યુરોપમાં હીટ વેવ અને દાવાનળ, ફ્રાન્સમાં 14,000 લોકોનું સ્થળાંતર

યુરોપમાં હીટવેવ અને દાવાનળની સ્થિતિ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, યુરોપમાં હીટવેવ અને દાવાનળની સ્થિતિ
લાઇન
  • પોર્ટુગલ, સ્પેન અને દક્ષિણપશ્ચિમ ફ્રાન્સમાં હજારો અગ્નિશામકો કાર્યરત, હીટવેવને કારણે જંગલની આગ ફેલાઈ રહી છે
  • સ્પેનની સરહદે ઉત્તર પોર્ટુગલમાં એક વોટરબોમ્બિંગ પ્લેન ક્રેશ થતાં એક પાઇલટનું મૃત્યુ થવાના સમાચાર છે
  • દક્ષિણ સ્પેનમાં 3,200 જેટલા લોકોને જંગલની આગથી બચવા ભાગવું પડ્યું
  • ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં આગે 25,000 એકર જમીનને નુકસાન પહોંચાડ્યું છે. લગભગ 3,000 ફાયર0ફાઇટર આગ પર કાબુ મેળવી રહ્યા છે
  • પોર્ટુગલના આગના કેન્દ્રબિંદુ પોર્ટો વિસ્તારમાં આગથી 75,000 એકર જમીનનો નાશ થયો છે. જોકે હવે આગ કાબૂમાં આવી છે.
લાઇન

ફ્રાન્સે દક્ષિણ-પશ્ચિમમાં જંગલમાં લાગેલી આગને કારણે 14,000થી વધુ લોકોનું સ્થળાંતરણ કર્યુ છે. સ્પેન, ક્રોએશિયા અને ગ્રીસમાં પણ આગનો વ્યાપ વધ્યો છે. પોર્ટુગલ, સ્પેન અને દક્ષિણપશ્ચિમ ફ્રાન્સમાં હજારો અગ્નિશામકો હીટ વેવને કારણે ફેલાઈ રહેલી જંગલની આગને કાબુમાં લેવા મથી રહ્યા છે.

પોર્ટુગલની આગ અત્યારે (રવિવારે સાંજે) કાબુમાં છે.

જો કે, પોર્ટુગીઝ સરકાર કહે છે કે છેલ્લા અઠવાડિયામાં ગરમીથી 659 લોકો મૃત્યુ પામ્યા છે. તેમાં મોટે ભાગે વૃદ્ધો છે.

ગઈ કાલે સ્પેનની સરહદે ઉત્તર પોર્ટુગલમાં એક વોટરબોમ્બિંગ પ્લેન ક્રેશ થતાં એક પાઇલટનું મૃત્યુ થયું હતું.

દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના લેન્ડિરાસમાં લાગેલી આગ હજુ પણ ફેલાઈ રહી છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સના લેન્ડિરાસમાં લાગેલી આગ હજુ પણ ફેલાઈ રહી છે

શનિવારે ફ્રાન્સના ગિરોન્ડે ક્ષેત્રમાં આગને કારણ 12,000થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

રવિવારે દક્ષિણ સ્પેનમાં 3,200 જેટલા લોકોને જંગલની આગથી બચવા ભાગવું પડ્યું છે.

શનિવારે ટોરેમોલિનોસના બીચ પર રજાઓ મનાવવા આવેલી સહેલાણીઓએ પહાડોમાં ધુમાડાના ગોટેગોટા જોયાં હોવાનું કહ્યું હતું.

ટોરેમોલિનોસના બીચ પર રજાઓ મનાવવા આવેલી સહેલાણીઓએ પહાડોમાં ધુમાડાના ગોટેગોટા જોયા

ઇમેજ સ્રોત, ASHLEY BAKER

ઇમેજ કૅપ્શન, યુરોપમાં લોકો હીટવેવ અને દાવાનળથી પરેશાન છે એશલી બેકરે જોયેલું દૃશ્ય

દક્ષિણ સ્પેનના મિજાસમાં રહેતા બ્રિટનનાં એશલી બેકરે બીબીસીને જણાવ્યું હતું કે શુક્રવારે આગે રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું પરંતુ પવનની દિશા બદલાતા અમે બચી ગયાં. અમારા વિસ્તારમાં લગભગ 40 ઘરો છે. બધા ગભરાયેલા હતાં અને બહાર અથવા બાલ્કનીમાં ઊભાં રહીને આગનું રૌદ્ર રૂપ જોઈ રહ્યાં હતાં.

જ્વાળાઓને ઓલવવા માટે વિમાનો અગ્નિ-રોધક પદાર્થ અને નજીકના દરિયાકાંઠેથી પાણીનો મારો ચલાવી રહ્યા છે.

line

જાણે નજર સામે મોત દેખાયું

શરણાર્થી
ઇમેજ કૅપ્શન, શરણાર્થી

દરમિયાન, ફ્રાન્સના દક્ષિણ-પશ્ચિમ એટલાન્ટિક કિનારાના નિવાસીએ જંગલની આગને "મૃત્યુના સાક્ષાત્કાર" તરીકે વર્ણવી હતી.

ટેસ્ટે-ડી-બુચની નજીક રહેતા કેરીન ન્યૂઝ એજન્સી એએફપીને કહે છે, "મેં આવું પહેલાં ક્યારેય જોયું નથી."

ત્યાંની આગે 25,000 એકર જમીનને નુકસાન પહોંચાડ્યું છે. લગભગ 3,000 ફાયરફાઇટર આગ પર કાબુ મેળવવાની કોશિશમાં છે.

લોકો પહેર્યે કપડે ઘર છોડીને નજીકના આશ્રયસ્થાનમાં ભાગી ગયાં છે. આવા જ એક શરણાર્થીએ બીબીસીને કહ્યું કે તેઓ તેમની બિલાડીને બચાવવા પાછાં જવા માગતા હતા પણ ન થઈ શક્યું.

વીડિયો કૅપ્શન, આસામમાં ભયાનક પૂરમાં લાશો તણાઈ, ચોમેર તબાહી

બીબીસીના જેસિકા પાર્કર અહેવાલ આપે છે કે ત્યાંથી પ્રાણીઓને બચાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે ધીમી પ્રક્રિયા છે.

મંગળવારથી, પોર્ટુગલમાં તાપમાન 47 ડિગ્રી સૅલ્સિયસ અને સ્પેનમાં 40 ડિગ્રી સૅલ્સિયસથી ઉપર પહોંચી ગયું છે જે આગને ફેલાવા માટેનું બળ પુરૂ પાડી રહ્યું છે. સ્પેનની એફે (Efe) સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, બંને દેશોમાં ગરમીથી 300થી વધુ લોકોના મોત થયા છે.

line

રાતોની ઊંઘ ગાયબ

સ્પેનમાં અગ્નિશામક દળની કામગીરી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સ્પેનમાં અગ્નિશામક દળની કામગીરી

પોર્ટુગલના આગના કેન્દ્રબિંદુ પોર્ટો શહેરના ઉત્તર-પૂર્વમાં છે. આગને કારણે આ વર્ષે અહીં 75,000 એકર જમીનનો નાશ થયો છે. આ નુકસાન 2017ના ઉનાળા પછીનું સૌથી મોટું છે, તે સમયે પોર્ટુગલમાં વિનાશક આગમાં લગભગ 100 લોકો મૃત્યુ પામ્યાં હતાં.

કાસાસ ડી મિરાવેટેમાંથી રૅસ્ક્યૂ કરાયેલા સ્પેનના ખેડૂત જેમ્મા સુઆરેઝે રોઇટર્સ ન્યૂઝ એજન્સીને કહ્યું, "કેટલીય રાતો અમે આખી રાત સુતા નથી. આટલી મોટી આગ મેં ક્યારેય જોઈ નથી."

આગથી ભૂમધ્ય સમુદ્રના અન્ય ભાગો પણ પ્રભાવિત છે. ઇટાલીની સરકારે સુષુપ્ત પો વેલીમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે.

વીડિયો કૅપ્શન, અમરનાથમાં વાદળ ફાટતાં બેઝ કૅમ્પમાં ફરી વળ્યા પાણી, ગુજરાતી શ્રદ્ધાળુઓએ વર્ણવી વ્યથા

ગ્રીસમાં, અગ્નિશામકો એથેન્સના દક્ષિણ-પૂર્વમાં લગભગ 50 કિલોમીટર અને ક્રેટના ઉત્તર કિનારે આગનો સામનો કરી રહ્યા છે. અહીં સાત ગામોને ખાલી કરાવવામાં આવ્યા છે.

ઉત્તરી મોરોક્કોમાં, લારાચે, ઓઉઝેન, તાઝા અને ટેટુઆન પ્રાંતોમાં આગ ફેલાઈ જતાં કેટલાંક ગામોને ખાલી કરવાં પડ્યાં હતાં. કસાર અલ કેબીર વિસ્તારમાં એક ગામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું અને આગમાં ઓછામાં ઓછી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

line

16 વિભાગો ઓરેન્જ એલર્ટ પર

સ્પેનમાં અગ્નિશામક દળની કામગીરી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સ્પેનમાં અગ્નિશામક દળની કામગીરી

ફ્રાન્સની હવામાન સેવાએ રવિવારે દેશના દક્ષિણમાં 41 ડિગ્રી સૅસ્લિયસ સુધીના તાપમાનની આગાહી કરી છે અને સોમવારે ગરમીના નવા રેકોર્ડની આગાહી કરવામાં આવી છે. પોર્ટુગલમાં તાજેતરમાં તાપમાન 47C સુધી પહોંચી ગયું છે. ગંભીર હવામાનને પગલે 16 વિભાગો ઓરેન્જ એલર્ટ પર છે.

યુકેમાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે, કારણ કે દેશ સોમવાર અને મંગળવારે રેકોર્ડ તાપમાન નોંધાવે તેવી શક્યતા છે, સંભવતઃ કેટલાક ભાગોમાં 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

બ્રિસ્ટોલ યુનિવર્સિટીના આબોહવા વિજ્ઞાની ડૉ. યુનિસ લોએ બીબીસીને જણાવ્યું હતું કે "વધતું તાપમાન એ આબોહવા પરિવર્તનની નિશાની છે" અને યુકેમાં, હીટવૅવને કારણે વર્ષે 2,000 લોકોના મૃત્યુ થાય છે.

સરકારી રેકોર્ડ દર્શાવે છે કે 1884થી યુકેમાં ટોચના 10 સૌથી ગરમ વર્ષ 2002 પછીના છે, તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે, "હીટવેવ્સ વધુ સામાન્ય બની રહ્યા છે અને લાંબા સમય સુધી ટકી રહ્યા છે,"

ડૉ લોએ ઉમેર્યું. "આપણે અશ્મિભૂત ઇંધણ બર્ન કરવાનું બંધ કરવાની જરૂર છે, અને હવે આની ઝડપી અમલવારી કરવી જરૂરી છે."

મોરોક્કોમાં 1,300 થી વધુ લોકોને તેમના ઘર છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ઉત્તરમાં જંગલની આગનો સામનો કરવા માટે વધુ અગ્નિશામકો તૈનાત કર્યા છે. ત્યાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર લારાચે પ્રાંત છે.

દક્ષિણ-પશ્ચિમ તુર્કીના કેટલાક વિસ્તારો અને ક્રોએશિયાનું એડ્રિયાટિક પણ જંગલની આગ સામે ઝઝૂમી રહ્યા છે. ક્રોએશિયાના ઝાદર અને સિબેનિકમાં આગ ફાટી નિકળી છે જોકે તેઓએ કોઈ મોટા સ્થળાંતરની ફરજ પાડી નથી.

ફ્રાન્સના અગ્નિશામક મહાસંઘના વડા ગ્રેગોરી એલિઓનેએ ગ્લોબલ વોર્મિંગની નાગરિક સુરક્ષા પર અસર અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું, "અગ્નિશામકો, નાગરિક સુરક્ષા દૈનિક ધોરણે આ અસરોનો સામનો કરે છે. આ અસરો 2030માં નહીં, અત્યારે જ સામે આવી ઊભી છે."

માનવસર્જિત આબોહવા પરિવર્તનને કારણે હીટવૅવ્સ વધુ વારંવાર, વધુ તીવ્ર અને લાંબા સમય સુધી ચાલે છે. ઔદ્યોગિક યુગની શરૂઆત થઈ ત્યારથી વિશ્વ પહેલેથી જ લગભગ 1.1 ડિગ્રી સૅલ્સિયસ જેટલું વધું ગરમ થઈ ગયું છે. જ્યાં સુધી વિશ્વભરની સરકારો કાર્બન ઉત્સર્જનમાં ભારે ઘટાડો નહીં કરે ત્યાં સુધી તાપમાન વધતું રહેશે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન