શ્રીલંકાની જેમ પાકિસ્તાન અને મ્યાંમારનું પણ દેવાળું ફૂંકાઈ જશે?
એક સમયે એશિયાના સમૃદ્ધ અને ખુશાલ દેશોમાં સામેલ શ્રીલંકા પોતાની આઝાદી બાદ પહેલીવાર આટલા મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
શ્રીલંકાને અનેક વખત વિદેશી દેવું ચૂકવવાની ડેડલાઇન આપવામાં આવી પરંતુ વિદેશી હૂંડિયામણ ખાલી થઈ જવાના કારણે શ્રીલંકા દેવું ચૂકતે ન કરી શક્યું અને આખરે આ દેશે પોતાની જાતને ડિફૉલ્ટ જાહેર કરી દીધો.

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાની જનતા સડકો પર ઉગ્ર પ્રદર્શન કરી રહી છે. રાષ્ટ્રપતિ દેશ મૂકીને ભાગી ચૂક્યા છે. પેટ્રોલ પંપ પર ઈંધણ માટે લાંબી લાઇનો લાગેલી છે. દવા, ભોજન સહિતની સામગ્રીની કિંમતોમાં ભારે વધારો થયો છે.
જ્યારે અમુક દેશ વિદેશી દેવું ન ચૂકવે શકે, અને તેની પાસે એટલા પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ ન રહે કે તે દેવું ચૂકવી શકે તો તે ડિફૉલ્ટ થઈ જાય છે. આવું જ શ્રીલંકાના મામલામાં પણ થયું હતું.
લૅટિન અમેરિકન દેશ આર્જેન્ટિના વર્ષ 2000થી વર્ષ 2020 વચ્ચે બે વખત ડિફૉલ્ટર બની ચૂક્યો છે.
વર્ષ 2012માં ગ્રીસ ડિફૉલ્ટર બન્યું, 1998માં રશિયા, 2003માં ઉરુગ્વે, 2005માં ડૉમિનિકન રિપબ્લિક અને 2001માં ઇક્વાડોર.
સંકટગ્રસ્ત શ્રીલંકાને આજે સમગ્ર વિશ્વ જોઈ રહ્યું છે. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, આ સિવાય લેબનોન, રશિયા, સૂરિનામ અને ઝામ્બિયા સમયસર દેવું નથી ચૂકવી શક્યાં અને ડિફૉલ્ટ યાદીમાં આવી ચૂક્યાં છે. તેમજ બેલારુસ પણ આવા જ સંકટની ખૂબ નજીક છે અને ઓછામાં ઓછા એક ડઝન દેશ પર ખતરો છે. આ યાદીમાં સૌપ્રથમ વાત કરીએ ભારતના પાડોશી દેશ મ્યાંમારની.

શ્રીલંકા બાદ આ દેશો ફસાયા આર્થિક સંકડામણમાં, સંક્ષિપ્તમાં વાંચો
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

- શ્રીલંકામાં હાલ આર્થિક અને રાજકીય અસ્થિરતાના કારણે અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે
- શ્રીલંકાને વિદેશી દેવું ચૂકવવાની ડેડલાઇન વારંવાર અપાયા છતા ચૂક કરતા તેને ડિફૉલ્ટ જાહેર કરાયું
- હવે શ્રીલંકા સિવાય ભારતના અન્ય પાડોશી દેશો જેમ કે પાકિસ્તાન અને મ્યાંમાર પર પણ નાણાકીય અસ્થિરતાનો ભય તોળાઈ રહ્યો છે
- જાતભાતના ઉપાયો છતાં દુનિયાભરના લગભગ 13 દેશોની શ્રીલંકા જેવી સ્થિતિ થાય તેવાં અનુમાન છે
- આ દેશોમાં એક નાઇજીરિયા પણ છે જે ઑઇલ ઉત્પાદક હોવા છતાં દેવામાં ગળાડૂબ છે

મુશ્કેલીમાં મ્યાંમાર

ઇમેજ સ્રોત, Getty Images
મ્યાંમારના સ્થાનિક મીડિયા અનુસાર, વિદેશી હૂંડિયામણ ભંડારને નિયંત્રણમાં લાવવા માટે મ્યાંમારની કેન્દ્રીય બૅંકે સ્થાનિક કંપનીઓ અને બૅંકો માટે નવો આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં વિદેશી દેવાની ચુકવણી સ્થગિત કરવા અને મોડી ચુકવણી કરવાનું સૂચન કરાયું છે.
સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, ન્યૂઝ એજન્સી મ્યાંમાર નાઉ અનુસાર, કેન્દ્રીય બૅંકે 13 જુલાઈના રોજ આદેશ જાહેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહ્યો છે. આ દસ્તાવેજની રૉયટર્સ સ્વતંત્રપણે ખરાઈ નથી કરી શક્યું.
કેન્દ્રીય બૅંકના નિવેદનમાં કહેવાયું છે કે, "વિદેશી હૂંડિયામણ કાયદો અને વિદેશી ચલણ પ્રબંધન નિયમો અનુસાર, મૂળ રકમ અને વ્યાજની રકમ સહિત વિદેશી દેવાની ચુકવણી સસ્પેન્ડ કરી દેવી જોઈએ. આ સાથે જ લાઇસન્સપ્રાપ્ત બૅંકોને પોતાના ગ્રાહકો સાથે ચુકવણીને લઈને ફરીથી વ્યવસ્થા કરવી જોઈએ."
આ સંબંધમાં જ્યારે કેન્દ્રીય બૅંકોના અધિકારીઓને ફોન કરવામાં આવ્યો તો તેમણે કૉલના કોઈ જવાબ ન આપ્યા.ૉ

ઇમેજ સ્રોત, Getty Images
ડૉલરની સરખામણીએ મ્યાંમારના ચલણ ક્યાતની પડતીએ દેશમાં પહેલાંથી ઘેરાયેલા સંકટને વધારી દીધો છે. ઑઇલ અને ભોજનસામગ્રીની કિંમતોમાં ભારે વધારો થયો છે. પાછલા વર્ષે સેનાએ મ્યાંમારમાં તખતાપલટો કરીને સત્તા પર કબજો કરી લીધો હતો, આના કારણે એક દાયકાના રાજકીય અને આર્થિક સુધારા પર બ્રેક લગાવવાનું કામ કર્યું છે.

વિદેશી હૂંડિયામણને લઈને નવા નિયમ
કેન્દ્રીય બૅંકે એક દિવસમાં સ્થાનિક બૅંકોમાં વિદેશી ચલણ જમા કરાવવા અને તેને બદલવાને લઈને ઘણા આદેશ જાહેર કર્યા છે. આ સાથે જ મંત્રાલયો અને સ્થાનિક સરકારને ઘરેલુ લેવડદેવડ માટે વિદેશી હૂંડિયામણનો ઉપયોગ ન કરવાનો આદેશ આપ્યો છે.
મ્યાંમારનું ચલણ ક્યાત માટે આધિકારિક ઍક્સચેન્જ રેટ, 1850 ક્યાત પ્રતિ ડૉલર પર નિર્ધારિત કરાયો છે, પરંતુ આ અનૌપચારિક બ્લૅક માર્કેટ કરતાં ઘણો ઓછો છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
શ્રીલંકાના કેન્દ્રીય બૅંકના ભૂતપૂર્વ ડેપ્યુટી ગવર્નર ડબ્લ્યૂ એ વિજેવર્દેનાએ ટ્વીટ કરીને મ્યાંમારમાં ઘેરાતા આર્થિક સંકટ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે વિદેશી દેવાની ચુકવણી સસ્પેન્ડ કરવું એ ચિંતાજનક છે. હવે એવું લાગી રહ્યું છે કે મ્યાંમાર પણ શ્રીલંકાના રસ્તે જઈ રહ્યું છે.
મ્યાંમાર બાદ ભારતના વધુ એક પાડોશી દેશ પર પણ ડિફૉલ્ટર બનવાનો ખતરો તોળાઈ રહ્યો છે. તે છે પાકિસ્તાન.

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
આ અઠવાડિયે આઈએમએફ એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સાથે પાકિસ્તાને એક મહત્ત્વપૂર્ણ સોદો કર્યો છે. આઈએમએફ ફરીથી પાકિસ્તાનને દેવું આપવા માટે તૈયાર થઈ ગયું છે. પરંતુ વૈશ્વિક બજારમાં વધતી ઑઇલ કિંમતોને કારણે પાકિસ્તાનના વિદેશી હૂંડિયામણના ભંડાર પર ભારે દબાણ છે અને જે તેને સંકટની અણી તરફ ધકેલી રહ્યું છે.
પાકિસ્તાનના વિદેશી ચલણના ભંડારમાં 9.8 અબજ ડૉલર સુધીનો ઘટાડો થયો છે, જે પાંચ અઠવાડિયાંની આયાત માટે પણ પૂરતો નથી. પાકિસ્તાની રૂપિયો કમજોર પડીને રેકર્ડ નીચલા સ્તરે પહોંચી ગયો છે. એક ડૉલરની સરખામણીએ પાકિસ્તાની રૂપિયો લગભગ 210 સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફની નવી સરકારે હવે ઝડપથી ખર્ચમાં કાપ કરવાની જરૂરિયાત છે કારણ કે તેઓ પોતાની આવકની 40 ટકા રકમ તો માત્ર વ્યાજ ભરવામાં લગાવી રહી છે.

આર્જેન્ટિના

ઇમેજ સ્રોત, Getty Images
અહીંનું ચલણ પેસો હવે કાળા બજારમાં લગભગ 50 ટકાની છૂટ પર ટ્રેડ કરે છે. દેશનો વિદેશી ભંડાર ગંભીરપણે ઓછો છે.
સરકાર પાસે વર્ષ 2024 સુધી કામ કરવા માટે પૂરતું દેવું નથી. આર્જેન્ટિનાનાં ઉપરાષ્ટ્રપતિ ક્રિસ્ટિના ફર્નાંડીઝ ડી કિર્ચનર દેવા માટે ફરીથી આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ પાસે જઈ શકે છે.
આર્જેન્ટિનાએ વર્ષ 2001માં પોતાના દેવાદારોનાં દેવાં ચૂકવવાની ના પાડી હતી. ત્યારે આર્જેન્ટિના પર ભારે દેવું હતું. ભારે બેરોજગારીના કારણે લોકો સડકો પર હિંસક- વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. આર્જેન્ટિનામાં જે કંઈ પણ થયું, તે વિશ્વમાં દેવું આપનારા માટે દુ:સ્વપ્ન જેવું હતું.

યુક્રેન
ઘણા મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. મૉર્ગન સ્ટેનલી અને અમુંડી જેવા મોટા રોકાણકારોએ ચેતવણી ઉચ્ચારી છે કે આવી સ્થિતિમાં યુક્રેને પોતાના 20 અબજ ડૉલર કરતાં વધુ દેવાનું પુનર્ગઠન કરવાનું રહેશે.
સપ્ટેમ્બર મહિનો યુક્રેન માટે સંકટભર્યો છે. તેણે 1.2 કરોડના બોન્ડ ચૂકવવાના છે. સહાય રકમ અને તેના રિઝર્વનો અર્થ છે કે યુક્રેન સંભવિતપણે ચુકવણી કરી શકે છે.
યુક્રેનની મોટી નેશનલ ઑઇલ ઍન્ડ ગૅસ કંપની 'નાફ્તોગાઝી', જેનું સરકાર સંચાલન કરે છ, તેણે આ અઠવાડિયે બે વર્ષ સુધી દેવાને ફ્રીઝ કરવાની માગ કરી છે. રોકાણકારોને શંકા છે કે સરકાર પણ તેનું જ પાલન કરશે.

ટ્યૂનીશિયા
આફ્રિકા ઘણા દેશોનો સમૂહ છે, જે આઈએમએફ પાસે દેવા માટે જાય છે પરંતુ ટ્યૂનીશિયા સૌથી વધુ જોખમમાં છે. ટ્યૂનીશિયામાં બજેટ નુકસાન લગભગ દસ ટકા ચે.
જે દુનિયામાં સૌથી વધુ પબ્લિક સેક્ટરના વેતન બિલો પૈકી એક છે. એવી સ્થિતિમાં એ ચિંતાઓ છે કે રાષ્ટ્રપતિ સૈયદની સત્તા અને દેશના શક્તિશાળી મજૂર સંઘ પર પોતાની પકડ મજબૂર કરવાને કારણે આઈએમએફ પાસેથી દેવું લેવું કે ઓછામાં ઓછું તેની સાથે જોડાઈ રહેવું મુશ્કેલ હોઈ શકે છે.
ટ્યૂનીશિયા, મૉર્ગન સ્ટેનલીની સંભવિત ડિફૉલ્ટરની લિસ્ટમાં પ્રથમ ત્રણમાં સામેલ છે.

ઘાના

ઇમેજ સ્રોત, Getty Images
ઝડપથી ઉધાર લેવાના કારણે ઘાના પર જીડીપીની સરખામણીએ દેવું 85 ટકા વધી ગયું છે. ઘાનાના ચલણ ઘાનિયન સેડીએ આ વર્ષે પોતાના મૂલ્યનો લગભગ એક ચતુર્થાંશ ભાગ ગુમાવી દીધો છે.
આ દેશ પહેલાંથી જ અડધા કરતા વધુ આવકનો ભાગ દેવાના વ્યાજની ચુકવણીમાં ખર્ચ કરી રહ્યો છે. આ મોંઘવારી પણ 30 ટકાની નજીક પહોંચી ગઈ છે.

ઇજિપ્ત
જીડીપીની સરખામણીએ દેવું 95 ટકા છે. ફંડ ફર્મ એફઆઈએમ પાર્ટનર્સનું અનુમાન છે કે ઇજિપ્ત પાસે આગલાં પાંચ વર્ષોમાં ચુકવણી માટે 100 અબજ ડૉલર દેવું છે, જેમાં 2024માં 1.3 અબજ ડૉલરના બૉન્ડ પણ સામેલ છે.
ઇજિપ્તે પોતાના ચલણ પાઉન્ડમાં 15 ટકાનું અવમૂલ્યન કર્યું છે અને માર્ચમાં આઈએમએફ પાસે મદદ માગી છે પરંતુ બૉન્ડ સ્પ્રેડ હવે 1200 આધાર અંક કરતાં વધુ છે.

કીનિયા
કીનિયા પોતાની આવકનો લગભગ 30 ટકા ભાગ વ્યાજની ચુકવણી પર ખર્ચ કરે . આ બૉન્ડે લગભગ અડધી રકમ ગુમાવી દીધી છે અને વર્તમાનમાં કૅપિટલ માર્કેટ સુધી કોઈ પહોંચ નથી. કીનિયા, ઇજિપ્ત, ટ્યૂનિશિયા અને ઘાનાને લઈને મૂડીઝના ડેવિડ રોગોવિકે રૉયટર્સને કહ્યું કે આ દેશ સૌથી મુશ્કેલ સ્થિતિમાં છે કારણ કે રિઝર્વની સરખામણીએ દેવું વધુ છે અને દેવાનું સંતુલન કરવા મામલે દેશને ચલાવવો એ વધુ પડકારજનક છે.

ઇથિયોપિયા

ઇમેજ સ્રોત, Getty Images
જી20 કૉમન ફેમવર્ક પ્રોગ્રામ અંતર્ગત ઇથિયોપિયાને દેવામાંથી રાહત મળી શકે છે. આ યોજના અંતર્ગત રાહત મેળવનાર ઇથિયોપિયા પ્રથમ દેશ હશે. દેશમાં ચાલી રહેલ ગૃહયુદ્ધે વિકાસ રોકી દીધો છે. જોકે, આ દરમિયાન તેણે પોતાના એકમાત્ર એક અબજ ડૉલરના આંતરરાષ્ટ્રીય બૉન્ડની સેવા ચાલુ રાખેલ છે.

અલ સાલ્વાડોર
આ દેશે બિટકૉઇનને કાયદાકીય સ્વરૂપે કરન્સી તરીકે માન્યતા આપી છે. ક્રિપ્ટોકરન્સીમાં પાછલા અમુક મહિનામાં ખૂબ પડતી જોવા મળી છે જેના કારણે અલ સલ્વાડોરને નુકસાન થયું છે.
પાછલા નવ માસમાં અહીંની સરકારે લાખો ડૉલર બિટકૉઇનમાં રોક્યા છે. આ દેશ માટે આઈએમએફના દરવાજા બંધ થઈ ચૂક્યા છે. છ મહિનામાં મૅચ્યોર થનાર 80 કરોડ ડૉલરના બૉન્ડ 30 ટકા છૂટ પર ટ્રેડ કરી રહ્યા છે.

બેલારુસ

ઇમેજ સ્રોત, Getty Images
પશ્ચિમના પ્રતિબંધોને કારણે પાછલા મહિને રશિયાને આર્થિક મોરચે ફટકો પડ્યો છે. 27 મેના રોજ દસ કરોડ ડૉલરની ચુકવણી કરવાની હતી પરંતુ રશિયા તેવું ન કરી શક્યું.
આ બાદ 30 દિવસનો સમય અપાયો હતો પરંતુ તે પણ ચૂકી ગયું. આ બાદ રશિયાને ડિફૉલ્ટ ઘોષિત કરી દેવાયું. યુક્રેન સાથેના યુદ્ધમાં બેલારુસ, રશિયા સાથે ઊભું છે. આર્થિક મોરચા પર તંગીનો સામનો બેલારુસને પણ કરવો પડી રહ્યો છે.
રશિયાએ ડિફૉલ્ટની વાતને ખારિજ કરી દીધી હતી. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રવક્તા દમિત્રી એસ પોસ્કોવે પત્રકારોને જણાવ્યું હતું કે ડિફૉલ્ટ થવાનું નિવેદન બિલકુલ ગેરકાયદેસર છે. પોસ્કોવે કહ્યું હતું કે, "સત્ય એ છે કે યૂરોક્લિયરે પૈસા રોકી લીધા છે અને જેમને મળવાના હતા, તેમના સુધી પહોંચી નથી શક્યા. બીજા શબ્દોમાં કહું તો અમને ડિફૉલ્ટ કહેવાનો કોઈ અર્થ નથી."

ઇક્વાડોર
આ દેશ બે વર્ષ પહેલાં દેવું ન ચૂકવી શકવાના કારણે ડિફૉલ્ટ થઈ ગયો હતો. દેશમાં લાખોની સંખ્યામાં લોકો રાષ્ટ્રપતિ ગુયલેરમો લાસોનો વિરોધ કરી રહ્યા છે. જેમણે આ દેશને વધુ આર્થિક સંકટમાં નાખી દીધો છે.
ઇક્વાડોરની સરકાર પર ભારે દેવું છે. જેપી મૉર્ગને પબ્લિક સેક્ટરની રાજકોષીય ખાધના અનુમાનને આ વર્ષ જીડીપીના 2.4 ટકા અને આવનારા વર્ષે 2.1 ટકા વધારી દીધો છે.

નાઇજીરિયા
આ દેવા પર ચઢેલ વ્યાજની ચુકવણી માટે આવકનો લગભગ 30 ટકા ભાગ ખર્ચ કરે છે. સંયુક્ત રાષ્ટ્રનના માનવીય સહાયકર્મીઓએ પૂર્વોત્તર વિસ્તારમાં રહી રહેલા લાખો લોકો માટે વણસતી જતી સ્થિતિ વિશે ચેતવણી પણ ઉચ્ચારી છે.
આ વિસ્તાર સતત સશસ્ત્ર સંઘર્ષથી પ્રભાવિત છે. નાઇજીરિયા એક ઑઇલ ઉત્પાદક દેશ છે પરંતુ ત્યાં ઑઇલ પ્રોસેસ કરનાર ફેકટરીઓની કમી છે, જેના કારણે નાઇજીરિયાને પણ ઑઇલની આયાત પર આધાર રાખવો પડે છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












