ગુજરાતના રાજકારણનો એ દાવ જેમાં અહમદ પટેલ અમિત શાહને ભારે પડ્યા હતા

અહમદ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાતના રાજકારણમાં લગભગ અડધા દાયકા પહેલાં 'રિસોર્ટ પોલિટિક્સ'નો એક એવો દાવ રમાયો હતો, જેમાં કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલ ભાજપના અમિત શાહને ભારે પડ્યા હતા.

એ વખતે રાજ્યસભામાં ભાજપના બે તથા કૉંગ્રેસના એક ઉમદેવાર જીતે તેમ હતા. છતાં ભાજપે ત્રણ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા, જેના કારણે સામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટ જેવી નિરસ ચૂંટણી ટી-20 મૅચ જેવી રસપ્રદ બની ગઈ હતી.

એક તરફ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની હતાં, તો બીજી તરફ કૉંગ્રેસનાં તત્કાલીન પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ હતા.

એ સમયે ગુજરાતના રાજકરાણમાં શંકરસિંહ વાઘેલાના 'ખજૂરાહો' પ્રકરણની મિની આવૃત્તિ લખાઈ હતી. જેમાં કર્ણાટકના કૉંગ્રેસી નેતા અને ગાંધી પરિવારને વફાદાર મનાતા ડીકે શિવકુમારની મદદથી 'કૉંગ્રેસના ચાણક્ય' મનાતા અહમદ પટેલ 'ભાજપના ચાણક્ય' ગણાતા અમિત શાહ પર ભારે પડ્યા હતા. એ ચૂંટણીમાં અહમદ પટેલનો વિજય તો થયો પરંતુ આ તેમનો અંતિમ જંગ બની રહ્યો. તેઓ કોરોના સામેની લડાઈ હારી ગયા અને નવેમ્બર-2020માં તેમનું નિધન થયું.

line

અમિત શાહ વિ. અહમદ પટેલ

રિસોર્ટ પોલિટિક્સ

ઇમેજ સ્રોત, Getty Images

આઠમી ઑગસ્ટ 2017ના સવારે નવ વાગ્યે ગુજરાતના ધારાસભ્યો મતદાન કરવા માટે વિધાનસભા પહોંચ્યા ત્યારે એક જ સવાલ ચર્ચાઈ રહ્યો હતો, શું ભાજપ તમામ ત્રણ સીટ જીતી શકશે?

કૉંગ્રેસના અહમદ પટેલ ઉપરાંત ભાજપનાં કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યાની સંસદસભ્ય તરીકેની ટર્મ પૂરી થઈ રહી હતી. ભાજપે કેન્દ્રીય રાજકારણમાં સક્રિય થવા માગતા પાર્ટીના તત્કાલીન અધ્યક્ષ અમિત શાહને દિલીપ પંડ્યાના સ્થાને ઉતાર્યા હતા, જ્યારે ઈરાનીને રિપીટ કર્યાં હતાં.

જુલાઈ મહિનામાં કૉંગ્રેસના છ ધારાસભ્યોએ એક જ દિવસમાં પાર્ટી છોડી દીધી હતી. એવી ચર્ચા હતી કે આ બળવાને પાર્ટીથી અસંતુષ્ટ શંકરસિંહ વાઘેલાના આશીર્વાદ હતા. શંકરસિંહ વાઘેલાના વેવાઈ બળવંતસિંહ રાજપૂત અપક્ષ ઉમેદવાર હતા, જેઓ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહના સસરા થાય.

મૂળ કૉંગ્રેસી ધારાસભ્ય રાજપૂતને ત્રીજી પસંદગીના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આને કારણે બળવા પાછળ શંકરસિંહ વાઘેલાના દોરીસંચારની અટકળોને વેગ મળ્યો. એક વખત ભરૂચ લોકસભા સીટ જીત્યા બાદ રાજ્યસભાના રસ્તે કેન્દ્રીય રાજકારણમાં પોતાનો દબદબો જાળવી રાખનારા અહમદ પટેલ માટે આ અસ્તિત્વનો સવાલ બની જાય તેમ હતો. એ દિવસે વિધાનસભામાં મતદાન કરવા પહોંચેલા કૉંગ્રેસના 40થી વધુ ધારાસભ્ય બેંગ્લુરુ ખાતેના ઇગલટન રિસોર્ટથી પરત ફર્યા હતા, જ્યાં તેમણે ડીકે શિવકુમારની મહેમાનગતિ માણી હતી.

line

રિસોર્ટ પોલિટિક્સ

2018ની કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયેલા કૉંગ્રેસી ધારાસભ્ય વિધાનસભા સુધી પહોંચ્યા હતા તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2018ની કર્ણાટક વિધાનસભામાં ચૂંટાયેલા કૉંગ્રેસી ધારાસભ્ય વિધાનસભા સુધી પહોંચ્યા હતા તે સમયની તસવીર

ધારાસભ્યો તૂટે નહીં અને સંગઠિત રાખી શકાય તે માટે તેમને કૉંગ્રેસશાસિત કર્ણાટક મોકલી દેવામાં આવ્યા હતા. જ્યાં તેમની 'સુરક્ષાની જવાબદારી' એ વખતના સિંચાઈમંત્રી ડીકે શિવકુમારને સોંપાઈ હતી, જેની પાછળ તેમનો સંચાલનશક્તિનો ઇતિહાસ જવાબદાર હતો.

2002માં મહારાષ્ટ્રના તત્કાલીન કૉંગ્રેસી મુખ્ય મંત્રી વિલાસરાવ દેશમુખ સરકાર સામે અવિશ્વાસનો મત આવ્યો, ત્યારે તેમને બેંગ્લુરુ ખસેડવામાં આવ્યા હતા. કર્ણાટકની એસએમ ક્રિષ્ના સરકારના મંત્રી શિવકુમાર 40 જેટલા ધારાસભ્યોને લઈને બેંગ્લુરુના ગૉલ્ડન પામ રિસોર્ટ પહોંચ્યા હતા, જેની માલિકી ફિલ્મ અભિનેતા સંજય ખાનની હતી. કહેવાય છે કે જ્યારે શિવકુમારનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેઓ સિંગાપોરમાં હતા. તેમણે પોતાના ભાઈ ડીકે સુરેશ તથા વિધાનપરિષદના ધારાસભ્ય એસ. રવિને જવાબદારી સોંપી ધારાસભ્યો માટે ઇગલટન રિસોર્ટની વ્યવસ્થા કરવામાં આવી.

બે દિવસમાં જ આવકવેરા ખાતાએ ડીકે શિવકુમાર, તેમના ભાઈ તથા અન્ય સહયોગીઓનાં ઘર અને ઠેકાણાં પર રેડ કરી. આ સિવાય વિભાગ દ્વારા ઇગલટન રિસોર્ટના માલિક અને મૂળ આંધ્ર પ્રદેશના ઉદ્યોગપતિ મેદા અશોક કુમારને રૂ. 982 કરોડની નોટિસ કાઢવામાં આવી. આવકવેરા વિભાગે દાવો કર્યો કે શિવકુમારના ઘરેથી રૂ. સાડા સાત કરોડની રોકડ મળી હતી. રિસોર્ટમાં પણ તપાસ કરવામાં આવી. વિપક્ષે આરોપ મૂક્યો કે ગુજરાતમાં રાજ્યસભાની સીટ જીતવા દબાણ લાવવા માટેનો પ્રયાસ હતો. જોકે, આવકવેરા વિભાગે આ આરોપોને નકાર્યા. આગળ જતાં રિસોર્ટને કાઢવામાં આવેલી રૂ. 982 કરોડની ઉઘરાણીની નોટિસ પર હાઈકોર્ટે પણ મંજૂરીની મહોર મારી.

line

ગુજરાતમાં ચૂંટણીપરિણામો અને પછી...

અહમદ પટેલ

ઇમેજ સ્રોત, Hindustan Times

મતદાનના દિવસે કૉંગ્રેસના બે ધારાસભ્યોએ ભાજપના નિરીક્ષકને પોતાના મતપત્ર દેખાડ્યા હોવાનું સાબિત કરવામાં કૉગ્રેસ પાર્ટી સફળ રહી. આ સિવાય નીતીશકુમારની જનતાદળ યુનાઇટેડના એકમાત્ર ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ પાર્ટીના વ્હીપથી ઉપરવટ જઈને અહમદ પટેલ માટે મતદાન કર્યું. મોડી રાત સુધી કેન્દ્રીય ચૂંટણીપંચ સુધી રજૂઆતોનો દોર ચાલ્યો. અંતે પટેલ વિજેતા જાહેર થયા.

પરાજિત રાજપૂતને ગુજરાત ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ કૉર્પોરેશનનું (જીઆઈડીસી) અધ્યક્ષપદ આપીને સાચવી લેવાનો પ્રયાસ થયો. ખૂબ જ ઓછું બોલવા માટે ટેવાયેલા અહમદ પટેલે મોડી રાત્રે એક વાગ્યા અને 50 મિનિટે માત્ર બે શબ્દનું ટ્વીટ કર્યું, 'સત્યમેવ જયતે'

બે વર્ષ બાદ ભાજપ આ હારનો બદલે લેવામાં સફળ રહ્યો. માર્ચ-2020માં ભાજપના શંભુપ્રસાદ ટુંડિયા, ચુનીભાઈ ગોહિલ તથા લાલસિંહ વાડોદિયા તથા મધુસૂદન મિસ્ત્રીની ટર્મ પૂરી થઈ રહી હતી. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું અને માત્ર 99 બેઠક પર સમેટાઈ ગયો હતો. પેટાચૂંટણી તથા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને જિતાયેલા ધારાસભ્યોને કારણે પાર્ટી તેનું સંખ્યાબળ વધારવામાં સફળ રહી હતી, પરંતુ એટલી પણ નહીં કે તે ફરી ત્રણેય સંસદસભ્યોને જિતાડી શકે.

આમ છતાં ભાજપે વિખ્યાત વકીલ અભય ભારદ્વાજ અને રમિલાબહેન ઉપરાંત નરહરિ અમીનને ઉમેદવાર બનાવ્યાં. મૂળે ચીમનભાઈ પટેલના જનતા દળથી રાજકીય કારિકર્દી શરૂ કરનારા અમીન 2012માં કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા. કૉંગ્રેસે શક્તિસિંહ ગોહિલને પ્રથમ પસંદગીના ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકીને બીજી પસંદગીના ઉમેદવાર બનાવ્યા હતા. કૉંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ બીસીસીઆઈના પદાધિકારી રાજીવ શુક્લાને ઉમેદવાર બનાવવા માગતું હતું, પરંતુ પ્રદેશ એકમના વિરોધને જોતા સોલંકીને ઉમેદવાર બનાવ્યા હતા.

ફરી એક વખત ધારાસભ્યોનાં રાજીનામાં અને ક્રૉસ વૉટિંગનો ક્રમ થયો અને ભાજપ તેના ત્રણેય ઉમેદવારોને જીતાડવામાં સફળ રહ્યો.

line

શિવકુમાર : ધ કિંગમૅકર

ડીકે શિવકુમાર રાહુલ ગાંધી સાથે

ઇમેજ સ્રોત, TWITTER

ઇમેજ કૅપ્શન, ડીકે શિવકુમાર રાહુલ ગાંધી સાથે

શિવકુમાર આઠમી ટર્મના ધારાસભ્ય છે. 2018માં જ્યારે કર્ણાટકના રાજકારણમાં પ્રભાવક વોકાલિગ્ગા સમુદાયના શિવકુમારે કનકપુરા બેઠક પરથી વધુ એક વખત ઉમેદવારી કરી ત્યારે તેમણે રૂ. 840 કરોડની સંપત્તિઓ હોવાનું જાહેર કર્યું, પાંચ વર્ષ પહેલાં આ આંકડો રૂ. 251 કરોડનો હતો.

ડીકે શિવકુમારે વધુ એક વખત અમિત શાહને વ્યૂહરચના ઘડવામાં માત આપી હતી. 2018ના કર્ણાટકનાં ચૂંટણી પરિણામો બાદ 224 ધરાસભ્યવાળી વિધાનસભામાં ભાજપને 105, કૉંગ્રેસને 80 તથા એચડી કુમારસ્વામીની જનતા દલ સેક્યુલરને 37 બેઠક મળી હતી.

એવું માનવામાં આવતું હતું કે ચાર વર્ષથી સત્તામાં રહેલો ભાજપ સ્થિતિને 'મૅનેજ' કરી લેશે. પરંતુ કૉંગ્રેસ તેના ધારાસભ્યોને વધુ એક વખત ઇગલટન રિસોર્ટ લઈ ગઈ અને એક રાખવામાં સફળ રહી. એટલું જ નહીં શિવકુમારે જેડીએસના ધારાસભ્યોની ઉપર પણ નજર રાખી અને અપક્ષ ધારાસભ્યોને પણ સરકારને સમર્થન આપવા માટે મનાવી લીધા.

કૉંગ્રેસ વધુ બેઠક હોવા છતાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે કુમારસ્વામીને મુખ્ય મંત્રીપદ સોંપ્યું અને ફરી એક વખત શિવકુમાર રાજ્ય સરકારમાં મંત્રી બન્યા. મે-2019 કેન્દ્રમાં બીજી વખત નરેન્દ્ર મોદી સરકાર બની તેના એક મહિનામાં જ ફરી એક વખત 'ઑપરેશન લૉટસ' હાથ ધરાયું અને અગાઉ માત્ર ત્રણ દિવસ માટે મુખ્ય મંત્રી બનનાર યેદિયુરપ્પાનું સત્તા પર પુનરાગમન થયું.

હાલમાં તેઓ કર્ણાટક કૉગ્રેસના પ્રદેશાધ્યક્ષ છે. તેમના ભાઈ ડીકે સુરેશ લોકસભામાં કર્ણાટકથી ચૂંટાઈ આવેલા એકમાત્ર સંસદસભ્ય છે. કૉંગ્રેસનો એક વર્ગ માને છે કે કૉંગ્રેસનું નેતૃત્વ ડીકે શિવકુમારને સોંપવું જોઈએ, જેઓ 'લોઢાથી લોઢું કાપવા'માં નિષ્ણાત છે.

માર્ચ-2022માં ગોવા વિધાનસભાનાં ચૂંટણી પરિણામો બાદ જો ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ ઊભી થાય તો બહુમતને મૅનેજ કરવા માટે કૉંગ્રેસે ડીકે શિવકુમારને મોકલ્યા હતા. પરંતુ જનતાએ સ્પષ્ટ ચુકાદો આપ્યો હતો અને તેમના ભાગે કંઈ કરવાનું નહોતું આવ્યું.

પરંતુ તેમની ઉપર મની લૉન્ડ્રિંગ, જમીન પર દબાણ, ગેરકાયદેસર ખાણકામ અને કરચોરી જેવા આરોપો પણ લાગ્યા છે, જે તેમની વિરુદ્ધ જઈ શકે છે. તેમનાં દીકરીને પણ ઈડીની નોટિસ આપી છે. તેઓ મની લૉન્ડ્રિંગના આરોપોમાં 50 દિવસની જેલ પણ કાપી આવ્યા છે. તેમને કર્ણાટકમાં કૉંગ્રેસના મુખ્ય મંત્રીપદના દાવેદાર તરીકે જોવામાં આવે છે.

line

ગુજરાતનું રિસોર્ટ પોલિટિક્સ 1.0

શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સના જનક તરીકે ઓળખાય છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં રિસોર્ટ પોલિટિક્સના જનક તરીકે ઓળખાય છે

ગુજરાતના રાજકીય ઇતિહાસમાં 'રિસોર્ટ પોલિટિક્સ' શરૂ કરવાનું શ્રેય પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાને આપી શકાય, જેઓ ભાજપમાં હતા ત્યારે પોતાની જ પાર્ટી વિરુદ્ધ બળવો પોકાર્યો હતો અને દિગ્વિજયસિંહશાસિત અખંડ મધ્ય પ્રદેશના ખજૂરાહોમાં પોતાના 47 ધારાસભ્યને લઈ ગયા હતા.

માર્ચ-1995માં ગુજરાતમાં પ્રથમ વખત ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બની, જેનું નેતૃત્વ કેશુભાઈ પટેલને સોંપવામાં આવ્યું. તેમની સરકારમાં એ સમયે ભાજપના મહાસચિવ નરેન્દ્ર મોદીની બોલબાલા હતી.

એક સમયે મોદીના મિત્ર શંકરસિંહ વાઘેલાના સમર્થકોને નિગમોમાં પદ મળ્યાં ન હતાં તથા બદલીઓમાં પણ કથિત રીતે તેમને સાંભળવામાં આવતા ન હતા.

આ બળવા બાદ વાજપેયી દિલ્હીથી અમદાવાદ દોડી આવ્યા. તેમણે કેશુભાઈ પટેલને હટાવવાની, પોતાના ઓછામાં ઓછા છ સમર્થક ધારાસભ્યને મંત્રીપદ આપવાની તથા નરેન્દ્ર મોદીને ગુજરાતના રાજકારણથી દૂર કરવાની શરતો મૂકી, જેને સ્વીકારી લેવામાં આવી.

આ બળવાને ગુજરાતી મીડિયામાં 'ખજૂરિયા-હજૂરિયા' તરીકે પણ ઓળખવામાં આવે છે. જે લોકો પાર્ટી સાથે રહ્યા તેઓ 'હજૂરિયા' તરીકે ઓળખાયા તથા જેઓ શંકરસિંહ સાથે ખજૂરાહો ગયા, તેઓ 'ખજૂરિયા' તરીકે ઓળખાયા.

ઑક્ટોબર-1995માં સુરેશ મહેતા મુખ્ય મંત્રી બન્યાને એક વર્ષ પણ નહોતું થયું કે સ્પ્ટેમ્બર-1996માં શંકરસિંહ વાઘેલા અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા અને મહેતા સરકારનું પતન થયું. વાઘેલાએ બળવાખોર ધારાસભ્યો સાથે 'રાષ્ટ્રીય જનતા પાર્ટી'ની સ્થાપના કરી અને કૉંગ્રેસના ટેકાથી માંડ એક વર્ષ સત્તા ઉપર રહ્યા.

એ પછી વાઘેલાની કાર્યપદ્ધતિ સામે વાંધો પડતા સમાધાનની ફૉર્મ્યુલા તરીકે વાઘેલાના વિશ્વાસુ દિલીપ પરીખને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા. આમ છતાં મતભેદ યથાવત્ રહેતા ગુજરાત વિધાનસભાનું વિસર્જન થયું.

1998ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં યોજાયેલી ચૂંટણીમાં મુખ્ય મંત્રી તરીકે કેશુભાઈ પટેલનું પુનરાગમન થયું અને વાઘેલાએ પોતાની પાર્ટીને કૉંગ્રેસાં વિલીન કરી દીધી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન