'તિસ્તા સેતલવાડને પૈસા આપ્યા'ના સંબિત પાત્રાના આરોપ પર કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી

- તિસ્તા સેતલવાડ મામલે SITએ સેશન્સ કોર્ટ સમક્ષ કરેલ સોગંદનામામાં કૉંગ્રેસ નેતા અહમદ પટેલનું નામ આવતાં રાજકીય વંટોળ સર્જાયો
- તિસ્તા સેતલવાડને 30 લાખ રૂપિયા આપવાનો અહમદ પટેલ પર આક્ષેપ
- ભાજપ નેતા સંબિત પાત્રાએ સમગ્ર કાવતરાનાં સૂત્રધાર સોનિયા ગાંધીને ગણાવ્યાં
- SITએ પોતાના સોગંદનામાં દાવો કર્યો છે કે રાજકીય પક્ષના ઇશારે તિસ્તા અને અન્ય આરોપીઓએ ગુજરાતની સરકારને અસ્થિર કરવા મોટું કાવતરું રચ્યું હતું

અમુક દિવસ પહેલાં ગુજરાત રમખાણ મામલે ઝકિયા જાફરી દ્વારા 'મોટા કાવતરા'ના આરોપસર કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે કાઢી નખાઈ હતી. આ સાથે કોર્ટે કરેલ અમુક અવલોકનોને ધ્યાને રાખી ગુજરાત પોલીસ દ્વારા સમાજસેવિકા તિસ્તા સેતલવાડ અને પૂર્વ પોલીસ અધિકારી આર. બી. શ્રીકુમાર અને સંજીવ ભટ્ટની ધરપકડ કરાઈ હતી.
તેમના પર આરોપ હતો કે આ ત્રણેયે સાથે મળીને ગુજરાતની સરકારને બદનામ કરવા માટે કાવતરું રચ્યું હતું અને સોગંદનામાંમાં ખોટા દાવા કર્યા હતા.
મેટ્રોપૉલિટન કોર્ટ દ્વારા તિસ્તા સેતલવાડ અને આર. બી. શ્રીકુમારે કરેલ જામીનઅરજીનો સ્વીકાર ન કરાતાં તિસ્તાએ સેશન્સ કોર્ટમાં જામીનઅરજી કરી હતી. જેની સુનાવણી દરમિયાન સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પોતાના સોગંદનામામાં ગંભીર આક્ષેપ કર્યા છે.
આ સોગંદનામામાં કહેવાયું હતું કે તિસ્તા સેતલવાડે ગુજરાતની છબિ અને તે સમયના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની છબિ ખરાબ કરવા માટે અન્ય રાજકીય પક્ષ તરફથી પૈસા મળ્યા હતા.
SITએ પોતાના સોગંદનામામાં કેટલાક સાક્ષીઓનાં નિવેદન ટાંક્યાં હતાં અને કહ્યું હતું કે આ સમગ્ર કાવતરું કૉંગ્રેસના દિવંગત નેતા અહમદ પટેલના ઇશારે રચાયું હતું.
હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે SITએ જણાવ્યું હતું કે તિસ્તા સેતલવાડે અહમદ પટેલ સાથે મિટિંગો યોજી હતી, જેમાં પ્રથમ વખત તેમને સાક્ષી મારફતે અહમદ પટેલના ઇશારે પાંચ લાખ રૂપિયા અને બે દિવસ બાદ વધુ 25 લાખ રૂપિયા અપાયા હતા.
સોગંદનામામાં દાવો કરાયો છે કે તિસ્તા સેતલવાડને મળેલ આ પૈસા એ કોઈ રાહતફંડનો ભાગ નહોતા.
હવે આ સમગ્ર મામલામાં ભાજપ પણ આક્રમક બન્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપના નેતા અને પ્રવક્તા સંબિત પાત્રાએ SITએ કોર્ટ સમક્ષ કરેલ સોગંદનામાને ટાંકીને કૉંગ્રેસ અને સોનિયા ગાંધી સામે ગંભીર આક્ષેપ કર્યા હતા.

સંબિત પાત્રાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
સંબિત પાત્રાએ કહ્યું કે, "SITના સોગંદનામામાં જણાવાયું છે કે તિસ્તાએ ગુજરાત સરકારને અસ્થિર કરવા માટે કાવતરું રચ્યું હતું. અને તેમને અહમદ પટેલ તરફથી પૈસા મળ્યા હતા."
અહીં તેમણે આરોપોની દિશા બદલીને આગળ કહ્યું કે, "અહમદ પટેલ એ આપણે બધા જાણીએ છીએ તેમ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર હતા. આ સમગ્ર ષડ્યંત્રમાં તેઓ તો માત્ર નામ હતા, અસલી કાવતરું તો સોનિયા ગાંધીએ રચ્યું હતું. તેમણે જ પોતાની તિજોરીના પૈસા તિસ્તાને આપીને આ કાવતરું રચ્યું હતું."
સંબિત પાત્રાએ આગળ કહ્યું કે એ જમાનામાં તિસ્તાને આ કામ માટે 30 લાખ રૂપિયા ઍડ્વાન્સ તરીકે અપાયા હતા. આ સમગ્ર કાવતરું નરેન્દ્ર મોદીને બદનામ કરવાની આ યોજના હતી.
સંબિત પાત્રાએ પોતાના આ અંગે આગળ કહ્યું હતું કે આ સમગ્ર કાવતરાની રચના માટે સોનિયા ગાંધી એટલાં પ્રસન્ન થયાં કે તેમણે તિસ્તાને પુરસ્કૃત કરવા માટે વર્ષ 2007માં પદ્મશ્રીથી નવાજ્યાં.

કૉંગ્રેસનો પલટવાર
કૉંગ્રેસના દિગ્ગજ નેતા જયરામ રમેશે તિસ્તા સામેના કેસમા અહમદ પટેલનું નામ લાવવાની વાતને વખોડી કાઢતાં સોશિયલ મીડિયા પર કૉંગ્રેસ વતી નિવેદન શૅર કર્યું છે. આ નિવેદનમાં લખાયું છે કે, "ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ દિવંગત અહમદ પટેલ સામે કરાયેલા તમામ આરોપોનું ખંડન કરે છે. આ વડા પ્રધાનની વ્યૂહરચનાનો એક ભાગ છે જે અંતર્ગત તેઓ વર્ષ 2002નાં રમખાણોમાં સંદર્ભે પોતાની જવાબદારીમાંથી છટકવા માગે છે. કોમવાદી નરસંહાર રોકવા માટેની તેમની અનિચ્છા અને અસક્ષમપણાને કારણે તે સમયના વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ તેમને રાજધર્મનું સ્મરણ કરાવ્યું હતું."આગળ આ નિવેદનમાં લખાયું છે કે, "વડા પ્રધાનના રાજકીય બદલાની ભાવનાથી તેમના મૃત રાજકીય પ્રતિસ્પર્ધીઓ પણ સુરક્ષિત નથી. રાજ્ય સરકારની આ SIT તેમના રાજકીય આકાઓના સંગીત પર નાચી રહી છે અને તેમને જે કહેવામાં આવે તેઓ એવું જ કરશે. આપણે જાણીએ છીએ કે કેવી રીતે અગાઉની SITના વડાને નરેન્દ્ર મોદીને ક્લીનચિટ રાજદ્વારી એસાઇન્ટમેન્ટ અપાઈ પુરસ્કૃત કરાયા હતા."

અહમદ પટેલનાં દીકરીએ શું જવાબ આપ્યો?
આ સમગ્ર વિવાદ મામલે હવે અહમદ પટેલનાં દીકરી મુમતાજ પટેલની પ્રતિક્રિયા પણ આવી છે.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, "અહમદ પટેલનું નામ ષડ્યંત્રની થિયરીમાં ઢસડવાની સાથે ગુજરાત ચૂંટણી માટેનું તેમનું કૅમ્પેન શરૂ થઈ ગયું છે. જ્યારે તેઓ જીવતિ હતા ત્યારે પણ તેઓ ચૂંટણી પહેલાં આવું કરતા હતા અને તેમના મૃત્યુ બાદ પણ આ સિલસિલો જારી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
તેમણે આગળ એક ટ્વીટમાં લખ્યું હતું કે, "વિપક્ષની છબિ ખરાબ કરવા માટે મારા પિતાનું અહમદ પટેલના નામનો ઉપયોગ કરવો પડે એટલું વજન હજુ એમના નામમાં છે. કેમ UPA સરકાર દમિયાન તિસ્તા સેતલવાડને પુરસ્કૃત નહોતાં કરાયાં કે તેમને રાજ્યસભાનાં સાંસદ નહોતાં બનાવાયાં. અને કેમ 2020 સુધી કેન્દ્ર સરકારે મારા પિતા સામે અપરાધ ન ઘડ્યા જ્યારે તેઓ આટલું મોટું કાવતરું રચી રહ્યા હતા."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












