World Refugee Day : ગોધરાકાંડના વિસ્થાપિતોની વ્યથા, 'કચરાની દુર્ગંધથી ફેફસાં ખલાસ થઈ ગયાં, દોજખ અમે જોઈ લીધું',

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

અમદાવાદના સીમાડે પીરાણામાંથી પસાર થતા માસ્ક બાંધ્યો હોય તો પણ વાતાવરણની બદબૂ તમારા શ્વાસમાં ભરાઈ જાય છે. કેમકે અહીંની પિરાણા ડમ્પિંગ સાઇટ પર આખા અમદાવાદનો કચરો ઠલવાય છે.

આ કચરાના ઢગલા પાછળ સિટીઝનનગર નામે એક વસાહત આવેલી છે. 2002ના ગોધરાકાંડમા સર્વસ્વ ગુમાવી ચૂકેલાઓએ અહીં આશરો લીધો છે.

બારેમાસ કાદવ કિચડથી ભરેલી સાંકડી ગલીઓ આ વસાહતમાં રહેતા વિસ્થાપિતોની સ્થિતિ એવી છે કે બે ટંકના રોટલા માટે ભારે મથામણ કરવી પડે છે અને પીવાનું પાણી પણ વેચાતું લેવું પડે છે

ઇમેજ સ્રોત, NANDAN DAVE

બારે માસ કાદવકીચડથી ભરેલી સાંકડી ગલીઓવાળી આ વસાહતમાં રહેતા વિસ્થાપિતોની સ્થિતિ એવી છે કે બે ટંકના રોટલા માટે ભારે મથામણ કરવી પડે છે અને પીવાનું પાણી પણ વેચાતું લેવું પડે છે.

સિટીઝનનગરમાં છેલ્લાં 20 વર્ષથી રહેતા અને 2002ના ગોધરાકાંડમાં ઘર અને પરિવારના સભ્યને ગુમાવી ચૂકેલા મોટા ભાગના વિસ્થાપિતો ગોધરાકાંડનો એ ગોઝારો દિવસ યાદ કરવા માંગતા નથી.

line

"ફેફસાં ખલા થઈ ગયાં"

હાફિઝબાનો: "પાછળના કચરાના ડૂંગરમાંથી આવતી દૂર્ગંધને કારણે મારા અને મારા પતિના ફેફસા ખલાસ થઇ ગયા છે"

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, હાફિઝબાનો: "પાછળના કચરાના ડૂંગરમાંથી આવતી દૂર્ગંધને કારણે મારાં અને મારા પતિનાં ફેફસાં ખલાસ થઈ ગયાં"

હાફિઝબાનો શેખ એ ભયાવહ યાદોને ફરી સ્મૃતિપટ પર લાવતાં રડી પડે છે.

આંખમાં આંસુ અને ગળામાં ભરાયેલા ડૂમા સાથે બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, "મારા પતિએ કાળી મજૂરી કરીને અમારી દીકરીનાં લગ્ન માટે પાઈ-પાઈ ભેગી કરીને પૈસા ભેગા કર્યા હતા. અમને એમ હતું કે હવે સુખના દિવસો આવશે પણ ગોધરામાં ટ્રેન બળી અને આફત અમારા પર આવી. "

"તોફાનીઓનું ટોળું અમારી સામે અમારું ઘર લૂંટી રહ્યું હતું. અમારું ઘર સળગાવી રહ્યું હતું. અમે લાચારીપૂર્વક બધુ જોતાં રહ્યાં."

તેઓ ઉમેરે છે, "અમે આખી રાત જીવ બચાવવા બાળકોને લઇને સંતાઈ રહ્યાં. સવારે વિસ્થાપિતોની છાવણીમાં ગયાં. "

"છ મહિના એ છાવણીમાં રહ્યા પછી અમને અહીં સિટીઝનનગરમાં સિમેન્ટના પતરાવાળાં એક રૂમ-રસોડાનાં મકાન મળ્યાં. "

"અહીં નવેસરથી જીવન શરુ કરીશું એમ વિચારીને અહીં આવ્યાં હતાં પણ આ જગ્યા અમારા માટે નરકથી કમ નથી. પાછળના કચરાના ડુંગરમાંથી આવતી દૂર્ગંધને કારણે મારાં અને મારા પતિનાં ફેફસાં ખલાસ થઈ ગયાં છે. દસ ડગલાં માંડ ચાલી શકીએ છીએ. આજે અમે બંને પાઈપાઈનાં મોહતાજ છીએ અને દીકરાઓ પર બોજ બની ગયાં છીએ."

ડમ્પીંગ સાઈટની પાછળ ગોધરાકાંડના પીડિતો માટે બનાવેલી સિટીઝન નગર વસાહતમાં પ્રદૂષિત હવાને કારણે દર ત્રીજા ઘરમાં એક વ્યક્તિ શ્વાસની બીમારીથી પીડાતી જોવા મળે છે

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, ડમ્પીંગ સાઈટની પાછળ ગોધરાકાંડના પીડિતો માટે બનાવેલી સિટીઝનનગર વસાહતની તસવીર

અહીં રહેતાં 22 વર્ષનાં ફાતિમા (બદલાવેલું નામ)ની માંડ સગાઈ થઈ છે. તેમના પરિવારે ફાતિમાના ભાવી પતિ સામે એમની શ્વાસની બીમારીની વાત નથી કરી.

એમને ડર છે કે બીમારીની જાણ થતાં જ તેઓ સગાઈ તોડી નાખશે.

ફાતિમા કહે છે, "આના કરતાં 2002માં ઘર સાથે અમને સળગાવી દીધાં હોત તો સારું થાત"

ઇકબાલ મેમણ: "ફેફસાની બિમારીને કારણે થોડું કામ કરતા જ હાંફ ચડી જાય છે એટલે અઠવાડિયામાં બે દિવસ કામ કરું છું"

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, ઇકબાલ મેમણ: "ફેફસાંની બીમારીને કારણે થોડું કામ કરતાં જ હાંફ ચડી જાય છે"

2002માં પોતાનું ગૅરેજ અને ઘર ગુમાવી ચૂકેલા મિકૅનિક ઇકબાલ મેમણ ગોધરાકાંડને યાદ કરવા નથી માંગતા. વાતવાતમાં તેમની વ્યથા બહાર આવી જાય છે.

તેઓ કહે છે, "હુલ્લડો થયાં ત્યારે તોફાનીઓના ટોળાએ મારી નજર સામે મારું ઘર અને ગૅરેજ સળગાવી દીધાં હતાં. "

"હું રસ્તા પર આવી ગયો. સિટીઝનનગરમાં ઘર મળ્યું એટલે થયું કે હવે સૌ સારાં વાનાં થશે. હું રોજ કામ પર જતો. જીવન પાટે ચડી રહ્યું હતું પરંતુ ઘરપછવાડેની આ ડમ્પિંગ સાઇટની પ્રદુષિત હવાના કારણે પાંચ વર્ષથી મારાં ફેફસાં ખરાબ થઇ ગયાં છે. "

"હવે હું ચાલી નથી શકતો કે મિકૅનિકનું કામ નથી કરી શકતો. થોડું કામ કરતા જ હાંફ ચડી જાય છે. સરકારી હૉસ્પિટલમાં દવા કરાવી પણ બીમારી જતી નથી. અઠવાડિયામાં બે દિવસ કામ કરું છું અને દાળરોટી જેટલા પૈસા મળે એટલે ઘરે બેસું છું, કેમકે હવે સળંગ કામ નથી કરી શકતો."

ઇકબાલ ઉમેરે છે, "ઈદ જેવા તહેવાર હોય તો એના મહિના પહેલાં થોડા વધુ દિવસ પરાણે મજૂરી કરી લઉં છું જેથી તહેવાર ઉજવી શકાય. છોકરાઓને ઈદી આપી શકું, નવાં કપડાં ખરીદી શકું. અહીં આવીને જીંદગી નરક થઇ ગઈ છે. આના કરતાં અમને પણ 2002ની હિંસામાં ઘર અને ગૅરેજ સાથે જ સળગાવી દીધા હોત તો સારું થાત."

line

"અલ્લા જન્નત આપે તો ઠીક, દોજખ અમે જોઈ લીધું"

સિટિઝન નગરમાં રહેતા દરેક પરિવારની પોતાની વ્યથાકથા છે

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, સિટીઝનનગર

અહીં દરેક પરિવાર પાસે પોતાની વ્યથાકથા છે.

અહીં રહેતાં પરવીનબાનો સૈયદની સમસ્યા પણ આવી જ છે. સલીમ સાથે પરવીનબાનોનાં લગ્ન 2001ના અંતમાં થયાં હતાં.

સલીમની જમાલપુરમાં નોનવેજની નાની દુકાન છે. બંનેએ આંખમાં સુખી જીવનનાં સપનાં આંજી લગ્નજીવનની શરૂઆત કરી હતી પરંતુ 2002નાં રમખાણોમાં એમનું ઘર અને દુકાન સળગી ગયાં.

ખાધેપીધે સુખી પરવીનબાનોનો પરિવાર રસ્તા પર આવી ગયો. નવવધૂના કોડ પણ એ રમખાણની આગમાં હોમાઈ ગયા.

પરવીનબાનો બીબીસી સાથે વાત કરતાં કહે છે, "અમે અહીં આવ્યાં ત્યારે અમારી પાસે કંઈ નહોતું. અલ્લાના કરમથી ફરી ધંધો શરુ થયો. મારે ત્રણ બાળકો છે પણ નજીકમાં કોઈ શાળા નથી. મારા પતિ અહીંથી 18 કિલોમીટર દૂર બાળકોને શાળાએ લેવા-મૂકવા જાય છે."

પરવીનબાનો પાણીની સમસ્યા અંગે વાત કરતાં કહે છે, "પહેલાં અહીં મહાનગરપાલિકાનું પાણી આવતું નહોતું. અહીંના પાણીથી ચામડીના રોગો થતા હતા. "

"આજે પાલિકાનું પાણી શરૂ થયું છે પણ માંડ અડધો કલાક આવે છે. એમાં નાહવાધોવાનું અને પીવાનું પાણી પૂરતું મળતું નથી. એટલે અમારે નજીકના ખાનગી બોર પરથી દર મહિને 400 રૂપિયા ચૂકવીને પાણી લાવવું પડે છે."

આર્થિક સંકડામણ અંગે અને આરોગ્યની અન્ય ચિંતા અંગે વાત કરતાં પરવીનબાનો કહે છે, "અમે માંડ બાળકોની શાળાની ફી અને પેટ ભરીએ છીએ, એવામાં પાણીનો કારણ વગરનો ખર્ચ કરવો પડે છે. કચરાના ઢગલાને કારણે મોટા ભાગના લોકોને શ્વાસની બીમારી થઇ છે. મારાં બાળકોનું શું થશે એની મને ખબર નથી. "

"જન્નતની અમે વાતો જ સાંભળી છે, અમે તો અહીં દોજખ(નરક)માં જીવીએ છીએ. અલ્લા કયામત પછી જન્નત આપે તો નવું લાગશે, બાકી દોજખ તો અમે અહીં જોઈ જ લીધું છે."

line

"ઘણી સગર્ભાઓની ડૉક્ટરને ત્યાં જતા પહેલાં અહીં જ પ્રસુતિ થઇ ગઈ છે"

રેશ્મા શેખ: "ઘણી સગર્ભા બહેનોને તો ડૉક્ટરને ત્યાં જતા પહેલા અહીં જ પ્રસુતિ થઇ ગઈ છે"

ઇમેજ સ્રોત, NANDAN DAVE

અમે વધુ એક પરિવારનાં દુખ-દર્દને જાણવાનો પ્રયાસ કર્યો. અહીં રહેતા રેશમા શેખને ત્રણ દીકરા અને એક દીકરી છે. તેમના પતિ રિક્ષા ચલાવે છે.

રેશમા ધ્રૂજતા અવાજે કહે છે, "2002ની યાદ ન અપાવો તો સારું. એ દિવસે મારા નાના દીકરાને ટિયરગૅસનો સેલ વાગ્યો હતો. મારા પતિનો હાથ ભાંગી ગયો હતો. ઘરબાર લૂંટાઈ ગયાં હતાં. કયામતની એ રાત યાદ આવે એટલે બે દિવસ ઊંઘ નથી આવતી."

સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતા તેઓ આગળ કહે છે, "જોકે, અહીં અમે પૃથ્વી પરનું નરક જોયું. 2002માં બધું ગુમાવીને અહી આવ્યાં પછી સારવાર માટેના પૈસા નહોતા. દવાખાને જવા બસ મળે નહીં. કેટલુંય ચાલીને જવું પડે. ઘણી સગર્ભા બહેનોની તો ડૉક્ટરને ત્યાં જતા પહેલાં અહીં જ પ્રસુતિ થઈ ગઈ છે."

રેશમા ઉમેરે છે કે તેમનો મોટો દીકરો 18 કિલોમીટર દૂર સ્કૂલે ભણવા જતો અને કંટાળતાં એણે ભણવાનું છોડી દીધું. બંને દીકરા ઇલેક્ટ્રૉનિક સામાનનું રિપેરિંગનું કામ કરે છે.

દીકરીને ભણાવી નથી. તે ભરતગૂંથણ કામ જાણે છે, એટલે એ ભરતગૂંથણ કરીને પૈસા કમાય છે.

રેશમાબહેન આગળ કહે છે, "સરકારે કહેવા પૂરતી પાણીની લાઈન આપી છે, પાણી નથી આવતું. ગટર લાઈન મળી છે પણ ગટર ઊભરાય છે. 24 કલાક કચરાના ઢગલાની દુર્ગંધ અને ચોમાસામાં કચરાના ઢગલાનું ગંદુ પાણી ઘરમાં ભરાઈ જાય છે. અમારી પાસે ન તો શાળા છે, ન દવાખાનું છે, ન સફાઈ છે કે ન તો કોઈ મોટી કમાણી છે. નવાં કપડાં લાવો તો જૂતાં ફાટે એવા હાલ છે."

24 કલાક કચરાના ઢગલાની દૂર્ગંધ અને ચોમાસામાં કચરાના ઢગલાનું ગંદુ પાણી ઘરમાં ભરાઈ જાય છે

ઇમેજ સ્રોત, NANDAN DAVE

ઇમેજ કૅપ્શન, 24 કલાક કચરાના ઢગલાની દુર્ગંધ અને ચોમાસામાં કચરાના ઢગલાનું ગંદુ પાણી અહીં ઘરોમાં ભરાઈ જાય છે

આ બધી સમસ્યાઓ અંગે અમે આ વિસ્તારમાં ગરીબ બાળકો અને મહિલાઓ માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થા 'સંચેતના'નાં કો-ઑર્ડિનેટર જશોદાબહેન સગપરા સાથે વાત કરી.

તેમણે કહ્યું કે "અમે આ વિસ્તારમાં મહિલાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવારનવાર કૅમ્પ કરીએ છીએ. ડૉક્ટરોના સહયોગથી સ્વાસ્થ્યની સુવિધા પૂરી પાડવાનો પ્રયાસ કરીએ છીએ. બાળકોના શિક્ષણનું કામ પણ શરૂ કર્યું છે. અમારું ટૂંક સમયમાં આ વિસ્તારમાં શાળા ખોલવાનું આયોજન છે."

તેઓ એવું પણ જણાવે છે કે પ્રદૂષિત હવાને કારણે આ વસાહતમાં દર ત્રીજા ઘરમાંથી એક વ્યક્તિ શ્વાસની બીમારીથી પીડાતી જોવા મળે છે.

આ વિસ્તારમાં કામ કરતાં અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "સિટીઝનનગરના રહેવાસીઓની પાણી અને આરોગ્યની સમસ્યા અંગે અમે મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે."

"આ વિસ્તારમાં એક સરકારી દવાખાનું ટૂંક સમયમાં શરૂ થશે. અમે કરેલી યોજના મૂજબ એક શાળા પણ શરૂ કરવામાં આવશે."

પઠાણનો દાવો છે કે મહાનગરપાલિકામાં તેમની ઉગ્ર રજૂઆતને પગલે આ નિર્ણય લેવાયો છે. જોકે, કોરાનાને લીધે એનો અમલ થવામાં વિલંબ થયો છે.

તેઓ ઉમેરે છે, "પ્રથામિક સુવિધાઓ માટે મેં મારા પૈસાથી જોગવાઈ કરી છે. ધારાસભ્યના બજેટમાંથી પણ નાણાં ફાળવાયાં છે એટલે કામ નહીં અટકે. "

તેઓ એવું પણ જણાવે છે કે "વળી, કચરાના ઢગલાને દૂર કરવામાં થઈ રહેલા વિલંબને લીધે કેટલાય લોકોનાં સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ હવે કચરાનો ઢગલો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા હાઈકોર્ટમાં ખાતરી આપવામાં આવી છે કે અહીંના રહેવાસીને સ્વાસ્થ્યની તકલીફ ના પડે એ માટે મોબાઇલ દવાખાનું પણ ટૂંક સમયમાં શરૂ કરવાામાં આવશે."

આ અંગે બીબીસીએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર લોચન સેહરાનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો, જેમાં અનેક પ્રયત્નો કરવા છતાં સફળતા મળી નહોતી.

આ અંગે અમદાવાદના મેયર કિરીટ પરમારનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો. જોકે, એમણે પણ આ મામલે કોઈ વાત નહોતી કરી.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