વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના 'પડછાયા'ની જેમ રહેતા આરકે ધવન આટલા ખાસ કેમ હતા?
- લેેખક, રેહાન ફઝલ
- પદ, બીબીસી સંવાદદાતા
આરકે ધવન કદાચ ઇંદિરા ગાંધીના સૌથી નિકટના સહયોગી હતા. જ્યાં સુધી તેઓ જીવતાં રહ્યાં, ધવન તેમની આસપાસ જ દેખાયા.

ઇમેજ સ્રોત, Getty Images
નેહરુ-ગાંધી પરિવારનો કદાચ જ કોઈ આવો અન્ય વફાદાર રહ્યો હશે. તેમનો પ્રભાવ એવો હતો કે મોટા-મોટા નેતા અને ધનિકો, જેમણે ઇંદિરા ગાંધીને મળવાનું હોય, તેઓ તેમને ધવનસાહેબ કરીને બોલાવતા.
હાલમાં જ પ્રકાશિત પુસ્તક 'લીડર્સ, પૉલિટિશિયન્સ, સિટીઝન્સ ફિફ્ટી ફિગર્સ હૂ ઇનફ્લુએન્સ્ડ ઇન્ડિયન પૉલિટિક્સ'ના લેખક રશીદ કિદવઈ જણાવે છે કે, "ઇંદિરા ગાંધી પોતાના મંત્રીઓ, મુખ્ય મંત્રીઓ ને પાર્ટી પ્રમુખો સાથે સીધાં સંપર્કમાં રહેવામાં નહોતાં માનતાં. તેમના સુધી ગમે તે નિર્દેશ પહોંચાડવા હોય કે તેમને સારા-નરસા સમાચાર આપવા હોય તો તે કામ ધવન જ કરતા."

21 વર્ષમાં એક પણ દિવસ રજા નહીં

ઇમેજ સ્રોત, HACHETTE INDIA
કૅથરિન ફ્રૅંક ઇંદિરા ગાંધીના જીવનપરના પુસ્તકમાં લખે છે, "ધવનના વાળ કાળા હતા. તેમના ચહેરા પર હંમેશાં કોલગેટ સ્મિત રહેતું. તેઓ હંમેશાં સફેદ શર્ટ પહેરતા પરંતુ તેમનાં જૂતાં હંમેશાં કાળાં રહેતાં. તેઓ પોતાના જીવનના અંતિમ તબક્કા સુધી કુંવારા રહ્યા. તેમનું કોઈ અંગત જીવન નહોતું."
ઇંદિરા ગાંધી પર વધુ એક કિતાબ 'ઑલ ધ પ્રાઇમ મિનિસ્ટર્સ મૅન' લખનારા જનાર્દન ઠાકુર લખે છે કે, "ધવને મને જણાવ્યું હતું કે તેઓ ઇંદિરા સાથે સવારના આઠ વાગ્યાથી માંડીને રાત્રે જ્યાં સુધી તેઓ ઊંઘવા જાય ત્યાં સુધી રહેતા. વર્ષના 365 દિવસ સુધી તેમની દિનચર્યા કંઈક આવી જ રહી."
"વર્ષ 1963થી જ્યારે ઇંદિરા ગાંધી માટે તેમણે કામ કરવાનું શરૂ કર્યું હતું, તેમણે તે સમયથી ક્યારેય એક પણ દિવસની રજા નહોતી લીધી. ના કોઈ કૅજુઅલ રજા, મેળવેલ રજા કે તહેવાર પર રજા. ધવન હંમેશાં પડછાયાની જેમ તેમની સાથે રહેતા."

સ્ટેનોગ્રાફર તરીકે ઑલ ઇન્ડિયા રેડિયોથી શરૂ કરી કારકિર્દી

ધવન વિશે કહેવાતું કે તેઓ ઇંદિરા ગાંધીને દરેક વિષય પર સલાહ આપતા. રાજકીય નિમણૂકોથી માંડીને વિદેશનીતિ સુધી. ઘણા લોકો તો એવું પણ કહેતા કે ઇંદિરા ગાંધી બાદ તેઓ જ દેશ ચલાવતા.
પ્રણય ગુપ્તે ઇંદિરા ગાંધીના જીવન વિશેના પુસ્તક 'મધર ઇન્ડિયા અ પૉલિટિકલ બાયોગ્રાફી ઑફ ઇંદિરા'માં લખે છે, "ધવનનો જન્મ આજના પાકિસ્તાનના ચંયોટ ખાતે થયો હતો. વર્ષ 1947માં તેઓ અને તેમનો પરિવાર શરણાર્થી તરીકે દિલ્હી આવ્યા હતા. ધવને એક સ્ટેનોગ્રાફર સ્વરૂપે ઑલ ઇન્ડિયા રેડિયોમાં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"જ્યારે 1962ના ન્યૂયૉર્ક વર્લ્ડ ફૅરમાં ઇંદિરા ગાંધીને ભારતીય બૂથનાં પ્રમુખ બનાવાયાં ત્યારે ધવન તેમની સાથે કામ કરવા લાગ્યા. જ્યારે ઇંદિરા ગાંધી સૂચના અને પ્રસારણમંત્રી બન્યાં ત્યારે પણ ધવન તેમની સાથે રહ્યા."
"તે સમય દરમિયાન દિગ્ગજ કૉંગ્રેસ નેતાઓને કાબૂમાં રાખવા ધવનને ઇંદિરા ગાંધીના ગુપ્ત હથિયાર મનાતા હતા. ત્યાર બાદ તેમણે આવી જ ભૂમિકા રાજીવ ગાંધી અને 1991માં વડા પ્રધાન બનેલા નરસિંહા રાવ માટે પણ ભજવી."

સંજય ગાંધી અને આરકે ધવનની જુગલબંધી

ઇમેજ સ્રોત, PENGUIN INDIA
આરકે ધવનને સૌથી પહેલા ઇંદિરા ગાંધીના નાના પુત્ર સંજય ગાંધીની રાજકીય મહત્ત્વાકાંક્ષાને ઓળખવાનું શ્રેય અપાય છે.
રશીદ કિદવઈ જણાવે છે કે, "જ્યારે સંજય ગાંધી બ્રિટનમાં રૉલ્સ રોઈસ કંપનીમાંથી ઇન્ટર્નશિપ કરીને પાછા ફર્યા ત્યારે ધવને જ સૌપ્રથમ કૉંગ્રેસના મોટા નેતાઓ સાથે તેમની મુલાકાત કરાવવાનું શરૂ કર્યું. તેમણે અમુક કૉંગ્રેસનેતાઓને એવી સલાહ પણ આપી દીધી કે તેઓ ઇંદિરા ગાંધી સામે સંજય ગાંધીની પ્રશંસા કરે. અમુક મહિનામાં જ ઇંદિરાને પોતાના દીકરાની રાજકીય સમજનો અંદાજ થવાની શરૂઆત થઈ ગઈ."
"કટોકટી લદાઈ ત્યાં સુધી ધવન મા અને દીકરાના અત્યંત વિશ્વાસપાત્ર બની ગયા. ધવને જ વડા પ્રધાનનિવાસ પર સંજય ગાંધીની રૂમમાં એક ખાસ ટેલિફોન લાઇન લગાવડાવી હતી જેનાથી સંજય ગાંધી કૉંગ્રેસના શાસનવાળાં રાજ્યોના મુખ્ય મંત્રીઓને નિર્દેશ આપતા હતા. મોટા ભાગના મામલામાં ઇંદિરા ગાંધીને સંજયના વધતી જતી ગેરબંધારણીય અસર વિશે અંદાજ નહોતો."

ઇમેજ સ્રોત, Getty Images
આરકે ધવનના પ્રભાવનું જબરદસ્ત ચિત્રણ ઇંદિરા ગાંધીના સમયમાં વડા પ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ રહેલા બિશન ટંડને પોતાની 'પીએમઓ ડાયરી'માં કર્યું છે.
ટંડન લખે છે કે, "ધવનની વડાં પ્રધાન પર ઘણી અસર છે. હક્સરસાહેબ સાથે વડાં પ્રધાન સાથે તણાવ હોવામાં ધવનનો ખૂબ મોટો ફાળો હતો. જ્યારે ધવનનો પ્રભાવ વધવા લાગ્યો તો પ્રોફેસર પીએન ધરે મને કહ્યું કે તેઓ ધવનની અસરને ઓછી કરાવવા માટે પ્રયાસ કરશે. પરંતુ તેમને સફળતા ન સાંપડી."
"એક દિવસ તેમણે મને કહ્યું, બિશન હું સંપૂર્ણપણે હારી ગયો. વડાં પ્રધાન ધવન વિરુદ્ધ એક શબ્દ સુધ્ધાં સાંભળવા તૈયાર નથી. ધવનની અમલદારશાહી પર એવી અસર હતી કે દિલ્હીના ઉપરાજ્યપાલ કિશનચંદ ધવન સાથે ફોન પર ઊભા થઈને વાત કરતા હતા."

ઇમર્જન્સી લદાઈ તેના ત્રણ દિવસ પહેલાં ધવન કેન્દ્રીય ગૃહસચિવના સ્થાને રાજસ્થાના મુખ્ય સચિવ એસએલ ખુરાનાને નવા ગૃહસચિવ બનાવવામાં સફળ રહ્યા હતા.
ધવન, ગૃહરાજ્યમંત્રી ઓમ મેહતા અને તે સમયે હરિયાણાના મુખ્ય મંત્રી બંસીલાલના નિર્દેશો અંતર્ગત 25 જૂન, 1975ની રાત્રે ઇમર્જન્સી જાહેર થવાની હતી ત્યારે તમામ સમાચારપત્રોનો વીજળી પુરવઠો બાધિત કરાયો હતો.
ઇમર્જન્સી બાદ આરકે ધવને કટોકટી દરમિયાન થનારા જુલમોની કાર્યવાહીથી પોતાની જાતને અલગ કરવાની ઘણી કોશિશ કરી.
તેમણે ઇમર્જન્સી પર લખાયેલ પુસ્તક 'ઇમર્જન્સી અ પર્સનલ હિસ્ટ્રી' લખનારાં કૂમી કપૂરને જણાવ્યું હતું કે "ઇમર્જન્સીના અસલી વિલન સિદ્ધાર્થ શંકર રે હતા."

ઇમેજ સ્રોત, Getty Images
આરકે ધવને કૂમી કપૂરને આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "શાહ કમિશનની સુનાવણી વખતે રેએ ઇંદિરા ગાંધી પાસે જઈને કહ્યું હતું, આપ ઘણાં ફિટ દેખાઈ રહ્યાં છો. ઇંદિરા ગાંધી ખૂબ જ શાંતિથી જવાબ આપ્યો, તમે મને ફિટ દેખાડવા માટે પોતાની તરફથી ઘણું જોર લગાવી રહ્યા છો. તે બાદ ઇંદિરા ગાંધીએ સિદ્ધાર્થ શંકર રે સાથે ક્યારેય વાત ન કરી."
રેએ પોતાની સાક્ષી દરમિયાન કટોકટી દરમિયાન થયેલા જુલમમાં કોઈ પણ પ્રકારે સામેલ ન હોવાની વાત કરી હતી અને બધો દોષ ઇંદિરા અને સંજય ગાંધી પર ઢોળી દીધો હતો.
આરકે ધવને હંમેશાં ઇંદિરા ગાંધીનો બચાવ કરતાં ઇમર્જન્સી લાદવા માટે ઇંદિરા ગાંધીને ગેરમાર્ગે દોરવાનો દોષ સિદ્ધાર્થ શંકર રે અને કાયદામંત્રી એચઆર ગોખલે પર નાખ્યો.

ઇંદિરા ગાંધી વિરુદ્ધ ગવાહી આપવાનો ઇનકાર

ઇમેજ સ્રોત, Getty Images
નટવરસિંહનું માનવું હતું કે ઇંદિરા પ્રત્યે ધવન જબરદસ્ત નિષ્ઠાવાન હતા. ઇંદિરા પણ તમામ માનવીય ગુણો પૈકી સંપૂર્ણ વ્યક્તિગત નિષ્ઠાને વધુ પસંદ કરતાં હતાં. ઇંદિરા ચૂંટણી હાર્યાં તે બાદ આરકે ધવનની ધરપકડ કરી લેવાઈ.
એક ઇન્ટરવ્યૂમાં ધવને કહ્યું, "ચરણસિંહ ઇચ્છતા હતા કે હું શાહ કમિશન સામે ઇંદિરા ગાંધી વિરુદ્ધ સાક્ષી આપું, નહીંતર મારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. મેં તેમને કહેવડાવ્યું કે હું સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર છું પરંતુ તેઓ ઇચ્છે છે તેવું હું નહીં કરું."

ઇંદિરા ગાંધીના મૃત્યુ બાદ ધવન એકલા પડી ગયા

ઇમેજ સ્રોત, Getty Images
આમ તો ધવન શરૂઆતથી જ ઘણા ધાર્મિક હતા અન સવારે ઇંદિરા ગાંધીના નિવાસસ્થાને પહોંચે એ પહેલાં પોતાની કાર ફેરવીને તુઘલક રોડ પર મંદિરે લઈ જતા અને ત્યાં માથું ટેકવતા હતા.
ઇંદિરા ગાંધીની હત્યાની તપાસ કરી રહેલ ઠક્કર કમિશનના રિપોર્ટમાં જ્યારે તેમનું નામ આવ્યું ત્યારે તેઓ વધુ ધાર્મિક થઈ ગયા અને બાબા ખડકસિંહ માર્ગ પર સ્થિત હનુમાનમંદિર જવા લાગ્યા.
રશીદ કિદવઈ જણાવે છે કે, "જ્યારે ઇંદિરા ગાંધી પર તેમના બે સુરક્ષાગાર્ડે ગોળીઓ ચલાવી ત્યારે તેઓ તેમની ઠીક પાછળ ચાલી રહ્યા હતા. એક જગ્યાએ એવો પણ દાવો કરાયો કે બેઅંતસિંહને સતવંતસિંહે નિર્દેશ આપ્યા હતા કે ધવનને કોઈ પણ નુકસાન ન થવું જોઈએ."
"ઠક્કર કમિશનના રિપોર્ટના અમુક અંશ રિપોર્ટ જાહેર થાય તે પહેલાં જ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાઈ ગયા. આ રિપોર્ટમાં એવો સંદેહની સોય ધવન પર આવી હતી. તે સમયના વડા પ્રધાન અને કૉંગ્રેસ અધ્યક્ષ રાજીવ ગાંધીએ આરકે ધવનથી પોતાની જાતને અલગ કરવામાં બિલકુલ મોડું ન કર્યું."
ઇંદિરાના મોત બાદ ધવન એક રીતે અનાથ થઈ ગયા.

ઇમેજ સ્રોત, TRANQUEBAR
કુમકુમ ચઢ્ઢા પોતાના પુસ્તક 'ધ મેરિગોલ્ડ સ્ટોરી'માં લખે છે, "ધવન પાછળ તમામ તપાસ એજન્સીઓ હાથ ધોઈને પડી ગઈ અને તેઓ ઘણા સમય સુધી રાજકીય એકાંતવાસમાં રહ્યા. એક જમાનામાં કિંગમેકરની ભૂમિકા ભજવનાર ધવન અચાનક બિલકુલ અલગ પડી ગયા. તેમના નજીકના લોકોએ પણ તેમની સાથે મળવાનું બંધ કરી દીધું."

સંગમા સાથે ટક્કર

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ બે વર્ષ સુધી ધવન શંકાના દાયરામાં રહ્યા. પરંતુ જ્યારે રાજીવ ગાંધી બોફોર્સ મામલામાં ફસાયા અને વિશ્વનાથ પ્રતાપસિંહ અને અરુણ નહેરુએ વિદ્રોહ કર્યો તો તેમને ધવનની ફરી યાદ આવી અને 1988માં ધવનને કહેણ મોકલાવ્યું.
ધીમે ધીમે તેઓ ફરી પોતાના જૂના રંગમાં આવવા લાગ્યા અને તેમની ઑફિસ બહાર ફરી એક વાર કૉંગ્રેસના મુખ્ય મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના નેતાઓની લાઇન લાગવા માંડી.
રાજીવ ગાંધીના મૃત્યુ બાદ સોનિયા ગાંધીએ પણ ધવનને એવું જ મહત્ત્વ આપ્યું. નરસિંહા રાવે તેમને તેમના મંત્રીમંડળમાં સામેલ કર્યા.
રશીદ કિદવઈ જણાવે છે કે, "15 મે 1998ના રોજ કૉંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં પીએ સંગમાએ શરદ પવારના સમર્થનમાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવ્યો તો કૉંગ્રેસના તમામ ટોચના નેતા પ્રણવ મુખરજી, મનમોહનસિંહ, અર્જુનસિંહ અને ગુલામ નબી આઝાદે તેમનું ભાષણ સાંભળતા રહ્યા."
"આરકે ધવન જ એવા એકલા શખ્સ હતા જેમણે સંગમાના ભાષણ વચ્ચે તેમને ટોક્યા અને કહ્યું કે તમે શું બકવાસ કરી રહ્યા છો? સોનિયા તરફ પાછા ફરીને તેમણે કહ્યું, "મૅડમ આ લડાઈમાં તમે એકલાં નથી. અમે તમારી સાથે છીએ."
"કૉંગ્રેસના ઇનસાઇડરોએ મને જણાવ્યું કે સોનિયા ગાંધી આરકે ધવન દ્વારા આવી રીતે બચાવમાં કૂદી પડવાની વાતથી અત્યંત પ્રભાવિત થયાં હતાં. તેઓ એ જોઈને આશ્ચર્યમાં હતાં કે જે કામ માધવરાવ સિંધિયા, પ્રણવ મુખરજી અને અંબિકા સોની ન કરી શક્યાં, તે આરકે ધવને કરીને બતાવ્યું."

74 વર્ષની વયે વિવાહ

ઇમેજ સ્રોત, Getty Images
લગભગ આખી ઉંમર અવિવાહિત રહ્યા બાદ ધવને વર્ષ 2011માં 74 વર્ષની વયે 59 વર્ષનાં અચલા મોહન સાથે લગ્ન કર્યાં હતાં. એ સમય સુધી તેઓ સક્રિય રાજકારણમાંથી એક પ્રકારે સંન્યાસ લઈ ચૂક્યા હતા.
તેઓ અને અચલા મોહન એકબીજાને 70ના દાયકાથી ઓળખતાં હતાં.
અચલાનાં પ્રથમ લગ્ન એક પાઇલટ સાથે થયાં હતાં અને તેઓ કૅનેડા જતાં રહ્યાં હતાં. પરંતુ તે બાદ તેમના 1990માં છૂટાછેડા થઈ ગયા.
લગ્ન કરતાં ઘણા અગાઉથી જ ધવન અને અચલા એક યુગલ તરીકે લગ્નો અને સમારોહોમાં ભાગ લેતાં હતાં.
ઇન્ડિયન એક્સપ્રેસનાં સંવાદદાતા રિતુ સરીનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ધવને અચલા સાથે લગ્નનું કારણ જણાવ્યું હતું. એક વાર જ્યારે તેમને વાઇરલ તાવ હતો ત્યારે તેમણે હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.
અચલાએ તેમનું ઘણું ધ્યાન રાખ્યું પરંતુ હૉસ્પિટલના અધિકારીઓએ એ વાત પર ભાર મૂક્યો કે ઇલાજ માટે અમુક નજીકના સંબંધીની સંમતિપત્ર પર સહી હોય તે જરૂરી છે.
ધવનને આ વાત ખૂબ જ ખરાબ લાગી કે તેમનું આટલું ધ્યાન રાખવા છતાં તે ફૉર્મ પર અચલા સહી ન કરી શક્યાં. એ જ દિવસે તેમણે આ સંબંધને ઔપચારિક સ્વરૂપ આપવાનો નિર્ણય કરી લીધો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












