"આ કોઈ ધર્મનું કામ નથી. આ બધા લૂંટારુ છે." બિહાર શરીફમાં રામનવમીના દિવસે થયેલી હિંસાના પીડિતનો આક્રોશ

- લેેખક, ચંદનકુમાર જજવાડે
- પદ, બીબીસી સંવાદદાતા, બિહાર શરીફથી

- પાછલા કેટલાક દિવસોમાં રામનવમીની શોભાયાત્રા દરમિયાન અને તે પછી ગુજરાત સહિત દેશનાં કેટલાક રાજ્યોમાં ઘણી જગ્યાએ હિંસા થઈ હતી
- બિહાર શરીફમાં ફાટી નીકળેલી આવી જ હિંસામાં અત્યાર સુધી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તેમજ ઘણા લોકો ઘાયલ થયા છે
- બિહાર શરીફ રાજ્યના મુખ્ય મંત્રી નીતીશકુમારનો ગૃહ જિલ્લો પણ છે, હિંસા બાદ અહીં કેવી સ્થિતિ છે?
- આખરે હિંસાની શરૂઆત ક્યાંથી થઈ હતી અને શા કારણે થઈ હતી? જાણવા માટે વાંચો બીબીસી ગુજરાતીનો આ સંપૂર્ણ અહેવાલ

બિહારના નાલંદા જિલ્લાના બિહાર શરીફમાં બળતી દુકાનો, ગોદામો તથા ઘરમાંથી છુપાઈને બહાર નજર કરતા લોકોને જોઈને શહેરમાં ફેલાયેલી દહેશત અનુભવી શકાય છે.
અહીંના વેરાન રસ્તાઓ બરાબર ત્રણ વર્ષ પહેલાના કોવિડ લૉકડાઉનની યાદ અપાવતા હતા, પરંતુ પોલીસ અને અર્ધ-લશ્કરી દળોના જવાનોની મોટી હાજરી વચ્ચે વારંવાર પસાર થતા પોલીસ તથા વહીવટી તંત્રનાં વાહનો પરિસ્થિતિ બયાન કરતાં હતાં.
રસ્તા ઉપર સામાન્ય લોકો તો દેખાતા જ ન હતા. ઘરના કામસર બહાર નીકળેલા જૂજ લોકો ક્યાંક જરૂર દેખાતા હતા. વાસ્તવમાં અહીં પોલીસ સતત જાહેરાત કરતી હતી કે લોકો કોઈ કારણ વિના ઘરની બહાર ન નીકળે.

બિહારની રાજધાની પટણાથી લગભગ 70 કિલોમિટર દૂર આવેલું બિહાર શરીફ નાલંદા જિલ્લાનું વડું મથક છે. અહીં લગભગ સાડા ત્રણ લાખ લોકોની વસ્તી હોવાનું અને તેમાં 30-35 ટકા મુસ્લિમો હોવાનું માનવામાં આવે છે.
રામનવમીની શોભાયાત્રા દરમિયાન બિહાર શરીફમાં ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં એક વ્યક્તિનું મોત થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. હિંસામાં લાખોની સંપત્તિ બળીને રાખ થઈ ગઈ છે અને કેટલીક દુકાનોમાંથી તો આજે પણ ધુમાડો નીકળતો જોવા મળે છે.
અહીં કોમી ઉન્માદમાં એક મદરેસાની લાઇબ્રેરીને પણ આગ ચાંપવામાં આવી હતી અને બીજા સમુદાયનાં પુસ્તકોના એક ગોદામમાં પણ આગ ચાંપવામાં આવી હતી. આ આગને કારણે અનેક મૂલ્યવાન અને ઐતિહાસિક પુસ્તકો રાખ થઈ ગયાં છે.
બિહાર શરીફ રાજ્યના મુખ્ય મંત્રી નીતીશકુમારનો ગૃહ જિલ્લો પણ છે. અહીં રામનવમીની મુખ્ય શોભાયાત્રા દશમીના એટલે કે રામનવમી પછીના દિવસે કાઢવાના પરંપરા છે, પરંતુ આ વખતે શોભાયાત્રા પછી જે હિંસા થઈ તેને લીધે અહીં પરિસ્થિતિ તંગદિલીભરી છે.
શુક્રવારે રામનવમીના શોભાયાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. શનિવારે રાતે ફરીથી હિંસા થઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

