વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતા હીરાબાના જન્મદિને 'અબ્બાસ'ની ચર્ચા કેમ થઈ રહી છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારના પોતાનાં માતા હીરાબેન મોદીના 100મા જન્મદિવસ પર રાજધાની ગાંધીનગરસ્થિત તેમના ઘરે જઈને મુલાકાત કરી હતી અને આશીર્વાદ લીધા હતા.
તેમણે માતાના જન્મદિવસ પર એક બ્લૉગ લખ્યો હતો. નરેન્દ્ર મોદી વેબસાઇટ પ્રકાશિત આ બ્લૉગમાં નરેન્દ્ર મોદીએ પોતાનાં માતા સાથે જોડાયેલી કેટલીક યાદો શૅર કરી હતી. સાથે જ પોતાના પિતાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
તેમણે લખ્યું છે કે, "મા, આ માત્ર એક શબ્દ નથી. જીવનની એ ભાવના છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ કેટલુંય સમાયેલું છે."

ઇમેજ સ્રોત, ANI
ગાંધીનગર ખાતે હીરાબાને મળવા પહોંચેલા વડા પ્રધાન મોદીએ તેમના ચરણ ધોયા હતા અને લગભગ 30 મિનિટ સુધી માતા સાથે રહ્યા હતા.
આ પ્રસંગે વડા પ્રધાને પોતાની માતા સાથેની યાદો તાજી થયાની કબૂલાત સાથેનો બ્લૉગ શૅર કર્યો હતો.
નોંધનીય છે કે વડા પ્રધાન બે દિવસની ગુજરાત મુલાકાતે છે. જે દરમિયાન તેઓ પાવાગઢ ખાતે કાલિકામંદિર સહિત અન્ય પણ કેટલીક વિકાસયોજના અને કાર્યક્રમોનાં ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના છે.
વડા પ્રધાન મોદીએ વડોદરામાં શું કહ્યું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
વડોદરામાં પીએમ નરેન્દ્ર મોદીએ 21 હજાર કરોડ રૂપિયાના વિકાસકાર્યોનો શિલાન્યાસ કર્યો. આ અવસર પર તેમણે કહ્યું કે અમારી ડબલ એન્જિન સરકારે છેલ્લાં આઠ વર્ષોમાં મહિલાઓનું સશક્તિકરણ કરવામાં આવ્યું છે. આ સશક્તિકરણ ભારતના વિકાસ માટે ખૂબ જરૂરી છે. આજે, સેનાથી ખાણો સુધી, મહિલાઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં આવી છે.
- આ પ્રોજેક્ટ ગુજરાતના વિકાસથી ભારતના વિકાસની વાત પર ભાર મૂકનારા છે.
- સ્થાનિક રોજગાર, સ્વરોજગાર માટે અનેક અવસરો પેદા થશે.
- ભારતના વિકાસ માટે મહિલાવિકાસ જરૂરી.
- સેનાથી માંડીને ખાણો સુધી અમારી સરકારોએ મહિલાઓ માટે દ્વાર ખોલવાનાં કામ કર્યાં.
- સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ સુનિશ્ચિત કરવા માટે મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજનાની શરૂઆત કરાઈ. જે માતાને પોષણક્ષમ આહાર પૂરું પાડવા માટે કેન્દ્રિત હશે.
- આ યોજના કુપોષણ અને એનિમિયાથી માતા અને બાળકને બચાવશે.
- ગર્ભવતી માતાઓનું પોષણ સુનિશ્ચિત કરવા માટે પોષણસુધા યોજના લાગુ કરાઈ.
- વડા પ્રધાન મોદીએ કહ્યું કે 'નલસે જલ મિશન અંતર્ગત મહિલાઓનાં માથાં પરથી બેડાં દૂર કરવાનું સૌભાગ્ય અમારી સરકારને મળ્યું.'

માતાના જન્મદિન પર બ્લૉગમાં શું લખ્યું?

