વડોદરામાં રામનવમીએ થયેલી હિંસા બાદ કેવો માહોલ છે? ગ્રાઉન્ડ રિપોર્ટ

ઇમેજ સ્રોત, Bhargav Parikh
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
વડોદરાના પાંજરીનગર ખાતે રામનવમીની શોભાયાત્રા વખતે બે જૂથો વચ્ચે અચાનક થયેલા તણાવ પછી ફતેપુરાના પહેલવાન મહોલ્લામાં લોકો રોજા ખોલવા ઇફ્તારી માટે ફળ લેવા જવું કે કેમ એ પળોજણમાં છે. તો આ વિસ્તારની પાસે આવેલ રાણાવાસના લોકોને વૃદ્ધો અને બીમાર લોકો માટે દવા લાવવાનાં પણ ફાંફાં પડી ગયાં છે.
પરંતુ આ સ્થળથી માત્ર બે કિલોમીટર દૂર આવેલા શહેરના પોલો ગ્રાઉન્ડમાં સેવઉસળ ખાવા માટે લોકોની ભીડ જામેલી જોવા મળી રહી છે.
આમ તો વડોદરામાં હિંસા અને તણાવ થવાનો ઇતિહાસ જૂનો છે.
શહેરના કોટ વિસ્તારમાં ઘણી વાર હિંસા ફાટી નીકળે છે. આ વિસ્તારે 1969, 1985, 1992, 2002 અને 2006માં હિંસાના બનાવોને કારણે સૌથી લાંબો સમય કર્ફ્યૂ જોયો છે.
2006માં કોર્ટના આદેશ બાદ ફતેપુરા વિસ્તારમાં સૈયદ ચિસ્તી રસિયુદ્દીનની દરગાહ હઠાવાઈ એનાં નિશાન હજુ પણ વડોદરામાં દેખાય છે.
અહીં એ સમયે એટલે કે મે 2006માં કોર્ટના આદેશ બાદ 20 મંદિર અને ત્રણ દરગાહ તોડવામાં આવ્યાં હતાં. પણ 100 વર્ષ જૂની આ દરગાહ તૂટતાં ભારે હિંસા ફાટી નીકળી હતી અને ત્યાં ફરીથી દરગાહ બાંધવાનો પ્રયાસ થયો ત્યારે એ સમયના વડોદરાના પોલીસ કમિશનર દીપક સ્વરૂપે તૂટેલી દરગાહની જગ્યાએ બે પોલીસવાન મૂકી દીધી હતી.
આજે એ બે પોલીસવાનનાં ટાયર એ જ સ્થળે જમીનમાં ઘૂસી ગયાં છે, હજુ આ વાન ખસેડાઈ નથી, આ વાત આજે પણ ફતેપુરા વિસ્તારના સંવેદનશીલ હોવાની સાક્ષી પૂરી રહી છે.
પાંજરીનગર વિસ્તારમાંથી રામનવમીની શોભાયાત્રા નીકળી ત્યારે અચાનક હિંસા થતાં સામાન્યપણે સવારથી મોડી રાત સુધી ધબકતા આ બજારમાં હવે ગ્રાહકોના સ્થાને પોલીસના કાફલા ફરતા જોવા મળી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં નોંધનીય છે કે વડોદરામાં રામનવમી નિમિત્તે નીકળેલી બે શોભાયાત્રા પર એક જ વિસ્તારમાં પથ્થરમારાની બે ઘટના ઘટી હતી.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ગુરુવારે બપોરે શહેરના ફતેપુરા વિસ્તારમાંથી શોભાયાત્રા પસાર થઈ રહી હતી. તે સમયે બે જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતાં પથ્થરમારો થયો હતો. ત્યાર પછી સાંજના સમયે કુંભારવાડા વિસ્તારથી શરૂ થયેલી શોભાયાત્રા ફતેપુરા રોડ પર પહોંચી તે સમયે પથ્થરમારાની ઘટના ઘટી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આ ઘટના સંદર્ભે 500 લોકોનાં ટોળાં સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં પોલીસ અધિકારીએ આ મામલે 24ની અટક કરાયાની વાતની પુષ્ટિ કરી હતી.

‘ધંધા થયા ઠપ’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ફતેપુરા વિસ્તારમાં અનાજની દુકાન ધરાવતા મુકેશ શાહ વડોદરામાં થતી હિંસાથી પરેશાન છે.
પાંચ પેઢીથી અહીં દુકાન ચલાવાતા શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આવી પરિસ્થિતિના કારણે તેમના પર પડતી વિપરીત અસરો અંગે કહ્યું હતું કે, “અમારી અનાજની દુકાનેથી વડોદરા સહિત આસપાસનાં ૩૩ ગામડાંના લોકો માલ ખરીદવા આવે છે. પણ આવી કોમી હિંસા થયા પછી દસ-12 દિવસ સુધી અમારો ધંધો બંધ રહે છે. લોકો ખરીદી કરવા આવતા ડરે છે.”
તેઓ આગળ કહે છે કે, “અલબત્ત હવે ગ્રાહકો હિંસા થયા પછી ખરીદી કરવા આવતા પહેલાં અમને ફોન કરે છે. પણ પોલીસનું પેટ્રોલિંગ જોઈ એ લોકો પરત ફરે છે.”

ઇમેજ સ્રોત, Bhargav Parikh
કંઈક આવું જ આ વિસ્તારના ખાદ્ય તેલના વેપારી કરીમ શેખ પણ માને છે.
કરીમ શેખ હિંસા બાદ વિસ્તારની પરિસ્થિતિ અને તેની અસરો અંગે વાત કરતાં કહે છે કે, “રામનવમી નહીં કોઈ પણ તહેવાર આવવાનો હોય એના પહેલા અમે દુકાનમાંથી સામાન ઘરે લઈ જઈએ છીએ. જેથી જો કોઈ હિંસા થાય તો પણ મોટું નુકસાન ન થાય.”
કરીમ શેખે 2006ની હિંસા પછી તેમની દુકાનનું રિનોવેશન કરાવી દીધું છે, પાંચ પેઢી જૂની આ દુકાન પર પહેલાં લાકડાની છત હોવાનું તેઓ જણાવે છે.
જોકે રિનોવેશન બાદ આખી દુકાનની પથ્થરની બનાવી દેવાઈ છે. તેમનું કહેવું છે કે આવું અપ્રિય ઘટના વખતના નુકસાનથી બચવા કરાયું છે.
કરીમ શેખ પણ મુકેશ શાહની જેમ જ કહે છે કે હિંસા બાદ વિસ્તારમાં દસ-12 દિવસ સુધી ગ્રાહકોની સંખ્યા ઘટી જશે.

‘રોજા ખોલવા વિસ્તારમાં ફળ મળતાં નથી’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વેપારીઓની જેમ જ અહીંના સ્થાનિક લોકો પણ પરેશાન છે.
કેટલાંક ઘરની બહાર બકરીઓ બંધાયેલી જોવા મળી રહી છે તો કેટલાકે બકરીઓ ઘરમાં રાખી છે.
પહેલવાન મહોલ્લામાં રહેતાં કમરજાન શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હિંસા થાય એટલે અમારી હાલત ખરાબ થઈ જાય છે. આ મહોલ્લામાં રહેતા મોટા ભાગના લોકો રિક્ષા ચલાવે છે અને છૂટક મજૂરી કરે છે, એમનો કામધંધો બંધ થઈ જાય છે.”
તેઓ હિંસાના કારણે સર્જાયેલી સ્થિતિમાં પોતાની પળોજણ જણાવતાં કહે છે કે, “અમારી મહિલાઓની હાલત તો વધુ ખરાબ થાય છે, કારણ કે આવું થાય ત્યારે તેઓ મજૂરીએ નથી જઈ શકતાં, એટલે અમારે ઓછા પૈસામાં ઘર ચલાવવાનું આવે છે. અત્યારે રમજાન મહિનો ચાલી રહ્યો છે. સાંજે રોજા ખોલવા માટે અમારે ફળ લાવવાં હોય તો એ પણ નહીં મળે. કોમી હિંસા પછી ભલે ફતેપુરામાં કર્ફ્યૂ ના લાગ્યો હોય પણ એક પણ ફળની દુકાન ખૂલી નથી, ના કોઈ લારી લાગી છે. મારે રોજા ખોલવા માટેનો સમાન કયાંથી લાવવો? બાળકોએ રોજા રાખ્યા હોય એમને ઇફ્તારીમાં રોટી અને ખજૂર આપતા અમારો જીવ ચાલતો નથી, પણ અમે મજબૂર છીએ.”
“અત્યારે અમારે રોજા ખોલવા માટે મહોલ્લાની બહાર આવેલી ઈંડાંની દુકાન પર આધાર રાખવો પડે છે. અમે ઘરના લોકોને રોજા ખોલતી વખતે ઘરમાં કોઈ શાકભાજી કે ફળ ના હોય તો ઈંડાંની વાનગી અને રોટી આપીએ છીએ.”

ઇમેજ સ્રોત, Bhargav Parikh
આ વિસ્તારનાં જ અસ્માબાનો મલેક પણ રામનવમીના દિવસે થયેલ તણાવ બાદ પોતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની વાત જણાવે છે.
પોતાના ઘરની બહાર ત્રણ બકરી બાંધી રાખનાર અસ્માબાનો હિંસા બાદની સ્થિતિને કારણે મહોલ્લામાં બાળકો માટે દૂધ ખરીદી લાવવામાં તકલીફ પડી રહી હોવાની વાત જણાવે છે.
તેઓ કહે છે કે, “અહીં હિંસા થયા પછી દૂધ મળવાનું બંધ થઈ ગયું છે. આમ તો રોજા હોવાથી ઘરમાં ખાસ દૂધની જરૂર પડતી નથી પણ જરૂર પડે તો વિકલ્પ સ્વરૂપે નાનાં બાળકો માટે મહોલ્લાની મહિલાઓ અમારા ઘરે આવી બકરીનું દૂધ લઈ જાય છે. પરંતુ દૂધ પીતાં એમનાં નાનાં બાળકોને બકરીના દૂધમાં પાણી ભેળવીને પિવડાવે છે. પણ રોજ ડેરીનું દૂધ પીનારાં બાળકોને બકરીના દૂધનો સ્વાદ ન ગમે, આવા સંજોગોને કારણે તેમણે ભૂખ્યાં રહેવું પડે છે, આ અમે નથી જોઈ શકતા. હિંસા થાય એમાં છ-12 મહિનાનાં બાળકનો શો વાંક?”

‘વૃદ્ધ સસરા માટે દવા કેવી રીતે લાવું?’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
ઉપરાંત હિંસા બાદ આ વિસ્તારની નજીક આવેલા રાણાવાસમાં રહેતા લોકોની હાલત પણ સારી નથી.
અહીં રહેતાં જ્યોતિબહેન ઠક્કર બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, “મારા ઘરમાં બે વૃદ્ધ છે અને એક બીમાર દીકરો છે, મારા પતિ ખાનગી નોકરી કરે છે. અને હું ઘરે અગરબત્તીનો ધંધો કરીને બે પૈસા કમાવાનો પ્રયાસ કરું છું. પરંતુ કોમી હિંસાને કારણે ધંધો બંધ થઈ ગયો. આવી સ્થિતિમાં મારાં વૃદ્ધ સાસુ-સસરાની તબિયત ખરાબ થાય તો દવા ક્યાંથી લાવવી એ સમસ્યા છે. દવાની દુકાનો બંધ રહે છે અને હું ઘરમાં બે બીમાર વૃદ્ધ અને મારા માનસિક વિકલાંગ દીકરાને મૂકીને બહાર જઈ શકતી નથી, મારા પતિ નોકરીએથી પાછા આવે ત્યારે દવા લાવે.”

ઇમેજ સ્રોત, Bhargav Parikh
“પણ મારા સસરા બીમાર છે, હમણાં જ હૉસ્પિટલેથી ઘરે આવ્યા છે, એમને કોઈ તકલીફ થાય તો ક્યાંથી દવા લાવવી એ સવાલ છે, હવે હાલત પણ એવી છે કે છાશવારે આ વિસ્તારમાં થતી હિંસાને કારણે કોઈ અમારું જૂનું મકાન ખરીદવા તૈયાર નથી અને જે ખરીદવા આવે છે એ એટલી ઓછી કિંમત કહે છે કે તેનાથી તો અમે બીજું મકાન પણ ખરીદી ના શકીએ.”
રાણાવાસમાં તેમના ઘરના ઓટલા પર બેઠેલાં 73 વર્ષનાં શાંતાબહેન ભાવસાર પણ વિસ્તારમાં સર્જાયેલી તંગદિલીને કારણે ચિંતામાં મુકાયાં છે.
તેઓ કહે છે કે, “મારો દીકરો અત્યારે નોકરીએ ગયો છે, અહીં રામનવમીએ થયેલી હિંસા પછી એ સલામત ઘરે આવે એની રાહ જોઈને ઘરની બહાર બેઠી છું.”

‘કમાણી તો ઠીક મૂડીમાં પણ થઈ રહ્યું છે નુકસાન’

ઇમેજ સ્રોત, Bhargav Parikh
વડોદરામાં થયેલા તણાવની અસર માત્ર ફતેપુરા વિસ્તાર અને એની આસપાસના મહોલ્લામાં જ નથી પડી પણ ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર આવેલા ભૂતડી ઝાંપા વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે.
અહીં દર શુક્રવારે જૂનાં કપડાંનું બજાર ભરાય છે.
પરંતુ આ શુક્રવારે અહીં માંડ ચાર-પાંચ લોકો કપડાં વેચવા આવ્યા છતાં તેમની પાસે ગ્રાહક નથી.

ઇમેજ સ્રોત, Bhargav Parikh
દર શુક્રવારે અહીં જૂનાં કપડાં વેચવા આવતાં ગીતાબહેન દંતાણીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, “હું પ્યાલાં-બરણીનો ધંધો કરું છું, જૂનાં કપડાંના બદલામાં વાસણ આપું છું, એ જૂનાં કપડાં શુક્રવારે અહીં બજારમાં વેચું અને બે પૈસા કમાઈ લઉં છું, પણ તાજેતરમાં થયેલી આ હિંસાને કારણે કોઈ ગ્રાહક નથી આવ્યા અને આવનારા બીજા શુક્રવારે પણ કોઈ નહીં આવે એટલે મારા જેવા લોકો માટે તો આ મહિનો ઘરનું પૂરું કરવું એ મુશ્કેલ છે.”
“કારણકે પંદર દિવસ કોઈ કમાણી નહીં થાય, એટલે વાસણ ખરીદવાના પૈસા નહીં હોય અને પ્યાલાં-બરણીનો ધંધો પણ નહીં કરી શકાય, આ સ્થિતિમાં તો અમે ઘરના છોકરાને શું ખવરાવીએ એ સવાલ છે.”
શુક્રવાર બજારમાં નાસ્તો વેચીને પેટિયું રળતાં ભારતીબહેન રાણા પણ આ પરિસ્થિતિના કારણે ખૂબ નિરાશ છે.
“હિંસા થયા પછી રોજ બહાર નીકળું છું પણ મારી પાસે કોઈ ગ્રાહક નથી આવતું. સાંજે રાંધેલું બગડી જાય એટલે ફેંકી દેવું પડે છે. મારા માથે ઘરના ચાર લોકોની જવાબદારી છે, આગામી દસથી 12 દિવસ બજારમાં ઘરાકી નહિ હોય, મારી કમાણી તો દૂર પણ મૂડી પણ ધોવાઈ રહી છે. તોફાન કરવાવાળા તો કરીને નાસી જાય છે પણ અમારા જેવા માટે દિવસ ટૂંકો કરવો અઘરું થઈ જાય છે.”

ઇમેજ સ્રોત, Bhargav Parikh
વડોદરા શહેરમાં થયેલ હિંસા બાદ સર્જાયેલી પરિસ્થિતિને કાબૂમાં લેવા અને સ્થાનિકોને પડી રહેલી તકલીફો વહેલી તકે દૂર કરવાના હેતુસર વડોદરા પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાઈ રહી છે?
આ પ્રશ્નના જવાબમાં વડોદરાના ડીસીપી યશપાલ જગણિયા કહે છે હિંસા બાદ રાઉન્ડ ધ ક્લૉક પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે.
“અમે હિંસા બાદ પોલીસના ફિક્સ પૉઇન્ટ મૂક્યાં છે. આ ઉપરાંત અમે સમગ્ર વિસ્તારના સીસીટીવી કૅમેરાની તપાસ કરી રહ્યા છીએ. જેથી તોફાનીઓને પકડી શકાય. તેના માટે અમે અલગ અલગ ટીમો પણ બનાવી છે.”
“એસઆરપીની બે ટુકડી આવી છે અને વધુ એક ટુકડી પણ આવશે આ કાર્યવાહીથી લોકોમાં ભયનો માહોલ નહીં રહે.”
હિંસા મામલે પોલીસ કરેલ કાર્યવાહીની વિગતો આપતાં તેઓ કહે છે કે, “પોલીસની સતર્કતાને કારણે વિસ્તારમાં એક જ દિવસમાં શાંતિ સ્થાપિત થઈ ગઈ છે. અમે અત્યારે ટેકનિકલ સર્વેલન્સ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તોફાની તત્ત્વોને રાઉન્ડઅપ કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં 24 લોકોને અટકમાં લીધા છે, આ કાર્યવાહીથી આવનારા દિવસોમાં શાંતિ સ્થપાયેલી રહે એવો પ્રયાસ કરી રહ્યા છીએ.”














