કામેરાઃ સોવિયેટ સંઘના દુશ્મનોને હંમેશ માટે શાંત કરી દેનારું સિક્રેટ હથિયાર

કેટલાક લોકોનું કહેવું છે કે 1922માં એક સ્ટ્રોકના લીધે માંદગીમાં સપડાયા બાદ સોવિયેટ સંઘના પહેલા નેતા વ્લાદિમીર લેનિને પોતાના ઉત્તરાધિકારી જોસેફ સ્ટાલિનને કહ્યું હતું કે તેઓ તેમને (લેનિનને) મારી નાખવા માટે સાઇનાઇડ આપી દે. સ્ટાલિને ના પાડી દીધી. આ એ સમય હતો જ્યારે આ કહાણીની શરૂઆત થઈ.

રશિયન લેબલવાળી ઝેરની બૉટલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રશિયન લેબલવાળી ઝેરની બૉટલ

અન્યોનો દાવો છે કે 1918માં બોલ્શેવિક ક્રાંતિ દરમિયાન જ્યારે લેનિનને ગોળી મારી દેવાઈ, ત્યારથી આ બધું શરૂ થયું. એમના ડૉક્ટરોનું માનવું હતું કે એમને ઝેરી ક્યૂરેર રેસિનના આવરણવાળી ગોળી મારવામાં આવી હતી. ષડ્‌યંત્ર અહીંથી શરૂ થયું.

પરંતુ કેટલાંક સૂત્રો એ વાત સાથે સહમત નથી કે લેનિનના આદેશથી 1920ના દાયકાની શરૂઆતમાં ક્રેમલિનમાં ઝેર કારખાનું સ્થાપિત કરવામાં આવ્યું હતું. સોવિયેટ સંઘના અધિકારીઓ આ રિસર્ચ સેન્ટરમાં પોતાના દુશ્મનોને ખતમ કરવાની નવી નવી રીતો શોધી કાઢતા હતા અને તે પણ કોઈ સાબિતી રહેવા દીધા વગર.

એવું માનવામાં આવે છે કે આની શરૂઆત સોવિયેટ રશિયાના પહેલા રાજકીય અને સૈન્ય જાસૂસી સંગઠન ચેકાથી થઈ હતી. એનું કામ ક્રાંતિ સામે થઈ રહેલાં કાર્યો કે એના માર્ગ પરથી ખસી ગયેલા લોકોનું દમન કરવાનું હતું.

બરાબર એમ જ, સોવિયેટ સિક્રેટ સર્વિસનું નામ વારંવાર બદલવામાં આવ્યું. સૌથી પહેલાં એને 'સ્પેશિયલ ઑફિસ' કહેવાતી હતી અને બાદમાં લેબોરેટરી 1, લેબોરેટરી 12 જેનાં નામ પણ રાખવામાં આવ્યાં. સ્ટાલિનના સમયે તે કામેરા કે 'ધ ચેમ્બર'ના નામે ઓળખાતી હતી.

રશિયન ભાષામાં 'કામેરા'નો અર્થ જેલ થાય છે.

એ કેટલી રહસ્યમય હતી એનો કોઈ અંદાજ કરી શકે એમ નથી. સોવિયેટ સંઘના પતન પછી એનાં ઘણાં ગુપ્ત અભિયાન લીક થયાં જેમાં ઘણા અસંતુષ્ટ લોકોએ જે ખુલાસા કર્યા હતા એની પુષ્ટિ થઈ, પરંતુ આજે પણ 'કામેરા' રહસ્યોમાં ઢંકાયેલું છે.

line

પ્રભાવશાળી હથિયાર

ઝેરનો રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવાની એક જૂની પરંપરા રહી છે. ઇતિહાસમાં એના સંદર્ભો પણ મળે છે કે એનો નોકરો પર પ્રયોગ કરવામાં આવ્યો જેથી એ કેટલું શક્તિશાળી છે તેનો અંદાજ મેળવી શકાય.

એ પણ નિશ્ચિત છે કે એનો ઉપયોગ કરનારો સોવિયેટ સંઘ એકલો, પહેલો નહોતો અને ભવિષ્યમાં એકલો નહીં હોય.

યાદ કરો, જ્યારે અમેરિકન જાસૂસી એજન્સી સીઆઈએએ 1960માં ફિદેલ કાસ્ત્રોની હત્યા કરવાની કોશિશ કરી ત્યારે એમને મારવાની એક રીત એવી પણ વિચારાઈ હતી કે એક સિગારમાં બોટુલિનમ ઝેર ભરીને એમને પીવા માટે આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ફિડેલ કાસ્ત્રોને સિગાર પીવાનો શોખ હતો.

જ્યારે પણ કોઈ ખાસ વ્યક્તિને મારવાની યોજના બનાવવામાં આવતી ત્યારે આ ઘાતક અને અસરકારક ઝેરના ઉપયોગનો તેમાં સમાવેશ કરવામાં આવતો.

line

એવું ઝેર જે મારી તો નાખે પણ સાબિતી ના રાખે

કામેરાનું લક્ષ્ય એક એવું ઝેર બનાવવાનું હતું જે સ્વાદહીન, ગંધહીન હોય અને મૃતદેહના પરીક્ષણમાં પકડી ના શકાય, જેથી હત્યારાનું પગેરું ના મળે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કામેરાનું લક્ષ્ય એક એવું ઝેર બનાવવાનું હતું જે સ્વાદહીન, ગંધહીન હોય અને મૃતદેહના પરીક્ષણમાં પકડી ના શકાય, જેથી હત્યારાનું પગેરું ના મળે

પરંતુ કામેરાનું લક્ષ્ય એક એવું ઝેર બનાવવાનું હતું જે સ્વાદહીન, ગંધહીન હોય અને મૃતદેહના પરીક્ષણમાં પકડી ના શકાય, જેથી હત્યારાનું પગેરું ના મળે.

1957માં સોવિયેટવિરોધી એક લેખક લેવ રેબેટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું. અથવા એમ માનવામાં આવ્યું કે હાર્ટ અટૅક આવવાને કારણે એમનું મૃત્યુ થયું. પરંતુ ચાર વર્ષ પછી કેજીબીના હત્યારાએ દાવો કર્યો કે એણે રેબેટના ચહેરા પર સાઇનાઇડની શીશીમાંથી ઝેરી ગૅસ છોડ્યો હતો.

અન્ય એક રાજનેતાનું મૃત્યુ એમના રીડિંગ લૅમ્પ પર છાંટવામાં આવેલા પદાર્થથી થયું હતું. બલ્બમાંથી નીકળતી ગરમી દ્વારા તે આખા રૂમમાં ફેલાઈ ગયો હતો.

કેજીબી એજન્ટોએ સોડિયમ ફ્લોરાઇડનો પણ ઉપયોગ કર્યો, જેના એક નિશ્ચિત ડોઝથી મૃત્યુ પામનારના મૃત્યુનાં કારણોની ખબર પણ નથી પડતી. એનું કારણ એ છે કે ઘણા લોકો એનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરે છે અને એ એમના લોહીમાં પહેલાંથી જ હોય છે.

ઉંદર મારવા માટે ઉપયોગમાં લેવાતા થૅલિયમ ઝેરનો પ્રયોગ પણ લોકોને મારી નાખવા માટે કરવામાં આવ્યો.

એમ તો ડૉક્ટર એનાં લક્ષણો જાણતા હતા પરંતુ (હત્યાના) એવા કેસોમાં તેઓ એ બાબતે અજાણ હોય છે કે, હત્યારાએ એની એટલી માત્રા શરીરમાં દાખલ કરી હોય છે જેનાથી રેડિયોધર્મી થૅલિયમ વાસ્તવિક રીતે વિકિરણ ઉત્પન્ન કરે છે અને ધીમે-ધીમે એમનું મૃત્યુ થઈ જાય.

જ્યાં સુધીમાં એમના મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવતું ત્યાં સુધીમાં થૅલિયમ વિઘટિત થઈને ગાયબ થઈ ગયું હોય અને એ વિષનું કોઈ પ્રમાણ ના મળે.

કેટલાક કેસમાં તો ઝેર અપાયાની ખબર પણ પડી જતી, પરંતુ હત્યારાનું પગેરું મેળવવું અશક્ય હતું.

એવા કેસોમાં હત્યા માટે અજાણ્યા હથિયારના ઉપયોગની વાત કરવામાં આવતી અને વિષ વિજ્ઞાનીઓ પણ કેટલાક વૈકલ્પિક સ્પષ્ટીકરણ જ કરતા.

એક ચોક્કસ અંતરેથી ચહેરા પર ગોળી વાગવાના કેસમાં આત્મહત્યાનો દાવો ભાગ્યે જ કરી શકાય છે, પરંતુ ઝેરના કેસમાં આવી દરેક શક્યતા વ્યક્ત થઈ શકે છે અને હત્યારા એનો ફાયદો લે છે.

જો હત્યાની આખી યોજના સાવધાનીપૂર્વક બનાવવામાં આવતી અને અનુભવી એજન્ટ એને અંજામ આપતા તો એવા કેસોમાં ક્યારેય આરોપ સિદ્ધ નહોતો કરી શકાતો.

તો બીજી તરફ, ઝેર બીજાઓ માટે ચેતવણી કે પાઠ ભણાવવાની એક રીત તરીકે કામ કરી શકે કે જો તેઓ પોતાની સીમાઓ આળંગે તો પછી એમને શું થઈ શકે તે તેઓ જોઈ શકે.

કેટલાંક ઝેર તત્કાલ મૃત્યુ નીપજવતાં તો અન્યમાં મૃત્યુ ખૂબ કષ્ટદાયક થાય, જે એમના પ્રિયજનોને પીડા આપતું. એટલે કે આ પ્રકારના ઝેરથી થતા મૃત્યુને જોનારા માટે એને સહન કરવું અને એની ભયાનકતા કોઈને કહેવી ખૂબ કષ્ટદાયક થતું.

line

માનવો પર પ્રયોગ

ઘણા પૂર્વ રશિયન જાસૂસી અધિકારી, કેટલાક રિટાયર્ડ અને કેટલાક પક્ષપલટુઓએ સીક્રેટ સર્વિસનાં બીજાં ઘણાં રહસ્યો પ્રકટ કર્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઘણા પૂર્વ રશિયન જાસૂસી અધિકારી, કેટલાક રિટાયર્ડ અને કેટલાક પક્ષપલટુઓએ સીક્રેટ સર્વિસનાં બીજાં ઘણાં રહસ્યો પ્રકટ કર્યાં છે

આ લેબોરેટરીના અસ્તિત્વનો પહેલો સંદર્ભ પશ્ચિમના ધ્યાને ત્યારે આવ્યો જ્યારે વસિલિ મિત્રોખિનના હાથે 30 વર્ષથી લખેલા 6 ટ્રંક (પતરાની મોટી પેટી) દસ્તાવેજ મળી આવ્યા જે એમણે કેજીબીના વિદેશ સંસ્થાન અને પહેલા મુખ્ય નિર્દેશાલયમાં અભિલેખાધ્યક્ષ તરીકે પોતાના કાર્યકાળ દરમિયાન એકઠા કર્યા હતા.

ઘણા પૂર્વ રશિયન જાસૂસી અધિકારી, કેટલાક રિટાયર્ડ અને કેટલાક પક્ષપલટુઓએ સિક્રેટ સર્વિસનાં બીજાં ઘણાં રહસ્યો પ્રકટ કર્યાં છે.

પરંતુ સૌથી વધારે પરેશાન કરનારી માહિતી તો ત્યારે જાણવા મળી જ્યારે સ્ટાલિનના પૂર્વ જાસૂસ પાવેલ સુદોપ્લાતોવે એ લેબોરેટરી અને એના ડાયરેક્ટર પ્રૉફેસર ગ્રિગોરી મૅરાનોવ્સ્કી વિશે લખ્યું.

એમણે જણાવ્યું કે મૅરાનોવ્સ્કી નિયમિત તપાસની આડમાં લોકોને ઝેરનાં ઇન્જેક્શન મારતા હતા.

સ્ટાલિનની સિક્રેટ પોલીસના વડા લવરેન્ટી બેરિયા અને જનરલ વસિલિ બ્લોખિનના આદેશોથી કામેરાનાં ઉત્પાદનોનો ગુલાગ યાતના કેન્દ્રોના કેદીઓ પર પ્રયોગ કરવામાં આવતો હતો. એમાં મસ્ટર્ડ ગૅસ, ડિજિટૉક્સિન, ક્યૂરેર, સાઇનાઇડ અને અન્ય ઘણાં ઝેર સામેલ હતાં.

એના ભોગ બનેલાઓમાં સ્વિડનના એક રાજદ્વારી રાઉલ વાલેનબર્ગ પણ સામેલ હતા જેમનું સોવિયેટ સંઘની કેદમાં રહસ્યમય રીતે મૃત્યુ થયું હતું. સાથે જ કેટલાક યુક્રેનિયન રાષ્ટ્રવાદી અને પક્ષપલટુઓને પણ એનો શિકાર થવું પડ્યું હતું.

line

સોવિયે સંઘથી દુનિયાના પરદે

માર્કોવ બલ્ગેરિયાના એક જાણીતા લેખક હતા. તસવીરમાં એમની સાથે છે એમનાં પત્ની એનાબેલ અને એમની પુત્રી એલેક્ઝાન્ડ્રા-રાયના
ઇમેજ કૅપ્શન, માર્કોવ બલ્ગેરિયાના એક જાણીતા લેખક હતા. તસવીરમાં એમની સાથે છે એમનાં પત્ની એનાબેલ અને એમની પુત્રી એલેક્ઝાન્ડ્રા-રાયના

જાણકારો અનુસાર, જ્યારે શીતયુદ્ધ એના ચરમ પર હતું ત્યારે રાજકીય વિરોધીઓ, અસંતુષ્ટો, પક્ષપલટુઓ, નિર્વાસિતો અને સોવિયેટ ગણરાજ્યના ઉદ્દેશથી આઝાદીના સમર્થક નેતાઓ પર નર્વ એજન્ટ અને રાસાયણિક હથિયારોના ઉપયોગની એક પૅટર્ન ઊભરી હતી.

અન્ય અગણિત લોકોએ પણ એની વિભીષિકાનો સામનો કર્યો હતો. રશિયાની સૈન્ય જાસૂસી સંસ્થામાં કામ કરી ચૂકેલા અને 'ધ કેજીબી પૉઇઝન ફૅક્ટરી'ના લેખકે ધ વૉલ સ્ટ્રીટ જર્નલના પોતાના લેખમાં લખ્યું હતું, "જ્યારે કોઈ ઝેર મળ્યું જ ના હોય તો એના શિકારની ગણતરી કોણ કરી શકે?"

એ તો ખબર છે કે કેજીબીએ, સોવિયેટ સંઘના સમાપ્તિકાળે પોતાના દુશ્મનોને કાયમી શાંત કરી દેવાનું ચાલુ રાખ્યું હતું.

કેજીબી એજન્ટ ઓલેગ કલુગિને સ્વીકાર્યું કે સોવિયેટ સંઘ 1978માં લંડનમાં બીબીસીના એક પત્રકાર જૉર્જી ઉવાનોવ માર્કોવની લંડનમાં થયેલી હત્યાના ષડ્‌યંત્રમાં સામેલ હતો.

કામેરાએ રિસિનનું નાના કણ સ્વરૂપે ઉત્પાદન કર્યું, જેને ખાસ કરીને ખબર ના પડે તે રીતે ઇન્જેક્ટ કરવા માટે ડિઝાઇન કરાયા હતા અને એમાં એક નાના કીટકના ચટકા ભરવા જેટલું જ દર્દ થતું અને એમાં મૃત્યુનાં કારણોની પણ ખબર નહોતી પડી શકતી.

બલ્ગેરિયન હત્યારાઓએ એને પોતાની છત્રીની બહારની કિનારી પર રાખીને આ હત્યાને અંજામ આપ્યો હતો.

પરંતુ અત્યાર સુધીમાં ચોક્કસપણે એવી ખબર નથી પડી કે શું તે લેબોરેટરી બંધ થઈ ગઈ કે એનું એક સ્વરૂપ આજે પણ રશિયામાં ક્યાંક અસ્તિત્વ ધરાવે છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન