રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, દ્રૌપદી મુર્મૂ યશવંત સિન્હા કરતાં કઈ રીતે આગળ?

21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે

ઇમેજ સ્રોત, ANI/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, 21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે.

ભારતના ચૂંટણીપંચે આપેલી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની મતદાન પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે.

આ ચૂંટણીમાં કપલ 4800 લોકોએ મતદાન કરવાનું હતું અને કેન્દ્ર શાસિસ પ્રદેશ પુડ્ડુચેરીમાં મતદાન 100 રહ્યું.

આ ચૂંટણીમાં ભાજપ નેતૃત્વવાળા એનડીએ ગઠબંધને આદિવાસી નેતા દ્રૌપદી મુર્મૂને પોતાનાં ઉમેદવાર બનાવ્યાં છે.

ત્યારે વિપક્ષે ભાજપના પૂર્વ નેતા યશવન્ત સિન્હાને ઉમેદવાર બનાવ્યા છે.

આ ચૂંટણીમાં દ્રૌપદી મુર્મૂ આગળ માનવામાં આવી રહ્યું છે કારણ કે તેમને એનડીએની સાથે વિપક્ષનાં દળોનું સમર્થન મળી રહ્યું છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સંસદનાં બંને ગૃહ, રાજ્યોની વિધાનસભાઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યોએ મતદાન કર્યું હતું.

દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ 21 જુલાઈએ જાહેર થશે.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અત્યાર સુધી સામાન્ય રીતે શાસક પક્ષનું પલ્લું ભારે રહેતું હોય છે. આ વખતની ચૂંટણીમાં વિપક્ષનાં કેટલાંય દળોએ દ્રોપદી મુર્મૂને સમર્થન આપવાની જાહેરાત કરી છે, જેને જોતાં તેઓ સરળતાથી એક તૃતીયાંશ મત હાંસલ કરી લેશે એવું મનાઈ રહ્યું છે.

જો દ્રૌપદી મુર્મૂ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ભારતનાં પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ હશે. સાથે જ તેઓ દેશનાં બીજા મહિલા રાષ્ટ્રપતિ હશે.

રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ છ ઑગસ્ટે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે. તેના માટે એનડીએ તરફથી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે વિપક્ષે માર્ગરેટ અલ્વાને ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યાં છે.

રાષ્ટ્રપતિ ચૂંટણી માટે નામાંકનની અંતિમ તારીખ 29 જૂન હતી. આ રિપોર્ટમાં જાણો કે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી કેવી રીતે થાય છે? દેશના 15મા રાષ્ટ્રપતિ માટે 18 જુલાઈના રોજ મતદાન થશે અને 21 જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની જાહેરાત કરાશે.

લાઇન

1. રાષ્ટ્રપતિની ચૂંટણી માટેની શી પ્રક્રિયા હોય છે?

રાષ્ટ્રપતિની ચૂંટણી ઇલેક્ટરોલ કૉલેજ દ્વારા કરવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો આ ઇલેક્ટરોલ કૉલેજના સભ્યો હોય છે અને એ ઉપરાંત બધી વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો પણ.

વિધાન પરિષદના સભ્યો એના સભ્ય નથી હોતા. લોકસભા અને રાજ્યસભાના નામાંકિત સભ્યો પણ એના સભ્ય નથી હોતા.

પરંતુ આ બધાના મતોનું મૂલ્ય જુદું જુદું હોય છે. લોકસભા અને રાજ્યસભાના મતનું મૂલ્ય એક હોય છે અને વિધાનસભાના સભ્યોનું અલગ હોય છે. તે રાજ્યની વસ્તીના આધારે નક્કી થાય છે.

આ ચૂંટણીમાં મશીનનો ઉપયોગ નથી થતો.

2. શું રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટાઈ પડે છે? અને એવું થાય તો ચૂંટણી કઈ રીતે થાય છે?

બંધારણના ઘડવૈયાઓએ ટાઈ પડવા-વિષયક વિચાર નહોતો કર્યો, તેથી એના વિશે ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની બાબતમાં 1952નો જે કાયદો છે એમાં પણ એનો ઉલ્લેખ નથી. આજ સુધીમાં આવી સ્થિતિ ક્યારેય ઊભી નથી થઈ અને ઊભી થવાની સંભાવના પણ નથી દેખાતી.

3. રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયા પછી શું એમનું રાજકીય જીવન સમાપ્ત થઈ જાય છે? શું પછી તેઓ ચૂંટણી નથી લડી શકતા?

બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ છે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ સમાપ્ત થયા પછી ફરીથી રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી લડી શકાય છે. રાજકીય જીવન સમાપ્ત થવાનો તો કોઈ સવાલ જ ઊભો નથી થતો. તેઓ ઇચ્છે તો કોઈ પણ પ્રકારનું રાજકીય જીવન જીવી શકે છે. પરંતુ દેશના સર્વોચ્ચ પદ પર રહ્યા પછી, સ્વાભાવિક છે કે તેઓ સાંસદ કે ધારાભ્ય કે રાજ્યપાલ બનવાનું પસંદ નહીં કરે. કેમ કે આ બધાં તો રાષ્ટ્રપતિ કરતાં નીચાં પદ છે.

ભારતના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી

ઇમેજ સ્રોત, PRESIDENT OF INDIA WEBSITE

ઇમેજ કૅપ્શન, ભારતના 15મા રાષ્ટ્રપતિની ચૂંટણી

4. ભારતમાં જ્યારે બધા અધિકારો વડા પ્રધાન પાસે હોય છે તો રાષ્ટ્રપતિપદનું શું મહત્ત્વ છે?

એવું નથી કે બધી સત્તા વડા પ્રધાનની પાસે રહે છે. સૌનાં પોતપોતાનાં ક્ષેત્ર છે. સમગ્ર કાર્યપાલિકાની શક્તિ રાષ્ટ્રપતિના હાથમાં હોય છે. રાષ્ટ્રપતિ પ્રત્યક્ષ રીતે કે પછી પોતાને અધીન રહેલા અધિકારીઓના માધ્યમથી એનો ઉપયોગ કરી શકે છે.

રાષ્ટ્રપતિની મુખ્ય જવાબદારી વડા પ્રધાનની નિમણૂક કરવાની અને બંધારણનું રક્ષણ કરવાની છે. આ કામ ઘણી વાર તેઓ પોતાના વિવેકથી નક્કી કરે છે. કોઈ પણ બિલ એમની મંજૂરી વિના પાસ નથી થઈ શકતું. તેઓ મની બિલને બાદ કરતાં બાકીનાં બધાં બિલ અંગે પુનર્વિચાર માટે પાછું મોકલી શકે છે.

5. રાષ્ટ્રપતિની ચૂંટણી કોણ લડી શકે છે અને એ વ્યક્તિની યોગ્યતા અને ઉંમર કેટલાં હોવાં જોઈએ? રાષ્ટ્રપતિનાં કર્તવ્ય અને અધિકાર શાં છે?

ભારતના નાગરિક હોવા જોઈએ. ઓછામાં ઓછી 35 વર્ષની ઉંમર હોવી જોઈએ. લોકસભાના સભ્ય થવાની પાત્રતા હોવી જોઈએ. ઇલેક્ટરોલ કૉલેજના સભ્યોમાંથી 50 પ્રસ્તાવક અને 50 સમર્થન આપનારા હોવા જોઈએ.

રાષ્ટ્રપતિનું મૂળ કર્તવ્ય સંઘની કાર્યકારી શક્તિઓનું નિર્વહન કરવાનું છે. સેનાના પ્રમુખોની નિમણૂક પણ તેઓ કરે છે.

6. રાષ્ટ્રપતિને પદ પરથી કઈ રીતે હઠાવી શકાય?

મહાભિયોગ દ્વારા રાષ્ટ્રપતિને એમના પદ પરથી હઠાવી શકાય છે.

તેના માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યોને 14 દિવસની નોટિસ આપવાની હોય છે. એના પર ઓછામાં ઓછા એક ચતુર્થાંશ સભ્યોની સહી થવી જરૂરી હોય છે. પછી ગૃહ એના પર વિચાર કરે છે. જો બે તૃતીયાંશ સભ્ય એને માની લે તો પછી તે બીજા ગૃહમાં જશે. બીજું ગૃહ એની તપાસ કરશે અને ત્યાર બાદ બે તૃતીયાંશ સમર્થનથી તે પણ પાસ કરી દેવાય તો પછી રાષ્ટ્રપતિને પદ પરથી દૂર થયેલા માનવામાં આવશે.

7. શું બે જ ઉમેદવાર ઊભા રહે છે કે વધારે ઉમેદવાર પણ હોઈ શકે?

બેથી વધારે ઉમેદવાર પણ હોઈ શકે છે. જોકે એમાં એક શરત છે કે 50 પ્રસ્તાવક અને 50 સમર્થન કરનારા હોવા જોઈએ,

8. રાષ્ટ્રપતિ ક્ષમાદાનના પોતાના અધિકારનો ઉપયોગ પોતાના વિવેકના આધારે કરે છે કે મંત્રીપરિષદની સલાહના આધારે?

રાષ્ટ્રપતિ ક્ષમાદાનના અધિકારનો ઉપયોગ મંત્રીપરિષદની સલાહના આધારે જ કરે છે, પરંતુ મંત્રીપરિષદે રાષ્ટ્રપતિને શી સલાહ આપી છે, તે અદાલતમાં પૂછી શકાતું નથી.

કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેવી રીતે થાય છે રાષ્ટ્રપતિની ચૂંટણી?

9. સિંગલ ટ્રાન્સફરેબલ વોટિંગ એટલે શું?

એમાં જોગવાઈ એવી છે કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પ્રમાણસરનું પ્રતિનિધિત્વ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ હશે. બંધારણના નિર્માણ વખતે આ એક પણ મિટિંગ વગર પાસ થઈ ગયો હતો. પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે એક કરતાં વધારે સીટો માટે જો ચૂંટણી થઈ રહી હોય તો પ્રમાણસરના પ્રતિનિધિત્વનો મુદ્દો ઊભો થાય છે, એક પદ માટે નહીં.

10. શું અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિની કોઈ ચૂંટણી વિના વિરોધે થઈ છે?

નીલમ સંજીવ રેડ્ડી એક એવા રાષ્ટ્રપતિ બન્યા હતા જેમને વિના વિરોધે ચૂંટવામાં આવ્યા હતા અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ એકલા એવા રાષ્ટ્રપતિ હતા જેમને બે વાર ચૂંટવામાં આવ્યા.

11. NDAનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિશે

દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતાં.

ઇમેજ સ્રોત, DROUPADI MURMU FAMILY

ઇમેજ કૅપ્શન, દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતાં

દ્રૌપદી મુર્મૂનો જન્મ 10 જૂન 1958ના રોજ મયૂરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં થયો હતો.

તેઓ સંથાલ આદિવાસી છે અને તેમના પિતા બિરંચી નારાયણ ટુડૂ પોતાની પંચાયતના મુખી છે.

દ્રૌપદી મુર્મૂ ઝારખંડનાં પ્રથમ મહિલા અને આદિવાસી રાજ્યપાલ હતાં.

તેઓ ઝારખંડમાં સૌથી લાંબા સમય (છ વર્ષ કરતાં વધુ સમય) સુધી રાજ્યપાલ રહ્યાં.

ત્યાંથી સેવાનિવૃત્તિ બાદ તેઓ પોતાના ગૃહ રાજ્ય ઓડિશાના મયૂરભંજ જિલ્લાના રાયરંગપુરમાં રહે છે. આ તેમના પૈતૃક ગામ બૈદાપોસીનું પ્રખંડ મુખ્યાલય છે.

વર્ષ 1979માં ભુવનેશ્વરની રમાદેવી મહિલા કૉલેજથી બીએ પાસ કરનાર દ્રૌપદી મુર્મૂએ પોતાની કારકિર્દીની શરૂઆત ઓડિશા સરકાર માટે ક્લાર્કની નોકરીથી કરી.

આ દરમિયાન મુર્મૂ સિંચાઈ અને ઊર્જાવિભાગમાં જુનિયર સહાયક હતાં. બાદનાં વર્ષોમાં તેઓ શિક્ષિકા પણ રહ્યાં.

મુર્મૂએ રાયરંગપુરના શ્રી અરવિંદો ઇંટિગ્રલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં માનદ શિક્ષક તરીકે શિક્ષણકાર્ય આરંભ્યું.

દ્રૌપદી મુર્મૂએ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત વૉર્ડ કાઉન્સિલર તરીકે વર્ષ 1997માં કરી હતી.

રાયરંગપુર વિધાનસભા બેઠકથી ભાજપની ટિકિટ પર બે વખત (વર્ષ 2000 અને 2009)માં તેઓ ધારાસભ્ય બન્યાં હતાં.

પ્રથમ વખત ધારાસભ્ય બન્યા બાદ તેઓ વર્ષ 2000થી 2004 સુધી નવીન પટનાયકના મંત્રિમંડળમાં સ્વતંત્ર પ્રભારનાં રાજ્યમંત્રી રહ્યાં.

વર્ષ 2015માં જ્યે તેમને પહેલીવાર રાજ્યપાલ બનાવાયાં, ત્યારે ઠીક એના પહેલાં સુધી તેઓ મયૂરભંજ જિલ્લાનાં ભાજપ અધ્યક્ષ હતાં.

વર્ષ 2002થી 2009 અને વર્ષ 2013થી એપ્રિલ 2015 સુધી આ મોરચાનાં રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય રહ્યાં.

તે બાદ તેઓ ઝારખંડનાં રાજ્યપાલ બન્યાં અને ભાજપના સક્રિય રાજકારણથી અલગ થઈ ગયાં.

દ્રૌપદી મુર્મૂનાં લગ્ન શ્યામચરણ મુર્મૂ સાથે થયાં પરંતુ ઓછી ઉંમરમાં જ તેમનું નિધન થઈ ગયું. તેમનાં ત્રણ સંતાનો હતાં પરંતુ તેમાં બંને દીકરાનાં મૃત્યુ પણ અસમય થયાં.

મુર્મૂનાં દીકરી ઇતિશ્રી મુર્મૂ છે, જેઓ રાંચીમાં રહે છે. તેમનાં લગ્ન ગણેશંચદ્ર હેમ્બરમ સાથે થયાં છે.

12. વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા વિશે

લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ હાલનાં વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત વાગ્બાણ છોડતા રહ્યા છે. અંતે ભાજપથી અલગ થવું પડ્યું. વર્ષ 2021માં તેઓ TMCમાં સામેલ થઈ ગયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ હાલનાં વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત વાગ્બાણ છોડતા રહ્યા છે. અંતે ભાજપથી અલગ થવું પડ્યું, વર્ષ 2021માં તેઓ TMCમાં સામેલ થઈ ગયા

યશવંત સિંહાનો જન્મ 6 ડિસેમ્બર 1937ના રોજ પટનામાં થયો હતો.

ભારતીય વહીવટી સેવા (આઈએએસ)ના ભૂતપૂર્વ અધિકારી યશવંત સિંહા ઝારખંડની હજારીબાગ બેઠકથી ભાજપના લોકસભા સાંસદ ચૂંટાઈ ચૂક્યા છે અને તેઓ કેન્દ્ર સરકારના મંત્રી પણ રહી ચૂક્યા છે.

પટના યુનિવર્સિટીથી ભૂતપૂર્વ વિદ્યાર્થી સિન્હાએ સિવિલ સર્વન્ટ તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે સિન્હાએ બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અને દિગ્ગજ નેતા કર્પૂરી ઠાકુરના પ્રધાનસચિવ તરીતે પણ કામ કર્યું હતું.

બિહાર કૅડરના આઈએસએસ અધિકારી સિન્હા વર્ષ 1984માં વહીવટી સેવા ત્યાગીને જનતા પાર્ટીમાં સામેલ થયા.

વર્ષ 1988માં રાજ્યસભા સાંસદ બન્યા અને બાદમાં ભાજપમાં જોડાઈ ગયા.

સિન્હાએ વર્ષ 1988માં હજારીબાગથી લોકસભાની ચૂંટણી જીતી અને કેન્દ્ર સરકારમાં નાણામં6 રહ્યા. બાદમાં તેઓ વિદેશમંત્રી બન્યા.

લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ હાલનાં વર્ષોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સતત વાગ્બાણ છોડતા રહ્યા છે. અંતે ભાજપથી અલગ થવું પડ્યું. વર્ષ 2021માં તેઓ TMCમાં સામેલ થઈ ગયા.

યશવંત સિંહાના અંગત જીવનની વાત કરીએ તો તેમનાં લગ્ન નીલિમા સિંહા સાથે થયાં છે અ તેમનાં બે પુત્રો અને એક પુત્રી છે. યશવંત સિંહાના મોટા પુત્ર જયંત સિંહા ભાજપના સાંસદ છે.

13. રામનાથ કોવિંદ વિશે માહિતી

રામનાથ કોવિંદ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, રામનાથ કોવિંદ

રામનાથ કોવિંદે 25 જુલાઈ, 2017એ ભારતના 14મા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. રામનાથ કોવિંદ સર્વોચ્ચ અદાલતમાં વકીલ રહી ચૂક્યા છે અને દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ સ્વીકારતાં પહેલાં તેઓ બિહારના રાજ્યપાલ હતા.

એમને સર્વોચ્ચ અદાલતથી માંડીને સંસદ સુધીનાં વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો અનુભવ છે.

રામનાથ કોવિંદનો જન્મ 01 ઑક્ટોબર, 1945ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાના પરૌંખ ગામમાં થયો હતો.

એમણે પ્રાથમિક અને ઉચ્ચતર શિક્ષણ પણ કાનપુરમાં જ લીધું. એમણે પહેલાં કૉમર્સ ગ્રૅજ્યુએટની પરીક્ષા પાસ કરી અને પછી કાનપુર વિશ્વ વિદ્યાલયમાંથી કાયદાની ડિગ્રી મેળવી.

તેઓ 1977થી 1979 સુધી દિલ્હીમાંની સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના વકીલ હતા. 1978માં તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતમાં ઍડ્‌વોકેટ ઑન રેકૉર્ડ બન્યા. 1980થી 1993 સુધી તેઓ સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકારના સ્થાયી વકીલ હતા.

1994માં, રામનાથ કોવિંદ ઉત્તર પ્રદેશમાંથી સંસદના ઉપલા ગૃહ, રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા. માર્ચ 2006 સુધી 6-6 વર્ષના સતત બે કાર્યકાળ માટે તેઓ રાજ્યસભાના સભ્ય રહ્યા.

08 ઑગસ્ટ, 2015માં એમણે બિહારના રાજ્યપાલ તરીકેનો પદભાર સંભાળ્યો.

ત્યાર બાદ તેઓ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા.

લાઇન

અત્યાર સુધીમાં ભારતમાં કેટલા રાષ્ટ્રપતિ બન્યા અને એમનાં નામ શાં છે?

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની પહેલાં દેશમાં 13 રાષ્ટ્રપતિ હતા.

•ડૉ. રાજેન્દ્ર પ્રસાદ (1884-1963)

•ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888-1975)

•ડૉ. ઝાકીર હુસૈન (1897-1969)

•વરાહગિરી વેંકટગિરી (1894-1980)

•ડૉ. ફખરુદ્દીન અલી અહમદ (1905-1977)

•નીલમ સંજીવ રેડ્ડી (1913-1996)

•જ્ઞાની ઝૈલસિંહ (1916-1994)

•આર વૈંકટરમન (1910-2009)

•ડૉ. શંકરદયાલ શર્મા (1918-1999)

•કે. આર. નારાયણન (1920 - 2005)

•ડૉ. એપીજે અબ્દુલ કલામ (1931-2015)

•પ્રતિભાદેવીસિંહ પાટિલ (જન્મ - 1934)

•પ્રણવ મુખર્જી (1935-2020)

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો