ઝારખંડઃ શું મુસ્લિમ બાળકોએ ખરેખર હાથ જોડીને પ્રાર્થના કરવાનો ઇનકાર કર્યો હતો? - ગ્રાઉન્ડ રિપોર્ટ
- લેેખક, આનંદ દત્ત
- પદ, બીબીસી, ગઢવાથી
ઝારખંડના ગઢવા જિલ્લાની એક સ્કૂલ આજકાલ ખૂબ ચર્ચામાં છે. કોરવાડીહ ગામની આ સ્કૂલ વિશેના સમાચાર ગઈ 4 જુલાઈએ ખૂબ ચગ્યા, જેનું શીર્ષક હતું, "મુસ્લિમ બોલ્યાઃ અમારી વસતિ 75 ટકા, તેથી નિયમ પણ અમારા અનુસાર જ બને."
સમાચારમાં એમ પણ લખેલું હતું કે ગામના મુસલમાનોએ સ્કૂલ પર એ વાતનું દબાણ કર્યું હતું કે સ્કૂલમાં થતી પ્રાર્થના હાથ જોડીને નહીં, બલકે, હાથ બાંધીને થાય. સમાચાર અનુસાર, સ્કૂલમાં 'દયા કર દાન વિદ્યા' પ્રાર્થના બદલીને 'તૂ હી રામ હૈ, તૂ રહીમ હૈ, તૂ કરીમ કૃષ્ણ ખુદા હુઆ' પ્રાર્થના કરાવાઈ રહી છે.
આ સમાચાર છપાયા પછી રાજ્યના રાજકારણમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ. રાજ્યના ભાજપના ધારાસભ્ય ભાનુપ્રતાપ શાહીએ રાજ્યના શિક્ષણમંત્રી જગરનાથ મહતોની મુલાકાત લીધી. એમણે કહ્યું કે તુષ્ટીકરણના રાજકારણનો સહેજ પણ સ્વીકાર નહીં થાય.

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
એના જવાબમાં શિક્ષણમંત્રી મહતોએ કહ્યું, "પારસ્પરિક ભાઈચારાને બગાડવાના કોઈ પણ સ્તરના પ્રયાસ થશે તો એની સામે અમે કઠોરતાથી વર્તીશું. શિક્ષણને ધર્મના નામે કલંકિત કરનારાઓ પર કડકાઈથી કાર્યવાહી થશે, જેના માટે ગઢવાના કલેક્ટર અને પોલીસ સાથે વાત કરીને દિશા-નિર્દેશ અપાયા છે."
ત્યાર બાદ ગઢવાના કલેક્ટર રમેશ ધોલપના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી કુમાર મયંકભૂષણે સ્કૂલની મુલાકાત લીધી અને સૌને સૂચના આપી કે હાથ બાંધીને નહીં, હાથ જોડીને જ પ્રાર્થના કરવાની છે.

શું છે આ દાવાનું સત્ય?

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
રાંચી જિલ્લા મુખ્યાલયથી 217 કિલોમીટર દૂર રાજકીય ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય (એવી શાળા જેમાં દશમા ધોરણની મંજૂરી અપાઈ હોય પણ સંસાધનો ઉપલબ્ધ ન કરાયાં હોય), કોરવાડીહમાં ગુરુવાર 7 જુલાઈએ સવારના નવ વાગ્યે બીબીસીની ટીમ જ્યારે ત્યાં પહોંચી ત્યારે સફાઈ થઈ રહી હતી. બરાબર 9.30 વાગ્યે 1થી 8 ધોરણ સુધીનાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પ્રાર્થના માટે લાઇનમાં ઊભાં રાખવામાં આવ્યાં.
આઠમા ધોરણની વિદ્યાર્થિનીઓ અનુરાધાકુમારી, સુહાના ખાતૂન અને શહાના ખાતૂને પહેલાં હાથ જોડ્યા અને પછી 'તૂ હી રામ હૈ, તૂ રહીમ હૈ, તૂ કરીમ કૃષ્ણ ખુદા હુઆ' ગાઈ. એમને જોઈને અન્ય બાળકોએ પણ એ પ્રાર્થના ગાઈ.
પ્રાર્થના પૂરી થતાં બધાં બાળકોએ 'જન ગણ મન' ગાયું અને પછી 'ભારત માતા કી જય'નું સૂત્ર પોકાર્યું. ત્યાર પછી શિક્ષકોએ બાળકોને વારાફરતી વર્ગખંડમાં જવા કહ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સ્કૂલના પ્રિન્સિપાલ યુગેશ્વરરામ આ જ ગામના રહેવાસી છે. એમણે જણાવ્યું કે એમણે આ જ સ્કૂલમાંથી પ્રાથમિક શિક્ષણ લીધું છે અને હવે તેઓ અહીં પ્રિન્સિપાલ છે.
બીબીસીને તેમણે જણાવ્યું કે, "પ્રાર્થનામાં થોડો તફાવત હતો કે ઘણાં બધાં બાળકો હાથ જોડીને નહોતાં કરતાં. અમે પ્રયત્ન કર્યો કે હાથ જોડીને પ્રાર્થના કરો, પરંતુ બાળકો માન્યાં નહીં. પછી અમને લાગ્યું કે બાળકો આવું જ કરવા ઇચ્છે છે, એટલે અમે કશું ના કહ્યું. ભલે હાથ જોડીને કરે કે હાથ બાંધીને, કોઈ પણ રીતે થાય, પરંતુ નામ તો ભગવાનનું જ લેવાય છે."

શું ઝારખંડમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ હાથ જોડી પ્રાર્થના કરવા ના પાડી? જાણો મામલો સંક્ષિપ્તમાં

- ઝારખંડના ગઢવા જિલ્લાના રાજકીય ઉત્ક્રમિત મધ્ય વિદ્યાલય વિશે સ્થાનિક મીડિયા સંસ્થાનોના અહેવાલોમાં વાત કરવામાં આવી હતી.
- આ અહેવાલોમાં મુસ્લિમ વિદ્યાર્થીઓએ સ્કૂલમાં થતી પ્રાર્થના બાબતે હાથ જોડવાનો નહીં પરંત હાથ બાંધીને પ્રાર્થના કરવાનો આગ્રહ કર્યો હોવાનું જણાવાયું હતું.
- વિવાદ બાદ ગઢવાના કલેક્ટર રમેશ ધોલપના આદેશથી જિલ્લા શિક્ષણાધિકારી કુમાર મયંકભૂષણે સ્કૂલની મુલાકાત લીધી અને સૌને સૂચના આપી કે હાથ બાંધીને નહીં, હાથ જોડીને જ પ્રાર્થના કરવાની છે
- પ્રિન્સિપાલે આપેલી માહિતી અનુસાર જ્યારે સ્કૂલ તરફથી તમામ બાળકોને હાથ જોડીને પ્રાર્થના કરવાની સૂચના આપવામાં આવી તો કેટલાંક બાળકો માન્યાં નહોતાં
- મુસ્લિમ વિદ્યાર્થીઓએ શાળામાં પ્રાર્થના બાબતે મુસ્લિમો તરફથી કોઈ પણ જાતનાં સૂચન આપવામાં આવ્યાં ન હોવાનું જણાવ્યું હતું, અને તમામે હાથ બાંધીને પ્રાર્થના કરવા બાબતે કંઈ કહ્યું નહોતું
- કોરવાહીડ ગામના રહેવાસીઓએ પણ ગામમાં હિંદુ-મુસ્લિમોમાં એકતા હોવાનું જણાવ્યું હતું અને પ્રાર્થનાની પદ્ધતિ બાબતે કોઈ વિવાદ ન હોવાનું કહ્યું હતું

એમાં ખોટું શું?

ઇમેજ સ્રોત, Anand Dutt/BBC
આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું, "ખોટું એમાં એ હતું કે બાળકો હાથ જોડીને નહોતાં કરતાં. પહેલાં એવાં બાળકોમાં મુસ્લિમ સામેલ હતાં. ધીરે ધીરે હિન્દુ બાળકો પણ હાથ બાંધીને જ પ્રાર્થના કરવા લાગ્યાં. અમે લોકોએ જોયું કે વિષમતા આવી રહી છે, એને દૂર કરવાનો પ્રયાસ કર્યો."
જોકે, એમણે એવું જરૂર કહ્યું કે પ્રાર્થના કઈ રીતે થાય એ બાબતે ગામ તરફથી કશી આપત્તિ નથી આવી.
તો પછી પ્રાર્થનાપદ્ધતિ કેમ બદલવામાં આવી? આ સવાલના જવાબમાં પ્રિન્સિપાલ યુગેશ્વરરામે કહ્યું, "મીડિયામાં સમાચાર આવ્યા બાદ શિક્ષણ વિભાગના બધા પદાધિકારીઓ સ્કૂલે આવ્યા હતા. એમણે જણાવ્યું કે હાથ જોડીને જ પ્રાર્થના થશે. એ પછીથી બધાં એમ જ કરવા લાગ્યાં છે. કોઈ બાળકે કશી આપત્તિ ઊભી નથી કરી, સૌએ એમ જ કર્યું."
આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી કુમાર મયંકભૂષણે કહ્યું, "જુઓ, પ્રાર્થનાસંબંધમાં રાજ્ય સરકાર તરફથી જે ગાઇડલાઇન છે, એમાં પદ્ધતિ બાબતે કોઈ સ્પષ્ટ દિશાનિર્દેશ નથી. જોકે, સદીઓથી હાથ જોડીને જ પ્રાર્થના થતી આવી છે, તેથી અમે સ્કૂલે જઈને બાળકો, શિક્ષકો, ગ્રામજનોને કહ્યું કે હાથ જોડીને જ પ્રાર્થના કરવી જોઈએ."

બાળકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
આઠમાની વિદ્યાર્થિની અનુરાધાકુમારીએ કહ્યું, "અમે લોકો શરૂઆતથી જ બંને રીતે પ્રાર્થના કરતાં આવ્યાં છીએ. શહાના ખાતૂન મારી મિત્ર છે, તે હાથ બાંધીને કરતી હતી અને હું હાથ જોડીને. પરંતુ એવું કરવાનું અમને કોઈએ શીખવ્યું નથી, નથી અમારાં માતા-પિતા એ અંગે કશું કહેતાં."
આ બંનેની મિત્ર સુહાના ખાતૂનએ પણ આ જ વાત કહી. તેણે કહ્યું, "પ્રાર્થનામાં રામ અને રહીમ બંનેનું નામ લઈએ છીએ. શિક્ષક કે માતા-પિતા એ બાબતે કશું નથી કહેતાં."
આ જ ધોરણના અન્ય એક વિદ્યાર્થી ઔરંગઝેબે પણ પોતાની વાત કહી. એમણે કહ્યું. "પહેલાં હિન્દુ વિદ્યાર્થીઓ હાથ જોડીને પ્રાર્થના કરતાં હતાં, બાકીનાં હાથ બાંધીને. લૉકડાઉન પછી જ્યારે સ્કૂલ શરૂ થઈ ત્યારે બધાં હાથ બાંધીને જ કરવા લાગ્યાં. હમણાં કેટલાક અધિકારીઓ સ્કૂલે આવેલા, એમણે કહ્યું કે હવે હાથ જોડીને જ પ્રાર્થના થશે."

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
ઔરંગઝેબે એમ પણ જણાવ્યું કે એ વાત જૂઠી છે કે કેટલાક લોકો આવીને એમ કહેવા લાગ્યા કે 75 ટકા મુસ્લિમ બાળકો છે તો સ્કૂલમાં હાથ બાંધીને જ પ્રાર્થના થશે.
કોરવાડીહ પંચાયતની કુલ વસતિ લગભગ 8 હજાર છે, જ્યારે કોરવાડીહ ગામની વસતિ લગભગ 5 હજાર છે.
આ પંચાયતના પ્રમુખ શફીક અંસારી 14 વર્ષ સુધી આ વિદ્યાલયની પ્રબંધન સમિતિના અધ્યક્ષ હતા.
બીબીસી સાથેની વાતચીતમાં એમણે કહ્યું, "આ વિદ્યાલયનાં જે કોઈ બાળકો છે, તેઓ જે રીતે પણ પ્રાર્થના કરે છે, એ બાબતે કોઈને કશો વાંધો નથી. કોઈ જાતિ-ધર્મને કશી આપત્તિ નથી."

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
તેમણે કહ્યું, "બાળકને જ્યારે સ્કૂલે મોકલે છે ત્યારે ગેટ દાખલ થયા પછી અમારી જવાબદારી પૂરી થાય છે. એ સંપૂર્ણપણે સ્કૂલના શિક્ષકોની જવાબદારી છે કે તેઓ કઈ રીતે ભણાવે છે, કઈ રીતે પ્રાર્થના કરાવે છે. બાળકો રામનું, રહીમનું, કૃષ્ણનું નામ લે છે, તો એમાં અમને કોઈ આપત્તિ નથી. એ તો એક જ નામ છે."
તો પછી કકળાટ કેમ છે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "એ મીડિયા દ્વારા ફેલાવાયો છે. અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ. ગામમાં હિન્દુ-મુસલમાનની એકતા ચટ્ટાન જેવી છે."
તેમણે કહ્યું, "સવાલ એ આવ્યો કે દબાણ કરીને પ્રાર્થના બદલાવી. અમે તો કહીએ છીએ કે અત્યારે જે થઈ રહ્યું છે તે શું શરિયતનો મામલો છે? આ માત્ર રાજકારણનો ભાગ છે. શિક્ષણના મંદિરને શિક્ષણનું મંદિર જ રહેવા દેવું જોઈએ, એને રાજકારણનું સ્થળ ના બનાવવું જોઈએ. અહીં બધા ધર્મોના લોકો ભણે છે. આ સરકારી વિદ્યાલય છે, આમાં સરકારના જે નિયમ છે, દેશનું જે બંધારણ છે, એના પર અમને વિશ્વાસ છે. અમે એ મુજબ જ વર્તીએ છીએ."

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
તો, એક ગ્રામજન રામેશ્વર ચૌધરીએ કહ્યું કે, "જુઓ, પ્રાર્થના હાથ બાંધીને કરે કે હાથ જોડીને, કોઈમાં પણ કશી આપત્તિ નથી. અમને કશી માહિતી નથી કે 'પ્રાર્થના હાથ બાંધીને જ થાય' એ બાબતે સ્કૂલ પર કોઈ દબાણ કરાયું છે. દબાણ કરીને પ્રાર્થના ના હાથ બાંધીને કરાવવીને જોઈએ, ના હાથ જોડીને. સૌનો પોતપોતાનો અધિકાર છે. અમે સ્કૂલની બાજુમાં રહીએ છીએ. અમને કોઈ માહિતી નથી કે દબાણ કરાઈ રહ્યું છે."
તો બીજા એક ગ્રામજન મકસૂદ અંસારીનું કહેવું છે, "મારા હિસાબે બંને બરાબર છે. અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે બંને રીતથી પ્રાર્થના થતી હતી. કોઈએ સ્વતંત્ર રીતે નથી જણાવ્યું કે હાથ બાંધીને કરવી કે હાથ જોડીને. મારું માનવું છે કે સ્કૂલની જે ગાઇડલાઇન છે, એના ધોરણે થવી જોઈએ."

કાયદો શું કહે છે?

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
આ બાબતમાં ઝારખંડ હાઈ કોર્ટનાં વકીલ સોનલ તિવારીએ કહ્યું કે, "28 ઑક્ટોબર, 2013ના રોજ બૉમ્બે હાઈ કોર્ટના જજ જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકા અને જસ્ટિસ રેવતી મોહિતે દેરેની ખંડપીઠે આ અંગેનો નિર્ણય કર્યો. અદાલતે બૌદ્ધ ધર્મમાં માનનારા એક શિક્ષક સંજય સાલ્વેના કેસમાં આ નિર્ણય કર્યો હતો."
એમના અનુસાર, "આ નિર્ણય અનુસાર, સ્કૂલમાં કોઈને પણ હાથ જોડવા માટે ફરજ ન પાડી શકાય. જોકે, પ્રાર્થના ગાતા સમયે સ્કૂલની શિસ્તને અનુસરવી એ ફરજ છે, પરંતુ હાથ જોડવા નહીં."

ઇમેજ સ્રોત, ANAND DUTTA/BBC
જો ઝારખંડની વસતિની વાત કરીએ તો 2011ની વસતિગણતરી અનુસાર, રાજ્યમાં મુસલમાનોની વસતિ લગભગ 48 લાખ છે. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો આ આંકડો રાજ્યની કુલ વસતિના 14.60 ટકા છે, જ્યારે ગઢવા જિલ્લામાં મુસલમાનોની વસતિની ટકાવારી 14.7 છે. ટકાવારીના આ બંને આંકડા રાષ્ટ્રીય સરેરાશ કરતાં લગભગ અડધા ટકા જેટલા વધારે છે.
જોકે, આ ગામની બહાર આ મામલે ભલે ગમે તેટલો હોબાળો થયો હોય પરંતુ ગામમાં સંપૂર્ણ શાંતિ છે. આમ જુઓ તો મીડિયાના લોકો અને અધિકારીઓના આવવાના લીધે આ ગામમાં થોડાક હોબાળા જેવું લાગે છે, પરંતુ સ્કૂલમાં બાળકોનું આવવું-જવું અને ગામમાં નમાજ અને ભજનકીર્તન રાબેતા મુજબ છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ












