ગુજરાત 2002 હિંસા: એ કેસ જેમાં બળાત્કાર, રમખાણ અને ખૂનના આરોપીઓ નિર્દોષ છૂટી ગયા

ઇમેજ સ્રોત, DAXESH SHAH
- લેેખક, જય શુક્લ
- પદ, બીબીસી ગુજરાતી
પંચમહાલ જિલ્લાના કાલોલ અને તેની આજુબાજુના ગામડાઓમાં થએલાં કોમી તોફાનો મામલે હાલોલ ખાતેની પંચમહાલ જિલ્લાની એડિશનલ સેશન્સ જજની કોર્ટે 39 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે. આ 39 આરોપીઓ પૈકી પાંચ પર એક મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યાનો ગંભીર આરોપ પણ હતો.
કોર્ટે પોતાના ચૂકાદામાં કહ્યું કે ફરિયાદી પક્ષ આરોપીઓ સામે ગુનો પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો છે અને આરોપીઓ તેમની સામે નોંધાયેલી ફરિયાદ ખોટી સાબિત કરવામાં સફળ થયા છે. જેને કારણે કોર્ટે તમામ 39 આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
20 વર્ષથી વધુ લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં 190 વિવિધ સાક્ષીઓ તથા પોલીસ અને અન્ય તજજ્ઞોની જુબાની અને તેમણે રજૂ કરેલા પુરાવાઓને ધ્યાને લેવામાં આવ્યા હતા. પરંતુ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે આ 190 સાક્ષીઓ પૈકી કેટલાક કાં તો પોતાના નિવેદનથી ફરી ગયા છે કાં તો ફરિયાદી પક્ષે જે પુરાવાઓ રજૂ કર્યા છે તેમને સમર્થન મળતું નથી.
આમ પુરાવાના અભાવે કોર્ટે તમામ 39 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા હતા. કોર્ટે કુલ 1592 પુરાવાઓને તપાસ્યા હતા.

2002નાં રમખાણો દરમિયાન કાલોલમાં શું થયું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
કાલોલ પોલીસ સ્ટેશનમાં દાખલ અલગ-અલગ કુલ 8 કેસો દાખલ કરવામાં આવ્યા હતા જેમાં બળાત્કારની ફરિયાદ ઉપરાંત અલગ અલગ આઈપીસી કલમો 143, 145, 147, 148, 149, 435, 436, 302, 376, 323, 324, 325, 504, 506(2), 427, 341 તથા જી. પી. ઍક્ટની કલમ 135 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ કેસમાં બચાવ પક્ષના વકીલ ગોપાલસિંહ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે જેમની સામે આરોપો હતા તે પૈકી 12 લોકોનાં મોત થઈ ગયાં છે અને તેમાંના માત્ર 27 લોકો જ જીવિત છે.
ગોપાલસિંહ સોલંકીએ વધુમાં કહ્યું હતું કે, “અલગ-અલગ બનાવોમાં કુલ 17 લોકોનાં મોત થયાં હતાં. આ કેસમાં બધા આરોપી હિન્દુઓ નહોતા અને તેમાં મુસ્લિમો પણ હતા. જોકે, તમામ સામે ગુનો કર્યાના કોઈ પુરાવા મળ્યા નથી.”
આ મુસ્લિમો સામે હિંદુઓની માલ-મિલ્કતને નુકસાન પહોંચાડવાનો અને રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જે આરોપીઓ નિર્દોષ છૂટ્યા છે, તેમાં કાલોલ પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર રમણભાઈ જયરામભાઈ પાટીલનો સમાવેશ પણ થાય છે. જોકે પાટીલનું પણ આ કેસની કાર્યવાહી દરમિયાન મોત થયું હતું.
ગોપાલસિંહ સોલંકી ઉમેરે છે કે આ તમામ આરોપીઓને આ પહેલાં જ ગુજરાત હાઇકોર્ટે જામીન આપી દીધા હતા તેથી તેઓ પહેલાથી જ બહાર હતા, પણ ટ્રાયલ ચાલતી રહી.
આ કેસમાં ચાર આરોપીઓ જેમને નિર્દોષ છોડવામાં આવ્યા છે તેઓ મુસ્લિમ સમુદાયના હતા અને 35 નિર્દોષ છોડાયેલા આરોપીઓ હિંદુ સમુદાયમાંથી હતા. બીજી તરફ આ બનાવમાં જેમના સ્વજનો માર્યા ગયા હતા તેઓ આ ચૂકાદાને કારણે નિરાશ થયા છે. તેઓ હવે આ ચુકાદાને ઉપરની કોર્ટમાં પડકારવો કે નહીં તેની ચર્ચા કરી રહ્યા છે.

"જેમના સ્વજનો માર્યા ગયા હોય તેમના પર શું વીતી હશે..."

ઇમેજ સ્રોત, DAXESH SHAH
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ બનાવમાં જેમના ત્રણ સ્વજનો મૃત્યુ પામ્યા હતા તે નસીમબહેન મલિક બીબીસી સાથે ચર્ચા કરતાં કહે છે કે, “હાલ મારી તબિયત ખરાબ છે. પણ હું મારા પરિવારજનો સાથે આ ચુકાદાને આગળ કેવી રીતે પડકારવો તે અંગે ચર્ચા કરીશ.”
નસીમબહેનના પતિ 2002માં થયેલાં ગુજરાત રમખાણોમાં અન્ય એક ઘટનામાં માર્યા ગયા હતા. એ બનાવમાં તેમણે તેમના પિયરપક્ષના ત્રણ સ્વજનો ગુમાવ્યા હતા. અન્ય એક બનાવમાં તેમણે તેમના સાસરીપક્ષના સ્વજનોને પણ ગુમાવ્યા હતા. તેમણે હવે બીજાં લગ્ન કર્યાં છે.
તેમના પતિ રફીક મલિક બીબીસી સાથે વાત કરતા કહે છે કે તેમને ક્ષતિયુક્ત ન્યાય મળ્યો હોય તેવી લાગણી થાય છે.
રફીક મલિક વધુમાં જણાવે છે કે, “અમે ભયંકર સ્થિતિમાંથી પસાર થયા છીએ, જેમના સ્વજનો માર્યાં ગયા હોય તેમના પર શું વીતી હશે તે તમે સમજી શકો છો. અમને લાગે છે કે ક્યાંક સાંયોગિક પુરાવાઓ હોવા છતાં તેની કોર્ટમાં રજૂઆતમાં કચાશ રહી ગઈ હોવાનું પ્રતીત થાય છે. કારણકે ઘટના તો બની જ છે અને તે હકીકત છે.”
190 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતા પણ કોર્ટે પુરાવાના અભાવે તમામ આરોપીઓને નિર્દોષ છોડી દીધા હોવાથી પીડિતોના સ્વજનો હતાશ છે. નસીમબહેન વધુમાં જણાવે છે કે "અમારા તરફથી તો પુરાવાઓ રજૂ કરવામાં કોઈ કચાશ નહોતી રખાઈ."
જોકે બચાવપક્ષના અન્ય એક વકીલ વિજય પાઠક બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે કે કોર્ટ પુરાવાને ધ્યાનમાં રાખીને પોતાનો ચુકાદો આપે છે સંવેદનાને આધારે નહીં.
વિજય પાઠક વધુમાં જણાવે છે કે, "પુરાવાને વૈજ્ઞાનિક આધાર હોવો જોઈએ અને જ્યારે જે લોકો માર્યા ગયા તેમના અવશેષોને ફૉરેન્સિક લૅબમાં મોકલવામાં આવ્યા તો તેના રિપોર્ટમાં તે આધાર નહોતો."

કોર્ટમાં 20 વર્ષથી ચાલતો હતો આ કેસ

ઇમેજ સ્રોત, Getty Images
હવે જે પ્રમાણે 2 માર્ચ, 2002ના રોજ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી તે પ્રમાણે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગોધરા ખાતે સાબરમતી ઍક્સ્પ્રેસમાં હત્યાકાંડ થયો હતો તેના પગલે પહેલી માર્ચના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
કાલોલ ટાઉન અને આસપાસનાં ગામડાંઓમાં કોમી તોફાનો શરૂ થઈ ગયાં હતાં જેને કારણે કાલોલમાં હિંદુ મુસ્લિમ સમુદાયોનાં ટોળાં સામસામે આવી ગયાં હતાં.
આ સમગ્ર મામલામાં સૌથી ચર્ચાસ્પદ બનાવ કાલોલની અંબિકા સોસાયટી પાસે બન્યો હતો. જેમાં પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદ મુજબ એક ટેમ્પોમાં દેલોલ ગામથી કાલોલ જઈ રહેલા 38 મુસ્લિમ લોકોનાં ટોળાં પર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમાં 11 લોકોને મારીને સળગાવી દેવામાં આવ્યા હતા. આ પૈકી 17 લોકો બચી જવા પામ્યા હતા.
જે પૈકી એક મહિલાએ તેમના પર સામૂહિક બળાત્કાર થયો હોવાની ફરિયાદ કરી હતી.
આ કેસની વધુ વિગતો એવી છે કે, આ મહિલા અને તેમના પરિવારજનો તથા અન્ય એમ કુલ મળીને 38 લોકો જ્યારે દેલોલથી કાલોલ જતા હતા ત્યારે ટોળાએ 11 લોકોને મારીને સળગાવી દીધા હતા.
આ પૈકી 17 લોકો બચીને ભાગવામાં સફળ થયા. એ પૈકી એક મહિલા ગોમા નદીની પાસે છુપાવા માટે ભાગતાં હતાં ત્યારે પાંચ આરોપીઓએ તેમના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.

તત્કાલીન તપાસ પોલીસ અધિકારી પર પણ લાગ્યો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images

આ માલમો બાદમાં કલોલ પોલીસમથકે પહોંચ્યો હતો. એ વખતે અહીં ફરજ પર હાજર પીએસઆઈ જયરામ પાટીલ પર આરોપીઓને બચાવવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવાયા હતા. પાટીલ વિરુદ્ધ આરોપીઓને બચાવવા માટે નકારાત્મક નિવેદનો લેવા, પીડિતાને તત્કાલ સારવાર માટે ન મોકલવાં તથા ગુના વખતે પીડિતાએ પહેરેલાં કપડાંને ફૉરેન્સિક તપાસ માટે ન મોકલવાનો આરોપ કરાયો હતો.
જોકે કોર્ટે ચુકાદામાં કહ્યું હતું કે એ પુરવાર થતું નથી કે તત્કાલીન તપાસ અધિકારી પાટીલે પુરાવાનો નાશ કર્યો હતો અને આરોપીઓને મદદ કરી હતી.
આ મામલે બચાવપક્ષના વકીલ વિજય પાઠકનું પણ કહેવું છે કે, "ક્રૉસ એક્ઝામિનેશન થતું હોય ત્યારે સાક્ષી નિવેદન આપે અને પછી વિટનેસ બૉક્સમાં કંઇ અલગ નિવેદન આપે તો પછી કોર્ટ કયા આધારે કહી શકે કે બળાત્કાર કોણે કર્યો?"

ખુદ પીડિતા ફરિયાદીએ નિવેદનને ફેરવી તોળ્યું

ઇમેજ સ્રોત, DAXESH SHAH
આ મામલે ખુદ ફરિયાદી પીડિતાએ પહેલાં કહ્યું હતું કે પાંચ જણાએ તેમના પર વારાફરતી બળાત્કાર કર્યો હતો પણ કયા આરોપીએ તેમના પર બળાત્કાર કર્યો હતો તે અંગે સોગંદનામા પર કોઈ નામ જણાવ્યું નહોતું.
કોર્ટે દ્વારા ખુદ પીડિતા ફરિયાદીને આ કેસની હકીકતને સમર્થન ન આપતા હોવાથી તેમને ફરી ગયેલાં જાહેર કરવામાં આવ્યાં હતાં. એક સાક્ષીએ પણ અગાઉ નિવેદન આપ્યું હતું કે તેઓ જેમણે મહિલા પર બળાત્કાર કર્યો છે તેમને તેઓ ઓળખે છે, પરંતુ કોર્ટમાં આ સાક્ષીએ પોતાના નિવેદનને ફેરવી તોળતાં કહ્યું હતું કે તેઓ એ આરોપીઓને ઓળખી શકે તેમ નથી કારણકે તેમણે જણાવેલી વિગતો તેમણે વાતોવાત સાંભળીને જણાવી હતી.
આમ કોર્ટે ફરિયાદપક્ષના કેસને પુરાવાનું સમર્થન મળતું નથી તેવું કહીને આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા. અન્ય એક સાક્ષીએ પણ કહ્યું હતું કે તેમને કોર્ટમાં જુબાની આપવા માટે કોઈએ ધાક-ધમકી આપી હોય કે લોભ-લાલચ પ્રલોભન આપ્યા હોય તેવું બન્યું નથી.
બચાવપક્ષના વકીલ વિજય પાઠકનું કહેવું છે, "એક તરફ કેટલાક ફરિયાદીઓએ ગુમ થયા છે એવી રજૂઆતો કરીને સરકાર પાસેથી લાખો રૂપિયાનું ફંડ લીધું છે અને બીજી તરફ તેઓ ફરિયાદ કરે છે કે તેમને મારી નાખવામાં આવ્યા છે. આ બંને વર્તણૂક વિરોધી છે."














