આરટીઆઈ : કેવી રીતે મર્યાદિત કરાઈ રહ્યો છે આપણો માહિતીનો અધિકાર?
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી સંવાદદાતા
"માહિતી અધિકારનો કાયદો - 2005 એ ભારતના સામાન્ય નાગરિકના સશક્તિકકરણમાં સૌથી મોટો ભાગ ભજવતો એક ક્રાંતિકારી કાયદો છે. જેનો ઉપયોગ આજે ભારતના છેવાડાના માનવી દ્વારા પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા અને તેનું રક્ષણ કરવા માટે કરાય છે.''
નેશનલ કૅમ્પેન ફૉર પીપલ્સ રાઇટ ટુ ઇન્ફર્મેશનનાં સહ-કન્વીનર અંજલિ ભારદ્વાજ માહિતી અધિકાર અધિનિયમ માટે ગર્વભેર વાત કરતાં ઉપરોક્ત વાત જણાવે છે.

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ તેમના બીજા જ વિધાનમાં આ ક્રાંતિકારી કાયદાને સરકારો, અધિકારીઓ, રાજનેતાઓ અને ન્યાયતંત્ર દ્વારા વધુ નબળો અને બિનઅસરકારક બનાવવાના પ્રયત્નો અંગે વાત કરતાં તેમનું દુ:ખ પ્રતિબિંબિત થાય છે.
અંજલિ ભારદ્વાજ માહિતી અધિકારના કાયદાને નબળો બનાવવામાં કાયદામાં બિનજરૂરી સુધારા, માહિતી કમિશનરોની નિમણૂકમાં વિલંબ અને માહિતી મેળવવા માગતી વ્યક્તિઓ પરના વધી રહેલા હુમલા ભાગ ભજવી રહ્યા હોવાનું જણાવે છે.
15મી જૂન 2005ના રોજ ભારતના રાષ્ટ્રપતિએ માહિતી અધિકાર ખરડા ઉપર મંજૂરીની મહોર મારી એ સાથે તે ભારતની સંસદે પસાર કરેલો કાયદો બની ગયો. આરટીઆઈ ઍક્ટ 2005 અસ્તિત્વમાં આવ્યા બાદ આ કાયદાના અમલીકરણની શરૂઆત 12 ઑક્ટોબર 2005ના રોજ થઈ હતી.
છેલ્લાં 17 વર્ષોથી સરકારના તમામ સ્તરે ખોટાં કામો અને ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે આરટીઆઈ એક અસરકારક સાધન સાબિત થયું છે. તેણે સત્તામાં રહેલા લોકોની જવાબદારી નક્કી કરવા માટે અસરકારક રીતે કામ કર્યું છે.
તેણે નાગરિકોને સશક્ત બનાવવાની દિશામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને તે પંચાયતોથી લઈને મંત્રાલયો સુધી તમામ સ્તરે ભ્રષ્ટાચારને ઉજાગર કરવાનું સાધન બન્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન પરિસ્થિતિમાં દર વર્ષે 60 લાખથી વધુ આરટીઆઈ અરજી ફાઇલ કરવામાં આવે છે. આરટીઆઈ કાર્યકર્તાઓ અને સામાજિક કાર્યકર્તાઓ દ્વારા કરાતી મોટા ભાગની અરજીઓ દેશના સૌથી ગરીબ અને છેવાડાના લોકોના કામ અને અન્ન સુરક્ષા વગેરેના અધિકારોનું રક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા સંબંધિત હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા પણ નાગરિકને માહિતી પ્રાપ્ત કરવાનો મૂળભૂત અધિકાર હોવાની વાત મંજૂર રાખી હતી.
માહિતીનો અધિકાર એ અભિવ્યક્તિના અધિકારનો જ એક ભાગ ગણવામાં આવ્યો છે. પરંતુ હાલ આ અધિકારના ઉપયોગમાં વધુ ને વધુ અવરોધો ઊભા કરાઈ રહ્યા હોવાનો નિષ્ણાતોનો મત છે.
નિષ્ણાતોના મત સામે ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ ઍન્ડ ટ્રેનિંગ અને કેન્દ્રીય માહિતી પંચનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કરાયો હતો, પરંતુ હજુ સુધી કોઈ જવાબ મળી શક્યો નથી.
માહિતી અધિકારનો કાયદો અસ્તિત્વમાં આવ્યો તે અવસરે બીબીસીએ આ યુગપ્રવર્તક કાયદાને બિનઅસરકારક બનાવવા ચાલી રહેલ પ્રયત્નો અંગે વધુ વિગતો મેળવવા માટે આ ક્ષેત્રે સક્રિયપણે કામ કરી રહેલાં કેટલાંક આરટીઆઈ ઍક્ટવિસ્ટ અને જાણકારો સાથે પણ વાત કરી હતી.


સંક્ષિપ્તમાં : RTI અને તેની સામેના અવરોધો

- ભારતમાં દર વર્ષે 60 લાખ કરતાં વધુ આરટીઆઈ અરજીઓ દાખલ કરાય છે.
- આરટીઆઈનો ઉપયોગ ગરીબો અને મધ્યમ વર્ગના લોકો દ્વારા પોતાના ભોજન અને કામ કરવાના અધિકારને સુનિશ્ચિત કરવાના હેતુસર કરાય છે.
- આ ઉપરાંત આ અધિકાર સિસ્ટમની કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા અને ભ્રષ્ટાચારના નિયંત્રણ માટે એક હથિયાર ગણાય છે.
- સમય જતાં અધિકારીઓ અને સરકારોમાં આ કાયદા પરત્વે નકારાત્મક વલણ પેદા થયું હોવાનો નિષ્ણાતોનો મત છે.
- વર્ષ 2019માં આ કાયદામાં કરાયેલ સંશોધનને ઘણા નિષ્ણાતો માહિતી કમિશનરોની સ્વતંત્રતા પર તરાપ ગણાવે છે.

કાયદાને નબળો બનાવવાના પ્રયાસ માટે શું કરાઈ રહ્યું છે?

ઇમેજ સ્રોત, RTI
માહિતી અધિકાર પહેલ - ગુજરાતનાં પંક્તિ જોગ પણ એ વાત સાથે સંમત થાય છે કે પાછલાં અમુક વર્ષોમાં માહિતી અધિકારના કાયદાને વધુ મજબૂત કરવાની સરકાર અને કમિશનરો પાસેથી અપેક્ષા હતી પરંતુ તે તરફ સંતોષકારક કામ નથી થઈ શક્યું.
તેઓ કહે છે કે, "માહિતી અધિકારના કાયદામાં જ એવી જોગવાઈ કરવામાં આવી છે કે આ કાયદાનો સામાન્ય લોકો લાભ ઉઠાવતા થાય તે માટે સરકારે પ્રયત્નો કરવાના છે, પરંતુ સરકારે પોતાની આ જવાબદારી સંપૂર્ણપણે નથી ભજવી. નાગરિકો અને અધિકારીઓ માટેની તાલીમની વ્યવસ્થા કરવાની જવાબદારી પણ સરકારોની હતી પરંતુ થોડાં વરસ બાદ તાલીમ આપવાનું બંધ કરી દેવાયું."
અંજલિ ભારદ્વાજ સરકાર, અધિકારીઓ, રાજનેતાઓ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદાને નબળો પાડવાની દિશામાં કામ કરાયું હોવાની વાત કરે છે.
તેઓ કહે છે કે, "આ કાયદો સરકાર અને સત્તાધારી વ્યક્તિઓની જવાબદારી નક્કી કરે છે. અને સરકાર કે સત્તાધારી વ્યક્તિઓને ક્યારેય પોતાના કામ બાબતે પારદર્શી થવાનું ન ગમે. તેના કારણે આ કાયદાને નકારાત્મક અસર કરતાં પરિબળો પેદા કરાય છે."
તેઓ કહે છે કે આ સિવાય માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરીને માહિતી મેળવનાર લોકો પર દબાણ બનાવવા માટે તેમના પર વધતાં જતાં હુમલા એ વધુ એક ચિંતાનું કારણ છે.
આ સિવાય તેઓ કહે છે કે, "માહિતી અધિકાર અધિનિયમ અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી 90 કરતાં વધુ આરટીઆઈ ઍક્ટિવિસ્ટોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. અને હુમલાની સંખ્યા પણ વધી છે."
પંક્તિ જોગ પણ આ વાત સાથે સંમત થાય છે અને કહે છે કે, "રાજ્ય સરકારો દ્વારા આરટીઆઈ કાર્યકર્તાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેની પૉલિસીનો અભાવ પણ આવા હુમલામાં વધારાનું કારણ બની ગયું છે. તેમજ હત્યાના કેસોમાં પીડિતોને ન્યાય નથી મળ્યો, જે કારણે પણ લોકો આ અધિકારનો ઉપયોગ કરતાં ખચકાતા થયા છે."

ઇમેજ સ્રોત, Getty Images
માહિતી અધિકારના કાયદાનો સક્રિયપણે ઉપયોગ કરતાં કાર્યકર્તાઓને ટાર્ગેટ કરીને કમિશનો દ્વારા બ્લૅકલિસ્ટ કરવાની કાર્યવાહી પણ કરાઈ રહી હોવાનું પંક્તિ જોગ કહે છે.
તેમના મત પ્રમાણે ઉપરોક્ત વાતને ધ્યાને લઈએ તો ખ્યાલ આવે છે કે સરકાર અને માહિતી કમિશનર આ કાયદાનો વધુ ઉપયોગ થાય તે વધુ મજબૂત બને તેવું ઇચ્છે છે કે તેનાથી ઊલટું.
તેઓ આ કાયદાને વધુ નબળો બનાવવાના સરકાર અને અધિકારીઓના પ્રયાસ અંગે વાત કરતાં કહે છે કે, "કાયદામાં કોઈ પણ વ્યક્તિને બ્લૅકલિસ્ટ કરવાની કોઈ જોગવાઈ નથી. તેમ છતાં લોકો આ કાયદાનો પોતાના સશક્તિકરણ માટે ઉપયોગ ન કરે તે હેતુસર આવું કરાઈ રહ્યું છે. આમ માહિતી આપવાના આ કાયદાને માહિતી નકારવાના એક કાયદામાં ફેરવવાનું કામ કરાઈ રહ્યું છે."
પંક્તિ જોગ આગળ જણાવે છે કે, "માહિતી અધિકારના અધિનિયમ અંતર્ગત માહિતી નકારવા માટેની જોગવાઈઓ છે તેના વિપરીત અર્થઘટન થકી પણ માહિતી અધિકારને મર્યાદિત બનાવવાની કવાયત ચાલી રહી હોય તેવું લાગે છે."
"આ કલમોનાં મનસ્વી અર્થઘટનો દ્વારા માહિતી નકારવામાં આવી રહી છે જે આપણા અધિકારોનું દેખીતું ઉલ્લંઘને છે. "
ભારતના કેન્દ્રીય માહિતી પંચના ભૂતપૂર્વ માહિતી કમિશનર શૈલેષ ગાંધી જણાવે છે કે માહિતી અધિકારના કાયદાને નુકસાન પહોંચાડવા માટે ત્રણ પક્ષ મુખ્યત્વે જવાબદાર છે.
તેઓ આ માટે માહિતી કમિશન, સરકાર અને ન્યાયતંત્રને જવાબદાર ઠેરવે છે.
શૈલેષ ગાંધી જણાવે છે કે, "કમિશનને લોકોનો માહિતીનો અધિકાર સુનિશ્ચિત કરવાની જવાબદારી અપાઈ હતી. પરંતુ તેઓ આ કાયદાનું ખોટું અર્થઘટન કરીને કાયદાની અસરકારકતા ઘટાડી રહ્યા છે."
"જ્યારે સરકાર સમયસર લાયક ઉમેદવારોની કમિશનમાં નિમણૂક ન કરીને માહિતીનો પ્રવાહ અટકાવવા માટે નિમિત્ત બની રહી છે. આ સિવાય કમિશનના કેટલાક હકારાત્મક ઑર્ડરો વિરુદ્ધ ન્યાયતંત્ર દ્વારા સ્ટે ઑર્ડર આપીને આ કાયદાની અસરકારકતા અને બંધારણીય સંસ્થા એવા માહિતી પંચોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચડાવામાં આવે છે. "

2014 પછી શું-શું બદલાયું?

ઇમેજ સ્રોત, Getty Images
મૂળ અધિનિયમમાં, કેન્દ્ર સરકારની કેન્દ્ર અને રાજ્ય માહિતી કમિશનરો માટે સેવાની મુદત નક્કી કરવામાં કોઈ ભૂમિકા નહોતી.
પરંતુ જુલાઈ 2019માં એનડીએ સરકારે આરટીઆઈ કાયદાની કલમ 13 અને 16માં સુધારો કર્યો અને તે પદ પર મુદત નક્કી કરવાની સત્તા પોતાની પાસે રાખી છે. ઉપરાંત, કેન્દ્ર સરકારને હવે માહિતી કમિશનરોનાં પગાર અને સેવાની શરતો અંગે અંતિમ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. અગાઉ આ તમામ અંગે મૂળ અધિનિયમમાં ધોરણો નક્કી કરવામાં આવ્યાં હતાં અને સેવાની મુદત અને અન્ય નિયમો અને શરતો તેમજ ચૂકવવામાં આવતા પગાર નક્કી કરવામાં સરકારની કોઈ ભૂમિકા ન હતી.
આ સુધારાના ટીકાકારોએ સરકારના પગલાને માહિતી કમિશનરોની સ્વતંત્રતા માટે જોખમી ગણાવ્યું છે. મુખ્ય વિપક્ષ કૉંગ્રેસના નેતા ડૉ. શશિ થરૂરે નવા સુધારાને 'આરટીઆઈ નાબૂદી બિલ' ગણાવ્યું હતું.
સરકારે દાવો કર્યો હતો કે તેમણે અધિનિયમના સ્વાયત્તતા અને સ્વતંત્રતા સાથે સંબંધિત હોય એવા કોઈપણ વિભાગમાં સુધારો કર્યો નથી. તાજેતરનો સુધારો માહિતી કમિશનરોની સ્વતંત્રતા અને સ્વાયત્તતાને કોઈ નુકસાન પહોંચાડશે નહીં.
માહિતી અધિકારના કાયદાના અમલીકરણમાં વર્ષ 2014 પછી આવેલ બદલાવો અંગે વાત કરતાં પંક્તિ જોગ જણાવે છે કે, "વર્ષ 2014 પહેલાં કેન્દ્રીય માહિતી કમિશન અને ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા નાગરિકો સાથેનો સંવાદ બંધ કરી દેવાયો છે."
"તેમજ નાગરિકોને આ કાયદા અંગે કઈ બાબત અંગે મુશ્કેલી છે તે અંગે કોઈ વાતચીત હવે થતી નથી. તેમજ કેન્દ્રીય માહિતી કમિશન દ્વારા કરાતા ઍક્ટિવિસ્ટોના પ્રશ્નો જાણવા માટે કન્વેન્શનનું આયોજન કરાતું હતું."
"જે હવે બંધ થઈ ગયું છે. આ કન્વેન્શનમાં ન માત્ર ઉચ્ચ અધિકારીઓ પરંતુ ખુદ વડા પ્રધાન આવતા અને ચર્ચાયેલ બાબતો અંગે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચાર કરાતો અને પગલાં લેવાતાં, જે બધું હવે દુર્ભાગ્યે બંધ થઈ ગયું છે."
આ મુદ્દે વાત કરતાં તેઓ આગળ જણાવે છે કે, "અગાઉ ડિપાર્ટમેન્ટ ઑફ પર્સોનેલ ઍન્ડ ટ્રેનિંગ દ્વારા પ્રોઍક્ટિવ ડિસ્ક્લોઝર માટે જાગૃતિ લાવવા માટે રચાયેલ ટાસ્ક ફોર્સનું અસ્તિત્વ હવે નથી. આ સિવાય લોકોને માહિતી મેળવવામાં શી મુશ્કેલી પડી રહી છે તે સાંભળવા માટે પણ હવે કોઈ વ્યવસ્થા નથી. હવે ઉપલા સ્તરે એકતરફી નિર્ણયો થકી આ કાયદાનું અમલ થઈ રહ્યું છે જે દુર્ભાગ્યપૂર્ણ છે."

ઇમેજ સ્રોત, Getty Images
આ સિવાય અંજલિ ભારદ્વાજ કહે છે કે, "વર્ષ 2019માં કેન્દ્ર સરકારે માહિતી કમિશનરોની સેવાની શરતોમાં ફેરફાર કરીને કમિશનરોની સ્વતંત્રતા પર તરાપ મારવાની કોશિશ કરી છે."
"સરકારે તેમનાં પગાર-ભથ્થાં અને સેવાનો સમયગાળો નક્કી કરવાની સત્તા પોતાને હસ્તક રાખીને એક એવો સંદેશ આપવાની કોશિશ કરી છે કે જો તેઓ સરકારને ન ગમે તેવી માહિતી જાહેર કરશે તો તેમને પોતાની નોકરીના લાભ કે નોકરીનો સમયગાળો ગુમાવી તેની ભરપાઈ કરવી પડશે."
તેઓ આગળ કહે છે કે, "વર્ષ 2014 પછી સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશનમાં ખાલી પડેલ જગ્યામાં ક્યારેય કોર્ટના દ્વાર ખટખટાવ્યા સિવાય નિમણૂક થઈ શકી નથી. આ વાત સરકાર લોકોનો માહિતીનો અધિકાર સુનિશ્ચિત કરવા માટે કેટલો રસ ધરાવે છે તે જણાવી દે છે."
આ સિવાય કેન્દ્ર સરકાર માહિતીનું એકત્રીકરણ કરવાનું ટાળીને અને એકત્રિત કરેલ માહિતી જાહેર કરવાનો ઇનકાર કરીને પણ માહિતીના અધિકારમાં અવરોધ ઊભો કરાઈ રહ્યો હોવાનો મત તેઓ વ્યક્ત કરે છે.
આનું કારણ આપતાં તેઓ કહે છે કે, "કારણ કે નાગરિક આ કાયદા અંતર્ગત એકત્રિત કરાતી હોય તેવી જ માહિતી માગી શકે છે. આમ સરકાર સમજી ગઈ છે કે નો ડેટા એટલે નો ઇન્ફર્મેશન."

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, ભૂતપૂર્વ માહિતી કમિશનર શૈલેષ ગાંધી આ મામલે જણાવે છે કે, "માહિતી અધિકારના કાયદા પર નકારાત્મક અસર થવાની શરૂઆત વર્ષ 2010-11માં થઈ ચૂકી હતી."
"જેના કારણે કોઈ એક સરકારના સમયમાં આ કાયદા પર ખરાબ અસર થવાની શરૂઆત થઈ છે તેવું ન કહી શકાય."
"મારા મત પ્રમાણે સરકાર હોય કે વ્યક્તિ કોઈને પણ પારદર્શક રહેવાનું ગમતું નથી. તેમજ વર્ષ 2019માં માહિતી અધિકાર અધિનિયમમાં કરાયેલ સુધારાથી આ કાયદા પર મરણતોલ ફટકો પડ્યો છે તેવું હું નથી માનતો."
બીજી તરફ જો માહિતી અધિકાર અધિનિયમને વધુ શક્તિમાન બનાવવા માટે સરકારના પ્રયત્નોની વાત કરીએ તો રાજ્ય અને કેન્દ્ર બંનેની સરકારો પોતે આ દિશામાં કામ કર્યું હોવાનો દાવો કરે છે.
સરકારી વેબસાઇટો પર પ્રોઍક્ટિવ ડિસ્ક્લોઝરના ડેટા મૂકીને આ પ્રયત્નો કરાઈ રહ્યા હોવાના દાવા કરાય છે.
પરંતુ માહિતી કમિશનોમાં ત્રણ માસથી બે વર્ષ સુધીનું વેઇટિંગ પીરિયડ એ સરકાર દ્વારા કરાતા દાવા કરતાં વિપરીત હકીકત રજૂ કરે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













