શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ સૅન્ટ્રલ બૅન્ક પર પણ કબજો કર્યો? શું છે હકીકત?

પ્રદર્શનકારીઓએ કોલંબોસ્થિત રાષ્ટ્રપતિભવન અને વડા પ્રધાન કાર્યાલયમાં તોડફોડ કરી હતી

ઇમેજ સ્રોત, EPA/CHAMILA KARUNARATHNE

ઇમેજ કૅપ્શન, પ્રદર્શનકારીઓએ કોલંબોસ્થિત રાષ્ટ્રપતિભવન અને વડા પ્રધાન કાર્યાલયમાં તોડફોડ કરી હતી
    • લેેખક, મેધાવી અરોરા
    • પદ, બીબીસી ડિસઇન્ફોર્મેશન યૂનિટ

શ્રીલંકા છેલ્લા ઘણા દાયકાઓના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. આ સંકટ વચ્ચે આંદોલનકારીઓએ દેશની સરકારી ઇમારતો પર કબજો મેળવી લીધો હતો. આ ઘટના બાદ ત્યાં ચાલી રહેલાં વિરોધપ્રદર્શનો વધારે ઉગ્ર બની ગયાં છે.

પ્રદર્શનકારીઓએ કોલંબોસ્થિત રાષ્ટ્રપતિભવન અને વડા પ્રધાન કાર્યાલયમાં તોડફોડ કરી હતી. ત્યારબાદ બીજી ઇમારતો પર કબજાને લઈને સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના દાવાઓ સામે આવ્યા છે.

અમે વાઇરલ થયેલા એક વીડિયો જોયો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે શ્રીલંકાના રાષ્ટ્રીય પ્રસારણ પર કબજો મેળવી લેવામાં આવ્યો છે. અન્ય એક વીડિયોમાં સેન્ટ્રલ બૅન્ક પર કબજો મેળવી લેવાયાનો પણ દાવો કરાયો હતો.

જોકે, હકીકત એ છે કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના રાષ્ટ્રીય પ્રસારણને કબજામાં લીધું ન હતું.

line

તો વાસ્તવિકતા શું હતી?

વાસ્તવિકતા એ હતી કે ઇન્ટરવ્યૂને મળેલા 15 મિનિટના ઍરટાઇમ બાદ બધા પ્રદર્શનકારી રુપવાહિનીના પરિસરથી બહાર જતા રહ્યા
ઇમેજ કૅપ્શન, વાસ્તવિકતા એ હતી કે ઇન્ટરવ્યૂને મળેલા 15 મિનિટના ઍરટાઇમ બાદ બધા પ્રદર્શનકારી રૂપવાહિનીના પરિસરથી બહાર જતા રહ્યા

બુધવારે દુનિયાની પ્રમુખ મીડિયા સંસ્થાઓએ ભૂલથી એવું બતાવી દીધું કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના નેશનલ બ્રૉડકાસ્ટર 'રૂપવાહિની' પર પોતાનો કબજો મેળવી લીધો છે.

સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ઘણી પોસ્ટમાં ખોટી માહિતી ફેલાવવામાં આવી કે પ્રદર્શનકારીઓએ નેશનલ બ્રૉડકાસ્ટર પર કબજો કરીને ત્યાં ઍન્કરીંગ કર્યું હતું.

વાસ્તવમાં રૂપવાહિનીના પરિસરમાં બુધવારના દિવસે શું થયું હતું, તેની તપાસ માટે બીબીસીએ રૂપવાહિનીના ડાયરેક્ટર્સ સાથે વાત કરી.

રૂપવાહિનીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર અને વિદેશ સમાચાર સેવાના પ્રમુખ પ્રસાદ કૌશલ્યા ડોડાંગોદગેએ બીબીસીને જણાવ્યું કે બુધવારે બપોરે પ્રદર્શનકારી પોતાની માગોને લઈને સંસ્થાના પરિસરમાં વગર બોલાવ્યે પહોંચી ગયા હતા. સંસ્થાના ડાયરેક્ટરો સાથે થયેલી ચર્ચા બાદ પ્રદર્શનકારીઓને ઇન્ટરવ્યૂનો એક સ્લૉટ આપવામાં આવ્યો હતો.

આ ઇન્ટરવ્યૂ દરમિયાન એક પ્રદર્શનકારીએ ભ્રામક દાવો કરી દીધો. એ પ્રદર્શનકારીએ સિંહાલી ભાષામાં કહ્યું કે હવે રૂપવાહિની માત્ર 'જન અર્ગલયા' એટલે કે સરકાર વિરુદ્ધ ચાલી રહેલા 'જન આંદોલન'નું જ પ્રસારણ કરશે.

પ્રસાદે બીબીસીને જણાવ્યું કે રૂપવાહિની આ નિવેદન સાથે સહમત નથી. ઇન્ટરવ્યૂને મળેલા 15 મિનિટના ઍરટાઇમ બાદ બધા પ્રદર્શનકારી રૂપવાહિનીના પરિસરથી બહાર જતા રહ્યા. સાથે જ થોડા સમય માટે પ્રસારણ રોકી દેવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ નિયમિત કાર્યક્રમોનું પ્રસારણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

આ વચ્ચે દેશ દુનિયાના વિભિન્ન મીડિયા પ્લેટફૉર્મ્સ સહિત સોશિયલ મીડિયા પર પણ આ ભ્રામક દાવો છવાઈ ગયો કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના નેશનલ બ્રૉડકાસ્ટર રૂપવાહિની પર કબજો મેળવી લીધો હતો.

line

સેન્ટ્રલ બૅન્ક પર પણ કબજો નથી થયો

વીડિયોમાં જોવા મળી રહેલા પ્રદર્શનકારી કોલંબોના જનાધિપતિ માવતા રોડ પર સ્થિત ફાટકોને તોડી રહ્યા હતા
ઇમેજ કૅપ્શન, વીડિયોમાં જોવા મળી રહેલા પ્રદર્શનકારી કોલંબોના જનાધિપતિ માવતા રોડ પર સ્થિત ફાટકોને તોડી રહ્યા હતા

સોશિયલ મીડિયા પર વધુ એક ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્ક પર પણ કબજો મેળવી લીધો છે.

સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર 15 લાખ કરતાં વધારે વખત જોવાયેલા એક વાઇરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્ક પર કબજો મેળવી લીધો છે.

આ વીડિયો એક સ્વતંત્ર ન્યૂઝ એજન્સી સાથે સંબંધિત હોવાનો દાવો કરનારા એક ટ્વિટર હૅન્ડલથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં પ્રદર્શનકારીઓની એક મોટી ભીડ જોવા મળી રહી છે. આ વીડિયોમાં હાજર ઘણા લોકોએ કાળાં કપડાં પહેર્યાં છે. કેટલાક લોકોનાં માથાં પર હેલ્મેટ પણ હતા અને ઘણા લોકોના હાથમાં શ્રીલંકાના ઝંડા પણ હતા.

આ ભીડ કોઈ ઇમારતના મોટા ગેટને ખોલીને પરિસરમાં પ્રવેશ મેળવી રહી હતી. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હતી. હકીકતે પ્રદર્શનકારીઓએ દેશની સૅન્ટ્રલ બૅન્ક પર કબજો કર્યો ન હતો.

બીબીસીએ આ વાઇરલ વીડિયોમાં દેખાઈ રહેલી તસવીરોની તપાસ કરી. વીડિયોમાં જોવા મળી રહેલા પ્રદર્શનકારી કોલંબોના જનાધિપતિ માવતા રોડ પર સ્થિત ફાટકોને તોડી રહ્યા હતા. જોકે આ વીડિયોમાં પ્રદર્શનકારીઓને સૅન્ટ્રલ બૅન્કમાં ઘૂસતા બતાવાયા નથી.

ઉલ્લેખનીય છે કે જનાધિપતિ માવતા રોડ પર જ શ્રીલંકાની સૅન્ટ્રલ બૅન્ક છે. ગૂગલ મૅપ્સ પ્રમાણે તે રાષ્ટ્રપતિભવનથી માત્ર 400 મીટર દૂર છે.

બીબીસીએ સ્થાનિક સૂત્રો અને શ્રીલંકાની ફૅક્ટ ચેકિંગ સંસ્થા 'વૉચડૉગ'માં આ વિશે તપાસ કરી હતી.

કોલંબોમાં તે જગ્યાએ હાજર લોકોએ એ વાતની પુષ્ટી કરી છે કે કોઈ પણ પ્રદર્શનકારીએ સૅન્ટ્રલ બૅન્કના પરિસરમાં પ્રવેશ કર્યો ન હતો.

સોશિયલ મીડિયા પર આ ખોટા દાવાને ખૂબ શૅર કરવામાં આવ્યો હતો. બીબીસીએ ટ્વિટરની પ્રતિક્રિયા જાણવા તેમનો સંપર્ક કર્યો.

બીબીસીને જાણવા મળ્યું કે ટ્વિટરે પોતાની નીતિઓ અંતર્ગત એક ટ્વીટ પર 'ફૉલ્સ કૉન્ટેક્સ્ટ'નું લેબલ લગાવ્યું હતું.

લાઇન

સંક્ષિપ્તમાં: શ્રીલંકામાં આંદોલન દરમિયાન ફેલાયેલા ભ્રામક દાવાઓનું સત્ય શું છે?

લાઇન
  • બુધવારે દુનિયાની પ્રમુખ મીડિયા સંસ્થાઓએ ભૂલથી એવું બતાવી દીધું કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાના નેશનલ બ્રૉડકાસ્ટર 'રૂપવાહિની' પર પોતાનો કબજો મેળવી લીધો છે.
  • રૂપવાહિનીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પ્રસાદ કૌશલ્યા ડોડાંગોદગેએ બીબીસીને જણાવ્યું કે પ્રદર્શનકારીઓને ઇન્ટરવ્યૂનો એક સ્લૉટ આપવામાં આવ્યો હતો.
  • દરમિયાન એક પ્રદર્શનકારીએ સિંહાલી ભાષામાં કહ્યું કે હવે રૂપવાહિની માત્ર 'જન અર્ગલયા' એટલે કે સરકાર વિરુદ્ધ ચાલી રહેલા 'જન આંદોલન'નું જ પ્રસારણ કરશે.
  • ટ્વિટર પર 15 લાખ કરતાં વધારે વખત જોવામાં આવેલા એક વાઇરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રદર્શનકારીઓએ શ્રીલંકાની સેન્ટ્રલ બૅન્ક પર કબજો મેળવી લીધો છે.
  • બીબીસીએ સ્થાનિક સૂત્રો અને શ્રીલંકાની ફૅક્ટ ચેકિંગ સંસ્થા 'વૉચડૉગ'માં આ વિશે તપાસ કરી હતી.
  • કોલંબોમાં તે જગ્યાએ હાજર લોકોએ એ વાતની પુષ્ટી કરી છે કે કોઈ પણ પ્રદર્શનકારીએ સેન્ટ્રલ બૅન્કના પરીસરમાં પ્રવેશ કર્યો ન હતો.
લાઇન
line

ભારત મામલે પણ ફેલાઈ રહ્યા છે અલગ-અલગ ભ્રામક દાવા

એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા અને પૂર્વ નાણામંત્રી બાસિલને ત્યાંથી ભાગવામાં ભારતે મદદ કરી હતી, ભારતીય ઉચ્ચાયુક્તે આવા રિપોર્ટ્સને 'આધારહિન અને અટકળબાઝી' ગણાવ્યા હતા

ઇમેજ સ્રોત, EPA/CHAMILA KARUNARATHNE

ઇમેજ કૅપ્શન, એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા અને પૂર્વ નાણામંત્રી બાસિલને ત્યાંથી ભાગવામાં ભારતે મદદ કરી હતી, ભારતીય ઉચ્ચાયુક્તે આવા રિપોર્ટ્સને 'આધારહિન અને અટકળબાઝી' ગણાવ્યા હતા

ભારત સરકારે બુધવારના રોજ એ રિપોર્ટ્સનું ખંડન કર્યું, જેમાં જણાવાયું હતું કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે અને પૂર્વ નાણામંત્રી બાસિલ રાજપક્ષેને ત્યાંથી ભાગવામાં ભારતે મદદ કરી હતી.

ઉલ્લેખનીય છે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે માલદીવ્સ ભાગી ગયા હતા. ત્યારબાદ તેમનાં પત્ની અને અંગરક્ષકો સાથે ગુરુવારે તેઓ માલદીવ્સ છોડીને સિંગાપોર જતા રહ્યા હતા.

આ વિશે શ્રીલંકામાં હાજર ભારતીય ઉચ્ચાયુક્તે એક નિવેદન જાહેર કરીને આ દાવાનું ખંડન કર્યું કે રાજપક્ષેને ભગાડવામાં મદદ કરવામાં ભારત સરકારનો કોઈ હાથ ન હતો.

ભારતીય ઉચ્ચાયુક્તે આવા રિપોર્ટ્સને 'આધારહીન અને અટકળબાઝી' ગણાવ્યા હતા.

આવું પહેલી વખત નથી થયું જ્યારે ભારત સરકારે શ્રીલંકાના નેતાઓને ભગાડવામાં મદદ કરવાના દાવાથી ઇનકાર કરવા મુદ્દે કોઈ નિવેદન જાહેર કર્યું હોય.

આ પહેલાં મે મહિનામાં વડા પ્રધાન મહિંદા રાજપક્ષેએ રાજીનામું આપ્યું તેના એક દિવસ બાદ આવું થયું હતું. તે સમયે શ્રીલંકામાં ભારતીય ઉચ્ચાયુક્તે 'કેટલાક રાજકીય લોકો અને તેમના પરિવારજનો' ભારત ભાગી આવ્યા હોવાની વાતનું ખંડન કરવું પડ્યું હતું.

રવિવારે ભારત સરકારે વધુ એક રિપોર્ટનું ખંડન કર્યું, જેમાં કહેવામાં આવ્યું કે ભારત સરકારે શ્રીલંકામાં સેના મોકલી છે. આવું જ નિવેદન ભારત સરકારે મે મહિનામાં પણ જાહેર કર્યું હતું.

ભારતે શ્રીલંકાને આંદોલનકારીઓ પર પાણી છોડતી ગાડીઓ આપવા મામલે ફેલાયેલી અફવાઓનું પણ ખંડન કર્યું હતું.

(વિશેષ માહિતી: જોશ ચીતમ અને મરિયમ અઝવર)

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન