ગુજરાત સહિત દેશમાં કોરોનાએ કેટલા લોકોને દેવાદાર બનાવ્યા?

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

મે 2021. અમદાવાદના મયંક પટેલ માટે આ મહિનો કાળમુખો સાબિત થયો હતો. 35 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા મયંકે આ દરમિયાન જ પોતાનાં પત્નીને કોરોનામાં ગુમાવ્યાં હતાં.

મિનરલ વૉટર ડિસ્ટ્રિબ્યૂટર મયંકનાં પત્ની કોરોનાથી ગંભીર રીતે પીડાઈ રહ્યાં હોવાના કારણે તેમની ખાનગી હૉસ્પિટલમાં ચાલી રહેલી સારવાર માટે કુલ ચાર લાખ રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા.

કોરોનાની ગંભીર માંદગીથી પોતાના સ્વજનોને બચાવવા લોન લેવા મજબૂર બન્યા હતા લોકો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કોરોનાની ગંભીર માંદગીથી પોતાના સ્વજનોને બચાવવા લોન લેવા મજબૂર બન્યા હતા લોકો- પ્રતીકાત્મક તસવીર

જે પૈકી દોઢ લાખ દાગીના ગીરો મૂકીને અને બાકીના અઢી લાખ રૂપિયા સ્થાનિક નાણાં ધીરનાર પાસેથી ઊંચા વ્યાજના દરે લાવ્યા હતા. જે માટે મહિનાઓ સુધી તેમણે છ હજાર રૂપિયા માસિકવ્યાજ ચૂકવ્યું.

તેમ છતાં તેમનાં પત્નીને તેઓ ન બચાવી શક્યા.

આવી અનેક હૃદયદ્રાવક કહાણીઓથી એ સમયે આપણાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની ટાઇમલાઇન ઊભરાઈ રહી હતી.

તમે પણ આવા ઘણા લોકોના સંપર્કમાં આવ્યા હશો, જેમણે પોતાના સ્વજનોને કોરોનાની માંદગીમાંથી ઉગારવા માટે વ્યાજે પૈસા લીધા હોય.

આ પૈકી અમુક હાલ પણ દેવાના ડુંગર તળે દબાયેલા હોય તેવું બની શકે.

line

માહિતી અધિકારી હેઠળ ચોંકાવનારી વિગતો સામે આવી

ખાનગી હૉસ્પિટલોએ કોરોનાની સારવાર માટે મસમોટી રકમો પડાવી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ખાનગી હૉસ્પિટલોએ કોરોનાની સારવાર માટે મસમોટી રકમો પડાવી હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી

અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતાં લોકોએ કોરોનાની મહામારીમાં સપડાયેલા પોતાના સ્વજનોની સારવાર માટે ખાનગી સંસ્થા અને લોકો પાસેથી લીધેલાં દેવાં અંગે કોઈ ચોક્કસ આંકડો ઉપલ્બ્ધ નથી. પરંતુ નિષ્ણાતોને મતે આ આંકડો લાખો-કરોડ રૂપિયાનો હોઈ શકે.

જેના માટે નિષ્ણાતો ખાનગી હૉસ્પિટલોએ વસૂલેલા તોતિંગ ચાર્જ અને મહામારીના મૅનેજમૅન્ટમાં સરકારની નિષ્ફળતા બંને પરિબળોને સમાનપણે જવાબદાર ગણાવી શકાય તેવું મંતવ્ય રજૂ કરે છે.

જોકે, સામેની બાજુએ જુદીજુદી કેન્દ્ર અને રાજ્ય સરકારોએ પોતાના અધિકારક્ષેત્રમાં કરોડો લોકોને કોરોના દરમિયાન મફત સારવાર આપી હોવાનો દાવો કર્યો હતો.

કોરોનાની સારવાર માટે લોન પૂરી પાડવાની આવી જ યોજનાઓ ભારતની વિવિધ રાષ્ટ્રીયકૃત બૅંકો દ્વારા પણ શરૂ કરવામાં આવી હતી. જે અંગેની વિગતો મેળવવા માટે બીબીસી ગુજરાતીએ માહિતી અધિકાર અંતર્ગત અરજી કરી હતી, જેના જવાબમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

માહિતી અધિકારી હેઠળ માહિતી અનુસાર, માત્ર મે 2021થી ઑગસ્ટ 2021 સુધી જ 2,38,369 લોકોએ કોરોનાગ્રસ્ત પોતાના સ્વજનો અને પોતાના ઇલાજ માટે 4,196,48,84,307 રૂપિયાની લોન મેળવી હતી.

