હિંમતનગરમાં રામનવમીની હિંસાના એક વર્ષ બાદ કેવી સ્થિતિ છે?

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, JULEE RUPALI

ઇમેજ કૅપ્શન, ફાઇલ તસવીર
    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"અહીં અમે બે પૈસા કમાઈને ઘર ચલાવીએ છીએ. ગયા વર્ષે રામનવમીના દિવસે તોફાનીઓએ મારી કૅબિન સળગાવી નાખી હતી. એમાં રાખેલો કેટલોક સમાન લૂંટાઈ ગયો અને કેટલોક સળગી ગયો. વર્ષોથી મહેનત કર્યા બાદ પણ એટલા પૈસા નથી કે હું મારી સળગેલી કૅબિન રિપૅર કરાવી શકું. પણ આ વખતે રામનવમીના દિવસે હું યાદ રાખીને બધો સામાન ઘરે લઈ જઈશ. જેથી કોઈ અપ્રિય ઘટના બને તો મને વધારે નુકસાન ન થાય."

સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના છાપરિયાવાડ વિસ્તારમાં નાનકડી દુકાન ધરાવતા ફારૂખ બહેલીમે આ વાત જણાવી હતી.

છાપરિયાવાડ અને આસપાસના વિસ્તારમાં એક વર્ષ પહેલાં રામનવમીના દિવસે થયેલી હિંસાની ઘટના આજે પણ લોકોના મનમાં છે.

એક વર્ષમાં હિંમતનગરમાં ઘણું-બધું બદલાયું છે પણ લોકોને એ દિવસ આજે પણ યાદ છે.

એક વર્ષ બાદના જીવન વિશે રામજી મંદિર વિસ્તારમાં રહેતાં ભારતીબહેન રામી કહે છે, "હિંસાના કારણે અમારા વિસ્તારનું નામ બદનામ થઈ ગયું છે. આવી કોઈ પણ ઘટના બને તો અમારા મહોલ્લામાં આવીને પોલીસ છોકરાઓને ઉપાડી જાય છે. અમારે મકાન વેચીને અહીંથી બીજે રહેવા જવું હોય તો પણ મકાન વેચાતા નથી, કારણ કે કોઈ ઘર લેવા જ તૈયાર નથી."

ગ્રે લાઇન

'ઉદાસ હોઉં ત્યારે તૂટેલી દુકાનના પથ્થર પર બેસું છું'

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, JULEE RUPALI

ઇમેજ કૅપ્શન, ઝાકિરખાન પઠાણ

ચાર બાળકોના પિતા ઝાકિર ખાને 12 વર્ષ પહેલાં છાપરીયાવાડ વિસ્તારમાં પોતાનો કાર પૅન્ટિંગ અને રિપૅરકામનો નાનકડો વ્યવસાય શરૂ કર્યો હતો, પણ હાલ તેઓ છૂટક મજૂરીકામ કામ કરે છે.

તેઓ કહે છે, "ખુદનો ધંધો શરૂ કર્યા પછી મને લાગતું હતું કે જીવન સરળતાથી વીતી રહ્યું છે. હું દર મહિને 35 હજાર રૂપિયા જેટલું કમાતો હતો પણ એ દિવસે મારી દુકાન સળગાવી દેવાઈ. મારી પાસે વીમો પણ નહોતો કે તેના પૈસા મળે."

તેમણે ઉમેર્યું, "હવે મારી પાસે ન તો હિંમત છે, ન તો પૈસા કે નવેસરથી દુકાન શરૂ કરી શકું. એટલે ઘણી વખત જ્યારે કામ ન હોય અને મન ઉદાસ હોય ત્યારે દુકાન પાસે આવું છું, તૂટેલી દુકાનના પથ્થર પર બેસું છું અને જૂના દિવસો યાદ કરું છું."

ઝાકિરભાઈ જેવા ઘણા લોકો છે, જેમને રામનવમીના દિવસે થયેલી હિંસાથી ઘણું બધું સહન કરવું પડ્યું છે.

અહીં રહેતાં જયશ્રીબહેન સોલંકીની સમસ્યા કંઈક અલગ છે. તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "અમારા રામજી મંદિર મહોલ્લામાં પાંચ લોકો એવા છે, જેમને હૃદયરોગની તકલીફ છે અને તેમને બાયપાસ સર્જરી કરાવવાની છે. જો હવે ફરી હિંસા થશે તો તેમને લઈને ક્યાં જઈશું?"

તેમનું કહેવું છે કે વર્ષ 2002માં થયેલાં રમખાણો બાદ સ્થાનિકોએ ઘણી વખત પોલીસચોકી તેમજ રામજી મંદિર અને છાપરિયાવાડ વચ્ચે એક 'પ્રોટૅક્શન-વૉલ' બનાવવાની માગ કરી હતી પરંતુ સરકારે તેમની વાત સાંભળી નથી.

