'શાંતિપ્રિય' જાપાન યુદ્ધ અંગેની પોતાની નીતિમાં ફેરફાર કરશે? પાડોશી દેશોની ચિંતા કેમ વધી?

    • લેેખક, એન્જલ બર્મુડેઝ (@angelbermudez)
    • પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ

ગત અઠવાડિયે જેમની હત્યા થઈ તેવા જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબેની આ મુખ્ય રાજકીય પહેલ હતી, હવે એવી શક્યતા છે કે તે હકીકતમાં પરિણમી શકે છે.

આ સોમવારે, જ્યારે તેમને સમર્થન કરનાર રાજકીય ગઠબંધન અને તેમની પાર્ટીની જાપાનમાં મોટી જીત બાદ, અત્યારના વડા પ્રધાન, ફુમિઓ કિશિદા,એ જાહેરાત કરી કે તેઓ સુરક્ષા માટેના મુશ્કેલ વાતાવરણમાં દેશના સંરક્ષણને "વધુ મજબૂત" બનાવવા માટે જરૂરી બંધારણીય સુધારાનો પ્રચાર કરવા માગે છે અને તેને લઈને ચર્ચા જગાડવા માગે છે.

આ સુધારો ધારણા મુજબ જાપાનની સેલ્ફ-ડિફેન્સ ફોર્સ(આ નામથી જાપાનની સેના ઓળખાય છે.)ને બંધારણીય દરજ્જો આપશે તે છતાં આ બાબત ઘણાને ચિંતાજનક લાગી રહી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આ સુધારો ધારણા મુજબ જાપાનની સેલ્ફ-ડિફેન્સ ફોર્સ(આ નામથી જાપાનની સેના ઓળખાય છે.)ને બંધારણીય દરજ્જો આપશે તે છતાં આ બાબત ઘણાને ચિંતાજનક લાગી રહી છે

સુધારાનો આ પ્રસ્તાવ, જેનો એબે વર્ષોથી પ્રચાર કરતા હતા પરંતુ તેમાં તેમને સફળતા ન મળી શકી, તે જાપાનના મૅગ્ના કાર્ટામાં 1947માં તેના અમલીકરણથી અત્યાર સુધીનો પ્રથમ ફેરફાર હશે.

આની અસર તેના પ્રતીકરૂપ એવા આર્ટિકલ નવ, જેનું લખાણ કંઈક આવું છે "જાપાનના લોકો યુદ્ધ એ રાષ્ટ્રનો સાર્વભૌમ અધિકાર હોવાની વાતને નકારે છે અને ધમકી કે બળનો પ્રયોગ આંતરરાષ્ટ્રીય વિખવાદોના નિવારણ માટે ઉપયોગી ન હોવાનું ઠરાવે છે", પર પડશે.

આ પહેલના કારણે જાપાન અને વિદેશમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે, આ સુધારો ધારણા મુજબ જાપાનની સેલ્ફ-ડિફેન્સ ફોર્સ(આ નામથી જાપાનની સેના ઓળખાય છે.)ને બંધારણીય દરજ્જો આપશે તે છતાં આ બાબત ઘણાને ચિંતાજનક લાગી રહી છે.

પરંતુ જો આવું જ હોય તો વિવાદ કેમ?

લાઇન

જાપાનના બંધારણમાં ફેરફારની આશંકાઓ અંગે ચિંતા કેમ? સમજો સંક્ષિપ્તમાં

લાઇન
  • જાપાનના બંધારણમાં સંભવિત ફેરફારથી દેશ ફરી એકવાર પોતાનું સૈન્ય માત્ર સ્વરક્ષણ માટે નહીં પરંતુ જાપાનની સુરક્ષા માટે રાખી શકશે તેવી ચર્ચા છે.
  • જાપાનના યુદ્ધ ઇતિહાસને જોતાં તેના પાડોશી દેશો આ સૂચિત ફેરફારને લઈને ચિંતિત છે
  • જાપાનમાં નેતાઓ આ બદલાવના સમર્થનમાં છે પરંતુ આ બાબતે લોકોનું સમર્થન મેળવવું મુશ્કેલ હોવાનું કહેવાઈ રહ્યું છે
  • જાપાનના દિવગંત ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે જાપાન સૈન્યશક્તિ બાબતે સ્વતંત્ર અન વધુ મજબૂત બને તે દિશામાં પ્રયત્નો કરતા હતા
  • હાલમાં જાપાન પોતાના બંધારણની જોગવાઈઓને અનુસરીને માત્ર પોતાના સ્વરક્ષણ માટે સેલ્ફ ડિફેન્સ ફોર્સ રાખી શકે છે, પરંતુ રાજકીય વલણ સૈન્યની તાકત વધારવા અંગેનું છે
લાઇન

ઐતિહાસિક બદલાવ

જાપાનનું બંધારણ દેશ પર અમેરિકાના કબજા દરમિયાન અમલમાં મુકાયું હતું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનનું બંધારણ દેશ પર અમેરિકાના કબજા દરમિયાન અમલમાં મુકાયું હતું

બીબીસી મુંડો સાથેની વાતચીતમાં જોન નિલ્સન રાઇટ, જેઓ યુનિવર્સિટી ઑફ કૅમ્બ્રિજમાં જાપાનીઝ પૉલિટિક્સ ઍન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સના ઍસોસિયેટ પ્રોફેસર છે, કહ્યું કે, "જાપાનમાં બંધારણનો અર્થ સમજવા માટે બીજા વિશ્વયુદ્ધ બાદ દેશના ઇતિહાસને જાણવો જોઈએ. અમેરિકન ઑક્યુપેશન ઑથૉરિટીએ યુદ્ધ પછી દેશનું બંધારણ લખવામાં મદદ કરી જે 1947માં અમલમાં આવ્યું."

તેઓ ઉમેરે છે કે, "અમલમાં આવ્યા બાદથી આ બંધારણમાં કોઈ સુધારો કે ફેરફાર નથી કરાયાં. ઘણા રૂઢિવાદીઓ તેને બહારથી લદાયેલ ગણાવે છે, તેથી તે સાર્વભૌમ રાષ્ટ્રનો સાર્વભૌમ દસ્તાવેજ હોવાનો ગુણ ન ધરાવતું હોવાનું ગણાવે છે. તેથી સુધારાનો વિષય કેટલાક જમણેરી વિચારધારાવાળા લોકોને તે બીજા વિશ્વયુદ્ધનો બાકી રહેલ હિસાબ છે."

પરંતુ દેશમાં એક તરફ જ્યાં જમણેરી વિચારધારાવાળા લોકો મેગ્ના કાર્ટાને બદલવા માગે છે, તો ડાબેરીઓને ચિંતા છે કે આનાથી લખાણને નકારાત્મક રીતે બદલાઈ જશે.

નિષ્ણાત મુજબ, "જાપાનના ડાબેરીઓ બંધારણને જાપાનની લોકતાંત્રિક રાજકીય સંસ્કૃતિની ગૅરંટી તરીકે જુએ છે. અને તે યુદ્ધમાં જીતનાર પક્ષ તરફથી લાવવામાં આવ્યું હતું તે હકીકતને ડાબેરીઓ એ વાતના પુરાવા તરીકે જુએ છે કે જાપાને યુદ્ધના સમયગાળા પહેલાંથી જ મિલિટરીકરણ ત્યાગી દીધું હતું. આ કારણે જ તે આટલો જ્વલનશીલ રાજકીય મુદ્દો છે."

યુરેશિયા ગ્રૂપ ખાતે જાપાન અને એશિયન ટ્રેડના ડિરેક્ટર ડેવિડ બોલિંગ પ્રમાણે, બીજા વિશ્વયુદ્ધનો જાપાનનો અનુભવ એટલો પીડાદાયક રહ્યો કે ઘણા નાગરિકોનો અંતિમ મત એવો બની ગયો કે યુદ્ધ એ સામાન્યપણે એક સંકટ છે અને તે કારણે જ સમગ્ર દેશનું વલણ યુદ્ધ વિનાશકારી હોવાનું બન્યું.

"જાપાનમાં એવા ઘણા લોકો છે જેમને બંધારણ પર ગર્વ છે. તે અવારનવાર આ બંધારણને હકારાત્મક દૃષ્ટિએ એક શાંતિને વરેલું બંધારણ ગણાવે છે. દેશમાં એક આંતરિક જૂથ છે જેને તેના પર ગર્વની લાગણી છે."

line

યુદ્ધ વિનાશ હોય છે તે વલણથી આત્મરક્ષા સુધી

ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે જાપાનના બંધારણીય સુધારાના પ્રચારક હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો એબે જાપાનના બંધારણીય સુધારાના પ્રચારક હતા

સંભવિત બંધારણીય સુધારાના ટીકાકારો એ બાબતને લઈને ચિંતિત છે કે સત્તાધારી લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી (એલડીપી), જેની સાથે એબે જોડાયેલા હતા અને હાલના વડા પ્રધાન કિશિદા પણ તેની સાથે જ જોડાયેલા છે, આર્ટિકલ નવમાં ઉલ્લેખિત સેના પરનાં નિયંત્રણો દૂર કરવા માગે છે.

વૉશિંગટનસ્થિત થિંકટૅંક કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સના એશિયા-પેસિફિક સ્ટડીઝના સિનિયર ફેલો શિલા સ્મિથ પ્રમાણે, આ સુધારા અંગે હાલ વિચાર નથી થઈ રહ્યો.

"લિબરલ ડેમોક્રૅટિક પાર્ટી દ્વારા હાલ રજૂ કરાયેલ પ્રસ્તાવમાં આર્ટિકલ નવ દૂર કરવાની વાત નથી. પરંતુ તેઓ માત્ર એક વાક્ય વધુ ઉમેરવા માગે છે."

તેઓ આગળ કહે છે કે, "ચોક્કસપણે પાર્ટીમાં જ એવા કેટલાક લોકો છે જેઓ આગળ વધીને સેનાનું નામ બદલવા માગે છે, પરંતુ હાલ આર્ટિકલ નવથી છુટકારો મેળવવાને લગતો કોઈ પ્રસ્તાવ નથી. તેમજ આ બાબતને લઈને પાર્ટીમાં કે લોકોમાંથી કોઈ સમર્થન નથી. પરંતુ ટીકાકારો આર્ટિકલ નવ પર જ ધ્યાન આપી રહ્યા છે કારણ કે તે યુદ્ધ બાદની જાપાની ઓળખનો કેન્દ્ર ભાગ છે."

જોકે તેઓ ચોખવટ કરે છ કે હજુ સુધી આ બાબતે કોઈ લખાણ અંગે ચર્ચા કરાઈ નથી, ના કોઈ વિચાર છે. અત્યાર સુધી પ્રસ્તાવ એ વાત તરફ ઇશારો કરે છે કે આ સુધારો માત્ર સેલ્ફ-ડિફેન્સ ફોર્સને બંધારણીય દરજ્જો આપશે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે તે મેગ્ના કાર્ટાથી વિપરીત નથી.

અમેરિકાના કબજા દરમિયાન માન્યતા અપાયેલ જાપાનનું બંધારણ, દેશનું ફેર સૈન્યીકરણ માટેની કોઈપણ શક્યતા દૂર કરવા માગતું હતું. આ દસ્તાવેજ મુજબ "ભવિષ્યમાં દેશ ના જમીન, ના સમુદ્ર સેના અને ના ઍરફોર્સ ઊભી કરી શકશે. તેમજ યુદ્ધ માટેની કોઈ શક્તિ નહીં વિકસાવી શકે."

જોકે, વર્ષો સુધી, પ્રતિબંધનાં અર્થઘટન અને અમલીકરણ આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં બદલાયું.

ડેવિડ બોલિંગ કહે છ કે સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં પરિવર્તન આવી રહ્યું છે કારણ કે વર્ષો સુધી તેઓ માત્ર સરકારની એક એજન્સી હતા, તે પછી સંરક્ષણમંત્રાલયની સ્થાપના કરવામાં આવી અને તે બાદ એબે સરકારે નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલનું ગઠન કર્યું.

વર્ષ 2014માં આ બાબતે એક મોટો ફેરફાર 2014માં થયો જ્યારે એબે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા અંગેની બંધારણીય જોગવાઈઓના ફેરવિશ્લેષણના વિચારનો પ્રચાર કર્યો.

શીલા સ્મિથ સમજાવે છે કે, "એબેએ આર્ટિકલ નવના ફેરવિશ્લેષણને મંજૂરી આપી. જે અંતર્ગત જો જાપાનની સુરક્ષા અને હયાતી માટે ઉદાહરણ તરીકે અમેરિકા અને ઑસ્ટ્રેલિયા જેવા દેશો વતી બળપ્રયોગ કરી શકશે. આ એક ખૂબ જ સાવચેતીપૂર્વક કરાયેલ ફેરવિશ્લેષણ હતું."

તે પછીના વર્ષે, આ ફેરવિશ્લેષણ આધારે એક નવો કાયદો બનાવાયો. આમ, સેલ્ફ ડિફેન્સ ફોર્સ પાસે અન્ય દેશોને સહાય કરવાના હેતુસર અને જાપાનની સુરક્ષા માટે ફોર્સનો ઉપયોગ કરવાની શક્તિ આવી.

ડેવિડ બોલિંગ નોંધે છે કે આ ફેરાફારોને કારણે સૈન્ય બાબતો અંગે કામ કરવાના જાપાનના કૌશલ્યમાં વધારો થયો. પરંતુ તેમ છતાં તે મર્યાદિત રહ્યો.

તેઓ કહે છે કે, "અમેરિકા સાથે રહીને મિલિટરી ઑપરેશનમાં સામેલ થવા બાબતે જાપાનની સ્થિતિ એ ઑસ્ટ્રેલિયા કે દક્ષિણ કોરિયાની જેવી નથી, તેથી બંધારણીય સુધારાથી સ્થિતિ વધુ સ્પષ્ટ બનશે અને જેમ શિન્ઝો એબે કહેતા તેમ જાપાન પાસે સુરક્ષા મુદ્દે સામાન્યપણે કામ કરવાની સત્તા આવશે."

line

વધુ અસુરક્ષિત પરિસ્થિતિ

જાપાનના લોકો ઉત્તર કોરિયા દ્વારા યુદ્ધ કૌશલ્ય વિકસાવવાની દિશામાં થઈ રહેલ પ્રગતિ તરફ નજર રાખે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જાપાનના લોકો ઉત્તર કોરિયા દ્વારા યુદ્ધ કૌશલ્ય વિકસાવવાની દિશામાં થઈ રહેલ પ્રગતિ તરફ નજર રાખે છે

આ દિશામાં કરાતા કોઈ પણ ફેરફાર પર તેમના પાડોશી દેશોની નજર રહેશે. જેમાં ચીન, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા સામેલ છે.

શીલા સ્મિથ કહે છે કે, "આ દેશો ઘણા ચિંતિત હશે. આ યુદ્ધ સમયના ઇતિહાસના કારણે છે. કારણ કે આ તમામ દેશો પર જાપાની ઇમ્પિરિયલ ફોર્સ દ્વારા હુમલો કરાયો હતો અને તેઓ આ ઇતિહાસને હજુ ભૂલ્યા નથી. તેથી બંધારણીય સુધારાના કારણે તેમની ચિંતા વધી છે. કારણ કે તેમને શંકા છે કે જાપાન બીજા વિશ્વયુદ્ધ બાદના પ્રતિબંધો દૂર કરવાનું છે."

વિરોધાભાસીપણે જાપાનના બે પાડોશી દેશોનાં વલણના કારણે જાપાન આ નવા ફેરફારને યોગ્ય ઠેરવી શકે છે, આ દેશો પર સંરક્ષણ બાબતે ઓછાં નિયંત્રણો છે.

જોન નિલ્સન-રાઇટ કહે છે કે, "જાપાનના લોકો માટે ચીનના સૈન્યની વધતી શક્તિ એ ચિંતાનું પ્રાથમિક કારણ છે. ચીનની નૅવી દ્વારા જાપાનની સમુદ્રી સરહદો આસપાસ પ્રવૃત્તિ વધારી દીધી છે, આનું કારણ એ છે કે ચીન જાપાનના સેનકાકુ ટાપુ છે, જે ઓકિનાવાની દક્ષિણ-પશ્ચિમે છે, તેના પર ચીન દાવો કરે છે પરંતુ કબજો જાપાનનો છે."

ચીનના વધુ આક્રમક વલણ અને ઉત્તર કોરિયા દ્વારા ઊભા કરાયેલા બૅલિસ્ટિક મિસાઇલ અને ન્યૂક્લિયર હથિયારોના ખતરાને લઈને જાપાનના લોકો ચિંતિત હોવાનું તેઓ જણાવે છે. તેમજ જાપાનના નેતા સુરક્ષા પાર્ટનર તરીકે અમેરિકા પરની નિર્ભરતા અંગે ત્યાંના નેતાઓ ચિંતત છે.

"તેથી મને લાગે છે કે બંધારણીય સુધારો ઘણા લોકોને જાપાનને પોતાની સુરક્ષા બાબતે વધુ સ્થિતિસ્થાપક બનવા માટે સમર્થ બનાવશે. તે પણ એવા સમય જ્યારે લાંબા ગાળે વિશ્વ ચીન અને ઉત્તર કોરિયાના વિકાસના કારણે વધુ અસુરક્ષિત બનતું જઈ રહ્યું છે."

તાજેતરનાં વર્ષોમાં, જાપાને તેની સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં નવી યુનિટો જોડી છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તાજેતરનાં વર્ષોમાં, જાપાને તેની સેલ્ફ ડિફેન્સ ફોર્સમાં નવી યુનિટો જોડી છે

જાપાન શક્તિની બાબતે મજબૂત બની રહ્યું છે. હાલમાં તે સૈન્ય પાછળ સૌથી વધુ ખર્ચ કરતા ટોપ-10 દેશો પૈકી એક છે અને ગત એપ્રિલ માસમાં જ દેશે જાહેર કર્યું હતું કે તે સૈન્ય પાછળનો ખર્ચ બમણો કરીને તેની જીડીપીના બે ટકા કરવા જઈ રહ્યું છે.

નિલ્સન-રાઇટ જણાવે છે કે, "સેલ્ફ ડિફેન્સ ફોર્સ ભૂમિ, આકાશ અને દરિયામાં લડવાનું કૌશલ્ય ધરાવતું દળ છે. તેઓ આને એટલા માટે બંધારણીય સ્વરૂપ આપવા માગે છે કારણ કે આર્ટિકલ નવ જાપાનને મિલિટરી હેતુઓ માટે સૈન્ય રાખવાની પરવાનગી નથી આપતું. તેઓ માત્ર સ્વરક્ષણ માટે સૈન્ય રાખી શકે છે, અન્ય દેશ સામે આક્રમક યુદ્ધ શરૂ કરવા માટે નહીં."

line

મુશ્કેલ સંશોધન

શિન્ઝો એબેની સરખામણીમાં જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા વધુ વ્યવહારુ વ્યક્તિ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શિન્ઝો એબેની સરખામણીમાં જાપાનના વડા પ્રધાન ફુમિઓ કિશિદા વધુ વ્યવહારુ વ્યક્તિ છે

બંધારણીય સંશોધન અને આર્ટિકલ નવમાં સંશોધન કરવા માટે સરકારે કૉંગ્રેસના બંને ગૃહોમાં બે તૃતિયાંશ બહુમતીથી આ અંગે ઠરાવ કરવો પડે તે બાદ પણ જનમતસંગ્રહ કરાવવો પડે.

શીલા સ્મિથે એ બાબત પર ધ્યાન દોર્યો કે આ સુધારો કરવા માટે બધાની સંમતિ મેળવવી સહેલું કાર્ય નહીં રહે. સત્તાધારી સંગઠને ઉપલા ગૃહમાં તે મંજૂર કરાવવા માટે નાના પક્ષોનો ટેકો મેળવવો પડશે. વધુમાં બધાએ તમામ બાબતો અંગે એકબીજા સાથે સંમત થવું પડશે. જેના માટે સમય અને પ્રયત્નોની જરૂર પડશે.

નિષ્ણાતોના મત મુજબ, આર્ટિકલ નવમાં સંશોધન સિવાય, અન્ય પણ કેટલાક પ્રસ્તાવો છે, જેમ કે શિક્ષણ સુધી પહોંચ, ઇલેક્ટોરલ સર્કિટ અને કારોબારીની સત્તા.

ડેવિડ બોલિંગ જણાવે છે કે વિરોધાભાસીપણે ઉપરોક્ત મુદ્દા મતદારો માટે વધુ આકર્ષક હોઈ શકે છે. પરતું બંધારણમાં સંશોધન એ એવો મુદ્દો નથી જેના માટે વધુ આગ્રહ કરવામાં આવે.

"જો તમે ચૂંટણીમાં જાપાનના લોકોના મુખ્ય મુદ્દાઓ જુઓ તો, બંધારણમાં સંશોધનની સરખામણીએ ભાવવધારા પર નિયંત્રણ, સામાજિક સુરક્ષાના મુદ્દા અને શૈક્ષણિક નીતિ અંગે લોકોનું ધ્યાન વધુ હતું."

"જાપાનમાં ચૂંટાયેલા નેતાઓ માટે આ એક મુખ્ય મુદ્દો હોઈ શકે પરંતુ જાપાનની સામાન્ય જનતા માટે તેનું એટલું મહત્ત્વ નથી. તેથી એ જોવું રસપ્રદ હશે કે આવનારા મહિનામાં તે અંગે શું થાય છે."

શિન્ઝો એબેના મૃત્યુ બાદ બંધારણના આર્ટિકલ નવમા સંશોધન માટે હવે એક પડકાર ઓછો છે કારણ કે તેમને ઘણા નેતાઓ દ્વારા એક એવા આગેવાન તરીકે જોવામાં આવતા હતા કે જે ઇતિહાસને ફરીથી જોવા અને ભૂલો સુધારવામાં માનતા હતા, તેમની આ નીતિને જનતાનો સહકાર નહોતો.

નિલ્સન-રાઇટ કહે છે કે, "કિશિદા એ એબે નથી, તેથી મને લાગે છે કે બંધારણમાં બિનવિવાદી સુધારાના વિચારને લોકોનું સમર્થન મળશે. જોકે એ એવો સુધારો હોવો જોઈએ જે સેલ્ફ ડિફેન્સ ફોર્સનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે તે વાતમાં ઝાઝો ફેર ન પાડે. પરંતુ તે માત્ર એ વાતને માન્યતા આપશે કે તે જાપાનના સુરક્ષા કૌશલ્યનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે."

તેઓ ઉમેરે છે કે, "ખાસ કરીને જાપાન બહાર, પરંતુ દેશની અંદર પણ, એબેને એક આક્રમક નેતા તરીકે ઓળખવામાં આવતા હતા. તેથી આ વિચાર માટે કિશિદા યોગ્ય વ્યક્તિ રહેશે કારણ કે લોકોને એ સમજાવી શકાશે કે આ વાત જાપાનના મતદારો માટે વધુ ચિંતા જન્માવે તેવી નથી."

તેથી વિરોધાભાસીપણે, જે વિચારના એબે સમર્થક હતા તેનું અમલીકરણ તેમના મૃત્યુ પછી વધુ શક્ય બનશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