યશવંત સિંહા : NDA સરકારમાં મંત્રીથી વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર સુધી

ઇમેજ સ્રોત, Getty Images
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવાર, નેશનલ કૉન્ફરન્સના ફારુખ અબ્દુલ્લાહ તથા પશ્ચિમ બંગાળના પૂર્વ રાજ્યપાલ ગોપાલકૃષ્ણ ગાંધીના ઇન્કાર બાદ તૃણમુલ કૉંગ્રેસના નેતા યશવંત સિંહા વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનવા તૈયાર થઈ ગયા છે.
મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે સિંહાના નામનો સ્વીકાર કર્યો છે. એનસીપી નેતા શરદ પવારના દિલ્હી ખાતેના નિવાસસ્થાને મળેલી બેઠકમાં સિંહાના નામ પર સર્વસહમતિ સધાઈ હતી.
સિંહાએ તેમના સાર્વજનિક જીવનની શરૂઆત આઈએએસ અધિકારી તરીકે કરી હતી. તેઓ વાજપેયી સરકારમાં વિદેશમંત્રી તથા નાણામંત્રી પણ રહ્યા હતા.
મોદી-શાહની બીજેપીમાં માફક ન આવતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો.
જોકે, ગત વર્ષે તેઓ તથા પૂર્વ ભાજપી નેતા શત્રુઘ્ન સિંહા મમતા બેનરજીની તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા હતા.
વિપક્ષના મતે સિંહા "રાષ્ટ્રપતિપદે નિર્વિરોધ ચૂંટાવાને પાત્ર ઉમેદવાર" છે, પરંતુ ભાજપ દ્વારા વિપક્ષના ઉમેદવારને સ્વીકારવામાં આવે તેવી શક્યતા નહિવત્ હોય 18 જુલાઈએના મતદાન થશે અને 21 જુલાઈએ મતગણતરી થશે.

સિંહાનો પૉપ્યુલર ડાયલૉગ

યશવંત સિંહા 1960માં આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) માટે ચૂંટાઈ આવ્યા હતા, તેમને સમગ્ર ભારતમાં 12મું સ્થાન મળ્યું હતું.
તેમણે બિહારના આરા અને પટનામાં કામ કર્યું હતું અને સંથાલ પરગણામાં (હાલ ઝારખંડમાં) ડૅપ્યુટી કમિશનર તરીકે તહેનાત હતા. એ સમયે તત્કાલીન મુખ્ય મંત્રી મહામાયાપ્રસાદ દુમકાની મુલાકાતે આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ ઘટનાને યાદ કરતા સિંહાએ કહ્યું હતું, 'ત્યાં ઊભેલા કેટલાક લોકો મુખ્ય મંત્રીને ફરિયાદ કરવા લાગ્યા. ફરિયાદ પછી સીએમ મારી તરફ જોઈને સ્પષ્ટીકરણ માગતા. હું તેમને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરતો હતો. તેમની સાથે કૉમ્યુનિસ્ટ પાર્ટીના સિંચાઈમંત્રી હતા. તેઓ મારા પ્રત્યે ઉગ્ર થવા લાગ્યા.'
છેવટે યશવંત સિંહાની ધીરજ ખૂટી ગઈ. તેમણે મુખ્ય મંત્રી તરફ જોયું અને કહ્યું, 'સર, મને આ પ્રકારના વ્યવહારની આદત નથી.'

સંક્ષિપ્તમાં : કોણ છે વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહા?
આઈએએસ અધિકારી તરીકે કારકિર્દીની શરૂઆત કરનારા સિન્હા વાજપેયી સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે.
મોદી-શાહની બીજેપીમાં માફક ન આવતાં તેમણે પાર્ટી છોડી દીધી હતી અને રાજનીતિમાંથી સન્યાસ લઈ લીધો હતો.
સિંહા જયપ્રકાશ નારાયણથી ખૂબ જ પ્રભાવિત હતા. સિંહા પદ પરથી રાજીનામું આપીને જનસેવા કરવા માગતા હતા, પરંતુ જેપીએ સલાહ આપી કે તેઓ પહેલાં આજીવિકાની વ્યવસ્થા કરે તે પછી રાજીનામું આપે.
જ્યારે સિંહાની 12 વર્ષની નોકરી બાકી હતી, પરંતુ પેન્શન મેળવવા પાત્ર બની ગયા હતા ત્યારે તેમણે નોકરી છોડી હતી અને રાજકારણમાં પ્રવેશ મેળવ્યો હતો.
સિંહા કહે છે કે, 'મોદીજીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, એવી હિમાયત મેં જ કરી હતી.'
2014ની લોકસભા ચૂંટણી આવી ત્યાં સુધીમાં મને આભાસ થઈ ગયો હતો કે આમની સાથે કામ કરવું મુશ્કેલ બનશે. એટલે મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો : સિંહા

સિંહા ઉમેરે છે, 'મુખ્ય મંત્રી મને બીજા રૂમમાં લઈ ગયા અને સ્થાનિક એસપી (સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તથા ડીજીપી (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ)ની સામે મને કહ્યું કે મારે એ પ્રકારનું આચરણ કરવું નહોતું જોઇતું.'
'જવાબમાં મેં કહ્યું કે મંત્રીએ પણ મારી સાથે આવો વ્યવહાર નહોતો કરવો જોઇતો. આથી મહામાયાપ્રસાદ સિંહા ક્રોધે ભરાયા . તેમણે ટેબલ ઉપર જોરથી હાથ પટકતાં કહ્યું, 'બિહારના મુખ્ય મંત્રી સાથે આવી રીતે વાત કરવાની તમારી હિંમત કેવી રીતે થઈ? તમે બીજી નોકરી શોધવા લાગો.'
'મેં કહ્યું, 'હું સીધો માણસ છું અને ઇચ્છું છું કે મારી સાથે પણ સીધી રીતે વર્તન કરવામાં આવે. જ્યાં સુધી બીજી નોકરી શોધવાની વાત છે તો હું કોઈક દિવસ બિહારનો સીએમ બની શકીશ, પરંતુ તમે ક્યારેય આઈએએસ અધિકારી નહીં બની શકો.' મેં મારાં કાગળિયાં લીધાં અને રૂમમાંથી બહાર નીકળી ગયો.'
અનેક હિંદી કે દક્ષિણની ફિલ્મોમાં લોકપ્રતિનિધિ સાથેની ચડભડ સમયે અધિકારી દ્વારા આવા જ ડાયલૉગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
મહામાયાપ્રસાદ સિંહા જનક્રાંતિ પાર્ટીના હતા અને પક્ષના એકમાત્ર ધારાસભ્ય હોવા છતાં સર્વસહમતિ સધાઈ શકવાને કારણે તેઓ બિહારના પ્રથમ બિન-કૉંગ્રેસી મુખ્ય મંત્રી બની શક્યા હતા. તેમને સંયુક્ત સૉશિયાલ્સટ પાર્ટી, સામ્યવાદી પાર્ટી, પ્રજા સૉશિયલિસ્ટ પાર્ટી, જનસંઘ તથા અપક્ષોનું સમર્થન હાંસલ હતું.

આઈએએસપદેથી રાજીનામું
દુમકાની ઘટનાની સમગ્ર બિહારમાં ચર્ચા થઈ. અમુક દિવસ પછી તેમની પટના બદલી કરી દેવામાં આવી. એના અમુક સમય પછી તેમને પશ્ચિમ જર્મનીમાં ભારતીય રાજદૂતાલયમાં ફર્સ્ટ સૅક્રેટરી તરીકે નિમવામાં આવ્યા.
અમુક વર્ષ બિહારમાં નોકરી કર્યા બાદ જ્યારે બિહારમાં કર્પૂરી ઠાકૂરની સરકાર બની ત્યારે તેમને મુખ્ય મંત્રીના મુખ્ય સચિવ તરીકે નિમવામાં આવ્યા.
સિંહા 'જનનાયક' જયપ્રકાશ નારાયણથી ખૂબ જ પ્રભાવિત હતા. સિંહા પદ પરથી રાજીનામું આપીને જનસેવા કરવા માગતા હતા, પરંતુ જેપીએ સલાહ આપી કે તેઓ પહેલાં આજીવિકાની વ્યવસ્થા કરે તે પછી રાજીનામું આપે.
એશિયાઈ રમતોત્સવ દરમિયાન અન્ય જવાબદારીઓની સાથે તેમને દિલ્હી પરિવહનનિગમના અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા. ત્યાર સુધીમાં તેમના બંને દીકરા 'સેટલ' થઈ ગયા હતા, દીકરીનું લગ્ન થઈ ગયું હતું.
12 વર્ષની નોકરી બાકી હતી, પરંતુ પેન્શન મેળવવા પાત્ર બની ગયા હતા. આથી તેમણે નોકરી છોડી દીધી.

સિંહ, સિંહા અને સિંહ

સિંહાએ જનતા પાર્ટીનું સભ્યપદ ગ્રહણ કર્યું, તેઓ પાર્ટીના નેતા ચંદ્રશેખર સિંહના નજીકના મનાતા હતા. જ્યારે વિશ્વનાથપ્રતાપ સિંહ વડા પ્રધાન બન્યા, ત્યારે તેમને રાજ્યકક્ષાના મંત્રી તરીકે નિમવામાં આવ્યા.
સિંહાને લાગ્યું કે આ તેમનું, તેમની સિનિયૉરિટી, ચૂંટણીપ્રચાર દરમિયાન પક્ષ માટે કરેલી મહેનત અને તેમના નેતા ચંદ્રશેખરનું અપમાન છે.
તેમને કૅબિનેટકક્ષાના મંત્રી બનાવવા જોઇતા હતા. તેઓ રાષ્ટ્રપતિ ભવનેથી જ તેમનાં પત્ની સાથે પરત ફરી ગયા અને પદ ન સ્વીકાર્યું.
એ પછી જ્યારે ચંદ્રશેખર વડા પ્રધાન બન્યા, ત્યારે સિંહા ઇચ્છતા હતા કે તેમને વિદેશ મંત્રી બનાવવામાં આવે, પરંતુ દેશની સામેના આર્થિક પડકારોને જોતાં ચંદ્રશેખરને લાગતું હતું કે સિંહા જ તેને પહોંચી વળી શકે, એટલે તેમને નાણામંત્રી બનાવ્યા.
સિંહાએ તેમના પુસ્તક 'કન્ફૅશન્સ ઑફ અ સ્વદેશી રિફૉર્મર'માં લખ્યું કે તેમણે માત્ર 12 ધોરણ સુધી જ અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો અને તેમણે રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતકનો અભ્યાસ કર્યો હતો. છતાં આર્થિક બાબતોની સમજ તથા નાણામંત્રાલયના પડકાર અલગ મુદ્દા છે.
પોતાના પુસ્તકમાં સિંહા લખે છે કે, સુબ્રમણ્યમ સ્વામી પોતે નાણામંત્રી બનવા માગતા હતા, પરંતુ અનેક લોકો તેની વિરુદ્ધ હતા. આથી, નારાજ સ્વામીને મનાવવા માટે એ સમયે તેમને વાણિજ્ય તથા કાયદો એમ બે-બે મંત્રાલય આપવામાં આવ્યા હતા.
1991ના ચૂંટણીપ્રચાર દરમિયાન તેમણે 'રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા'નું 20 ટન સોનું 'બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ' પાસે ગીરવે મૂકવાની ફાઇલ ઉપર સહી કરી હતી અને વડા પ્રધાનને ફૉરવર્ડ કરી હતી, જેથી કરીને દેશનું 40 કરોડ ડૉલરનું દેવું ચૂકતે કરી શકાય.
ચંદ્રશેખરની સરકાર લાંબો સમય ન ચાલી અને તેનું પતન થયું. સાત વર્ષ બાદ ફરી એક વખત તેઓ નાણામંત્રી બન્યા. પાર્ટી હતી ભાજપ અને વડા પ્રધાન હતા અટલ બિહારી વાજપેયી.

ભાજપની 'દિવાળી ગિફ્ટ'

ઇમેજ સ્રોત, Getty Images
સિંહાના કહેવા પ્રમાણે, 'ચંદ્રશેખરની સમાજવાદી પાર્ટી સમાપ્તિ તરફ હતી. તે સમયે મારી પાસે બે વિકલ્પ હતા. કૉંગ્રેસ તથા ભારતીય જનતા પાર્ટી. નરસિહ્મા રાવ ખૂબ જ ઇચ્છતા હતા કે હું કૉંગ્રેસમાં જોડાઈ જાવ. અનેક વખત મારી તેમની સાથે મુલાકાત પણ થઈ. છતાં મને કૉંગ્રેસમાં જવાનું યોગ્ય ન લાગ્યું.'
ચંદ્રશેખરની ઇચ્છા હતી કે સિંહા કૉંગ્રેસમાં જાય, પરંતુ તેમણે એમ ન કર્યું. જનતાદળના અલગ-અલગ ઘટકપક્ષોને એક કરવાના પ્રયાસ થઈ રહ્યા હતા. આ અરસામાં 'કૉમન ફ્રૅન્ડ' મારફત તેમની અને લાલકૃષ્ણ અડવાણીની મુલાકાત તો થઈ, પરંતુ ભાજપમાં જોડાવા વિશે વાત ન થઈ.
આ અરસામાં યશવંત સિંહા તથા તેમનાં પત્ની રાંચીથી પ્લૅન મારફત દિલ્હી જઈ રહ્યા હતા. આ વિમાનમાં લાલુપ્રસાદ યાદવ પણ ચઢ્યા.
સિંહા કહે છે, 'મેં યાદવને પ્રણામ કર્યા. તેમણે શિષ્ટાચાર દાખવવાનું તો દૂર ઓળખવાનો પણ ઇન્કાર કરી દીધો. વિમાન ઊતર્યું તે પછી પાસે-પાસે ઊભા રહેવા છતાં તેમણે મારી સાથે કોઈ વાત ન કરી. લાલુજીની હરકત જોઈને મેં ઘરે જઈને તરત જ અડવાણીજીને ફોન કર્યો અને કહ્યું કે હું તમને તત્કાળ મળવા માગું છું.'
'એના થોડા દિવસો પછી અડવાણીએ મને ભાજપમાં સામેલ કરી લીધો અને પ્રેસ કૉન્ફરન્સમાં જાહેરાત કરી કે મારું ભાજપમાં જોડાવું એ પાર્ટી માટે 'દિવાળી ગિફ્ટ' સમાન છે.'

મોદી સાથે બારમે ચંદ્રમા

ઇમેજ સ્રોત, Yashwant Sinha
યશવંત સિંહાએ 2009માં ઝારખંડની હઝારીબાગ બેઠક પરથી ચૂંટણી જીતી હતી. આ પહેલાં 1998, 1999માં આ બેઠક પરથી લડ્યા અને જીત્યા હતા, જોકે 2004માં હારી ગયા હતા. 2014માં તેમના બદલે તેમના પુત્ર જયંતને ઉમેદવાર બનાવવામાં આવ્યા.
સિંહા કહે છે કે, 'મોદીજીને વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવે, એવી હિમાયત મેં જ કરી હતી, પરંતુ 2014ની લોકસભા ચૂંટણી આવી ત્યાર સુધીમાં મને આભાસ થઈ ગયો હતો કે આમની સાથે કામ કરવું મુશ્કેલ બનશે. એટલે મેં ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો. મારા બદલે મારા દીકરાને ટિકિટ આપવામાં આવી, તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા પણ. પ્રથમ મોદી સરકારમાં તેમને મંત્રી બનાવવામાં આવ્યા.'
2014 પછી આર્થિક અને કાશ્મીર સહિતના મુદ્દે તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને સલાહ આપતા પત્રો તથા અખબારી લેખ લખ્યા. જેને તેમના દીકરાએ જ અખબારી લેખ દ્વારા વખોડી કાઢ્યા. હાલ પણ પિતાની બેઠક પરથી જયંત લોકસભાના સંસદસભ્ય છે, પરંતુ કેન્દ્રીય મંત્રી નથી.
સિંહાનું કહેવું છે કે તેમણે વડા પ્રધાન સાથે મુલાકાત માટે પ્રયાસ કર્યા, પરંતુ તેમને સમય આપવામાં ન આવ્યો.
આ સિવાય તેઓ 80 વર્ષની ઉંમરે નોકરી શોધી રહ્યા છે, એવી વાતો પણ ફેલાવવામાંઆવી હતી, જેના કારણે તેમનું દિલ તૂટી ગયું.
પહેલાં તેમણે પાર્ટીમાં હોદ્દો છોડ્યો અને 21 વર્ષ પછી સભ્યપદ પણ છોડ્યું. ગત માર્ચ મહિનામાં તેઓ તૃણમુલ કૉંગ્રેસમાં જોડાઈ ગયા. તેઓ સાર્વજનિક રીતે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી તથા તેમની સરકારની ઝાટકણીકાઢતા રહ્યા છે.

વિવાદના વંટોળમાં સિંહા

પૂર્વ સંસદસભ્ય રાજેશ રંજન ઉર્ફ પપ્પુ યાદવે તેમના પુસ્તક 'દ્રોહકાલ કા પથિક'માં આરોપ મૂક્યો હતો કે તેમની ઇન્ડિયન ફેડરલ ડૅમોક્રૅટિક પાર્ટીના ત્રણ સંસદસભ્યોને ભાજપમાં જોડાવા માટે "તત્કાલીન નાણામંત્રી યશવંત સિંહાના સૌજન્યથી" પૈસા મળ્યા હતા.
'અનવરઉલ હક્કને રુપિયા એક કરોડ તથા ઍસન્ટ કાર મળ્યાં હતાં. નાગમણિને તત્કાળ એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા તથા રાજ્યકક્ષાના મંત્રીપદનું વચન આપવામાં આવ્યું હતું. પીસી થૉમસને પણ રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું હતું. જ્યારે નાગમણિને રાજ્યકક્ષાનું મંત્રીપદ ન મળ્યું, ત્યારે તેમણે પણ પૈસા લઈ લીધા. બાકીનાઓએ પૈસા લીધા નહોતા.'
પુસ્તકમાં પપ્પુ યાદવ સિંહાને તેમના 'જૂના પારિવારિક મિત્ર' તરીકે ઓળખાવે છે.
ભાજપ તથા યશવંત સિંહાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા તથા તેમની ઉપર અનેક કેસ ચાલતા હોય તેમની વિશ્વસનિયતા ઉપર જ સવાલ ઉઠાવ્યા હતા.
આ સિવાય દેશના સૌથી જૂના, મોટા અને લોકપ્રિય યુનિટ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાની યુએસ-64 (યુનિટ સ્કિમ ઑફ 1964) નિષ્ફળ રહી ત્યારે યશવંત સિંહા ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
સવાલ ઉઠાવનારાઓમાં મીડિયા ઉપરાંત તમના પૂર્વ સાથી સુબ્રમણ્યમ સ્વામી પણ હતા.

રાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત

ઇમેજ સ્રોત, Getty Images
નવી દિલ્હીમાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવારના ઘરે યોજાયેલી બેઠકમાં કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી, તૃણમુલ કૉંગ્રેસ, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા, કૉમ્યુનિસ્ટ પાર્ટી ઇન્ડિયા - માર્કસિસ્ટ, નેશનલ કૉન્ફરન્સ, ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લમિન, રાષ્ટ્રીય જનતા દળ, દ્રવિડ મુનેત્ર કઝગમ્ તથા ઑલ ઇન્ડિયા યુનાઇટેડ ડેમૉક્રૅટિક ફ્રન્ટના પ્રતિનિધિ હાજર રહ્યા હતા.
જોકે, તેલંગણા રાષ્ટ્રસમિતિ, આમ આદમી પાર્ટી, બીજુ જનતાદળ, યુવાજના શ્રમિક રાયથુ કૉંગ્રેસ પાર્ટી તથા શિરોમણિ અકાલી દળના પ્રતિનિધિઓ આ બેઠકમાં હાજર રહ્યા ન હતા.
આ પહેલાં પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વિપક્ષના સર્વસ્વિકૃત ઉમેદવાર પસંદ કરવા બેઠક બોલાવી હતી, ત્યારે પણ તેઓ હાજર રહ્યા ન હતા.
ભાજપના સંસદીય બોર્ડની બેઠક મંગળવારે મળી હતી. એનડીએને બહુમતથી 'હાથવેંતનું છેટું' છે.
ભાજપ તરફથી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી આનંદી બહેન પટેલ, છત્તીસગઢના પૂર્વ મુખ્ય મંત્રી ડૉ. રમણસિંહ જેવા નામો ચર્ચાયા હતા, પરંતુ મંજુરીની મહોર દ્રોપદી મૂર્મુના નામ પર મારવામાં આવી હતી. આમ પાર્ટી બીજેડી, વાયએસઆરસીપી, એસએડી કે ટીઆરએસ જેવી પાર્ટીઓ તરફ નજર દોડાવી શકે છે.
સિંહા બિહારના હોય અગાઉ બે રાષ્ટ્રપતિપદની ચૂંટણી સમયે વિપક્ષ સાથે રહેનાર જેડીયુ આ વખતે પણ એનડીએથી અલગ રૂખ અપનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યસભા, લોકસભા તથા વિધાનપરિષદમાં નિમણૂક પામેલા સભ્યો રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મતદાન નથી કરી શકતા.
આ સિવાય છ રાજ્યમાં (તેલંગણા, આંધ્ર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને બિહાર) વિધાનપરિષદ અસ્તિત્વ ધરાવે છે, જેના સભ્યો પણ રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન મતદાન નથી કરી શકતા.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













