પ્રવર્તમન નિદેશાલય : સોનિયા ગાંધીની પૂછપરછ કરનાર ED શું છે અને તેને 'CBI કરતાં પણ વધુ શક્તિશાળી કેમ ગણવામાં આવે છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પી. ચિદમ્બરમ, કાર્તિ ચિદમ્બરમ, ડી. શીવકુમાર, અનિલ દેશમુખ, નવાબ મલિક, છગન ભૂજબળ, મધુ કોડા, એ રાજા, દયાનિધિ મારન, ફારુખ અબ્દુલ્લા, લાલુપ્રસાદ યાદવ, તેજસ્વી યાદવ, રાબડી દેવી, કલ્યાણ બેનર્જી ર્જી, જગન મોહન રેડ્ડી, હેમંતા બિશ્વા શર્મા, મુકુલ રૉય, જનાર્દન રેડ્ડી. આ તમામ નામો વાંચતાં એક વાત ઊડીને આંખે વળગે કે આ રાજનેતાઓની સામે ઈડી દ્વારા પીએમએલએ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઈડીએ (ઇન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ, પ્રવર્તમન નિર્દેશાલય) નાણામંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા છે, જેની ઉપર રાજકીય કિન્નાખોરીથી કાર્યવાહી કરવાના આરોપ વિપક્ષ દ્વારા લાગતા રહે છે.
પીએમએલએ હેઠળ દાખલ કરવામાં આવેલાં કેસનું આંકડાકીય વિશ્લેષણ કરતાં આ આરોપોને બળ મળે છે, આ સંસ્થા 1956થી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષોથી તે વિશેષ ચર્ચામાં આવી છે.
તાજેતરમાં સરકાર દ્વારા ઈડીના વડાનો કાર્યકાળ વધારવા માટે કાયદામાં સુધાર કરવામાં આવ્યો હતો.

'ઇન્ટરનલ' ઈડી

ઇમેજ સ્રોત, Getty Images
ઈડી દ્વારા વિદેશી હુંડિયામણના નિયમનને લગતી ફરિયાદો, બૅન્ક ગોટાળા, ભ્રષ્ટાચાર, આર્થિક કૌભાંડ, ડ્રગ્સની તસ્કરી, માનવતસ્કરી તથા વિદેશ નાસી છૂટેલા ભાગેડુ ગુનેગારોને પરત લાવવા સંબંધિત કામગીરી પણ કરવામાં આવે છે.
ઈડી દ્વારા PMLA (પ્રિવેન્શન ઑફ મની લૉન્ડ્રિંગ ઍક્ટ)-2002, FEMA (ફોરેન ઍક્સચેન્જ મૅનેજમૅન્ટ ઍક્ટ) 2000 તથા FEOA-2018 (ફ્યૂજિટિવ ઇકૉનૉમિક ઑફેન્ડર ઍક્ટ)-2018ના ભંગની ફરિયાદો લેવામાં આવે છે.
વાજપેયી સરકાર દ્વારા પીએમએલએ-2002 લાવવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ કાળાં નાણાંને સફેદ કરીને કાયદેસર બનાવતાં અટકાવવાનો હતો. એ પછી તેમાં સમયાંતરે 2005, 2013, 2016, 2017 અને 2019માં તેના નિયમોમાં ફેરફાર થતા રહ્યા છે.
આ સિવાય FEMA-2000 હેઠળ વિદેશી હુંડિયામણના ખરીદ-વેચાણ અને સંગ્રહને લગતા કેસ દાખલ કરવામાં આવે છે. તેને 'દાંત-નહોર વગરના કાયદા' તરીકે પણ ઓળખવામાં આવે છે. નિરવ મોદી, વિજય માલ્યા અને મહેલુ ચોકસી જેવા આર્થિક ગુનાના ભાગેડુઓના નાસી છૂટવાને પગલે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં FEOA પસાર કરવામાં આવ્યો હતો. જેનો મુખ્ય હેતુ આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સંકલનની કામગીરી કરવાનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સંસ્થાની કાર્યપદ્ધતિ મુજબ મર્યાદા છે કે ઇન્કમટેક્સ, સીબીઆઈ, એનઆઈ કે રાજ્ય પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે, જેમાં આર્થિક બાબતો સામેલ હોય તે પછી જ તે કાર્યવાહી હાથ ધરી શકે છે. એજેએલ કેસની ફરિયાદ પણ સૌ પહેલાં હરિયાણાના ભ્રષ્ટાચાર નિરોધક વિભાગ દ્વારા કરવામાં આવી હતી.
ઈડીના અધિકારીને ધરપકડ કરવાના, આરોપીની સંપત્તિને (તાત્પૂરતું, પૂર્ણ કે અંશતઃ) ટાંચમાં લેવાના આદેશ આપવાના અધિકાર મળેલા છે. આ સિવાય જામીન માટેની શરતો ખૂબ જ કડક છે, તપાસનીશ અધિકારી સામે આપવામાં આવેલા નિવેદનને ગ્રાહ્યા રાખવામાં આવે છે, જે તેને સીબીઆઈ કરતાં પણ વધુ તાકતવર સંસ્થા બનાવે છે.
ઈડી દ્વારા જ્યારે કોઈ સંપત્તિને ટાંચમાં લેવામાં આવે, તેના 180 દિવસની અંદર તેની ઉપર મંજૂરીની મહોર લાગે તે જરૂરી છે. જો તેને મંજૂર રાખવામાં ન આવે તો તે આપોઆપ મુક્ત થઈ જાય છે અને જો તેને ગ્રાહ્યા રાખવામાં આવે તો 45 દિવસમાં તેની સામે ટ્રિબ્યૂનલમાં અપીલ દાખલ થઈ શકે છે.
જ્યારે તાત્પૂરતી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હોય ત્યારે આરોપી તેનો ઉપયોગ તો કરી શકે છે, પરંતુ તેનું ખરીદવેચાણ નથી કરી શકતો. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમનું દિલ્હી ખાતેનું નિવાસસ્થાન અડધું ટાંચમાં લેવામાં આવ્યું છે.
ઈડીના પ્રયાસોને કારણે ઇન્ટરપૉલ (ઇન્ટરનેશનલ પોલીસ) દ્વારા નિરવ મોદી, મેહુલ ચોકસી, જયેશ શાહ, નિશ્ચલ મોદી, નેહલ મોદી, રાકેશ ગજેરા, અમી મોદી, આશિફ મેમ, હાજરા મેમણ અને જુનૈદ મેમણ સહિત 19 શખ્સો સામે RCN (રેક કૉર્નર નોટિસ) કઢાવવામાં સફળતા મળી છે.

PMLAને હઠાવવા વિપક્ષની માગ

ઇમેજ સ્રોત, Getty Images
એપ્રિલ મહિનામાં રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા છગન ભૂજબળે પીએમએલએના કાયદાને હઠાવવા માટે વિપક્ષને એક થવા માટે આહ્વાન કર્યું હતું.
ભૂજબળ પોતે વર્ષ માર્ચ-2016થી મે-2018 દરમિયાન આ કાયદા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યા છે. તેમણે આરોપ મૂક્યો હતો કે એક નેતા સામે પીએમએલએનો કેસ ચાલતો હતો, પરંતુ તેઓ ભાજપમાં જોડાયા એ પછી તેમના કેસમાં કોઈ પ્રગતિ નથી થઈ.
કૉંગ્રેસના નેતા રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે પીએમએલએના 98 ટકા કેસોની ઈસીઆઈઆર (ઇન્ફૉર્સમૅન્ટ કેસ ઇન્ફૉર્મેશન રિપોર્ટ) છેલ્લાં આઠ વર્ષ દરમિયાન એટલે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન નોંધાયા છે.
ઈડીની વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, પીએમએલએ હેઠળ પાંચ હજાર 422 કેસ નોંધાયેલા છે. કુલ રૂ. એક લાખ ચાર હજાર 702 કરોડની સંપત્તિ ટાંચ હેઠળ મૂકવામાં આવી હતી, જેમાંથી રૂ. 58 હજાર 591 કરોડની સંપત્તિને સંબંધિત ન્યાયિક અધિકારી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી હતી. જ્યારે ઈડી દ્વારા કોઈ સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હોય ત્યારે તેનું ખરીદવેચાણ થઈ નથી શકતું. ઈડીની વેબસાઇટ ઉપર તેની વિગતો મૂકવામાં આવતી હોય છે.
ઈડી દ્વારા એક હજાર 739 પ્રોવિઝનલ ઍટેચમૅન્ટ ઑર્ડર કાઢવામાં આવ્યા હતા, જેમાંથી એક હજાર 369 ગ્રાહ્યા રાખવામાં આવ્યા હતા. ઈડી દ્વારા 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે તથા 992 ખટલા ચાલી રહ્યા છે, જ્યારે 25 આરોપીઓને સજા થઈ છે.
ફેમા હેઠળ 30 હજાર 716 કેસ દાખલ કરવામાં આવ્યા, જેમાંથી 15 હજાર 495 કેસનો નિકાલ થયો હતો. આઠ હજાર 109 કારણદર્શક નોટિસ કાઢવામાં આવી હતી, જેમાંથી છ હજાર 472નો ન્યાયિક સ્વીકાર થયો હતો.
ઈડીએ આર્થિક ગુનાના 14 આરોપીઓની સામે FEOA હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જેમાંથી નવને ફરાર જાહેર કરી દેવાયા છે અને તેમની રૂ. 433 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ઉપરોક્ત તમામ આંકડા તા. 31 માર્ચ 2022ની સ્થિતિ પ્રમાણેના છે.
નાણામંત્રાલયના વાર્ષિક અહેવાલ 2021-22ની (પેજ નંબર 172) છણાવટ કરતાં 2005થી 2014 દરમિયાન 1687 કેસ દાખલ થયેલા હતા. જ્યારે 104 કેસ ખટલાના તબક્કામાં હતા.

ઇમેજ સ્રોત, MINISTRY OF FINANCE
યુપીએની સરકાર દરમિયાન ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી મધુ કોડા, 2જી કૌભાંડમાં આરોપી એ રાજા, તથા દયાનિધિ મારન જેવા આરોપીઓ સામે કેસ થયા હતા. અગાઉ ઈડીએ વિજય માલ્યા, હેમા માલિની, ફિરોઝ ખાન, જે જયલલિતા, જયપુરના મહારાણી ગાયત્રીદેવી જેવાં લોકો સામે કેસ દાખલ કર્યાં હતા, જે મોટાભાગે વિદેશી ભંડોળ સંદર્ભે હતા.
સીબીઆઈના વડાની નિમણૂકપ્રક્રિયામાં વડા પ્રધાન, દેશના મુખ્ય ન્યાયાધીશ (અથવા તેમના દ્વારા નિમણૂક પ્રતિનિધિ) તથા મુખ્ય વિપક્ષના (અથવા સૌથી મોટા વિરોધપક્ષના નેતા) નેતા ભાગ લે છે.
જ્યારે ઈડીના વડાની નિમણૂક પ્રક્રિયાના અધ્યક્ષ સૅન્ટ્રલ વિજલન્સ કમિશનના (સીવીસી) ચૅરપર્સન હોય છે, જેમાં દેશના ગૃહસચિવ, કર્મચારી તથા પ્રશાસનિક વિભાગસચિવ અને મહેસુલસચિવ સભ્ય હોય છે. આ સિવાય અન્ય વિજલન્સ કમિશનરને પણ સામેલ કરી શકાય છે. કેન્દ્ર સરકારમાં ઍડિશનલ સેક્રેટરી દરજ્જાના અધિકારી આ પદ માટે લાયક હોય છે.
ગત વર્ષે કેન્દ્ર સરકારે અધ્યાદેશ દ્વારા સીબીઆઈ તથા ઈડીના વડાના કાર્યકાળને બે વર્ષથી વધારીને મહત્ત્મ પાંચ વર્ષ કરવાની કાયદાકીય જોગવાઈ કરી હતી, જે મુજબ જે-તે વડાને એક-એક વર્ષના ત્રણ ઍક્સ્ટેન્શન આપી શકાય છે. એ સમયે આરોપ લાગ્યા હતા કે ઈડીના સંજયકુમાર મિશ્રાનો કાર્યકાળ વધારી શકાય એ માટે આમ કરવામાં આવ્યું હતું.
આ પહેલાં કરનાલસિંહ ઈડીના વડા હતા. તેમનો કાર્યકાળ પણ વધારી આપવામાં આવ્યો હતો. આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો, જેણે કાર્યકાળવૃદ્ધિને બહાલ રાખી હતી. કરનાલસિંહને ઇશરત જહાં કેસમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમના વડા બનાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે એ પદભાર સંભાળ્યો ન હતો.

ઈડીની મર્યાદા

ઇમેજ સ્રોત, Getty Images
તા. 21મી માર્ચ, 2022ના રાજ્યકક્ષાના નાણા મંત્રી પંકજ ચૌધરીએ લોકસભામાં કૉંગ્રેસના સંસદસભ્ય મનિષ તિવારીએ પૂછેલા એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે પુરાવા એકઠા કરવા માટે રેડ કરવી જરૂરી બની રહે છે. એજન્સીઓની વચ્ચે સહકાર-સંકલન વધ્યાં છે, આ સિવાય રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે માહિતીનું આદાનપ્રદાન સુદ્રઢ બન્યું છે આ સિવાય ટેકનૉલૉજીના ઉપયોગને કારણે મળતી માહિતીને કારણે દરોડાની સંખ્યા વધી છે. તે સરકારની કાળાં નાણાં સામે લડવાની પ્રતિબદ્ધતા પણ છતી કરે છે.
સામાન્ય રીતે મની લૉન્ડ્રિંગના કેસ ખૂબ જ જટિલ હોય છે અને તેમાં અનેક આરોપીઓ સંકળાયેલા હોય છે, એટલે અનેક સ્થળોએ રેડ કરવી પડે છે. સાથે જ ચૌધરીએ ઉમેર્યું હતું કે માત્ર એક જ આરોપીનો છૂટકારો થયો હતો, જે એજન્સીની નક્કર તપાસ તથા રજૂ કરવામાં આવેલા પુરાવાને કારણે શક્ય બન્યું હતું.
ઈડીના કેસની ઉપર કામગીરી કરતા એક વકીલના કહેવા પ્રમાણે, "ઈડી હંમેશાં શોર્ટ સ્ટાફ હોય છે. સરેરાશ કાઢવામાં આવે તો એક-એક કર્મચારીના ભાગે ફેમા સહિત સરેરાશ 12-15 કેસ આવતા હશે. નવા કેસ નોંધણી, તપાસ અને ખટલો એમ અલગ-અલગ તબક્કે વહેંચી કરવામાં આવે તો એજન્સીનું ચિંતાજનક ચિત્ર ઊભું થાય છે. કદાચ આવું ઇરાદાપૂર્વક કરવામાં આવે છે, જેથી કરીને પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે કોઈ રાજનેતા કે ઉદ્યોગગૃહ સામેના કેસમાં ગતિ લાવી શકાય કે અભેરાઈએ ચઢાવી શકાય."
ખંભાતમાં જન્મેલા અને દહેરાદૂનમાં ઉછરેલા ગુજરાત કૅડરના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) જાવેદ ચૌધરીએ 1965થી 2002 સુધી સેવારત રહ્યા હતા. તેમણે કેન્દ્ર સરકારના ખાદ્યાન્ન, આરોગ્ય અને પરિવારકલ્યાણ મંત્રાલય તથા મહેસુલ સચિવ તરીકે ફરજ બજાવી છે, આ સિવાય ઈડીના વડાપદે (1992-95) પણ રહ્યા હતા.
તેમણે પોતાના પુસ્તક 'THE INSIDER'S VIEW: MEMOIRS OF A PUBLIC SERVANT'માં ઈડીની કાર્યપદ્ધતિ તથા આર્થિકકાયદા વિશે ઉલ્લેખ કર્યો છે.
તેમના કહેવા પ્રમાણે, 'FEMA આવ્યો ત્યારે કૉર્પોરેટ જગત સામે FERAનો દુરોપયોગ થતો હોય તેવો માહોલ ઊભો કરવામાં આવ્યો, આ માટે જાણે રીતસર અભિયાન ચલાવવામાં આવ્યું. જે મારા આકલન પ્રમાણે વધુ પડતું હતું. અમુક અંશે પૈસા કઢાવવા માટે કેસ થતાં એ વાતને હું નકારતો નથી. ટોચના 100 ઉદ્યોગગૃહોમાંથી FEMAના કેસ ન ચાલતા હોય તેવા આંગળીના વેઢે ગણી શકાય તેટલા ઉદ્યોગગૃહો હશે.'
'અદાલતમાં ઈડીની નિષ્ફળતાનું એક મુખ્ય કારણ ટોચના વકીલો હતા, જેઓ એક સુનાવણી માટે છ આંકડાની રકમ લેતા, જ્યારે સરકારી વકીલને બે આંકડાની રકમ મળતી. જેના કારણે ઘણી વખત અમારો કેસ મજબૂત હોવા છતાં ટકી શકતો નહીં.'
'FEMA હેઠળના કરચોરી કરતાં પણ સામાન્ય બની ગયા હતા. આ દિવાની કાયદા હેઠળ સમન્સ કાઢવામાં આવે અને જો વ્યક્તિ હાજર થાય તો પણ તેની કસ્ટોડિયલ પૂછપરછ થઈ ન શકતી તથા તેને રિમાન્ડ ઉપર લઈ શકાતી ન હતી, કારણ કે આને જામીનપાત્ર ગુનો બનાવી દેવામાં આવ્યો હતો. ગુનાની નોંધ લેવાની સત્તા, પૂછપરછ માટે બોલાવવાની સત્તા, ધરપકડની, રેડની તથા દસ્તાવેજોને કબજે લેવાની સત્તા પાછી ખેંચી લેવામાં આવી હતી. પરંતુ તેનાથી તે દાંત અને નહોર વગરનો કાયદો બની ગયો હતો અને ઈડીમાં તેના વિશે જોક થતા.'
ચૌધરીના કહેવા પ્રમાણે, ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસના નામે કાયદાકીય આંટીઘૂંટીને ઘટાડવાની વાત થાય છે, પરંતુ તેને લાગુ કરનારી એજન્સીઓને વિશ્વાસમાં લેવામાં નથી આવતી. ઈડીના વડા તરીકેના ત્રણ વર્ષ તથા મહેસૂલસચિવ તરીકેના એક વર્ષ દરમિયાન કોઈ પણ આર્થિક કાયદાને માટે તેમના અભિપ્રાય લેવામાં આવ્યા ન હતા.

FATF, ઈડી અને ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images
ઈડી ઔપચારિક તથા અનૌપચારિક આંતરરાષ્ટ્રીય સંગઠનોની સાથે મળીને સંકલનનું કામ કરે છે. અન્ય દેશોને જોઇતી આર્થિક-કાયદાકીય માહિતી મેળવે છે તથા અન્ય દેશોને જરૂરી માહિતી પૂરી પાડે છે, જેમાં FATF મુખ્ય છે.
FATFએ ફાયનાન્સિયલ ઍક્શન ટાસ્ક ફૉર્સએ સરકારોનું આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જે આતંકવાદને નાણાં (વ્યાખ્યા પ્રમાણેનો શબ્દ), સામૂહિક નરસંહારના હથિયાર તથા કાળાં નાણાંને સફેદ બનતા અટકાવવા માટે નીતિઓ અને ધોરણોનું ઘડતર કરે છે તથા તેનું અનુપાલન કરાવે છે.
સંગઠનની ભલામણના આધારે જ PMLA-2002 લાગુ કરવામાં આવ્યો હતો, જે પહેલી જુલાઈ, 2005થી અમલમાં છે.
આ સંગઠન વર્ષ 1989થી કાર્યરત્ છે તથા ભારત વર્ષ 2010માં તેનું સભ્ય બન્યું હતું.
હાલ વિશ્વભરમાં તેના 200 કરતાં વધુ ન્યાયક્ષેત્ર FAFT કે તેના જેવા સંગઠનોના સભ્યરાષ્ટ્ર છે. પાકિસ્તાનને તેના 'ગ્રૅ લિસ્ટ'માં મૂકવામાં આવ્યું છે.
મલેશિયા, તુર્કી તથા ચીનની મદદથી પાકિસ્તાન તેમાંથી બહાર નીકળવા માટે પ્રયાસરત છે, જેથી કરીને તેની આર્થિકવ્યવસ્થા વિશ્વસનીય બની શકે, પરંતુ ભારતનો પ્રયાસ છે કે તેનું નામ 'ગ્રૅ લિસ્ટ'માં જળવાય રહે. પાકિસ્તાનને આ યાદીમાંથી બહાર કાઢવું કે નહીં, તે અંગે ઑક્ટોબર મહિનામાં નિર્ણય લેવાશે.
ભારતને આશંકા છે કે જો પાકિસ્તાન FATFના ગ્રૅ લિસ્ટમાંથી બહાર નીકળી ગયું તો પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ઇન્ટર સર્વિસીઝ એજન્સી) દ્વારા જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોઈબા તથા હિઝબુલ મુજાહિદ્દીન જેવા પાકિસ્તાનસ્થિત ઉગ્રવાદી સંગઠનોને નાણાં પહોંચાડવા સરળ બની જશે અને કાશ્મીરમાં ઉગ્રવાદી પ્રવૃત્તિઓ વધી જશે.
ચાલુ વર્ષે સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિનામાં ભારતનું ટેકનિકલ રિવ્યૂ શરૂ થશે, કોરોનાને કારણે અગાઉ બે વખત તેને મોકૂફ કરાયો હતો.
ફેબ્રુઆરી-2023માં તેનો ઑન-સાઇટ રિવ્યૂ થશે, જેના દસેક મહિના પછી તેના વિશે રિપોર્ટ પ્રકાશિત થશે. ગત સમીક્ષા પછી (2010માં) PMLAના કેસોમાં ઉછાળ, આર્થિક કૌભાંડોમાં વધારો તથા PMLAના કાયદમાં PEP (પોલિટિકલી ઍક્સપોઝ્ડ પર્સન)ની જોગવાઈ ન હોવી, વગેરે જેવી બાબતો ભારત માટે મુશ્કેલીરૂપ બની શકે છે.
દિવાન હાઉસિંગ ફાયનાન્સ, યસ બૅન્ક, આઈએલઍન્ડએફએસ જેવાં મોટાં આર્થિક કૌભાંડ થયાં છે.
આરબીઆઈએ પેટીએમ બૅન્કને નવા ગ્રાહકો સામેલ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના આઈટી માળખાની બાહ્ય સમીક્ષા હાથ ધરી છે. આરબીઆઈએ બૅન્કો તથા નાણાકીય સંસ્થાઓ દ્વારા મની લૉન્ડ્રિંગ વિરુદ્ધના કાયદાનું અમલીકરણ થાય તે માટે વિશેષ ટીમનું ગઠન કર્યું છે. FATFની સમીક્ષા સમયે આરબીઆઈ સિવાય ઈડી તેમાં મુખ્ય સંયોજક એજન્સી હશે.

'ઇન્ટરનેશનલ' ઈડી

ઇમેજ સ્રોત, Getty Images
FATF ઉપરાંત ARIN-AP,UNCAC, MLAT જેવા કરારો તથા ઔપચારિક/અનૌપચારિક સંગઠનો સાથે ઈડી જોડાયેલું છે.
MLAT એટલે મ્યુચ્યુઅલ લિગલ અગ્રિમૅન્ટ ટ્રિટી, એટલે કે પરસ્પર કાયદાકીય સહકાર સંધિ. ભારતે 40 દેશ સાથે આ પ્રકારના કરાર કર્યાં છે.
જેમાં ગુનાને થતો અટકાવવા, ગુનાની તપાસ તથા તેનો ખટલો ચલાવવા માટે પુરાવા એકઠા કરવા, તેને ચકાસવા, વિદેશમાં રહેતા આરોપીને સમન્સની બજવણી, વિદેશમાં રહેતા આરોપીની સંપત્તિ જપ્ત કરવી, ટાંચમાં લેવી કે તેનો વપરાશ અટકાવવો વગેરે જેવી સહાયતા આપવામાં આવે છે.
આ માટે કાયદેસર રીતે ઔપચારિકપણે સંપર્ક સાધવાનો રહે છે.
UNCAC - એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન અગેઇન્સ્ટ કરપ્શન છે. તા. 31 ઑક્ટોબર 2003ના તેનો સ્વીકાર થયો હતો અને 14 ડિસેમ્બર 2005થી તે લાગુ થયો છે. 2006માં 100 દેશોની 350 કરતાં વધુ સિવિલ સોસાયટીઝનું સંગઠન સ્થાપવામાં આવ્યું હતું. જેમાં માહિતીનું આદાન-પ્રદાન, સંપત્તિ હાંસલ કરવી, લાભ મેળવનાર મૂળ કંપની અને વ્હીસલ બ્લૉઅર્સ તથા ભ્રષ્ટાચારવિરોધી કાર્યકર્તાઓની સુરક્ષા વગેરે જેવી પ્રવૃત્તિઓ સામેલ છે.
ARIN-AP: ઍસેટ રિકવરી ઇન્ટરએજન્સી નેટવર્ક એજન્સી - એશિયા પેસિફિક એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા નાણાં એકઠા કરનારા લોકો, કંપનીઓ તથા સંપત્તિઓનું પગેરું દાબવા માટે આ નેટવર્કનો ઉપયોગ થાય છે. જે નિષ્ણાતોનું અનૌપચારિક આંતરરાષ્ટ્રીય નેટવર્ક છે.
CARIN: કામડેન ઍસેટ રિકવરી ઇન્ટર-એજન્સી નેટવર્કએ કાયદા તથા તેના અમલીકરણ ક્ષેત્રે કામ કરતા સંગઠનોનું ઇન્ટરએજન્સી નેટવર્ક છે. સંપત્તિનું પગેરું દાબવું, તેનું હસ્તાંતરણ અટકાવવું, જપ્ત કરવી કે ટાંચમાં લેવા જેવી પ્રવૃત્તિઓને સુગમ બનાવે છે. યુરોપોલ તેની મુખ્ય સંયોજક એજન્સી છે.

ઈડી, ઉદ્દભવ અને ઉત્ક્રાંતિ

ઇમેજ સ્રોત, Getty Images
સત્તાવાર વેબસાઇટ ઉપર આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ઈડીની સ્થાપના વર્ષ 1956ની પહેલી મેના રોજ કરવામાં આવી હતી.
નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ હેઠળ 'ઇન્ફૉર્સમૅન્ટ યુનિટ'ની સ્થાપના કરવામાં આવી હતી. જેનો હેતુ FERA 1947 (ફોરેન ઍક્સચેન્જ રૅગ્યુલેશન ઍક્ટ 1947) ભંગના કેસ જોવાની તેની જવાબદારી હતી.
લિગલ ઓફિસર દરજ્જાના અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી અને રિઝર્વ બૅન્કના એક અધિકારીને ડેપ્યુટેશન ઉપર લાવવામાં આવ્યા હતા અને સ્પેશિયલ પોલીસ ઍસ્ટાબ્લિસમૅન્ટના ત્રણ ઇન્સ્પેક્ટર સાથે તેની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે તત્કાલીન બૉમ્બે અને કલકત્તામાં તેની શાખાઓ હતી.
1957માં તેનું નામ બદલાવીને ઈડી (ઍન્ફૉર્સમૅન્ટ ડિરેક્ટ્રેટ) કરવામાં આવ્યું અને મદ્રાસ ખાતે વધુ એક કચેરી ખોલવામાં આવી છે. આ સિવાય તેનું વહીવટી નિયમન આર્થિક બાબતોના મંત્રાલય (ડિપાર્ટમેન્ટ ઑફ ઇકૉનૉમિક અફેયર્સ) પાસેથી લઈને મહેસૂલવિભાગ (ડિપાર્ટમેન્ટ ઑફ રેવન્યૂ)ને સોંપવામાં આવ્યું હતું. 1973થી '77 દરમિયાન તેનું નિયમન કર્મચારી તાલીમ અને વહીવટી વિભાગને સોંપવામાં આવ્યું હતું. હાલમાં તે નાણા મંત્રાલયના મહેસૂલવિભાગ હેઠળ આવે છે.
આજે તેની મંજૂર થયેલી સંખ્યા બે હજાર 50 કરતાં વધુ છે. હેડક્વાર્ટર, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યમ ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સ, ઇન્ટેલિજન્સ તથા કાયદાકીય એમ અલગ-અલગ વિભાગ છે. તેની કચેરીઓને ઝોનલ તથા સબઝોનલ વિસ્તારમાં વહેંચવામાં આવી છે.
ગુજરાત પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જેની કચેરી મુંબઈ ખાતે આવેલી છે અને સ્પેશિયલ ડાયરેક્ટર તેનું નેતૃત્વ કરે છે. અમદાવાદ ખાતેની ઝોન ઓફિસનું નેતૃત્વ જૉઇન્ટ ડાયરેક્ટર કરે છે. જ્યારે સુરત ખાતેના સબઝોનનું નેતૃત્વ ડેપ્યુટી ડાયરેક્ટર દરજ્જાના અધિકારી કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












