ગુજરાત રમખાણો મામલે SITની ક્લીનચિટ વિરુદ્ધ અરજી SCએ ફગાવી, આ નિર્ણયની શું અસર થશે?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
વર્ષ 2002નાં ગુજરાત રમખાણોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય 63 વ્યક્તિઓને SIT દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારતી અરજી શુક્રવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે કૉંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરી સહિત અમદાવાદની ગુલબર્ગ સોસાયટીમાં હુલ્લડમાં 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images
અહેસાન જાફરીનાં વિધવા ઝકિયા જાફરીએ આ અને અન્ય મામલે નરેન્દ્ર મોદી તથા અન્ય કથિત કાવતરાખોરોની ભૂમિકા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા અપાયેલી ક્લીનચિટને પડકારી મામલાની પુન:તપાસ માટે અરજી કરી હતી.
નોંધનીય છે કે અગાઉ સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ, ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ SITના ક્લોઝર રિપોર્ટને પડકારતી ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેવાઈ હતી.
ઝકિયા જાફરીનો આરોપ હતો કે નરોડા પાટિયા, નરોડા ગામ અને ગુલબર્ગ સોસાયટી જેવા કેસ 'એક મોટા કાવતરા'નો ભાગ હતા.
પરંતુ સુપ્રીમ કોર્ટના જજ એ. એમ. ખાનવિલકર, દિનેશ મહેશ્વરી અને સી. ટી. રવિકુમારની બેન્ચે આ આરોપો અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ એક મોટા કાવતરાનો ભાગ છે તે સિદ્ધ કરવા માટે પૂરતા પુરાવાનો અભાવ છે.
તેમજ આ કેસમાં મેરિટની ઊણપ જોવા મળી રહી છે.
આ સમગ્ર મામલે બીબીસીએ સાથી અરજદાર તિસ્તા સેતલવાડ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે તેઓ આ મામલે બે દિવસમાં વિસ્તૃત નિવેદન રજૂ કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તો ઝકિયા જાફરી વૃ્દ્ધાવસ્થાના કારણે બોલી શકવા સક્ષમ નહોતાં. તેમજ તેમના પુત્ર તનવીર જાફરીએ આ મામલે મૅસેજ વડે વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ કોર્ટના આ ચુકાદાથી ખૂબ જ નિરાશ છે. તેમણે પોતાની વિસ્તૃત ટિપ્પણી સમગ્ર ચુકાદો વાંચ્યા બાદ આપવાનું જણાવ્યું છે.
બીજી તરફ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકરપ્રસાદે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, "પાછલાં 20 વર્ષથી મોદીને બદનામ કરનારાઓની દુકાન હવે બંધ થવી જોઈએ."
હવે સુપ્રીમ કોર્ટના આ વલણ બાદ એ પ્રશ્ન ચર્ચાવા લાગ્યો છે કે શું આ કેસ અહીં જ ખતમ થઈ જશે? કે હજુ ફરિયાદી પાસે આગળ કોઈ ન્યાયિક વિકલ્પ છે ખરો? કે પછી કથિત ષડ્યંત્રકારો આ કેસમાંથી હવે મુક્ત થઈ જશે?
કોર્ટના આ વલણનો ઝકિયા જાફરી અને નરેન્દ્ર મોદી માટે શો અર્થ છે? આ બધા સવાલોના જવાબ મેળવવા માટે બીબીસી ગુજરાતીએ આ કેસના કેટલાક જાણકારો સાથે વાત કરી હતી.

'હજુ ફરિયાદી પાસે ફેરવિચારણાની અરજીની તક'

ઇમેજ સ્રોત, AFP
સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની SITના ક્લોઝર રિપોર્ટ વિરુદ્ધ કરાયેલી અરજી અંગે કરેલા અવલોકનમાં જણાવ્યું હતું કે આ અરજીમાં મેરિટની ઊણપ છે. તેમજ SITની તપાસ દરમિયાન ઉચ્ચતમ સ્તરે કોઈ પણ પ્રકારનું ષડ્યંત્ર રચાયું કે તેના પર અમલ કરાયું હોવાની વાત સાબિત થતી નથી.
આ અવલોકન અંગે ભૂતપૂર્વ એડિશનલ સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા કે. સી. કૌશિકે જણાવ્યું હતું કે, "કોર્ટના આ અવલોકનનો કથિત આરોપીઓને લાભ થશે. કોર્ટે હજુ સુધી તેમના પર કરાયેલા આરોપોના ટેકામાં પૂરતા પુરાવા ન હોવાનું ઠરાવ્યું છે. તેથી ભારતના વડા પ્રધાન અને તેમની સાથેના અન્ય આરોપીઓ માટે આ હકારાત્મક અવલોકન છે."
"જ્યારે ફરિયાદીની વાત કરીએ તો તેમના માટે આ નકારાત્મક વલણ છે, કારણ કે તેઓ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાના આરોપોના સંદર્ભમાં મજબૂત પુરાવા કે મજબૂત દલીલ રજૂ નથી કરી શક્યાં. અથવા કોર્ટે એ દલીલો ગ્રાહ્ય નથી રાખી. પરંતુ સુપ્રીમ કોર્ટની આ બેન્ચ દ્વારા કરાયેલા અવલોકન એ આ કેસમાં આખરી નિર્ણય નથી."
તેઓ ફરિયાદી પાસે ઉપલબ્ધ અન્ય ન્યાયિક વિકલ્પો અંગે વાત કરતાં કહે છે કે, "ફરિયાદી પાસે હજુ આ કેસ અંગે બંધારણીય ખંડપીઠ સમક્ષ તેની ફેરવિચારણા અરજી કરવાનો વિકલ્પ છે. ત્રણ જજની બેન્ચ બાદ ફરિયાદી પાંચ જજની બેન્ચ સમક્ષ આ કેસમાં વિચારણા અંગે અરજી કરી શકે છે."

'ન્યાયતંત્રે શરણાગતિ સ્વીકારી'

ઇમેજ સ્રોત, AFP
ગુજરાત હાઇકોર્ટના વકીલ કે. આર. કોષ્ટી આ સમગ્ર મામલે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે, "કોર્ટે આ કેસમાં મેરિટનો અભાવ હોવાનું જણાવી અરજી કાઢી નાખી. પરંતુ તપાસ વગર કાવતરું હતું કે કેમ તે કઈ રીતે ખબર પડે? આરોપીઓ સામે નિષ્પક્ષ તપાસની માગ પણ કોર્ટે ગ્રાહ્ય નથી રાખી, પરંતુ આ મહિલાએ પોતાના પતિને ગુમાવ્યા છે તે તો હકીકત છે."
કોષ્ટી ઝકિયા જાફરી માટે આગળ ઉપલબ્ધ ન્યાયિક વિકલ્પો વિશે વાત કરતાં કહે છે કે હવે તેમને કોર્ટમાં પોતાની અરજી દાખલ કરતા ખૂબ જ મુશ્કેલી પડશે, કારણ કે મેરિટ પર નક્કી કરાતા કેસોમાં ફેરવિચારણાની અરજી નવેસરથી કરવું અઘરું પડે છે.
સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ SITની તપાસના બચાવમાં દલીલ કરતાં ફરિયાદ પક્ષના વકીલ કપિલ સિબ્બલના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, "ફરિયાદી પક્ષ દ્વારા લોકોને ઉશ્કેરવા માટે ગોધરા ખાતે ટ્રેનમાં મૃત્યુ પામેલા કારસેવકોના મૃતદેહ અમદાવાદ લાવી તેની આયોજનબદ્ધ રેલી કાઢવામાં આવી હોવાનો આક્ષેપ પાયાવિહોણો છે."
રાજ્ય સરકાર વતી સૉલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, "સરકારે તેના નિયંત્રણમાં હતું એ બધું કર્યું છે."
ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે પત્રકારો સાથે વાતચીત કરી હતી અને આ સમગ્ર મામલાને 'મોદી વિરુદ્ધ 20 વર્ષથી ચાલતા ષડ્યંત્રનો એક ભાગ' ગણાવ્યો હતો.
તેમણે કહ્યું હતું કે, "SIT દ્વારા દાખલ કરાયેલા ફાઇનલ રિપોર્ટને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી છે. અને સમગ્ર મામલાને પ્રેરિત ગણાવ્યો છે."
રવિશંકર પ્રસાદે આ સમગ્ર મામલે ઝકિયા જાફરીની ફરિયાદ પાછળ તિસ્તા સેતલવાડનો હાથ હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, "મોદીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા અને તેમને ખોટા કેસમાં ફિટ કરાવી દેવા માટે એક સમગ્ર કૉટેજ ઇન્ડસ્ટ્રી કામ કરે છે. જેમની દુકાન હવે બંધ થવી જોઈએ. વર્ષ 2002ના રમખાણમાં મોદીની ભૂમિકાની તપાસ માટે 60 પ્રયત્નો થઈ ચૂક્યા છે. પરંતુ હંમેશાં તેમને હાર મળી છે, પછી ભલે તે કોર્ટમાં હોય કે જનતાની અદાલતમાં."

ઝકિયા જાફરી મામલે કોર્ટે શું કહ્યું?
સુપ્રીમ કોર્ટે આ સમગ્ર મામલાને પ્રોત્સાહિત અને અન્ય દ્વારા સૂચવાયેલું પગલું ગણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, "પ્રોટેસ્ટ પિટિશનના નામે અરજદારે અન્ય પણ ઘણા કેસોમાં કોર્ટ દ્વારા આપવામાં આવેલ ચુકાદાઓ સામે પ્રશ્ન ઉઠાવ્યા છે, જેનું કારણ તેમને જ ખબર હશે. તેઓ આવું અન્ય કોઈની દોરવણી અંતર્ગત જ કરી રહ્યાં છે."
"ઝકિયા જાફરી દ્વારા કરાયેલ દલીલો SITના સભ્યોની નીતિમતા અને પ્રામાણિકતા સામે પ્રશ્નો ઉઠાવે છે. તેમજ SIT દ્વારા કરાયેલ તમામ મહેનતને વ્યર્થ બનાવવાનો પ્રયાસ છે. આ અરજી મામલાને શાંત ન પડવા દેવાનો પ્રયાસ છે, જેનો હેતુ ગૂઢ છે. આ મામલામાં વધુ તપાસ ત્યારે જ શક્ય બની હોત જ્યારે કોર્ટ સમક્ષ મોટા ષડ્યંત્રને લગતી યોજના અંગેના પુરાવા રજૂ કરાયા હોત. જે ફરિયાદ પક્ષ દ્વારા કરાયા નથી. તેથી કોર્ટ SITનો અંતિમ રિપોર્ટ મંજૂર રાખે છે."

કેસ શું હતો?

ઇમેજ સ્રોત, Getty Images
ગોધરાકાંડના બીજા દિવસે અમદાવાદમાં મુસ્લિમ રહીશોની બહુમતી ધરાવતી ગુલબર્ગ સોસાયટી પર 28 ફેબ્રુઆરી, 2002ના રોજ ટોળાએ હુમલો કર્યો હતો.
તેમાં કૉંગ્રેસના ભૂતપૂર્વ સંસદસભ્ય અહેસાન જાફરી સહિત 69 લોકો મૃત્યુ પામ્યાં હતાં. સંખ્યાબંધ મુસ્લિમોએ ટોળાના હુમલાથી બચવા માટે અહેસાન જાફરીના ઘરમાં આશ્રય લીધો હતો.
હિંસક ટોળાએ આખી સોસાયટીને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ઘણા લોકોને જીવતા સળગાવી દેવાયા હતા.
અહેસાન જાફરીનાં પત્ની ઝકિયા જાફરીએ એવો આરોપ લગાવ્યો હતો કે તેમના પતિએ પોલીસ અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી સહિત અનેક લોકપ્રતિનિધિઓ તથા વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ કોઈએ તેમની મદદ નથી કરી.
ઝકિયા જાફરીએ જૂન 2006માં ગુજરાત પોલીસના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસને અપીલ કરી હતી કે, નરેન્દ્ર મોદી સહિત કુલ 63 લોકો સામે એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધવી જોઈએ.
ઝકિયા જાફરીનો આરોપ હતો કે મોદી સહિત તમામ લોકોએ તોફાનો દરમિયાન જાણીજોઈને પીડિતોને બચાવવાની કોશિશ કરી ન હતી.
ડીજીપીએ તેમની અપીલ રદ કરી, ત્યારે ઝકિયા જાફરીએ ગુજરાત હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી. વર્ષ 2007માં હાઇકોર્ટે તેમની અરજીને નામંજૂર કરી હતી.
માર્ચ 2008માં ઝકિયા જાફરી અને બિન-સરકારી સંગઠન 'સિટીઝન્સ ફૉર જસ્ટિસ ઍન્ડ પીસ' દ્વારા સંયુક્ત રીતે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી.
સુપ્રીમ કોર્ટે આ કેસમાં પ્રશાંત ભૂષણની અદાલત મિત્ર (એમાઇકસ ક્યૂરી) તરીકે નિયુક્તિ કરી હતી.
એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના રમખાણોની તપાસ માટે પહેલેથી જ નિમાયેલી એસઆઈટીને આ ઘટનાની તપાસના આદેશ આપ્યા.
એસઆઈટીએ વર્ષ 2010ની શરૂઆતમાં નરેન્દ્ર મોદીને પૂછપરછ માટે બોલાવ્યા અને મે 2010માં સુપ્રીમ કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કર્યો.
ઑક્ટોબર 2010માં પ્રશાંત ભૂષણ આ કેસથી છૂટા પડ્યા અને સુપ્રીમ કોર્ટે રાજૂ રામચંદ્રનને અદાલત મિત્ર નિયુક્ત કર્યા. રાજૂ રામચંદ્રને જાન્યુઆરી 2011માં સુપ્રીમ કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપ્યો.
માર્ચ 2011માં સુપ્રીમ કોર્ટે તપાસ દળને વધુ તપાસ કરવાના આદેશ આપ્યા, કારણ કે એસઆઈટીએ આપેલા પુરાવા અને તેના નિષ્કર્ષ વચ્ચે કોઈ તાલમેલ નહોતો.
મે 2011માં સુપ્રીમ કોર્ટે અદાલત મિત્રને સાક્ષીઓ અને એસઆઈટીના અધિકારીઓને મળવાનો આદેશ કર્યો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સપ્ટેમ્બર 2011માં સુપ્રીમ કોર્ટે મોદીની સામે એફઆઈઆર કરવાનો આદેશ તો ન આપ્યો અને એસઆઈટીને નીચલી કોર્ટમાં પોતાનો રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો.
આ બાબતને મોદી અને ઝકિયા જાફરી બન્નેએ પોતાની જીત તરીકે દર્શાવી. આઠમી ફેબ્રુઆરી 2012ના રોજ એસઆઈટીએ આ મામલો બંધ કરવાનો રિપોર્ટ સોંપ્યો, જેની સામે ઝકિયા જાફરીએ 15 એપ્રિલ 2013માં અરજી દાખલ કરી હતી. ઝકિયા જાફરીની અરજી પર તેમના અને એસઆઈટીના વકીલો વચ્ચે પાંચ મહિના સુધી દલીલો ચાલી.
ડિસેમ્બર 2013માં મેટ્રોપોલિટિન કોર્ટે ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી તથા અન્ય અધિકારીઓને ક્લીનચિટ આપી.
અગાઉ તિસ્તા સેતલવાડે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું, "એમની (ઝકિયા) આ ન્યાયની લડાઈ એમના પોતાના માટે અને ગુજરાતમાં (હુલ્લડોનો) ભોગ બનેલા લોકો માટે ખૂબ મહત્ત્વની છે."
અગાઉ ગુજરાતના સામાજિક કાર્યકર ઍડ્વોકેટ શમશાદ પઠાણે કહ્યું હતું, "આ કેસ ફકત કોઈ વ્યકિત પૂરતો મર્યાદિત નથી પણ કઈ રીતે મુખ્ય મંત્રીથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધીઓએ, અધિકારીઓએ કથિત રીતે પોતાની બંધારણીય ફરજ ન બજાવી તે અંગેનો આ કેસ છે."
"આ એક ઐતિહાસિક કેસ છે, કેમ કે એમાં 2002ના ઘટનાક્રમમાં રાજયની સામેલગીરીને બહાર લાવવાની કોશિશ થઈ રહી છે."
"આ ફકત ઝકિયાબહેનના ન્યાયનો સવાલ નથી પણ સમગ્ર ગુજરાતમાં જે કોઈ લોકો ભોગ બન્યા એમનો સવાલ છે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












