ભાજપની સરકારો જે રીતે ઘરો પર બુલડોઝરો ફેરવી રહી છે એ કાયદાકીય રીતે કેટલું યોગ્ય?
- લેેખક, અનંત પ્રકાશ
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજ હિંસાના મુખ્ય આરોપી જાવેદ મહમદના ઘરને રવિવારે જમીનદોસ્ત કરી દીધું છે.

ઇમેજ સ્રોત, Reuters
બે માળના આ ઘરમાં જાવેદ મહમદ પોતાનાં પત્ની અને બે પુત્રીઓ સાથે રહેતા હતા.
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશો અને વરિષ્ઠ વકીલોએ યોગી સરકારના આ પગલાં પર સવાલ ઉઠાવતાં સર્વોચ્ચ ન્યાયાલયને આ મામલે 'સુઓ મોટો' લેવા અપીલ કરી હતી.
જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે ટ્વીટ કરીને લખ્યું છે કે "ગુનેગારો/માફિયાઓ વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી સતત ચાલુ રહેશે."
એવામાં સવાલ ઊભો થાય છે કે બુલડોઝરથી ઘર પાડી દેવા કાર્યવાહી કાયદેસર છે કે ગેરકાયદેસર છે.

શું કહે છે સરકાર?

ઇમેજ સ્રોત, TWITTER/MYOGIADITYANATH
યોગી આદિત્યનાથે પ્રયાગરાજમાં જાવેદ મહમદનું ઘર તોડી પડાયું તે પહેલાં ટ્વીટ કર્યું હતું કે -
"ગુનેગારો/માફિયાઓ વિરુદ્ધ બુલડોઝરની કાર્યવાહી સતત ચાલુ રહેશે. કોઈ ગરીબના ઘરે ભૂલથી પણ કોઈ કાર્યવાહી નહીં થાય. જો કોઈ ગરીબ/અસહાય વ્યક્તિએ કોઈ પણ કારણોસર ગેરકાયદેસર રીતે ઘર બનાવી દીધાં હોય તો સ્થાનિક પ્રશાસન દ્વારા તેમનું વ્યવસ્થાપન કરવામાં આવશે."
આ પહેલાં 26મેના રોજ ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્યે વિધાનસભામાં કહ્યું, "કોઈ ગરીબના ઘર પર બુલડોઝર નહીં ફરે પરંતુ કોઈ ગુંડાને છોડવામાં નહીં આવે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુનેગારો વિરુદ્ઘ ત્વરિત કામગીરીના નામ પર ઉત્તર પ્રદેશ બાદ મધ્ય પ્રદેશમાં પણ બુલડોઝરનો ઉપયોગ શરૂ કરી દેવાયો છે.
અત્યાર સુધી ચાર વખત મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી રહી ચૂકેલા શિવરાજસિંહ ચૌહાણે હાલમાં જ કહ્યું હતું, "ગુંડા, બદમાશ અને દબંગોને છોડવાના નથી. અમે તેમને માટીમાં ભેળવી દઈશું અને જો દીકરીઓને ખોટી રીતે જોશે તો જમીનદોસ્ત પણ કરી દઈશું. તેમનાં મકાનો અને દુકાનો રહેવા દેવામાં નહીં આવે. આવા બદમાશો પર બુલડોઝર ચાલશે."
શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રે પણ ખરગોનમાં થયેલી હિંસા બાદ કંઈક આવું જ નિવેદન આપ્યું હતું.
મિશ્રએ કહ્યું, "જે ઘરોમાંથી પથ્થર આવ્યા છે, તે ઘરો પથ્થરનો ઢગલો બની જશે."
આ નિવેદન બાદ ખરગોન જિલ્લામાં પ્રશાસને ઘણા લોકોનાં ઘર તોડી પાડ્યાં હતાં.
ભાજપ નેતા યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી તરીકે એક બંધારણીય પદ પર છે.
એવામાં એમ માનવું જોઈએ કે આ નેતાઓએ જે નિવેદન આપ્યાં છે તે બંધારણથી સંમત હોવાં જોઈએ. કારણ કે આ નેતાઓએ જે કહ્યું છે, સરળ શબ્દોમાં તેનો અર્થ એ છે કે "કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગુનાની સજા સ્વરૂપે તેમનું ઘર પાડી શકાય છે."
પરંતુ સવાલ એ ઊઠે છે કે શું ભારતનો કાયદો આ પ્રકારનું પગલું ભરવાની મંજૂરી આપે છે?
આ જાણવા સુપ્રીમ કોર્ટના વિરષ્ઠ વકીલ અને ઉત્તર પ્રદેશ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશનો સંપર્ક કર્યો...

વરિષ્ઠ વકીલ સંજય હેગડેનો મત

સંજય હેગડે આ કાર્યવાહીઓને ગેરકાયદેસર અને બદલો લેવાની કાર્યવાહી ગણાવે છે.
તેઓ કહે છે, "હયાત કાયદામાં એવી કોઈ જોગાવાઈ નથી કે કોઈ સંદિગ્ધના ઘર પર બુલડોઝર ચલાવવામાં આવે. સરકાર એમ કહે છે કે બુલડોઝર નગરનિગમના કાયદાના ઉલ્લંઘન માટે ચલાવવામાં આવ્યું છે. જો એમ હોય તો પણ સરકારે નોટિસ અને ત્યાર બાદ સુનાવણીની તક આપવી જોઈએ."
"અહીં જે પણ થઈ રહ્યું છે, તે નગરનિગમના કાયદાના ઉલ્લંઘનના કારણે થઈ રહ્યું નથી. આ કોઈ વ્યક્તિના વિરોક કે અન્ય કોઈ ઘટનામાં સામેલ થવાના સંદેહ પર બદલો લેવા માટે કરાયેલી કાર્યવાહી છે. જે તદ્દન ગેરકાયદેસર છે."
પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું કાયદો કોઈ વ્યક્તિનો ગુનો સાબિત થયા બાદ પણ ઘર પાડવાની મંજૂરી આપે છે?
સંજય હેગડે આ પ્રશ્નના જવાબમાં કહે છે, "ભારતીય દંડસંહિતામાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ વ્યક્તિ દોષિત સાબિત થાય તો તેનું ઘર તોડી પાડવામાં આવે."
કાયદામાં માત્ર એટલી જોગવાઈ છે કે દોષિત ઠેરવવામાં આવેલી વ્યક્તિ પર જુર્માનો લગાવવામાં આવી શકે છે.
જે બાદમાં પીડિત પક્ષ પર લગાવી શકાય શકાય છે, પરંતુ આજ સુધી એવો કોઈ કાયદો બન્યો નથી જેના આધારે દોષિતોનું ઘર પાડી શકાય.

ઉત્તર પ્રદેશ હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુરનો મત

ગોવિંદ માથુર પણ આ કાર્યવાહીઓને બંધારણ અનુસાર નથી ગણતા.
તેઓ કહે છે, "ગુનો રોકવાના નામ પર કાયદાનું ઉલ્લંઘન ન કરી શકાય."
તેઓ કહે છે, "ગુના રોકવા માટે પ્રશાસનનું ચુસ્ત હોવું જરૂરી છે. તેના માટે કાયદાને તોડી શકાય નહીં. એમ ન થઈ શકે કે ગુના રોકવા માટે સીઆરપીસી, કોર્ટ અને કાયદાને અવગણી શકાય નહીં."

ગેરકાયદેસર કાર્યવાહી કેમ?

ઇમેજ સ્રોત, MADHYA PRADESH POLICE VIA TWITTER
એવામાં સવાલ ઊઠે છે કે જો કોઈ ગુનાની સજા સ્વરૂપે દોષિતોનું ઘર પાડી દેવું ગેરકાયદેસર હોય તો સરકાર સતત બુલડોઝર ફેરવીને ઘરો તોડ્યાં બાદ તેને યોગ્ય હોવાનું કેમ ઠેરવી રહી છે.
એક સવાલ એ પણ છે કે રાજનૈતિક દળોને બુલડોઝર જેવી કાર્યવાહીથી હાંસલ શું થાય છે. તેનો જવાબ મેળવવા આપણે ઘર પાડવાની ઘટનાઓને નજીકથી જોવી પડશે.
ઉત્તર પ્રદેશમાં બુલડોઝરથી ઘર પાડી દેવાની શરૂઆત ગૅંગસ્ટર વિકાસ દુબેનું ઘર પાડવાથી શરૂ થઈ હતી.
ઉત્તર પ્રદેશના અન્ય જિલ્લામાં પણ બુલડોઝરથી ઘર તોડી પાડવાની ઘટનાઓ જોવા મળી. જેનો ભાજપને રાજનૈતિક લાભ મળ્યો.
મધ્ય પ્રદેશના ખરગોન જિલ્લામાં હિંસા બાદ પ્રશાસને બુલડોઝરથી તમામ લોકોનાં ઘર અને દુકાનો તોડી પાડ્યાં.
જ્યારે સ્થાનિક જિલ્લાધિકારી પી. અનુગ્રહને તેનું કારણ પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, "તમે એ લોકોનાં ઘરે જાઓ જેમનાં ઘર સળગ્યાં છે. તેમનામાં ઘણો આક્રોશ છે. આ કાર્યવાહીથી તેમને લાગે છે કે તંત્ર કંઈક કરી રહ્યું છે, પ્રશાસન અમારી સાથે છે."
જોકે, સુપ્રીમ કોર્ટની દરમિયાનગીરી બાદ આ પગલું રોકી દેવાયું હતું.
કાનપુરથી લઈને ખરગોન અને જહાંગીરપુરીથી લઈને પ્રયાગરાજ સુધી બુલડોઝરથી ઘર-દુકાન પાડી દેવાની ઘટનાઓમાં એક વસ્તુ સરખી છે અને તે છે 'મીડિયાનો જમાવડો'
આ સાથે જ બુલડોઝરથી ઘર-દુકાન તોડ્યાં બાદ રાજકીય દળોના કાર્યકર્તાઓને મીમ્સ, સોશિયલ મીડિયા પોસ્ટ્સ દ્વારા પોતાના નેતાની છબિ મજબૂત કરવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા છે.
તેનું ઉદાહરણ ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી સંજય રાયના ટ્વીટમાં નજરે પડે છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ સોશિયલ મીડિયા મૅસેજથી એ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે સંબંધિત નેતા કોઈથી ડરતા નથી અને ગુના વિરુદ્ધ કડકાઈથી કાર્યવાહી કરે છે અને ત્વરિત કાર્યવાહી કરે છે.
થોડાં વર્ષો પહેલાં સુધી ગુનો નોંધાય અને ગણતરીના કલાકોમાં દોષિતોની ધરપકડ થાય તેને ત્વરિત કાર્યવાહી ગણવામાં આવતી હતી. ત્યાર બાદ ચાર્જશીટ દાખલ કરવાની અને સુનાવણીની ન્યાયિક પ્રક્રિયા શરૂ થતી હતી.
જોકે, યોગી આદિત્યનાથના મુખ્ય મંત્રી બન્યા બાદ ત્વરિત કાર્યવાહીના રૂપમાં બુલડોઝરનો ઉપયોગ અને હાફ ઍન્કાઉન્ટરનું ચલણ વધતાં સિવિલ સોસાયટી તરફથી સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
હાલમાં જ સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેનો ફાયદો મળ્યો છે પણ સવાલ ઊઠ્યો છે કે આ બધાની જરૂર શું છે?
વરિષ્ઠ પત્રકાર આશુતોષ ભારદ્વાજે હાલમાં જ અંગ્રેજી મૅગેઝિન 'આઉટલૂક'માં એક લેખ લખ્યો, જેમાં તેમણે આ વિશે વિસ્તૃત વાત કરી છે.
ભારદ્વાજ લખે છે, "આ વિશાળકાય મશીનને એક સખત નેતાની છબિ રચવા માટે વાપરવામાં આવી રહ્યું છે. આ એક અર્બન લૅજન્ડ જેવું છે. જે 'બુલડોઝર બાબા' અને 'બુલડોઝર મામા' જેવાં ઉપનામોથી મજબૂત થાય છે. માર્ચમાં ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ પોતાના સરકારી નિવાસસ્થાન બહાર ઘણાં બુલડોઝર ઊભાં કરીને તેના પર વિશાળકાય હૉર્ડિંગો લગાવ્યાં હતાં."
"તેમાં લખવામાં આવ્યું હતું કે દીકરીઓની સુરક્ષામાં જે વચ્ચે આવશે, મામાનું બુલડોઝર તેમના માટે હથોડો બનશે. આ ઘટનાના કેટલાક દિવસો બાદ શિવરાજસિંહ ચૌહાણનું 'બુલડોઝર મામા ઝિંદાબાદ'ના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. એક સ્પષ્ટ રીતે ગેરકાયદેસર કૃત્ય હવે રાજનૈતિક લાભ અપાવનારું કૃત્ય બની ગયું છે."
"એવા પણ અહેવાલો આવ્યા કે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે તાજેતરની ચૂંટણીમાં 58 ચૂંટણીસભાઓમાં બુલડોઝર શબ્દનો ઉપયોગ કર્યો અને પાર્ટીએ આ તમામ બેઠકો પર જીત મેળવી. આ મુદ્દે યોગીના પ્રશંષકોનો દાવો છે કે આગરામાં ઘણા યુવાઓએ યોગીની જીત બાદ બુલડોઝર અને બુલડોઝર બાબા નામનાં ટૅટૂ કરાવ્યાં હતાં."

બુલડોઝર ચાલતું રહેશે તો શું થશે?

ઇમેજ સ્રોત, SALMAN ALI/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ભાજપ બુલડોઝરની કાર્યવાહીનો બચાવ કરતાં તેને ગુના ઓછા કરવાની દિશામાં મદદગાર હોવાનું જણાવે છે.
એવામાં સવાલ ઊઠે છે કે જો ગેરકાયદેસર રીતે બુલડોઝરથી ઘર તોડી પાડવાની ઘટનાઓને સામાન્ય માની લેવામાં આવશે તો લાંબા ગાળે તેનાં કેવાં પરિણામ આવશે?
પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોવિંદ માથુર કહે છે, "ભય પેદા કરીને ગુના રોકવાની નીતિ(ડિટરેંસ) ગયા યુગની વાત થઈ ગઈ છે. હવે આપણે ત્યાં રિફૉર્મેટિવ થિયરી ચાલે છે. ડિટરેંસની નીતિ હવે ચાલતી નથી. હવે આ યુગમાં પણ જો આપણે 17મી અને 18મી સદીની વાત કરીશું તો તે ઠીક નથી. છેલ્લાં 75 વર્ષથી એ ચાલી પણ રહ્યું છે."
પણ જો આવી ઘટના સામાન્ય થઈ જશે તો શું પરિણામ આવશે?
સંજય હેગડે તેનો જવાબ આપતાં કહે છે, "જો સરકારો આવી રીતે જ ચાલતી રહેશે તો જનતા ડરીને બેસી જશે અથવા તો આક્રોશ વધી જશે. આ આગથી આગ ઓલવવા જેવું કામ છે, જે કોઈ સમજદાર સરકાર નહીં કરે."

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













