મોદી-શાહે 'ઉજળિયાત વર્ગના પક્ષ' ગણાતા ભાજપને હવે પછાત વર્ગનો પક્ષ બનાવી દીધો છે?
- લેેખક, સરોજસિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતમાં વડા પ્રધાન ઓબીસી છે, રાષ્ટ્રપતિનાં તેમનાં ઉમેદવાર આદિવાસી છે અ હવે એનડીએએ ઉપરાષ્ટ્રપતિપદ માટે ઓબીસીને જ ઉમેદવાર બનાવ્યા છે.
ભારતની કૅબિનેટમાં ગત વર્ષે થયેલ વિસ્તાર બાદ વર્તમાનમાં 27 ઓબીસી, 12 એસસી અને 11 મહિલાઓ મંત્રી છે.

ઇમેજ સ્રોત, Getty Images
દેશના શીર્ષ નેતૃત્વનું આ જાતિગત વિશ્લેષણ ભાજપ જાતે જ સામે રાખતો આવ્યો છે.
ભાજપને દાયકોથી કવર કરી રહેલા પત્રકાર એવું માને છે કે ભાજપ હંમેશાં આવો નહોતો.
વાજપેયી અને આડવાણી સમયે ભાજપ 'અપર ક્લાસ' અને 'અપર કાસ્ટ' પાર્ટી મનાતી હતી.
મોદી-શાહના જમાનામાં ભાજપે તેનો એ મુખવટો ઉતારીને જાણીજોઈને ઓબીસી, દલિત અને આદિવાસી પાર્ટીનો ટૅગ પહેરવા પ્રયત્નશીલ દેખાય છે.
આનાથી બે મહત્ત્વપૂર્ણ સવાલ ઊઠે છે - જો ઓબીસી-દલિતોને પાર્ટીમાં આટલું મહત્ત્વ અને જગ્યા મળી રહી છે તો ઉજળિયાતોનું શું થશે? શું આવું કરવાથી ઉજળિયાત વર્ગ નારાજ નહીં થઈ જાય?
ભાજપને પાર્ટીનો અને સરકારનો ચહેરો બદલવાની કોશિશથી શું ફાયદો થશે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું મોદી-શાહ ભાજપનાં સત્તાસમીકરણો બદલી રહ્યા છે? જાણો સંક્ષિપ્તમાં

- નિષ્ણાતો માને છે કે પહેલાંની સરખામણીએ ભાજપ હવે ઓબીસી અને પછાત વર્ગને વધુ મહત્ત્વ આપી રહ્યો છે
- અગાઉ ઉજળિયાત વર્ગનો પક્ષ કહેવાતો ભાજપ એવો તો શું ફેરફાર કરી રહ્યો છે કે તે ઉજળિયાત રાજકારણ પર ઓછું ભાર મૂકી રહ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે
- નિષ્ણાતોના મતે સત્તા જાળવવા માટે મોદી-શાહની જોડીના આવ્યા બાદ આ સમીકરણો અંગે પ્રયોગો ચાલુ થયા
- વાજપેયી-આડવાણીના સમયમાં કૅબિનેટથી માંડી પક્ષના સંગઠન સુધી મોટા ભાગના નેતા ઉજળિયાત હતા
- થોડાં વર્ષો પહેલાં ઉજળિયાતને રાજકારણના કેન્દ્રમાં રાખનાર ભાજપ આવા ફેરફાર કેમ કરી રહ્યો છે? જાણવા માટે વાંચો.

ચહેરો બદલવાની ભાજપની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images
'સેન્ટર ફૉર સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ' (CSDS)ના પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક સંજયકુમાર કહે છે કે, "બ્રાહ્મણ વાણિયા જેવા ઉજળિયાત વર્ગની પાર્ટી બનીને ભાજપ 24-28 ટકા વોટ શૅરવાળી પાર્ટી બની શકે છે, વાજપેયીના સમયે તેમને આટલો જ વોટ શૅર મળ્યો. "
"જો ભાજપને પૂર્ણ બહુમતીવાળી સરકાર બનાવવી હોય અને ભારતના રાજકારણમાં તેમનો જેવો દબદબો આજે છે, તે આગળ પણ જાળવી રાખવો હોય તો તેના માટે દલિતો, ઓબીસી અને પસમાંદા મુસ્લિમો વચ્ચે પાર્ટીને લોકપ્રિય બનાવવી પડશે. આ પાછળ કારણ સ્પષ્ટ છે તે છે તેમની સંખ્યા."
હાલમાં જ તેલંગણામાં સંપન્ન થયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપે આર્થિક અને સામાજિક સ્વરૂપે પછાત સુધી પહોંચવાની વાત પર ખાસ ભાર મૂક્યો.
ઘણા મીડિયા રિપોર્ટ પ્રમાણે ભાજપના શીર્ષ નેતૃત્વનું જોર પણ પસમાંદા મુસ્લિમો પર છે, જે મુસ્લિમોમાં પછાત મનાય છે.
ભારતમાં જાતિગત જનગણના વર્ષોથી નથી થઈ. પરંતુ અનુમાન પ્રમાણે 45થી 48 ટકા ઓબીસી વસતિ છે, દલિત અને આદિવાસી વસતિ લગભગ 22.5 ટકા અને પસમાંદા મુસ્લિમોની વસતિ લગભગ 8.5 ટકા છે, તેમજ ઉજળિયાત વસતિ લગભગ 15-18 ટકા છે.
સીએસડીએસના આંકડા પ્રમાણે અટલ-આડવાણી યુગમાં (1999-2004) ભાજપ પાસે કુલ 28 ટકા વોટ શૅર હતો.
વર્ષ 2014ની લોકસભાચૂંટણીમાં આ વોટ બૅઝ 31 ટકા થયું અને વર્ષ 2019ની લોકસભાચૂંટણીમાં તે વધીને 37 ટકા થયું.
સંજયકુમાર પ્રમાણે વડા પ્રધાન મોદીના કાર્યકાળમાં ભાજપના વિસ્તારના આ જ આંકડામાં ઓબીસી-દલિત કાર્ડનું રાજકારણ પણ છુપાયેલું છે.
આ જ કારણ છે કે કૅબિનેટ વિસ્તારથી માંડીને રાષ્ટ્રપતિ ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ ઉમેદવાર તમામ જગ્યાઓએ ઓબીસી-દલિતનો ઉલ્લેખ પાર્ટી કરતી નજરે પડે છે.
સંજયકુમાર કહે છે કે, "ભાજપને ખબર છે કે એક વખત ભાજપ દલિત, ઓબીસીવાળી પાર્ટી તરીકે સ્થાપિત થઈ જશે, તો આવનારાં દસ વર્ષમાં ભલે ઝડપમાં ફેરફાર થાય, ફરક નહીં પડે."

જાતિગત પિછાણનું રાજકારણ

ઇમેજ સ્રોત, ANI
અહીં વધુ એક વાત નોંધનીય છે.
ભલે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડ હોય કે રાષ્ટ્રપતિપદનાં ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ, બંને પોતપોતાની જાતિઓના મુદ્દાને ઉઠાવવામાં નેતૃત્વ આપવા માટે નથી ઓળખાતાં.
પછી આવા નેતા જો શીર્ષ પદો સુધી પહોંચે છે, મંત્રી કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બને છે તો તે વર્ગવિશેષની વોટ બૅન્ક કેવી રીતે તૈયાર થઈ શકે છે?
આ પ્રશ્નના જવાબમાં ગુજરાત યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના નિવૃત્ત પ્રોફેસર ગૌરાંગ જાની કહે છે કે, "જો કોઈ જાતિ સાથે જોડાયેલા મોટા નેતાનું નામ મોટા પદ માટે આગળ કરાશે, તો પાર્ટી સામે પડકારમાં વધારો થશે."
"આ કારણે સત્તામાં કે શીર્ષ પદો પર તેમનું પ્રતિનિધિત્વ સાંકેતિક છે."
"પાછલાં અમુક વર્ષોમાં આ સાંકેતિક પ્રતિનિધિત્વમાં ઝડપ જોવા મળી છે. આ બતાવવા પૂરતો સૌનો સાથ અને સૌનો વિકાસ છે. "
"તેથી વારંવાર બોલીને આ બતાવવાની જરૂરિયાત પડે છે કે અમારી કૅબિનેટમાં આટલા ઓબીસી અને દલિત છે. દેશના વડા પ્રધાન ઓબીસી છે. પ્રથમ વખત રાષ્ટ્રપતિ આદિવાસી મહિલા બનવા જઈ રહ્યાં છે. ઉપરાષ્ટ્રપતિ પણ ઓબીસી છે."

જાતિગત રાજકારણ પર ભાજપ કેમ પાછો ફર્યો?

ઇમેજ સ્રોત, TWITTER/NARENDRAMODI
આ જ કારણ છે કે ભલે રાજ્યસભાની ટિકિટ વહેંચણીની વાત હોય કે રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલાં નાનાં દળો સાથે ગઠબંધનની વાત - ભાજપ જાતિગત સમીકરણોનું ખાસ ખ્યાલ રાખે છે.
જાણકારો માને છે કે રાષ્ટ્રપતિપદ માટે દ્રૌપદી મુર્મૂની ઉમેદવારીનું એલાન આવનારા દિવસોમાં ગુજરાત સહિત એ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોઈને કર્યું છે, જ્યાં આદિવાસી વસતિ નોંધનીય પ્રમાણમાં છે.
આવી જ રીતે જાણકાર ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર જગદીપ ધનખડના નામને આગામી વર્ષે થનાર રાજસ્થાન અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી સાથે જોડીને જોઈ રહ્યા છે, જ્યાં જાટ વસતિ વધુ પ્રમાણમાં છે.
ધનખડ રાજસ્થાનના ઝુંઝુનૂથી આવે છે અને અહીં જાટ ઓબીસીમાં આવે છે.
ગૌરાંગ જાની આગળ કહે છે કે, "અપર કાસ્ટનું રાજકારણ રાષ્ટ્રીય સ્તરે તો ઠીક છે, પરંતુ જો આપે અલગ-અલગ રાજ્યમાં પકડ બનાવવી હોય તો 'જાતિ' જ મૂળ હકીકત છે."
"પાછલાં અમુક વર્ષોમાં હિંદુત્વ સાથોસાથ લોકો પોતાની જાતિ સંબંધિત ઓળખને લઈને ફરીથી જાગૃત થતાં દેખાઈ રહ્યા છે."
"ભારતમાં કેટલીય જાતિઓના પોતાના સમૂહો છે, વેબસાઇટ છે અને વાર્ષિક સંમેલન થાય છે. આના માટે હિંદુ ઓળખની સાથોસાથ પરંપરાગત જાતિગત ઓળખથી પણ લોકો જોડાયેલા રહ્યા છે."
"હિંદુત્વના રાજકારણથી જે હાંસલ કરવાનું હતું, ભાજપે તેનાથી ઘણું બધું હાંસલ કરી લીધું. પરંતુ જ્યારે હિંદુત્વની છત્રી માથા પરથી હઠશે તો હિંદુ જાતિઓમાં વહેંચાયેલા નજરે પડે છે. ઓબીસી, દલિત અને આદિવાસી - ઘણાં રાજ્યોમાં વોટના હિસાબે નિર્ણાયક બની જાય છે."

ઉજળિયાત પર અસર

ઇમેજ સ્રોત, EPA
આમ મોદી-શાહની કૅબિનેટમાં રાજનાથસિંહ, નીતિન ગડકરી જેવા ઉજળિયાત ચહેરા પણ છે, જે ઉજળિયાત જાતિઓ સાથે સંબંધ ધરાવે છે. ભાજપ અધ્યક્ષ જાતે બ્રાહ્મણ છે. આજે પણ મંત્રિમંડળમાં જો 27 ઓબીસી છે તો લગભગ 30 અપર કાસ્ટ મંત્રી છે.
વિજય ત્રિવેદી દાયકાઓથી ભાજપને કવર કરે છે. તેમણે ભાજપ સાથે જોડાયેલાં પુસ્તકો લખ્યાં છે.
બીબીસી સાથેની વાતચીતમાં તેઓ કહે છે કે, "એક સમયે ભાજપ સંસદીય દળમાં અટલ બિહારી વાજપેયી, મુરલી મનોહર જોશી, સુષમા સ્વરાજ, અરુણ જેટલી, નીતિન ગડકરી જેવાં તમામ બ્રાહ્મણ નેતાં હતાં. તેનાથી ભાજપની છબિ અપર કાસ્ટ પાર્ટીની બની. "
"નરેન્દ્ર મોદી દેશના પ્રથમ ઓબીસી વડા પ્રધાન બન્યા. તેમના આવ્યા પછી અમિત શાહ ઉત્તર પ્રદેશના ઇન્ચાર્જ બન્યા. સોશિયલ ઇજનેરી પર તેમણે ખૂબ કામ કર્યું. તેનું પરિણામ 2014 અને 2017માં સ્પષ્ટ જોવા મળ્યું. "
"નરેન્દ્ર મોદીના આગમન પછી ભાજપની વ્યૂહરચનામાં મોટો ફેરફાર થયો."
"એ વાત પણ યોગ્ય છે કે ભાજપના ઉજળિયાત વર્ગમાં આ વાત અંગે નારાજગી છે. આનો એક બીજો પક્ષ પણ છે. "
"હવે ભારતના રાજકારણમાં ઉજળિયાતોની એટલી વોટ વૅલ્યૂ નથી રહી. 45-48 ટકા ઓબીસી, 22 ટકા આસપાસ દલિત આદિવાસી છે. અપર કાસ્ટ એ કોઈ અલગ વોટ બૅંક નથી. તેમાં બ્રાહ્મણ અલગ વોટ કરે છે, વાણિયા અલગ વોટ કરે છે. જ્યારે તમારું નેતૃત્વ ઓબીસી બની ગયું છે તો તેનો પણ ફરક પડે છે."
પરંતુ એવું નથી કે ભાજપમાં ઉજળિયાત હાંસિયામાં ધકેલાઈ ગયા છે. વિજય ત્રિવેદી ભાજપમાં ઉજળિયાતોની સ્થિતિને એક ઉદાહરણ આપીને સમજાવે છે.
"પ્રથમ ચાર બેડરૂમના ફ્લૅટમાં તમે એકલા રહેતા હતા, એક રૂમમાં ઊંઘતા હતા પરંતુ રાજ ચારેય રૂમ પર કરતા હતા. પછી એ રૂમમાં બે અન્ય લોકો ભલે રહેવા આવી જાય. ભલે આજે એ જ એક રૂમમાં સૂવો છો, તેમાં કોઈ ઊણપ નથી આવી પરંતુ અન્ય ત્રણ રૂમમાંથી બે રૂમ એ નવા લોકોને આપી દેવાયા, તો તમારો અધિકાર અન્ય રૂમ પર ઓછો થઈ ગયો."
"આ જ વાત ઉજળિયાત પર પણ લાગુ પડ છે. ભાજપમાં રાજકીય પાવર ઓછો નથી થયો અને ના તેની રાજકીય પહોંચ. સમગ્ર કૅબિનેટમાં લગભગ 30 ઉજળિયાત મંત્રી છે તો મંત્રિમંડળમાં તેમની ભાગીદારી લગભગ 40 ટકા થઈ, પરંતુ ઉજળિયાત વસતિ 15-20 ટકા જ છે. પહેલાં આ 15-20 ટકા 80 ટકા સુધી મંત્રિમંડળ પર કબજો કરીને બેઠા હતા. ભાજપનો ચહેરો કંઈક આ રીતે બદલાઈ રહ્યો છે."
વોટ બૅન્કના રાજકારણના ઇતિહાસને ભારતમાં મંડલ પહેલાં અને મંડલ બાદમાં વિભાજિત કરી શકાય છે.
મંડલ પહેલાં ઓબીસી, દલિત, આદિવાસી તમામ કૉંગ્રેસ સાથે દેખાતા હતા. પરંતુ મંડલ કમિશન બાદ આ વોટ બૅંક ક્ષેત્રીય રાજકારણાં પાર્ટીઓમાં વહેચાઈ ગઈ.
સંજયકુમાર કહે છે ઉજળિયાત માટે હાલ કોઈ વિકલ્પ નથી. કૉંગ્રેસ પાસે તેઓ જઈ નથી શકતા અને ક્ષેત્રીય પાર્ટીઓ મોટા ભાગે જાતિઓના આધારે જ બની છે.
આ કારણે ભાજપનો કોર વોટ તેની પાસે જ છે અને દલિત, આદિવાસી ઓબીસી તેમાં એડ-ઑન થઈ રહ્યા છે. આ સમૂહોમાં તેમણે અલગથી પહોંચ બનાવી લીધી છે, પરંતુ તેમને સંગઠિત કરવાનું કામ બાકી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