તેઓ કહે છે, "દરેક ચૂંટણીમાં નેતાઓ આ બંને વાયદા કરે છે પણ ચૂંટણી પૂરી થયા બાદ કંઈ થતું નથી."

ગ્રે લાઇન

'દશેરાની જેમ જ રામનવમીના દિવસે પણ શોભાયાત્રા નીકળશે'

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, JULI RUPALI

ઇમેજ કૅપ્શન, રાજેન્દ્રસિંહ રાઠોડ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ષે 30મી માર્ચે રામનવમી છે અને ગત વર્ષની જેમ આ વર્ષે કોઈ છમકલું ન થાય તે માટે શહેરીજનો, પોલીસ અને સ્થાનિકતંત્રે પૂરતી તૈયારી રાખી છે.

તંત્ર દ્વારા કરાયેલાં આયોજન અગાઉ જ હિંદુ અને મુસ્લિમ નેતાઓએ 'શાંતિસમિતિ'ની બેઠક યોજી હતી.

છાપરિયાવાડની કસબાજમાતના અધ્યક્ષ યુસૂફખાન પઠાણ કહે છે, "ગયા વર્ષે જે થયું તેનું દુખ સૌને છે. જેના લીધે જ આ વખતે પહેલાં શાંતિસમિતિની બેઠક યોજી. આ વર્ષે રામનવમીના દિવસે છાપરિયાવાડમાં જનતા કર્ફ્યૂ રાખવાના છીએ."

તેમણે આગળ કહ્યું, "આ સિવાય નમાજના સમયે શોભાયાત્રા ન નીકળે તેવી માગ કરી હતી. જે શાંતિસમિતિની બેઠકમાં ગ્રાહ્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત કલેક્ટરને આવેદનપત્ર આપીને રામનવમીની શોભાયાત્રામાં વધુ પોલીસ બંદોબસ્તની માગણી કરી છે."

રામજી મંદિર મહોલ્લામાં રહેતા અને શાંતિસમિતિના સભ્ય રાજેન્દ્રસિંહ રાઠોડે કહ્યું, "આ વર્ષે રામનવમીની શોભાયાત્ર સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં નીકળે તે માટે અમે વહીવટીતંત્ર સાથે પણ કો-ઑર્ડિનેશન કર્યું છે. જે રીતે દશેરાની યાત્રા શાંતિપૂર્વક નીકળી હતી, રામનવમીની શોભાયાત્રા પણ એ જ રીતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાશે."

સાબરકાંઠાના ડીએસપી વિશાલ વાઘેલાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "આ વર્ષે રામનવમીની શોભાયાત્રા સમયે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ વિસ્તારમાં પોલીસકાફલો પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવશે."

તેમણે આગળ કહ્યું, "અમે શાંતિસમિતિના સભ્યો સાથે વાતચીત કરી છે. શોભાયાત્રાનો જે રૂટ નક્કી થયો છે એ સમગ્ર રૂટ પર પોલીસ તહેનાત રહેશે અને સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં પણ ખાસ કાળજી લેવાશે. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને."

હિંમતનગર રામનવમી હિંસા

હિંસા અને હિંમતનગરનો નાતો કેવો છે?

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, JULEE RUPALI

સુલતાન અહમદશાહનું પ્રિય શહેર અહમદનગર રાજસ્થાન અને ગુજરાત પર શાસન માટેનું મહત્ત્વનું નગર હતું. ત્યારબાદ આ નગર ઈડરમાં ભળતાં શહેરનું નવું નામ ઈડરના તત્કાલીન રાજા પ્રતાપસિંહના કુંવર હિંમતસિંહના નામ પરથી હિંમતનગર પડ્યું.

હિંમતનગરના ઇતિહાસ અને હિંસા સાથેના સંબંધ વિશે જાણીતા ગાંધીવાદી અને ઇતિહાસવિદ્ કવિ મનહર જમીલ કહે છે, "પૂર્વે રાજસ્થાનનો હિસ્સો રહી ચૂકેલા હિંમતનગરમાં રાજસ્થાનની છાંટ હજુ જોવા મળે છે. આ શહેરમાં દર અડધો કિલોમીટરે રાજસ્થાનની દાલબાટીની રેસ્ટોરાં જોવા મળે છે."

ગુજરાતની સ્થાપના બાદ રાજસ્થાનના ડુંગરપુર સ્ટેટમાંથી ગુજરાતમાં ભળેલા આ શહેરે અનેક કોમી હિંસાઓ જોઈ છે.

તેમણે વધુમાં કહ્યું, “એ પછી 1985માં થયેલાં કોમી તોફાનોમાં ગુજરાતમાં છ મહિના કર્ફ્યૂ રહ્યો ત્યારે અને વર્ષ 1992માં બાબરી મસ્જિદનું ‘વિવાદિત માળખું’ તૂટ્યું ત્યારે અને 2002માં રાજ્યમાં સાંપ્રદાયિક રમખાણો થયાં ત્યારે પણ શહેરમાં થોડાં તોફાનો પછી શાંતિ સ્થપાઈ હતી.”

જમીલે ઉમેર્યું, “જૂની વાતો અને યાદોને વિસારે પાડીને બધા એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. પણ ગયા વર્ષે રામનવમીના દિવસે થયેલા કોમી છમકલા બાદ બુલડોઝર ફર્યાં, જેના કારણે તે સમયે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી હતી.”

બીબીસી

રામનવમીના દિવસે અચાનક કેવી રીતે ફાટી હતી હિંસા?

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
  • હિંમતનગરમાં ગત વર્ષે રામનવમી નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી અને એ દરમિયાન એક જ દિવસમાં પથ્થરમારાની બે ઘટના બની હતી
  • રામનવમીની ઉજવણી માટેની શોભાયાત્રા છાપરિયાવાડ વિસ્તારમાંથી પસાર થઈ ત્યારે બપોરના સમયે પથ્થરમારાની ઘટના બની અને સાંજે પાંચેક વાગ્યે ફરીથી અહીં જ પથ્થરમારો થયો હતો
  • આ પથ્થરમારા બાદ સ્થિતિ વણસતાં કેટલાક લોકોએ અહીં પડેલાં વાહનોમાં પણ આગ લગાડી હતી. બાઇક, કાર સહિતનાં અંદાજે પાંચ વાહનોમાં આગ લગાડવામાં આવી હતી
  • પોલીસે પરિસ્થિતિને થાળે પાડવા માટે ટિયરગૅસના શેલ છોડવા પડ્યા હતા
  • અહેવાલો મુજબ આ ઘટનામાં જિલ્લા પોલીસવડા સહિત કેટલાક પોલીસકર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા

હિંમતનગરની ઘટના બાદ ત્યાં પહોંચેલા હિંમતનગર પોલીસના રેન્જ આઈજી (ઇન્સ્પેક્ટર જનરલ) વી. ચંદ્રશેખરે કહ્યું હતું, "રામનવમીના દિવસે નીકળેલી રેલી પર પથ્થરમારો થયો હતો, જે બાદ સ્થિતને કાબૂમાં લેવા માટે ગાંધીનગર, મહેસાણા તથા સાબરકાંઠાથી વધારે સુરક્ષાદળો બોલાવવામાં આવ્યાં, જે બાદ સ્થિતિ કાબૂમાં આવી હતી."

તેમણે કહ્યું હતું, "સ્થિતિને કાબૂમાં લીધા બાદ પોલીસ આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે બાદ ફરી સાંજે પાંચ વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. અહીં કેટલાંક વાહનોને સળગાવી દેવામાં આવ્યાં હતા અને કેટલાક પોલીસકર્મીઓને પણ ઈજા થઈ હતી."

બીબીસી

કોમી છમકલાં બાદ ચાલ્યું હતું બુલડોઝર

હિંમતનગર રામનવમી હિંસા

ઇમેજ સ્રોત, SHAILESH CHAUHAN

ઇમેજ કૅપ્શન, હિંમતનગરમાં રામનવમીના કોમી છમકલાં બાદ થયેલી દબાણ હટાવવાની ફાઈલ તસવીર

ઘટના બાદ હિંમતનગરના કેટલાક વિસ્તારોમાં કલમ 144 લગાવી દેવાઈ હતી. ઉપરાંત આ વિસ્તારોમાં આરએએફ અને એસઆરપી સહિતની કંપનીઓને ખડકી દેવાઈ હતી.

હિંમતનગરમાં એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસસ્ટેશનમાં ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધીને પોલીસે કાયદેસર કાર્યવાહી કરી હતી.

પોલીસે 39 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ કરી હતી અને 700થી વધુનાં ટોળાં સામે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદ નોંધાઈ હતી.

હિંસા બાદ સ્થાનિક તંત્ર દ્વારા કથિતપણે પથ્થરમારો અને હિંસાના આરોપીઓની મિલકતો અને લઘુમતી સમાજની આસપાસની મિલકતોને ‘ગેરકાયદેસર દબાણ’ ગણાવી તોડવાની પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી.

આ સમાચાર સમગ્ર દેશમાં વીજળીવેગે પ્રસર્યા હતા, અને તેની સરખામણી ઉત્તર પ્રદેશમાં લઘુમતી સમાજના હિંસાના આરોપીઓની મિલકતો પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી સાથે કરાઈ હતી.

જોકે, સ્થાનિક તંત્ર દ્વારા ‘કોઈ પણ પ્રકારના દ્વેષ સાથે આ કાર્યવાહી ન કરાઈ’ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

રેડ લાઇન
રેડ લાઇન