વર્તમાન પરિસ્થિતિ

બે સમુદાયના લોકો વચ્ચે નારાબાજી પછી શુક્રવારે હિંસક અથડામણ થઈ હતી. બન્ને તરફથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને કેટલાંક અસામાજિક તત્ત્વોએ ગોળીબાર પણ કર્યો હતો.
શુક્રવારની હિંસાના આરોપસર પોલીસે લગભગ 30 લોકોની ધરપકડ કરી હતી, પરંતુ શનિવારે સાંજે અહીં થયેલી વધુ વ્યાપક હિંસામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું.
રવિવારે અહીં મોટી સંખ્યામાં પોલીસ અને અર્ધસૈનિક દળના જવાનોને તહેનાત કરીને પરિસ્થિતિ પર અંકુશ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

અહીં થયેલી હિંસાના કારણ જાણવા માટે પોલીસ કમિશનર તથા ઇન્સ્પેક્ટર જનરલે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંના સીસીટીવી કૅમેરાનું ફૂટેજ પણ જોયું છે.
નાલંદાના પોલીસ અધીક્ષક અશોક મિશ્રાએ બીબીસીને જણાવ્યું હતું કે બિહાર શરીફમાં ગત વર્ષે પણ રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ એ વખતે કોઈ હિંસા થઈ ન હતી. મોહરમના જુલૂસ વખતે પણ કોઈ હિંસા થઈ ન હતી.
અશોક મિશ્રાએ કહ્યુ હતું કે, “આ વર્ષે રામનવમીની શોભાયાત્રામાં બહુ મોટી ભીડ હતી. આ યાત્રાનું આયોજન વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ સાથે મળીને કરે છે. આ વખતે શોભાયાત્રામાં સામેલ લોકો થોડા વધારે ઉત્તેજિત જણાતા હતા.”
નાલંદા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રે રવિવારે સાંજે શહેરના તમામ 51 વૉર્ડના સભ્યો સાથે બેઠક યોજી હતી. તેમની સાથે મળીને શહેરમાં શાંતિ જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે.

હિંસા અટકાવીને પરિસ્થિતિ કાબૂમાં લીધાનો દાવો પોલીસે શુક્રવારે કર્યો હતો, પરંતુ શનિવારે સાંજે અહીં વધુ વ્યાપક હિંસા થઈ હતી. તેમાં ગોળીબારને કારણે એક વ્યક્તિનું મોત સારવાર દરમિયાન થયું હતું.
મોટી સંખ્યામાં પોલીસ તથા અર્ધસૈનિક દળોની મદદથી અહીં હિંસા પર લગામ તાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ શહેરનો માહોલ હજુ પણ તંગદિલીભર્યો છે. સામાન્ય લોકો ભયને કારણે ઘરમાં બંધ છે.
પોલીસના જણાવ્યા મુજબ, આ હિંસામાં સામેલ લગભગ 80 ઉપદ્રવીઓની ધરપકડ કરવામાં આવી છે.

હિંસાની શરૂઆત કેવી રીતે થઈ?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બિહાર શરીફમાં રામનવમીની શોભાયાત્રા માટે અલગ-અલગ વિસ્તારોની ઝાંકી શ્રમ કલ્યાણ કેન્દ્રના સ્ટેડિયમ સુધી આવે છે. અહીંથી બધા સાથે મળીને શોભાયાત્રાની શરૂઆત કરે છે. એ યાત્રા સમગ્ર શહેરમાં ફરીને લગભગ ત્રણ કિલોમિટર દૂર આવેલા મણિરામ અખાડા સુધી જાય છે.
આ વખતે શુક્રવારે બપોરે લગભગ ત્રણ વાગ્યે અહીં શોભાયાત્રાની શરૂઆત થઈ હતી અને લોકો રાંચી રોડ, મુરારપુર થઈને અખાડા તરફ આગળ વધતા હતા, પણ રાંચી રોડ પરના ગગન દીવાન વિસ્તાર સુધી શોભાયાત્રા પહોંચી ત્યાં સુધીમાં માહોલ બદલાવા લાગ્યો હતો.
વાસ્તવમાં શોભાયાત્રા દરમિયાન ગગન દીવાન પાસે અફવા ફેલાઈ હતી. એ વખતે નાલંદાના પોલીસ વડા ત્યાં જ હતા. એ વિસ્તારમાં પરિસ્થિતિ અંકુશમાં લેવામાં આવી હતી, પરંતુ મુરાદપુર મસ્જિદ પાસે નારાબાજી થયા પછી બન્ને સમુદાય વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો.
એ વખતે મોહમ્મદ સોહરાબુદ્દીન મસ્જિદમાં હાજર હતા. તેમના જણાવ્યા મુજબ, તેમણે છેલ્લાં 15 વર્ષમાં બિહાર શરીફમાં આવી હિંસા ક્યારેય જોઈ નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો મસ્જિદની ઉપર ચડી ગયા હતા અને મસ્જિદના મિનારા ઉપરાંત અંદરની દીવાલ તથા કાચ પણ તેમણે ફોડી નાખ્યાં હતા. અહીં ગોળીબાર કરવામાં આવ્યાનો દાવો પણ તેમણે કર્યો હતો.

નાલંદાના કલેક્ટર શશાંક શુભંકરના જણાવ્યા મુજબ, શુક્રવારે થયેલા ગોળીબારમાં કેટલાક લોકો ઘાયલ થયા હતા.
આ મસ્જિદની પાછળ 1910માં બનાવવામાં આવેલી એક મદરેસાને 1930માં સરકારી મંજૂરી પણ આપવામાં આવી હતી. આ મદરેસા અઝીઝિયામાં પણ તોડફોડ અને આગચંપીનાં નિશાન જોઈ શકાય છે.
આ મદરેસાના વર્ગખંડોમાં આગ ચાંપવામાં આવી હતી. પંખા, વીજળીના તાર બધાને નુકસાન થયું છે. એટલું જ નહીં, ઉપદ્રવકર્તાઓએ મદરેસાના વર્ગખંડોની દીવાલોને તોડવાના પ્રયાસ પણ કર્યા હતા.
આ હિંસામાં સૌથી વધુ નુકસાન અહીં ઉપલબ્ધ અનેક ઐતિહાસિક પુસ્તકોને આગ ચાંપી દેવાને કારણે થયું છે.
સ્થાનિક વકીલ મોહમ્મદ સરફરાઝ મલિકના જણાવ્યા મુજબ, અરબી તથા ફારસીનાં અનેક મૂલ્યવાન પુસ્તકો આગમાં સળગીને રાખ થઈ ગયાં છે. તેમાં કેટલાંક તો સેંકડો વર્ષ જૂનાં દુર્લભ પુસ્તકો હતાં.

હિંસા સતત ફેલાતી રહી

મસ્જિદ અને મદરેસા પાસે શરૂ થયેલી હિંસા પર પોલીસ કાબૂ મેળવે ત્યાં સુધીમાં તો તે શહેરના અનેક વિસ્તારમાં ફેલાવા લાગી હતી.
આ વિસ્તારના લહેરી થાણા ક્ષેત્રમાં જ બૂટ-ચંપલની એક દુકાનને આગ ચાંપી દેવામાં આવી હતી. એ દુકાનની બરાબર સામે આવેલી દવાની એક દુકાન પર અમારી મુલાકાત વિકી નામના એક યુવક સાથે થઈ હતી. વિકીએ જણાવ્યું હતું કે હંગામાની શરૂઆત ગગન દીવાનથી થઈ હતી અને પછી હિંસા ફેલાઈ હતી.
ગગન દીવાનમાં શું થયું હતું એ જાણવા અમે આગળ વધ્યા ત્યારે લહેરી પોલીસ થાણાથી થોડેક જ દૂર આવેલી એક દુકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. વાસ્તવમાં તે ટાયરની દુકાન હતી. તેમાં લાગેલી આગમાં બાજુમાં જ આવેલી ડ્રાઈક્લીનિંગની દુકાનનો એક હિસ્સો સપડાઈ ગયો હતો.
થોડી વારમાં ફાયર બ્રિગેડની એક ગાડી આવી પહોંચી હતી અને તેણે દુકાનમાંની આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
શહેરમાં ચારે તરફ હિંસાની નિશાની દેખાતી હતી. અહીંથી આગળ વધીને અમે ગગન દીવાન પહોંચ્યા ત્યારે અમારી મુલાકાત અરુણકુમાર મહેતા સાથે થઈ હતી. તેઓ આ વિસ્તારમાંના પ્રમિલા કૉમ્પ્લેક્સના માલિક છે. તેમાં અનેક દુકાનો તથા ગોદામ છે.

શુક્રવારે પ્રમિલા કૉમ્પ્લેક્સમાં પણ જોરદાર હિંસા અને આગચંપી થઈ હતી. અહીંની હાર્ડવેરની એક દુકાનમાં વ્યાપક તોડફોડ કરવામાં આવી હતી. પછી કૉમ્પ્લેક્સમાંની અનેક દુકાનોને આગ ચાંપવામાં આવી હતી.
અહીં થયેલી હિંસામાં અરુણકુમારની એક કાર અને ઇ-રિક્ષા સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયાં હતાં. પુસ્તકોના જથ્થાબંધ વેપારીના ગોદામમાં આગ ચાંપવામાં આવી હતી. તેમાં બળેલાં પુસ્તકો ચારે તરફ વિખેરાયેલાં જોવા મળ્યાં હતાં. અરુણકુમાર કેટલાક મજૂરો સાથે પોતાના કૉમ્પ્લેક્સ અને ભાડૂતોની બચેલી સંપત્તિ એકઠી કરવાના પ્રયાસ કરતા હતા.
તેમણે કહ્યું હતું કે, “આ કોઈ ધર્મનું કામ નથી. આ બધા લૂંટારુ છે. એક ચિકન શોપને આગ ચાંપવામાં આવી એ પછી બીજા સમુદાયના લોકોએ અમારા કૉમ્પ્લેક્સ પર હુમલો કર્યો હતો. અહીં દીવાલો તોડીને દુકાનની અંદર આગ ચાંપવામાં આવી હતી.”
આ કૉમ્પ્લેક્સમાં અમને અંગ્રેજી, હિંદી, અરબી અને ફારસી ભાષાનાં ઘણાં પુસ્તકો સળગતાં જોવા મળ્યાં હતાં.
શુક્રવારની હિંસાને કાબૂમાં લીધાનો દાવો પોલીસે કર્યો હતો અને શનિવારે બપોર સુધીમાં બિહાર શરીફમાં પરિસ્થિતિ અંકુશમાં હોય તેવું લાગતું હતું, પરંતુ શનિવારે કેટલાક વિસ્તારોમાં ફરી હિંસા શરૂ થઈ હતી.
બન્ને સમુદાયના લોકો વચ્ચે નારાબાજી અને પથ્થરમારો થયો હતો. સ્થાનિક પોલીસ વડાના જણાવ્યા મુજબ, શનિવારેની હિંસા દરમિયાન થયેલા ગોળીબારમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું હતું.

"બિહાર શરીફમાં છેલ્લા 4 દાયકાથી હિંસાની કોઈ મોટી ઘટના નથી બની"

બિહાર શરીફમાં તાજેતરનાં વર્ષોમાં આવી કોમી હિંસા થઈ નથી. મુખ્ય મંત્રીએ આ મામલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે અહીં અગાઉ આવું થતું હતું, પરંતુ તેના પર લગામ તાણવામાં આવી હતી.
બિહાર શરીફમાં કોઈએ જરૂર ગડબડ કરી હોવાની આશંકા નીતીશકુમારે વ્યક્ત કરી હતી. પોલીસ તેની તપાસ કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
વકીલ મોહમ્મદ સરફરાઝ મલિકે બીબીસીને કહ્યુ હતું કે, “બિહાર શરીફમાં 1981માં મોટી હિંસા થઈ હતી અને તે અહીંના ગ્રામ્ય વિસ્તારો સુધી ફેલાઈ હતી. 1998 અને 2000માં અહીં છૂટીછવાઈ હિંસા થઈ હતી. છેલ્લા ચાર દાયકાથી અહીં શાંતિપૂર્ણ માહોલ હતો.”
નાલંદાના પોલીસ વડા અશોક મિશ્રએ જણાવ્યુ હતું કે તેઓ ગયા વર્ષે પણ અહીં આવ્યા હતા, પરંતુ શહેરમાં તંગદિલી પણ ન હતી અને હિંસા પણ થઈ ન હતી.
તેમણે કહ્યું હતું કે, “આ વખતની રામનવમીની શોભાયાત્રામાં કેટલાંક અસામાજિક તત્ત્વોએ જરૂર કરતાં વધુ આક્રમકતા દેખાડી છે. તેને કારણે હિંસા શરૂ થઈ અને ફેલાઈ હતી. આ વખતે લોકો વધારે ઉત્સાહિત હતા. તેમણે આવું શા માટે કર્યું તેની તપાસ ચાલી રહી છે.”
અશોક મિશ્રના જણાવ્યા મુજબ, બિહાર શરીફમાં અગાઉ પણ ઘણા ધાર્મિક કાર્યક્રમો થયા છે, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આવી હિંસા થઈ નથી. આ વખતે શોભાયાત્રામાં શાંતિ રહેવાની અમને અપેક્ષા હતી, પરંતુ આ વખતે અસામાજિક તત્ત્વો વધારે હતાં.

‘શાંતિ એ જ સમાધાન’

બિહાર શરીફની હિંસામાં સામાન્ય લોકોની ચિંતા જાનમાલના નુકસાન ઉપરાંતની પણ છે. એક પુરુષ માથા પર વજનદાર પોટલું લઈને તેમના પરિવાર સાથે અહીંના મુખ્ય માર્ગ પરથી પસાર થતો જોવા મળ્યા હતા.
તેમણે પોતાનું નામ રઝક હોવાનું જણાવ્યુ હતું. તેમની સાથે તેમનાં નાનાં સંતાનો પણ હતાં, જેઓ બપોરના આકરા તાપમાં વાહનની શોધમાં કિલોમિટરો સુધી પગપાળા આગળ વધી રહ્યાં હતાં.

આ વાતાવરણમાં ક્યાં જઈ રહ્યા છો એવું અમે તેમને પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યુ હતું કે ગામડેથી નીકળ્યાં ત્યારે પરિસ્થિતિ કેવી છે તેની ખબર ન હતી. અહીં લહસંઢા નામના સ્થળે અમારે જવાનું છે.
તેમને, રસ્તા પર ચોકી કરી રહેલા પોલીસ કર્મચારીઓને કે અમને એ ખબર ન હતી કે વાહનની શોધમાં તેમણે હજુ કેટલું ચાલવું પડશે. તેમના ચહેરા પર, દિવસના પ્રકાશ અને રસ્તા પર પોલીસની હાજરીને લીધે રાહત જોવા મળતી હતી.
બિહાર શરીફમાં શાંતિ જાળવી રાખવા માટે હાલ અર્ધ-લશ્કરી દળની ત્રણ ટુકડીઓ તહેનાત કરવામાં આવી છે. એ ઉપરાંત બિહાર સશસ્ત્ર પોલીસની દસથી વધુ ટુકડીઓ પણ આ વિસ્તારમાં હાજર છે. શાંતિ સ્થાપના માટે નાલંદા તથા આસપાસના વિસ્તારોમાં પણ મોટા પ્રમાણમાં રાજ્ય પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.