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN
વડા પ્રધાને પોતાના બ્લૉગમાં લખ્યું છે કે, "મા, આ માત્ર એક શબ્દ જ નથી. જીવનની આ એવી ભાવના છે જેમાં સ્નેહ, ધૈર્ય, વિશ્વાસ, અન્ય પણ ઘણું બધું સમાયેલું હોય છે. આજે હું પોતાની ખુશી, પોતાના સૌભાગ્ય વિશે આપ સૌને વાત કરવા માગું છું. મારાં મા, હીરાબા આજે 18 જૂનના રોજ પોતાના સોમા વર્ષમાં પ્રવેશી રહ્યાં છે, એઠલે કે તેમનો જન્મ શતાબ્દી વર્ષ પ્રારંભ થઈ રહ્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પીએમ મોદીએ કદાચ પ્રથમવાર સાર્વજનિકપણે પોતાના પિતાનો ઉલ્લેખ કર્યો છે.
તેમણે લખ્યું છે કે, "જો પિતાજી આજે હોત. તો ગત અઠવાડિયે તેઓ પણ 100 વર્ષના થઈ ગયા હોત. એટલે કે વર્ષ 2022 એક એવું વર્ષ છે જ્યારે માતાના જન્મશતાબ્દી વર્ષનો પ્રારંભ થયો છે તેમજ આ જ વર્ષે મારા પિતાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણ થયું છે."
વડા પ્રધાન મોદીએ લખ્યું છે કે, "આમ તો અમારા ત્યાં જન્મદિવસ ઊજવવાની કોઈ પરંપરા નથી રહી. પરંતુ પરિવારના નવી પેઢીનાં બાળકોએ પિતાજીના જન્મશતાબ્દી વર્ષમાં આ વખત 100 છોડ વાવ્યા છે."
પીએમ મોદીએ પોતાના જીવ માટે માતાપિતાને ધન્યવાદ કરતાં લખ્યું છે કે, "આજે મારા જીવનમાં જે પણ કાંઈ સારું છે, મારા વ્યક્તિત્વમાં જે કાંઈ પણ સારું છે, તે માતા અને પિતાજીની દેણ છે. આજે જ્યારે હું અહીં દિલ્હીમાં બેઠો છું, ત્યારે ઘણું બધું જૂનું યાદ આવી રહ્યું છે."

કોણ છે અબ્બાસ?

ઇમેજ સ્રોત, NARENDRAMODI.IN
હીરાબેન સાથે જોડાયેલી વાતો કરતાં પીએમ મોદીએ અબ્બાસ નામની એક વ્યક્તિનો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીના બ્લૉગનો આ ભાગ ટ્વિટર પર ટૉપ ટ્રેન્ડ છે.
પીએમ મોદીએ પોતાનાં માતા હીરાબેનની આદતોનો ઉલ્લેખ કરતાં લખ્યું કે, "માતા હંમેશાં બીજાને ખુશ રાખવામાં ખુશ રહેતાં. ઘરમાં ભલે જગ્યા ઓછી હોય પરંતુ તેમનું હૃદય ખૂબ મોટું છે. અમારા ઘરથી થોડી દૂર પર એક ગામ હતું જેમાં મારા પિતાના ખૂબ સારા મિત્ર હતા. તેમનો પુત્ર હતો અબ્બાસ."
તેઓ આગળ લખે છે, "મિત્રના અસમય મૃત્યુ પછી પિતા અબ્બાસને અમારી ઘરે લઈ આવ્યા હતા. એક રીતે અબ્બાસ અમારા ઘરમાં રહીને જ ભણ્યો. અમે બધા બાળકોની જેમ જ માતા અબ્બાસનું ધ્યાન રાખતાં. ઈદ પર તેમની પસંદના પકવાન બનાવતાં. ત્યોહારોના સમય આસપાસના કેટલાંક બાળકો અમારા ઘરે આવીને જમતાં હતાં."
"તેમને પણ મારાં માતાના હાથની રસોઈ ખૂબ ભાવતી."

