શ્રીલંકાને 'ધર્મનું રાજકારણ' મોંઘું પડ્યું - ગ્રાઉન્ડ રિપોર્ટ

રાષ્ટ્રપતિ ભવન

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ ભવન
    • લેેખક, નીતિન શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા, કોલંબોથી
લાઇન
  • શ્રીલંકાના કાર્યકારી પ્રમુખ રાનિલ વિક્રમાસિંઘે રાજ્યમાં કટોકટી જાહેર કરી છે.
  • લોકોએ બળવો કર્યો તે બાદ રાજપક્ષે પરિવારે દેશ છોડી દીધો છે અને હવે રાનિલ વિક્રમસિંઘે પર દેશને અરાજકતામાંથી બહાર લાવવાની જવાબદારી છે.
  • શ્રીલંકાની સવા બે કરોડની વસતિમાં ત્રણ ચતુર્થાંશ લોકો બૌદ્ધ ધર્મ માનતા સિંહલા સમુદાયના છે
  • લગભગ બધી જૂની સરકારોએ બહુસંખ્યક વર્ગના હિતો પર વધારે ધ્યાન આપ્યું, જેનાથી તામિલ અને પછી મુસ્લિમ સમાજમાં નારાજગી વધતી રહી
  • જૂની સરકારોએ એડમિશન મુદ્દે પણ મુસ્લિમોની ટકાવારી ઓછી રાખી હતી, હવે સ્થિતિ સુધરી શકે છે
  • હાલમાં શ્રીલંકામાં શું સ્થિતિ છે અને લોકો શું કહી રહ્યાં છે?
લાઇન

બે મોટા વૈભવી દરવાજાની રખેવાળી કરવા માટે હવે સુરક્ષાકર્મીઓ ઊભેલા જોવા મળે છે. આ દરવાજા પર 'ગ્રાફિટી' બનાવી દેવામાં આવી છે, જેમાં લખવામાં આવ્યું છે, "ગયે ન ગોટા" અને "વગર રાજપક્ષે શ્રીલંકા".

થોડા દિવસ પહેલાં સુધી આ ગેટની અંદરનું ભવ્ય રાષ્ટ્રપતિભવન એક મ્યુઝિયમ જેવું દેખાઈ રહ્યું હતું.

દોઢ કિલોમિટર સુધી લાંબી કતારો બનાવીને, શાંતિપૂર્ણ રીતે શ્રીલંકાના નાગરિક- કોલંબો અને બહારના શહેરોથી લોકો એ જોવા આવતા હતા કે પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે કેવી જાહોજલાલીમાં રહે છે.

આવનારા લોકોમાં સિંહલા, તામિલ હિંદુ, તામિલ મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મના લોકો હતા. એ દિવસે મુલાકાત ગુનાસેખરા સાથે થઈ હતી, જેમના હાથમાં એક નાનું બાળક પણ હતું.

તેમણે કહ્યું, "અહીં આજે અમે બધા શ્રીલંકાના નાગરિક છીએ. ધર્મ, જાતિ, ઇતિહાસ બધું જ નવેસરથી લખવામાં આવશે."

હકીકત એ જ છે કે એક તરફ શ્રીલંકામાં રાજકીય અને આર્થિક સંકટ ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું, ત્યારે બીજી તરફ સામાજિક અને ધાર્મિક સંબંધોમાં એક અનોખી બાબત જોવા મળી રહી છે. તે છે સત્તાની બહાર થઈ ચૂકેલા રાજપક્ષે પરિવાર વિરુદ્ધ એકતા.

સેન્ટ્રલ કોલંબોમાં હોટેલ સિનામન ગ્રાન્ડની પાછળ સુંદર તળાવના કિનારે એક વિશાળ બુદ્ધ મંદિર છે.

line

સવા બે કરોડની વસતિ

રાજપક્ષે પરિવારનું મદિર અત્યારે સુમસામ છે.

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, રાજપક્ષે પરિવારનું મદિર અત્યારે સુમસામ છે.

થોડા મહિના પહેલા સુધી રાજપક્ષે પરિવારના બધા સભ્યો આ બુદ્ધ મંદિરમાં દર અઠવાડિયે આવતા હતા, પરંતુ હવે નથી આવતા.

ગોટાબાયા દેશ છોડી ચૂક્યા છે અને મહિંદા રાજપક્ષે એક અજ્ઞાત સ્થળે છે.

શ્રીલંકામાં મોંઘવારી અને ખોરાક તેમજ ઈંધણની કટોકટી સર્જાવાના કારણે ઘણા મહિનાથી ચાલી રહેલા વિરોધપ્રદર્શન બાદ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વડા પ્રધાન કાર્યાલયથી માંડીને રાષ્ટ્રપતિભવન અને તેની ઑફિસ પર પ્રદર્શનકારીઓએ કબજો કરી લીધો છે.

આ ઇમારતોને હવે ખાલી કરી દેવામાં આવી છે.

શ્રીલંકાની સવા બે કરોડની વસતિમાં આજે ત્રણ ચતુર્થાંશ લોકો બૌદ્ધ ધર્મ માનતા સિંહલા સમુદાયના લોકો છે.

line

'દેશમાં હતા મતભેદ'

બહુમતી વર્ગના લોકોની રાજનીતિના વર્ચસ્વને કારણે શ્રીલંકાના લઘુમતી વર્ગોમાં નારાજગી વધી છે, પછી તે તમિલ હોય કે મુસ્લિમ.

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, બહુમતી વર્ગના લોકોની રાજનીતિના વર્ચસ્વને કારણે શ્રીલંકાના લઘુમતી વર્ગોમાં નારાજગી વધી છે, પછી તે તામિલ હોય કે મુસ્લિમ.

લગભગ બધી જૂની સરકારોએ બહુસંખ્યક વર્ગના હિતો પર વધારે ધ્યાન આપ્યું, જેનાથી તામિલ અને પછી મુસ્લિમ સમાજમાં નારાજગી વધતી રહી.

તામિલ અધિકારો માટે દાયકાઓ સુધી ગૃહયુદ્ધ પણ ચાલ્યું અને વર્ષ 2009માં તેની જીતનો તાજ તત્કાલીન વડા પ્રધાન મહિંદા રાજપક્ષે અને તેમના રક્ષા સચિવ ગોટબાયા રાજપક્ષેએ પોતાના માથે પહેર્યો હતો.

ત્યારબાદ થયેલી ચૂંટણીમાં રાજપક્ષે પરિવાર સિંહલા રાષ્ટ્રવાદની ભાવના પર સવાર થઈને સત્તા પર પરત ફર્યા અને જીત બાદ ગોટાબાયાએ કહ્યું હતું, "મને ખબર હતી કે આ ચૂંટણીમાં સિંહલા વોટોની મદદથી જીતી જ જઈશ."

કોલંબોના જાણીતા શ્રીબોધિ મંદિરના મુખ્ય પુજારી યટાગામા રાહુલ જણાવે છે, "એ વાત સાચી છે કે દેશમાં પરસ્પર મતભેદની સ્થિતિ રહી છે. 30 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં પણ તેનું યોગદાન હતું. હવે રાજકારણ માટે કાં તો માણસનો પ્રયોગ થાય છે અથવા તો ધર્મનો. કેમ કે શ્રીલંકામાં બૌદ્ધ બહુસંખ્યક છે તો આ શબ્દનો સહારો લેવામાં આવ્યો."

શ્રીબોધિ મંદિરના મુખ્ય પૂજારી યટાગામા રાહુલ

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, શ્રીબોધિ મંદિરના મુખ્ય પૂજારી યટાગામા રાહુલ

તેમણે આગળ જણાવ્યું, "પરંતુ અમે માનવતાને ધર્મ કરતાં વધારે મહત્ત્વ આપીએ છીએ. કોઈ પણ શહેરમાં જાઓ, જો એક ઘર બૌદ્ધ પરિવારનું હોય તો તેની બાજુમાં મુસ્લિમ પરિવાર રહે છે અને સામે તામિળ પરિવાર. એક દેશ તરીકે જો અમારે આગળ વિકાસ કરવો હોય તો બધાએ હળીમળીને રહેવું પડશે."

આમ તો શ્રીલંકામાં સાંપ્રદાયિક તણાવ છેલ્લા ઘણા દાયકાઓથી વધતો જઈ રહ્યો હતો, પરંતુ વર્ષ 2019માં નાતાલના દિવસે કોલંબોમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટમાં 250 કરતાં વધારે લોકોનાં મોત થયા હતા.

line

દિવસો બદલાવાની આશા

21 એપ્રિલ, 2019ના રોજ ઇસ્ટરના દિવસે કોલંબોમાં આ ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો.

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, 21 એપ્રિલ, 2019ના રોજ ઇસ્ટરના દિવસે કોલંબોમાં આ ચર્ચ પર બોમ્બ વિસ્ફોટ થયો હતો.

તેની પાછળ ઇસ્લામિક સ્ટેટના કોઈ સ્થાનિક એકમનો હાથ હોવાનું જણાવવામાં આવ્યું હતું. અહીં રહેતા ઘણા તામિલ મુસ્લિમોનું માનવું છે કે ત્યારબાદ પરિસ્થિતિ વધારે બગડવા લાગી.

છેલ્લા ઘણા વર્ષોથી કોલંબોની અકબર જુમા મસ્જિદના ઇમામ રિફખાનના કહેવા પ્રમાણે, "મુસ્લિમ તરીકે અમને મુશ્કેલીઓ પડતી હતી, જે ઈસ્ટર બૉમ્બ બ્લાસ્ટ બાદ વધી ગઈ. મુસ્લિમ સમાજની તેની સાથે કંઈ જ લેવાદેવા ન હતી. ચૂંટણી જીતવા માટે અમને નિશાન બનાવાયા."

તેમણે આગળ જણાવ્યું, "ત્યારબાદ જ્યારે કોવિડ મહામારી આવી ત્યારે રાજપક્ષે ભાઈઓએ મૃતકોને દફનાવવા ન દીધા અને તેમને સળગાવી દેવાયાં. આશા છે કે તેમના સત્તા પરથી હઠ્યાં બાદ ભવિષ્ય સારું રહેશે."

કોલંબોની અકબર જુમા મસ્જિદના ઈમામ રિફ ખાન

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, કોલંબોની અકબર જુમા મસ્જિદના ઈમામ રિફ ખાન

સરકાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધપ્રદર્શનોનું ગઢ રહી ચૂકેલા ગૉલ ફેસ પર અશફાક સાથે મુલાકાત થઈ જેઓ કૉલેજમાં ભણે છે.

તેમને લાગે છે, "જૂની સરકારોએ એડમિશન મુદ્દે પણ મુસ્લિમોની ટકાવારી ઓછી રાખી હતી, હવે સ્થિતિ સુધરી શકે છે."

સિંહલા રાષ્ટ્રવાદની તરફેણ કરતા રાજપક્ષે પરિવારને પણ આશા ન હતી કે વિરોધીઓમાં સારી એવી સંખ્યા સિંહલા લોકોની પણ હશે.

તેમાં ઘણા લોકો એવા હતા જેઓ બહુસંખ્યક તરીકે આંખો બંધ કરીને અલ્પસંખ્યકોને બહારના લોકો જ સમજતા હતા.

line

'હળીમળીને રહેવું પડશે'

તામિળ મંદિર

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, તામિલ મંદિર

કુમાર પરેરા એક મોબાઇલ શૉપ ચલાવે છે અને એ વાતથી તેમને આઘાત લાગ્યો છે કે 'દેશની કેવી સ્થિતિ થઈ ગઈ છે.'

તેમણે કહ્યું, "શ્રીલંકામાં તામિલ અધિકારો માટે ગૃહ યુદ્ધ થયું એ સમજાય છે. દેશમાં ત્યારબાદ શાંતિ સ્થાપિત થઈ તે પણ સમજાય છે. પરંતુ પછી એકાએક એવો રાષ્ટ્રવાદ ફેલાવવામાં આવ્યો જે શરૂઆતમાં ઘણા લોકોને ઠીક લાગ્યો હતો, આજે ખાવાપીવાની ચીજોની કટોકટી છે પરંતુ લોકો તેના વિશે વિચારી પણ નથી રહ્યાં."

રાજપક્ષે પરિવાર વિરુદ્ધ થયેલા શાંતિપૂર્ણ આંદોલનમાં સેનાનું વલણ પણ એક મોટો ઇશારો હતો. સેનામાં મોટાભાગના સૈનિક અને કમાન્ડર સિંહલા સમુદાય સાથે સંબંધ ધરાવે છે અને હજુ સુધી પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી ખૂબ જ સામાન્ય અને હળવી રહી છે.

રાજનીતિક વિશ્લેષક બવની ફોનસેકા

ઇમેજ સ્રોત, NITIN SRIVASTAVA/BBC

ઇમેજ કૅપ્શન, રાજકીય વિશ્લેષક બવની ફોનસેકા

સેન્ટર ફૉર પૉલિસી ઑલ્ટરનેટિવ્સ, કોલંબોનાં રાજકીય વિશ્લેષક બવની ફોનસેકા કહે છે, "આ કમાલની વાત છે કે દેશમાં ગૃહયુદ્ધ સમાપ્ત થયાના 13 વર્ષ બાદ આ થઈ રહ્યું છે."

તેમણે કહ્યું, "ભલે ધીમે ધીમે પરંતુ સંપ્રદાયોમાં ફરીથી એ અહેસાસ વધી રહ્યો છે કે હળી મળીને રહેવાની જરૂર છે. આ વિરોધપ્રદર્શનોના કારણે પરસ્પર મત, વાતચીત અને સંવાદના પણ નવા રસ્તા ખુલ્યા છે, જેનાથી લોકો એકબીજા સુધી પોતાની વાત પહોંચાડે, મુદ્દાઓનું સમાધાન લાવે."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન