જોવા મળી રહ્યું છે. હિન્દુ અને મુસ્લિમોમાં વિભાજનથી જે લોકોને ફાયદો થાય છે તે લોકો જ આવું કરવા માગે છે."

અરુપ રાય
ઇમેજ કૅપ્શન, અરુપ રાય

તેમની વાત પરથી સ્પષ્ટ થાય છે તે તૃણમૂલ કૉંગ્રેસ કોમી તોફાનો માટે સીધી રીતે હિન્દુત્વવાદી સંગઠનોને જવાબદાર ઠેરવી રહી છે. બીજી બાજુ ભાજપ આ માટે રાજ્યના મુખ્ય મંત્રીને દોષી ગણાવી રહ્યો છે.

ભાજપના પ્રદેશ મંત્રી ઉમેશ રાયે બીબીસીને જણાવ્યું કે, "મુસ્લિમોના સોએ સો ટકા મતોનું ધ્રુવીકરણ તૃણમૂલ કૉંગ્રેસ તરફ થયું હતું. આ મતો હવે સરકી રહ્યા છે. તે મતોનું ફરીથી ધ્રુવીકરણ કરાવવા માટે સુનિયોજિત રીતે આ બધુ કરાવામાં આવી રહ્યું છે. રાજનીતિને કારણે કોઈને ને કોઈને ફાયદો થવાનો જ છે. પરંતુ મમતા પોતાના નિવેદનબાજી દ્વારા બંગાળને આગમાં ધકેલવાનું કામ કરી રહ્યા છે."

રામનવમી

પોલીસે રામનવમીની ઉજવણી વખતે થયેલાં તમામ કોમી તોફાનોની તપાસ શરૂ કરી છે. ઘટનાક્રમને જોવામાં આવે તો લાગે છે કે બધી જ જગ્યાએ અમુક રીતે જ તોફાનો ફેલાયાં હતાં.

રામનવમીની શોભાયાત્રા મસ્જિદ પાસેથી કે મુસ્લિમોના વિસ્તારમાં પસાર થઈ હોય ત્યાં તોફાનો થયાં હતાં. ખાસ કરીને મગરિબ (એટલે કે સાંજે 6થી 7 વાગ્યાની નમાઝ વખતે) અથવા ઇફ્તાર ચાલતું હોય ત્યારે શોભાયાત્રા પસાર થઈ હોય અને તોફાનો થયાં હોય તેવું બન્યું છે.

મહતાબ અઝીઝ કહે છે, "મેં પહેલાં પણ રામનવમીનાં જુલૂસ જોયેલાં છે. તે લોકો ભક્તિગીતો ગાવાની સાથે યાત્રા કાઢતા હતા. પરંતુ આ વખતે જે ગીતો વગાડાતાં હતાં તે ભડકાઉ હતાં. દાખલા તરીકે એક ગીત એવું હતું કે હિન્દુસ્તાનમાં રહેવું હશે તો શું શું કરવું પડશે... એવાં પ્રકારનાં ગીતો હતાં."

મહતાબ અઝીઝ

રામનવમીના સરઘસ વખતે ઉશ્કેરણીજનક ગીતોની વાત નીકળે ત્યારે 2018ના વર્ષની એક ઘટના યાદ આવી જાય છે.

તે વર્ષે કોયલાંચલ અને આસનસોલ-રાણીગંજના ઔદ્યોગિક વિસ્તારોમાં રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે મોટા પાયે રમખાણો થયાં હતાં.

તે વખતે તોફાનોના અહેવાલ માટે અમે પહોંચ્યા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે રામનવમીની યાત્રામાં જે ગીતો વગાડવામાં આવી રહ્યાં હતાં તે મુસ્લિમ સમાજને ઉશ્કેરવા માટે પૂરતા હોય તેવું લાગતું હતું.

બીબીસી ગુજરાતી

ઇન્ટરનેટ પર ગાજી રહેલાં આ ગીતો કેવાં છે?

ઉપદ્રવગ્રસ્ત વિસ્તારોમાં લોકા સાથે વાત કરતાં બીબીસી સંવાદદાતા અમિતાભ ભટ્ટાસાલી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઉપદ્રવગ્રસ્ત વિસ્તારોમાં લોકા સાથે વાત કરતાં બીબીસી સંવાદદાતા અમિતાભ ભટ્ટાસાલી

ઇન્ટરનેટ પર ફેલાયેલાં આ ગીતો રામનવમીના સરઘસમાં ડીજેમાં વાગતાં હોય છે. જુદા જુદા સાઉન્ડ ટ્રેકને જોડીને આ ગીતો તૈયાર કરેલાં હોય છે.

આમાંનાં મોટાં ભાગનાં ગીતોમાં શરૂઆતમાં પાકિસ્તાન માટે ઝેર ફેલાવનારી પંક્તિઓ હોય છે. જય શ્રીરામ અને પાકિસ્તાની વિરોધી નારા સાથે ગીતો શરૂ થાય, પણ પછી બાદમાં ગીતોમાં પાકિસ્તાનનો કોઈ ઉલ્લેખ હોતો નથી.

એક ગીતમાં એવું કહેવાયું હતું કે - 'જિસ દિન હિન્દુ જાગ ઉઠેગા, ઉસ દિન ટોપીવાલે સિર ઝુકા કર જય શ્રીરામ કહેંગે'. અન્ય એક ગીતમાં લખેલું છે કે - 'જિસ દિન હમારા ખૂન ગરમ હોગા, ઉસ દિન તુમકો દિખા દેંગે, ઉસ દિન મેં નહીં, મેરી તલવાર બાત કરેગી.'

નાનાં નાનાં ભાષણોના પણ સાઉન્ડ ટ્રેક હોય છે, જે સાંભળીએ ત્યારે લાગે કે સમગ્ર મુસ્લિમ સમાજને તાકીને આ બધી વાતો કહેવામાં આવી હોય છે. આ ગીતોમાં જય શ્રીરામ, ભારત માતા કી જય અને વંદે માતરમ જેવા નારા પણ હોય છે.

રામનવમીની શોભાયાત્રામાં તોફાનો થાય તેવી ઘટનાઓની શરૂઆત 2018માં આસનસોલ-રાણીગંજનાં કોમી તોફાનોથી થઈ હતી.

બીબીસી ગુજરાતી

તોફાનોનું ચૂંટણી કનેક્શન

રામનવમી

રાજકીય વિશ્લેષક અને કોલકાતાની રવીન્દ્ર ભારતી વિશ્વવિદ્યાલયના રાજ્યશાસ્ત્રના પ્રોફેસર સબ્યસાચી બસુ રાયચૌધરી કહે છે કે આ એક નિશ્ચિત પૅટર્ન બની ગઈ છે.

તેઓ કહે છે, "2018માં રાજ્યમાં પંચાયતની ચૂંટણીઓ હતી ત્યારે અને તેની પછીના 2019ના વર્ષમાં લોકસભાની ચૂંટણીઓ આવી તેની પહેલાં રામનવમીના મુદ્દે આવી ઘટનાઓ બની હતી. હવે આપણે 2023માં પણ આ મુદ્દા પર જ તોફાનો થતાં જોઈ રહ્યા છીએ. આગામી મહિનાઓમાં રાજ્યમાં પંચાયતોની ચૂંટણીઓ છે અને આગામી વર્ષે લોકસભાની ચૂંટણીઓ આવવાની છે. તમામ કોમી હિંસા એક જ પૅટર્ન પ્રમાણે થઈ રહી છે. આ કોઈ માત્ર યોગાનુયોગ નથી."

આ વિશે વધુ વાત કરતાં તેઓ કહે છે કે કોમી હિંસા થવાને કારણે ધાર્મિક ધ્રુવીકરણ થાય છે અને તેની અસર ચૂંટણીઓનાં પરિણામો પર થાય છે.

2018માં તોફાનો થયાં ત્યારે ધાર્મિક ધ્રુવીકરણનો ફાયદો ભાજપને તે વર્ષની પંચાયતોની ચૂંટણીઓમાં અને બાદમાં 2019માં લોકસભાની ચૂંટણીઓ પણ ફાયદો થયો હતો.

બસુ રાયચૌધરી કહે છે, "આ નવા પ્રકારના ધાર્મિક ધ્રુવીકરણમાં એક બાજુ ભાજપનો સ્વાર્થ તો છે જ, પણ સામી બાજુ સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસનો પણ સ્વાર્થ છુપાયેલો છે."

બીબીસી ગુજરાતી

શું મુસ્લિમ મતો ટીએમસીના હાથમાંથી સરકી રહ્યા છે?

સબ્યસાચી બસુ રાયચૌધરી
ઇમેજ કૅપ્શન, સબ્યસાચી બસુ રાયચૌધરી

થોડા વખત પહેલાં જ મુર્શિદાબાદ જિલ્લાની મુસ્લિમ બહુમતી ધરાવતી સાગરદીધી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી યોજાઈ હતી. આ બેઠક તૃણમૂલ કૉંગ્રેસ પાસે હતી. પરંતુ ચૂંટણી પછી આ બેઠક કૉંગ્રેસ અને ડાબેરી મોરચાના સંયુક્ત ઉમેદવારને મળી ગઈ હતી.

અગાઉ આ જ બેઠક તૃણમૂલ કૉંગ્રેસે 50,000 મતોથી જીતી હતી. પરંતુ આ બંને પક્ષોના ગઠબંધનના ઉમેદવારને જીત મળી અને તેને લગભગ 25,000 મતોની લીડ મળી હતી. બંનેનો સરવાળો કરો તો એવું સમજવું પડે કે તૃણમૂલ કૉંગ્રેસના હાથમાંથી 75,000 મતો વિપક્ષના હાથમાં જતા રહ્યા.

રાજકીય વિશ્લેષકો માને છે કે પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોનો મોટો હિસ્સો તૃણમૂલ કૉંગ્રેસને જ મતો આપે છે, પરંતુ સાગરદીધીનાં પરિણામો પછી તૃણમૂલ કૉંગ્રેસને ચિંતા પેઠી છે કે મુસ્લિમોના મતો પોતાના હાથમાંથી સરકી ના જાય.

સવ્યસાચી બસુ રાયચૌધરી કહે છે, "હાલની કેટલી ઘટનાઓ, જેમાં સાગરદીધી પેટાચૂંટણીના પરિણામનો પણ સમાવેશ થાય છે તે બધા પરથી એવા સંકેતો મળી રહ્યા છે કે તૃણમૂલ કૉંગ્રેસને ચિંતા પેઠી છે. પક્ષને ચિંતા છે કે લઘુમતીના મતોનો મોટો હિસ્સો તેને મળે છે, તેમાં વિભાજન થઈ શકે છે. તેના કારણે ધર્મના આધારે રાજકીય ધ્રુવીકરણ બંને પક્ષો માટે બહુ મહત્ત્વનું છે."

આ જ કારણસર તેઓ માને છે કે હાવડાના શિવપુરમાં, હુગલીના રિસડામાં તથા ઉત્તર દિનાજપુરના દાલખોલામાં રામનવમીની શોભાયાત્રા વખતે જે પણ કંઈ બન્યું તે માત્ર સંજોગોવશાત્ નથી.

રેડ લાઇન
રેડ લાઇન