વડા પ્રધાન મોદીએ પોતાનાં માતા હીરાબહેન વિશે જણાવી અંગત વાતો
- પીએમ મોદીએ જણાવ્યું કે તેમનાં માતાનું જન્મ મહેસાણા જિલ્લાના વિસનગરમાં થયું હતું. હીરાબહેનના જન્મના અમુક દિવસ બાદ જ તેમનાં માતા એટલે કે પીએમનાં નાનીનું મૃત્યુ થયું હતું. પીએમ મોદી લખે છે કે, "મારી માતાનું બાળપણ માતાવિહોણું જ વીત્યું, તેઓ પોતાનાં માતા સામે ક્યારેય હઠ ન કરી શક્યાં, માતાને અક્ષરજ્ઞાન પણ ન મળી શક્યું, તેમને સ્કૂલનો દરવાજો પણ નથી જોવા મળ્યો. તેમણે જોઈ તો માત્ર ગરીબી અને ચારે બાજુ અભાવ."
- વડા પ્રધાન લખે છે કે તેમનાં માતા પરિવારમાં સૌથી મોટાં હતાં અને જ્યારે લગ્ન થયાં ત્યારે પણ સૌથી મોટાં વહુ બન્યાં.
- વડા પ્રધાન મોદી પોતાના બાળપણનો ઉલ્લેખ કરતાં લખ્યું કે - વડનગરના જે ઘરમાં અમે લોકો રહેતાં હતાં તે ખૂબ નાનું હતું. તેમાં કોઈ બારી નહોતી. કોઈ બાથરૂમ નહોતી, અમે તમામ ભાઈબહેન ત્યાં રહેતાં હતાં. એ નાનકડા ઘરમાં માને ભોજન રાંધવામાં સરળતા રહે તે માટે પિતાજીએ વાંસ અને લાકડાના પાટીયાની મદદથી સ્ટેન્ડ બનાવી દીધું હતું. તે જ માતાનું રસોડું હતું. માતા તેના પર જ ચઢીને રસોઈ કરતાં. અને અમે એના પર જ બેસીને ખાતાં.
- પોતાના પિતાનો ઉલ્લેખ કરતાં મોદી લખે છે કે પિતાજી સવારના ચાર વાગ્યાથી ઘરેથી નીકળી પડતા. મા પણ સમય બાબતે આગ્રહી હતાં. તેમને પણ સવારે ચાર વાગ્યે ઊઠી જવાની ટેવ હતી.
- પોતાનાં માતાના સંઘર્ષનો ઉલ્લેખ કરતાં પીએમ મોદી લખે છે - "ઘર ચલાવવા માટે બે-ચાર પૈસાં વધુ મળી જાય, તે માટે માતા બીજાનાં ઘરે જઈને વાસણ ધોતાં, સમય કાઢીને ચરખો પણ ચલાવતાં જેનાથી અમુક પૈસા મળવાની આશા રહેતી. કપાસના છોતરામાથી રૂ કાઢવાનું કામ, રૂમાંથી દોરા બનાવવાનું કામ, આ સઘળું મા જાતે જ કરતાં, તેમને ડર રહેતો કે ક્યાંક કપાસના છોતરાના કાંટા અમને ન વાગી જાય."
- પીએમ મોદીએ પોતાનાં માતાના રહન-સહનનો ઉલ્લેખ કરતાં લક્યું કે તેમનાં માતા શરૂથી જ સાફ-સફાઈને મહત્ત્વ આપતાં હતાં. ઘર સાફ રહે એટલે પોતે જ ધરને લીપતાં હતાં, ઘરની દીવાલો પર કાચના ટુકડા ચીપકાવીને આકૃતિઓ બનાવતાં હતાં.
- મોદી લખ્યું કે તેમનાં માતા આજે પણ પરફેક્શન પર ધ્યાન આપે છે. તેઓ લખે છે કે, દર કામમાં પરફેક્શનની તેમની ભાવના આ ઉંમરમાં પણ તેવી જ છે અને ગાંધીનગરમાં હવે તો ભાઈનો પરિવાર છે, ભત્રીજાનો પરિવાર છે, પરંતુ તેઓ પ્રયત્ન કરે છે કે પોતાનું બધું કામ હાથે જ કરે. "
- પીએમ મોદીએ લખ્યું છે કે જેમ કોઈ માતા જમાડ્યા પછી પોતાના બાળકનું મોંઢું સાફ કરે છે તેવી જ રીતે માતા હજી પણ આવું જ કરે છે. તેઓ લખે છે કે, હું જ્યારે પણ તેમને મળવા પહોંચતો ત્યારે તેઓ મને પોતાના હાથથી મિઠાઈ ખવડાવે છે. મારાં માતા આજે પણ મને કંઈક ખવડાવે તો રુમાલથી મારું મોઢું સાફ કરે છે. તેઓ પોતાની સાડીમાં હંમેશાં એક રુમાલ અથવા નાનો ટુવાલ રાખે છે."
- હીરાબેન પીએમનાં માતા છે તો તેમને કેવું લાગે છે, કેવું ગૌરવ થાય છે? આની પર હીરાબેન કહે છે કે, "જેટલો તમને ગર્વ થાય છે, એમ પણ મારું કંઈ નથી. હું તો નિમિત્ત માત્ર છું. એ તો ભગવાનનો છે." પીએમ મોદીએ લખ્યું છે, "તમે પણ જોયું હશે, મારાં માતા ક્યારેય કોઈ પણ સરકારી કે જાહેર કાર્યક્રમમાં મારી સાથે નથી જતાં. અત્યાર સુધી માત્ર બે કાર્યક્રમોમાં જ તેઓ મારી સાથે આવ્યાં હતાં."
- પીએમ મોદીએ એ બે જગ્યાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે જ્યારે તેઓ પ્રથમ વખત એકતા યાત્રા પછી શ્રીનગરના લાલ ચૌક પર તિરંગો ફરકાવીને પાછા આવ્યા હતા ત્યારે અમદાવાદમાં થયેલા નાગરિક સન્માન કાર્યક્રમમાં તેમનાં માતાને મંચ પર તેમને તિલક કર્યું હતું.
- પીએમ મોદી લખે છે કે બીજી વખત તેઓ સાર્વજનિક રીતે મારી સાથે ત્યાં આવ્યાં હતાં જ્યારે હું પ્રથમ વખત મુખ્ય મંત્રી બન્યો હતો. 20 વર્ષ પહેલાં તેઓ શપથગ્રહણમાં છેલ્લી વખત જાહેર કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યાર બાદ તેઓ કોઈ પણ કાર્યક્રમમાં મારી સાથે નથી આવ્યાં."

મોદીએ કરી 'માતા'ની વાત
- પીએમ મોદીએ લખ્યું છે કે તેમનાં માતાના નામ પર કોઈ સંપત્તિ નથી. તેઓ કોઈ સોનું પહેરતાં નથી.
- પીએમ મોદીએ કહ્યું કે તેમનાં માતા દેશ-દુનિયાના સમાચારને લઈને સજગ રહે છે. જોકે ટીવી ચૅનલોને લઈને તેમનો મત અલગ છે. પીએમ મોદી લખે છે કે , "હાલમાં મેં માને પૂછ્યું કે આજકાલ ટીવી કેટલું જુઓ છો? તો તેમણે કહ્યું કે ટીવી પર તો જ્યારે જુઓ ઝગડો થાય છે. હા, જે શાંતિથી સમજાવે છે એવી થોડી ચૅનલો જોવું છું."
- પીએમ મોદીએ લખ્યું કે "જ્યાર સુધી તેઓ જાહેર જીવનમાં નહોતા ત્યારે તેમનાં માતા તેમને તું કહીને સંબોધતાં પરંતુ હવે તેઓ તમે કહીને સંબોધે છે."
- માતા અનેક વખત પૂછે છે કે "દિલ્હીમાં ગમે છે?"
ગુજરાતમાં પીએમ મોદીની પાવાગઢ મુલાકાત

ઇમેજ સ્રોત, Sam Panthaky
નોંધનીય છે કે નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે અમદાવાદ ઍૅરપોર્ટ પર ખાતે પહોંચ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ગાંધીનગરમાં રાજભવન ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
નરેન્દ્ર મોદી સવારે 11 વાગ્યે પંચમહાલ જિલ્લામાં આવેલા પાવાગઢની મુલાકાત લીધી. જ્યાં તેમણે કાલિકામાતાના પુનઃવિકસિત મંદિરનું ઉદ્ઘાટન કર્યું.
પાવાગઢ પહાડની ટોચ પર મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો. મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે.
મંદિરના જીર્ણોદ્ધારનો 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા કરાયો છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલનાં વિકાસકામો માટે અંદાજે રૂપિયા 125 કરોડ થયો છે. જેમાંથી 70 ટકા ખર્ચ ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

ઇમેજ સ્રોત, ANI
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મંદિરના ઉદ્ધાટન બાદ બપોરે સાડા 12 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા ત્યાં લેપ્રસી ગ્રાઉન્ડમાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
વડોદરામાં 21,000 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા.
પીએમ આવાસ યોજના હેઠળ 1.4 લાખથી વધુ ઘરોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવામાં આવ્યું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યમાં માતા અને બાળઆરોગ્યને પ્રોત્સાહન આપવાની યોજનાઓ પણ શરૂ કરાઈ.
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલી સેન્ટ્રલ યુનિવર્સિટીનું નવું કૅમ્પસ વડોદરા નજીક ડભોઈ તાલુકાના કુંઢેલા ગામમાં રૂપિયા 743 કરોડના ખર્ચે બનાવવામાં આવશે જેનું ભૂમિપૂજન નરેન્દ્ર મોદીએ કર્યું.
રાજ્ય સરકારે આ પ્રોજેક્ટ માટે 100 એકર જમીન ફાળવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2