આ આંકડો કેટલો મોટો છે તેનો ખ્યાલ એ વાતથી થઈ જાય છે કે આ આંકડો ગુજરાત જેવા વિકસિત રાજ્યના કુલ હેલ્થ બજેટના 30 ટકા જેટલો છે. અને આટલી લોન માત્ર ખાનગી લોકોએ રાષ્ટ્રીયકૃત બૅંકો પાસેથી ત્રણ માસ કરતાં થોડા વધુ સમયમાં જ લઈ લીધી હતી.

આ આંકડાના સરકારની કામગીરી અને કોરોનાના મૅનેજમૅન્ટમાં ભારતના પર્ફૉર્મન્સ અંગે કેવું ચિત્ર રજૂ કરે છે તે સમજવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો સાથે વાત કરી હતી.

line

SBI બની સૌથી મોટી નાણાં ધીરનાર

રાષ્ટ્રીયકૃત બૅંકોએ આપી કોરોનાની સારવાર માટે ચાર હજાર કરોડ કરતાં વધુ રકમની લોન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રીયકૃત બૅંકોએ આપી કોરોનાની સારવાર માટે ચાર હજાર કરોડ કરતાં વધુ રકમની લોન

એપ્રિલ-જૂન 2021નો સમયગાળો દરેક ભારતીયને એક ખરાબ સ્વપ્ન સ્વરૂપે યાદ રહેશે.

આ જ સમયગાળામાં ભારત પર કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી, જે લાખો લોકોના સ્વજનોનાં મૃત્યુમાં પરિણમી હતી.

સ્મશાન બહાર લાશોની લાઇનો, ઊભરાતી હૉસ્પિટલો, પોતાના સ્વજનોને ગુમાવનારા લોકોનો આક્રંદ એવો તો ફેલાયો કે તેની નોંધ સમગ્ર વિશ્વે લેવી પડી.

આ જ સમયગાળામાં ઘણા લોકોએ કોરોનાના કારણે પોતાના પરિવારજનોની સારવાર માટે ઉછીનાં નાણાં લેવા માટે મજબૂર બન્યા હતા.

લોકો પાસે કોરોનાની સારવાર માટે મસમોટી રકમના અભાવના કારણે ઘણી રાષ્ટ્રીયકૃત બૅંકોએ કોરોનાના ઇલાજ માટે લોન આપવાનું શરૂ કર્યું હતું.

નોંધનીય છે કે આ યોજના અંતર્ગત વિવિધ રાષ્ટ્રીયકૃત બૅંકોએ કોરોનાના ઇલાજ માટે 25 હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન આવકવેરો ભરનાર લોકો, વ્યાવસાયિકો, નોકરિયાત લોકો અને પેન્શનરો માટે આપવાનું શરૂ કર્યું હતું. જેમાં 8.5 ટકાથી માંડીને 9.5 ટકા સુધીનો વાર્ષિક વ્યાજદર રાખવામાં આવ્યો હતો.

માહિતી અધિકારની અરજી અંતર્ગત મળેલી માહિતી નીચે કોઠામાં દર્શાવવામાં આવી છે.

line

કેટલા લેણદારોએ બૅન્કમાંથી કેટલી લૉન લીધી?

ગ્રાફિક્સ

આ તો થઈ રાષ્ટ્રીયકૃત બૅંકો પાસેથી લેવાયેલી લોનની વિગતો. પણ દેશના ઘણા ભાગોમાં ઘણા લોકોએ પોતાના કે પોતાના સ્વજનોના ઇલાજ માટે ખાનગી નાણા ધીરનારો પાસેથી લોન લીધી હતી.

જે અંગેના અહેવાલો ઘણાં અખબારોમાં પ્રસિદ્ધિ થતા હતા અને સાથેસાથે જ સોશિયલ મીડિયા પર વાઇરલ પણ થતા હતા.

સરકારના મફત આરોગ્ય-સુવિધાઓ પૂરી પાડવાના દાવા સામે લોકોએ કેમ આટલી મોટી સંખ્યામાં કોરોનાના ઇલાજ માટે જ લોન લેવાની જરૂરિયાત પડી તે સમજવા માટે બીબીસીએ કેટલાક નિષ્ણાતોનો સંપર્ક સાધ્યો હતો.

line

આ આંકડા સરકારની નિષ્ફળતા દર્શાવે છે?

આ જ સમયગાળામાં ઘણા લોકોએ કોરોનાના કારણે પોતાના પરિવારજનોની સારવાર માટે ઉછીનાં નાણાં લેવા માટે મજબૂર બન્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ જ સમયગાળામાં ઘણા લોકોએ કોરોનાના કારણે પોતાના પરિવારજનોની સારવાર માટે ઉછીનાં નાણાં લેવા માટે મજબૂર બન્યા હતા.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર માત્ર ત્રણ માસના સમયમાં કોરોના સામે લડવા માટે લોકોએ લેવી પડેલ લોનના આંકડા અચંબિત કરનારા હોવાનું જણાવે છે.

સાથે જ તેઓ કહે છે કે આ તો માત્ર જે લોન ચોપડે નોંધાઈ છે. તેની જ વાત છે, પરંતુ અસલ આંકડો આના કરતાં અનેક ગણો વધુ હોઈ શકે.

ડૉ. માવળંકર કહે છે કે, "આ આંકડો જણાવે છે કે ઘણા બધા લોકોનો બિનજરૂરી ખર્ચ થઈ ગયો છે. તેમજ આ આંકડા સરકારી આરોગ્યતંત્ર પર લોકોના અવિશ્વાસની કહાણી પણ કહી આપે છે."

તેઓ આ અંગે આગળ વાત કરતાં જણાવે છે કે, "સરકારે આ વખતે સર્જાયેલી સમસ્યા પરથી સબક શીખી અને ભવિષ્યમાં એવું ન બને તે સુનિશ્ચિત કરવું જોઈએ."

તેમજ અર્થશાસ્ત્રી ઇંદિરા હીરવે આ આંકડા ખૂબ જ વધુ હોવાનું જણાવી તેને સરકારની નિષ્ફળતા દર્શાવતું દૃષ્ટાંત ગણાવે છે.

તેઓ કહે છે કે, "ગમે તે સંજોગોમાં લોકોને આરોગ્યસેવાઓ પૂરી પાડવાની જવાબદારી સરકારની છે. આ આંકડા એ સાબિત કરી આપે છે કે સરકાર તેમાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે."

વીડિયો કૅપ્શન, કોરોનાને હરાવી સાત મહિને ઘરે પહોંચતાં મહિલાનું ભવ્ય સ્વાગત

"સરકારે આત્મમંથન કરવાની જરૂર છે અને પોતાની પ્રાથમિકતાઓ ચકાસવાની અને યોગ્ય રીતે ગોઠવવાની જરૂર છે."

ઇંદિરા હીરવે આગળ જણાવે છે કે, "લોકોને તેમનો થયેલો ખર્ચ પાછો આપવો જોઈએ અને સરકારે નાણાકીય નુકસાનની ભરપાઈ કરવા માટે આગળ આવવું જોઈએ. સાથોસાથ આ દૃષ્ટાંત પરથી ખાનગી હૉસ્પિટલોના ભાવો અંગે અમુક મર્યાદા નક્કી કરવાની પણ જરૂરિયાત છે."

"લોકો પાસેથી આવી મહામારી સમયે ગમે તેટલાં નાણાં વસૂલ ન કરી શકાય. સરકારે તેનું નિયમન કરવાની અને તે અંગે કોઈ ગેરરીતિ ન થાય તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત હતી. પણ દુર્ભાગ્યે એવું ન બન્યું."

આ અંગે કેન્દ્રની મોદી સરકારના નેશનલ હેલ્થ ઑથૉરિટી દ્વારા પૂરા પડાયેલા આંકડા પ્રમાણે જુલાઈ, 2021 સુધીમાં સમગ્ર દેશમાં આયુષ્માન ભારત અંતર્ગત સાત લાખ કરતાં વધુ લોકોની સારવાર કરી હોવાનું જણાવાયું હતું.

રાજ્ય અને કેન્દ્ર સરકારના મંત્રીઓએ સરકાર આ દરમિયાન પોતાના પૂરતા પ્રયત્નો કરી રહી હોવાના દાવા કર્યા હતા.

તેમજ હજારોની સંખ્યામાં દર્દી ઑક્સિજનની અછત અને સારવાર ન મળવાના કારણે મૃત્યુ પામ્યાં હોવાના દાવા સંસદભવનમાં નકારી કાઢવામાં આવ્યા હતા, જે સર્વવિદિત્ છે.

જોકે, સામેની બાજુએ નાગરિક સમાજની કેટલીક જાગૃત સંસ્થાઓએ ગંગામાં વહેતી લાશો અને ગંગાકિનારે દફન કરાયેલી લાશોનાં દૃશ્યો તરફ આંગળી ચીંધીને કેન્દ્ર અને રાજ્યોની સરકારોને પરિસ્થિતિની ગંભીરતાનો ભાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો