ગુજરાત રમખાણો : તમામ કેસોની સુનાવણી બંધ કરવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુચિત્ર મોહંતી
- પદ, બીબીસી માટે

- સુપ્રીમ કોર્ટે સર્વોચ્ચ અદાલતમાં ચાલી રહેલા નવ કેસો બંધ કરવાનો નિર્ણય આપ્યો
- નવ પૈકી આઠ કેસોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ હોવાનું કોર્ટનું તારણ
- એસઆઈટીની તપાસ બાદ મામલો અવ્યવસ્થિત થયો હોવાનું કોર્ટે ટાંક્યું
- માત્ર નરોડા પાટિયા કેસની સુનાવણી બાકી, એ પણ અંતિમ તબક્કામાં પહોંચી

સુપ્રીમ કોર્ટે ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો સંબંધિત તમામ કેસ બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. સર્વોચ્ચ અદાલતમાં ગુજરાતનાં રમખાણો સંબંધિત દસ અરજીઓ હતી, જેમાંથી એક રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ તરફથી પણ દાખલ કરવામાં આવી હતી.
મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ રવીન્દ્ર ભટ્ટ અને જેબી પારડીવાલાની બેન્ચે કહ્યું છે કે કોર્ટે આ મામલે વિશેષ તપાસસમિતિ રચી હતી અને રમખાણો સાથે જોડાયેલા નવમાંથી આઠ કેસમાં સુનાવણી પણ પૂર્ણ થઈ ગઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું, "તમામ કેસો અર્થહીન થઈ ચૂક્યા છે, એટલે કોર્ટને હવે આના પર સુનાવણી કરવાની જરૂર નથી."
તેમણે નોંધ્યું હતું કે માત્ર નરોડા પાટિયા રમખાણોનો કેસ ટ્રાયલ સ્ટેજ પર છે અને અંતિમ દલીલોના તબક્કામાં છે.એસઆઈટી તરફથી કોર્ટમાં વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું કે નવમાંથી માત્ર એક જ કેસની સુનાવણી બાકી છે. આ નરોડા ગામ વિસ્તાર સાથે સંકળાયેલો કેસ છે અને એ અંતિમ દલીલોના તબક્કામાં છે.
અન્ય મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અથવા તો હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં આ પુનર્વિચારની સંબંધિત અરજી દાખલ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આઠ મામલામાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હોવાથી પેન્ડિંગ અરજી અર્થહીન થઈ ગઈ છે.
મુખ્ય ન્યાયાધીશે એવું પણ કહ્યું કે નરોડા કેસમાં કાયદા અનુસાર સુનાવણી થશે અને એસઆઈટી એની રીતે કાર્યવાહી કરી શકે છે. નોંધનીય છે કે ગોધરામાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપર થયેલા હુમલા બાદ ગુજરાતભરમાં તોફાનો શરૂ થયાં હતાં.
હિંસક ટોળાના આક્રમણ બાદ ટ્રેનના ડબ્બાને આગ લગાવી દેવામાં આવી હતી અને 59 લોકો મૃત્યુ પામ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મૃતકોમાં મોટા ભાગના લોકો અયોધ્યાથી અમદાવાદ પાછા ફરી રહેલા કારસેવકો હતા.
એ બાદ ગુજરાતમાં થયેલાં રમખાણોમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા, જેમાં મોટા ભાગના મુસલમાનો હતા.

નરોડા પાટિયા કેસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ફેબ્રુઆરી 28, 2002ના રોજ બજરંગદળના તેમજ બીજા લોકોએ મળીને અમદાવાદના નરોડા પાટિયા વિસ્તારને ચારે બાજુથી ઘેરી લીધો હતો અને તે વસાહતનાં અનેક મકાનોને આગ ચાંપી દીધી હતી.
આ હત્યાકાંડમાં 97 લોકો માર્યા ગયા હતા. SITની રચના પહેલાં સ્થાનિક પોલીસે આ કેસમાં 46 લોકોની ધરપકડ કરી હતી અને ચાર ચાર્જશીટ દાખલ કરી હતી.
SITએ ત્યાર બાદ 24 બીજા લોકોની ધરપકડ કરી હતી અને બીજી ચાર ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં કુલ 70 આરોપીઓ પૈકી સાત આરોપીઓનાં ટ્રાયલ દરમિયાન મૃત્યુ થયાં હતાં અને બે લોકો ભાગેડુ હતા. કેસમાં 32 લોકોને સજા થઈ અને તેમાંથી બે લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
ટ્રાયલ કોર્ટ પોતાના ચુકાદામાં ભાજપનાં મંત્રી માયા કોડનાણીને આ તોફાનોનાં મુખ્ય સુત્રધાર ગણાવ્યાં હતાં અને તેમને 28 વર્ષની જેલની સજા કરી હતી.
આ કેસમાં બજરંગદળના બાબુ બજરંગી, માયા કોડનાણી સહિત 32 લોકોને સજા થઈ હતી.
આ ચુકાદો આપતી વખતે મૅજિસ્ટ્રેટે કહ્યું હતું કે કોડનાણીએ પોતાની ધારાસભ્ય તરીકેની ફરજને છોડી દીધી હતી. જ્યારે તેમની ધરપકડ થઈ ત્યારે તેઓ નરેન્દ્ર મોદીની સરકારમાં મહિલા અને બાળવિકાસમંત્રી હતાં.
આ કેસમાં તે સમયના ભાજપના પ્રમુખ અને હાલના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ SIT સમક્ષ માયા કોડનાણીની તરફેણમાં જુબાની આપી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે કોડનાણીની હાજરી સોલા સિવિલ હૉસ્પિટલ અને ગુજરાત વિધાનસભામાં હતી. જ્યારે સુપ્રીમ કોર્ટ કોડનાણીની જામીન અરજી સાંભળી રહી હતી, ત્યારે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ડિબેટેબલ છે, તેવી ટિપ્પણી કરી હતી.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો













