સોશિયલ મીડિયા પર મુસલમાનો, મહિલાઓ અને દલિતોને ટાર્ગેટ કરનારાં એકાઉન્ટ્સથી નફરત કઈ રીતે ફેલાવાય છે?- BBC Investigation
- લેેખક, દિવ્યા આર્ય, વિનીત ખરે
- પદ, બીબીસી સંવાદાતા
ગયા વર્ષે 13 મેએ કેટલાંક ટ્વિટર એકાઉન્ટ્સનું ધ્યાન એક યૂટ્યૂબ ચૅનલ 'લિબરલ ડોજે'ના લાઇવસ્ટ્રીમ પર પડ્યું, જેમાં ઈદ ઊજવતી પાકિસ્તાની છોકરીઓની તસવીરો અને વીડિયો પર અભદ્ર કૉમેન્ટ્સ કરાતી હતી.

આ લાઇવસ્ટ્રીમની હેડલાઇન હતી, "પાકિસ્તાની ગર્લ્સ રિવ્યૂઃ આજે આપણે લાલસા ભરેલી આંખે છોકરીઓને જોઈશું".
રિપોર્ટ્સ અનુસાર આ ચૅનલના વીડિયોઝમાં મુસલમાનો વિરુદ્ધ હેટ સ્પીચની ભરમાર હતી. આ ચૅનલને યૂટ્યૂબ પરથી હઠાવી દેવાઈ છે.
13 મેએ લાઇવસ્ટ્રીમમાં આ છોકરીઓ વિશે અશ્લીલ વાતો કહેવાઈ, એમને ગાળો ભાંડવામાં આવી.
પોતાને અંબરીન તરીકે ઓળખાવનારાં એક પાકિસ્તાની મહિલાએ લાઇવસ્ટ્રીમ પર ટ્વીટ કરતાં લખ્યું, "દરેક પાકિસ્તાની છોકરી પોતાની તસવીર હઠાવી રહી છે…છોકરીઓ અસુરક્ષિત અનુભવે છે, તેઓ ડરેલી છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
આ લાઇવસ્ટ્રીમમાં લગભગ 40 પાકિસ્તાની છોકરીઓની તસવીરો એમની મંજૂરી વગર જ પોસ્ટ કરવામાં આવી હતી; અને એ લાઇવસ્ટ્રીમમાં 500 કરતાં વધારે લોકો જોડાયા હતા જેઓ છોકરીઓને 10માંથી કોઈ એક નંબર દ્વારા રેટ આપતા હતા.
આ બધા પાછળ દિલ્લીની નજીક રહેનારા 23 વર્ષીય રિતેશ ઝા અને પોતાને કેશુ તરીકે ઓળખાવનાર એક શખ્સ હતા.
આ બનાવ બન્યાના આઠ મહિના પછી બીબીસી સાથે વાત કરતાં રિતેશ ઝાએ કહ્યું કે, "મારી અંદર નફરત ભરાઈ ગઈ હતી. મેં સોશિયલ મીડિયા પર, ઇન્સ્ટાગ્રામ, રેડ્ડિટ, ટેલિગ્રામ પર મુસ્લિમ હૅન્ડલ્સની એવી ગંદી પોસ્ટ્સ જોઈ હતી જેમાં હિન્દુ છોકરીઓની મૉર્ફ કરેલી તસવીરો હતી. મને થયું કે હું બદલો લઉં, પણ એ મારી ભૂલ હતી અને પાછળથી મેં માફીનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો."
રિતેશ ઝા, 'સુલ્લી ડીલ્સ' અને 'બુલ્લી બાઈ' ઍપ બનાવનારા લોકો કદાચ ક્યારેય એકબીજાને સામસામે મળ્યા પણ નહીં હોય, પરંતુ એક ખાસ વિચારધારાની અસર હેઠળ આ બધા યુવા ઇન્ટરનેટની બીજી બાજુ ઉજાગર કરે છે.
જેમાં મુસલમાનો વિરુદ્ધ ફેલાઈ રહેલી નફરતનાં ઘણાં પાસાં દેખાઈ રહ્યાં છે - મુસલમાન મહિલાઓની તસવીરોની ઑનલાઇન લિલામી માટે બનાવાયેલી 'સુલ્લી ડીલ્સ' અને 'બુલ્લી બાઈ' ઍપ્સ, પાકિસ્તાની છોકરીઓની તસવીરોની યૂટ્યૂબ પર લાઇવસ્ટ્રીમિંગથી માંડીને ક્લબહાઉસ ઍપ પર મુસલમાન છોકરીઓના શરીર વિશે અભદ્ર ટિપ્પણીઓ સુધી… ઘણું.
અમને જોવા મળ્યું કે આવી નફરતનો શિકાર માત્ર મુસલમાન મહિલાઓ જ નથી બની, હિન્દુ મહિલાઓની તસવીરોમાંના ચહેરાને નગ્ન શરીર પર મૉર્ફ કરીને એમની જાતીય સતામણી પણ કરાય છે, બળાત્કારની ધમકીઓ અપાય છે. દલિતોને નીચું દેખાડાય છે, એમની સામેની આભડછેટને યોગ્ય ઠરાવાય છે.
કટ્ટર દક્ષિણપંથની ઑનલાઇન દુનિયાની અમારી શોધખોળમાં અમે એવા લોકો સાથે વાત કરી જેઓ આવી દુનિયાનો ભાગ છે, જેમનાથી આવી દુનિયાનો વ્યાપ વધ્યો, જેમણે એમાં વધુ ને વધુ લોકોને જોડ્યા છે.

પ્રારંભિક અસર

ઈ.સ. 2013-14માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પહેલી વાર ભારતમાં દક્ષિણપંથની એક મજબૂત લહેર હતી. રિતેશના જણાવ્યા અનુસાર એ દરમિયાન જ એમના હાથમાં પહેલી વાર મોબાઇલ આવેલો. એ વખતે તેઓ નવમા ધોરણમાં હતા.
ભણવામાં એમનું કંઈ ખાસ ધ્યાન નહોતું ચોંટતું. રિતેશે યાદ કરીને જણાવ્યું કે, "સોશિયલ મીડિયા પર મીમ્સ આવતાં હતાં, નેતાઓનાં ભાષણ સાંભળતો હતો, 'હિન્દુ ખતરે મેં હૈ', 'વો એક મારેં, તુમ દસ મારના' જેવાં સૂત્રો સાંભળતો હતો, રાતદિવસ હિન્દુ-મુસ્લિમમાં રચ્યોપચ્યો રહેતો હતો, ઇન્ટરનેટ પર પાકિસ્તાનીઓ સાથે દલીલો કરવા લાગ્યો હતો."
"તમને ખબર જ ન પડે કે તમે ક્યારે રૅડિકલ થઈ ગયા, તમારી અંદર આક્રોશ ભરાઈ જાય છે, તમને લાગે છે કે તમારા ધર્મના કારણે તમને ઓછું મળ્યું છે, ભેદભાવ કરાય છે, એટલે સુધી કે તમે ઑનલાઇન-ઑફલાઇન બદલો લેવાની હિંસા વિશે વિચારવા લાગો છો."
રિતેશ જાતે જ બધું શીખ્યા અને યૂટ્યૂબ પર 15-20 ચૅનલ્સ બનાવી. થોડાક જ સમયમાં એમના સબ-સ્ક્રાઇબર્સની સંખ્યા લાખોના આંકડાને પાર ગઈ અને રિતેશને કમાણી પણ થવા લાગી.
એમાં પેલા હલાલા પ્રથા (પતિ સાથે છૂટાછેડા પછી એ જ પુરુષ સાથે ફરી લગ્ન કરવા બીજા પુરુષ સાથે લગ્ન કરી છૂટાછેડા લેવા), બુરખો પહેરવો, મુસલમાનોએ વધારે બાળકો પેદા કરવા જેવા મુદ્દા પર બોલતા. પોતાની આ 'ડાર્ક હ્યુમર'ને એમણે 'ડોજે પંથ' નામ આપ્યું.
રિપોર્ટિંગના કારણે આ બધી ચૅનલ્સ યૂટ્યૂબ પરથી હઠાવી દેવાઈ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રિતેશે હવે એક નવી ચૅનલ શરૂ કરી છે. એમનો દૃષ્ટિકોણ પણ પહેલાંના જેવો જ છે. એમના વીડિયો મુસલમાનવિરોધી ટિપ્પણીઓથી ભરેલા છે. કેટલાક લોકોએ આ નવી ચૅનલને પણ રિપોર્ટ કરવાનું શરૂ કરી દીધું છે.
આ વીડિયોઝની શરૂઆતમાં એક ડિસ્ક્લેમરમાં ભારતીય બંધારણમાંના વાણીસ્વાતંત્ર્યનો આધાર ટાંકવામાં આવે છે અને એ પણ કે વીડિયો યૂટ્યૂબની કૉમ્યુનિટી ગાઇડલાઇન્સનું પાલન કરે છે.
રિતેશે ખુલાસો કરતાં કહ્યું, "આ બધું 'ડાર્ક હ્યુમર' છે." બિલકુલ એવું; એમના જણાવ્યા અનુસાર એમના દ્વારા કરાયેલું છોકરીઓની તસવીરોનું સ્ટ્રીમિંગ "માત્ર ટિકટૉક કે ઇન્સ્ટા-રિલ્સ કે બ્યૂટી કૉન્ટેસ્ટ જેવું હતું."

કોણ છે આ નવયુવકો જે આવા વીડિયો બનાવે છે?

'સુલ્લી ડીલ્સ' અને 'બુલ્લી બાઈ' ઍપ બનાવવાના આરોપસર પોલીસ દ્વારા પકડાયેલાં શ્વેતા સિંહ 18 વર્ષનાં છે; વિશાલ ઝા, મયંક રાવત, નીરજ બિશ્નોઈ 21ના; ઓંકારેશ્વર ઠાકુર 26 અને નીરજ સિંહ 28 વર્ષના છે.
ક્લબહાઉસના કેસમાં ધરપકડ કરાયેલા યશ પરાશરની ઉંમર 22 વર્ષ, જૈશ્નવ કક્કરની 21 અને આકાશની ઉંમર માત્ર 19 વર્ષ છે.
મુંબઈ પોલીસમાં સૌપ્રથમ સાઇબર સેલની શરૂઆત કરનારા વિશેષ આઈજી બ્રજેશ સિંહે જણાવ્યા અનુસાર ઇન્ટરનેટની 'ગુમનામી' તમને પકડી નહીં શકાય એવો અહેસાસ કરાવે છે, જેના કારણે માણસાઈ ઓછી થઈ જાય છે અને હિંસા (કોઈના પ્રત્યે બદલો લેવાની ભાવના) વધારે ખતરનાક રૂપ ધારણ કરે છે.
"એવી ઘણી ઍન્ટિ-ફોરેન્સિક તકનીક છે જેનાથી આવા લોકોને પકડી શકાય, પરંતુ આવા લોકોને એનાથી બચવાની રીતો ખબર છે એટલે તેઓ પહેલાંથી વીપીએન, ટોર, વર્ચુઅલ મશીન અને એન્ક્રિપ્શનનો ઉપયોગ કરી લે છે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
ઓંકારેશ્વર ઠાકુરની ધરપકડ કરાઈ એ સમયે દિલ્લી પોલીસના ડીસીપી કે.પી.એસ. મલ્હોત્રાએ જણાવ્યું કે તેઓ (ઠાકુર) ટ્વિટર પર મુસ્લિમ મહિલાઓને ટ્રોલ કરનારા એક 'ટ્રૅડ' ગ્રૂપના સદસ્ય પણ હતા.

ભારતીય કટ્ટર દક્ષિણપંથઃ 'ટ્રૅડ્સ'

ભારતમાં એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટી સત્તા પર આવ્યા પછી દક્ષિણપંથી વિચારધારાના પ્રચાર-પ્રસારમાં વધારો થયો છે.
સામાન્ય લોકોને હજુ થોડાક દિવસ પહેલાં જ ખબર પડી કે દક્ષિણપંથી વિચારધારા સાથે જોડાયેલાં બે મોટાં સમૂહ છે — એક, 'ટ્રેડ્સ' અને બીજું, 'રાયતા'.
'ટ્રેડ'એ 'ટ્રેડિશનલિસ્ટ'નું ટૂંકું રૂપ છે અને જાડા અર્થમાં સમજીએ તો એ લોકો પરંપરાઓ પ્રમાણે જીવન જીવવામાં માને છે અને એને બદલવા નથી માગતા. જે સતીપ્રથા, બાળવિવાહ, ઘૂંઘટપ્રથાને યોગ્ય માને છે અને બ્રાહ્મણોને ચાતુર્વર્ણ્યવ્યવસ્થામાં સૌથી ઉપર ગણે છે.
એ જરૂરી નથી કે તેઓ નરેન્દ્ર મોદીના સમર્થક હોય. એમનું માનવું છે કે મહિલાઓએ ઘરમાં રહેવું જોઈએ અને એમણે નોકરી ન કરવી જોઈએ.
'બુલ્લી બાઈ' અને 'સુલ્લી ડીલ્સ'નાં ભોગ બનેલાં સાનિયા સય્યદે 'ટ્રૅડ્સ' વિશે જણાવ્યું કે, "એ એક-બે લોકો નથી. એવા બહુ બધા લોકો છે જેમની ઉંમર લગભગ 20-23ની વચ્ચે છે. એમને લાગે છે કે (કેન્દ્રમાં) એક નિર્મમ નેતા હોવા જોઈએ."
સય્યદે જણાવ્યું કે, "તેઓ લિંચિંગની પ્રશંસા કરે છે, જાતિવ્યવસ્થામાં માને છે. તેઓ કહે છે કે, ના મુસલમાન હોવા જોઈએ, ના ખ્રિસ્તી."
ટ્વિટર પર એચઆર નામના હૅન્ડલનો ઉપયોગ કરનાર એક શખસનું કહેવું છે કે એ પણ એક 'ટ્રૅડ' હતા. આવું એટલા માટે કેમ કે એચઆર ખુદ દલિત જાતિના છે.
એમણે પોતાની ઓળખ જાહેર ન કરવાનો આગ્રહ કર્યો છે. નામ જાહેર થવાના કારણે એમને 'ડૉક્સિંગ'ની એટલે કે એમની અંગત માહિતી સાર્વજનિક થઈ જવાની બીક છે.
ઈ.સ. 2020ની શરૂઆતમાં એમને ઇન્સ્ટાગ્રામના એક 'ટ્રૅડ' ગ્રૂપમાં સામેલ કરવામાં આવ્યા હતા. એમને કહેવાયું હતું કે તેઓ સોશિયલ મીડિયા પર મુસલમાનો સાથે સારી રીતે દલીલો કરી શકે છે. એમને જણાવાયું કે આ ગ્રૂપનો હેતુ હતો, હિન્દુ ધર્મ વિશે સાચી માહિતી ફેલાવવી. એચઆર આ ગ્રૂપમાં જોડાઈ ગયા.
એ દિવસો વિશે તેમણે જણાવ્યું કે, "હું હિન્દુ ધર્મની જૂની પરંપરાઓ જેવી કે, સતીપ્રથા, બાળવિવાહ, આભડછેટને યોગ્ય માનતો હતો, આપણા આ ઇતિહાસ પર ગૌરવ અનુભવતો હતો, એટલે હું આ ગ્રૂપમાં જોડાઈ ગયો."
એચઆરને 14-15 વર્ષના હિન્દુ કિશોરોને આ ગ્રૂપમાં જોડવાનું કહેવાયું.
સમય વીતવા સાથે એમણે જોયું કે ગ્રૂપમાં દેખીતી રીતે એક તરફ ગ્રંથોની વાતો કરાય છે, તો બીજી બાજુ અંદર એના સદસ્ય નફરત અને હિંસાત્મક વર્તનને પ્રોત્સાહન આપે છે. જેમ કે, દલિતોને હિન્દુ ન માનવા, હિન્દુ રાષ્ટ્ર બનાવવા મુસલમાન મહિલાઓ પર બળાત્કારની વાતો કરવી, બાળકોની હત્યાને પણ યોગ્ય ગણવી, જાતિ માટે 'ઑનર કિલિંગ' એટલે કે આબરૂના નામે હત્યા અને આંતરરાષ્ટ્રીય લગ્ન કરનારાઓ વિરુદ્ધ ધમકીઓ આપવી.
એચઆરના જણાવ્યા અનુસાર હેરાનપરેશાન કરવાનું સ્તર એટલું બધું હતું કે કેટલીક છોકરીઓએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો.
પરંતુ 'ટ્રૅડ' વિચારધારામાં માનનારાઓમાં એકલા છોકરાઓ નહીં, છોકરીઓ પણ છે, જે ખુદ લાજ કાઢવાની પ્રથાનું સમર્થન કરે છે અને કરવાંચોથ કરનારા પુરુષોને ટ્રોલ કરીને 'નામર્દ' કહે છે.
એચઆરએ ગ્રૂપમાં રહીને ક્યારેય પોતાની જાતિ જાહેર ન કરી, પરંતુ એ એમના માટે અતિશય પીડાદાયક થઈ ગયું હતું.
તેમણે જણાવ્યું કે, "હું એમને સમજાવતો હતો પણ તેઓ કંઈ સાંભળવા જ તૈયાર નહોતા. ક્યારેક ક્યારેક એમ થતું કે એમની પાસે દિલ જેવું કંઈ નથી. તેઓ કહેતા પણ હતા કે એવા મર્દ બનો જેને કોઈ પણ વાતથી કશો ફરક ના પડે, જે પોતાની વાત મનાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે; પરંતુ હું કોઈને નુકસાન પહોંચાડવા નહોતો માગતો."
એચઆરએ જણાવ્યા અનુસાર એ લોકો લિંચિંગની તસવીરો શેર કરતા હતા અને ડીંગો હાંકતા હતા કે કેવો એમણે પોતાના મહોલ્લાના કોઈ મુસલમાન છોકરાને ધોઈ નાખ્યો.
છેવટે એચઆરએ એ ગ્રૂપ અને 'ટ્રૅડ' સમુદાય છોડી દીધાં અને હવે પોતાના જેવા લોકો સાથે મળીને ટ્રૅડ્સ બંધ કરાવવાનું કામ કરે છે.

'ટ્રૅડ્સ' સાથે અસંમત દક્ષિણપંથઃ રાયતા

'ટ્રૅડ્સ'એ પોતાની વાતો સાથે અસંમત દક્ષિણપંથી લોકોને 'રાયતા' કહીને બોલાવવા શરૂ કરી દીધા અર્થાત્ એવા લોકો જેઓ, સામાન્ય ભાષામાં કહેવું હોય તો, 'રાયતું ફેલાવતા રહે છે'.
મોના શર્મા હિન્દુ છે, દક્ષિણપંથી છે અને 'રાયતા'ની વ્યાખ્યામાં આવે છે, પરંતુ એમને આ શબ્દ અપમાનજનક લાગે છે.
ટ્રૅડ અને રાયતા વચ્ચેનો ભેદ દર્શાવતાં મોનાએ જણાવ્યું કે, "'રાયતા' સંઘી, ભાજપ, દક્ષિણપંથી, હિન્દુત્વના સમર્થક હોય છે, જે યોગી, મોદી જેવા નેતાઓને પસંદ કરે છે, પરંતુ ટ્રૅડ્સની તુલનાએ 'રાયતા' પોતાના વિચારો કાયદાની સીમામાં રહીને રજૂ કરે છે."
મોના શર્માના જણાવ્યા અનુસાર, એમના 'પ્રોગ્રેસિવ' વિચારોના કારણે એમને ટ્રૅડ્સે ટાર્ગેટ કર્યાં, એમને 'રંડી' જેવા અપશબ્દ કહેવાયા અને એમના પતિની અંગત માહિતી સાર્વજનિક કરી દેવાઈ.
મોના સ્વીકારે છે કે ઇસ્લામિક ચરમપંથ વિશે તેઓ પોતે ઉદારવાદી અને દક્ષિણપંથી વિચારધારામાં માનતા લોકો સાથે વાદ-વિવાદ અને એમનું ટ્રોલિંગ કરે છે; પરંતુ ટ્રૅડ સમુદાયને કંઈક વધારે ખતરનાક ગણાવે છે.
બીબીસી સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે, "એમના વિચાર તાલિબાન જેવા જ તો છે કે મહિલાઓ ઘરમાં રહે, બાળકો પેદા કરે, લાજ કાઢે, વધારે ભણે નહીં, લવ-મૅરેજ ના કરે. આ લોકો મજબૂત થયા તો કાયદો-વ્યવસ્થા ખતમ થઈ જશે, મહિલાઓનું જીવન પાછું 16મી સદી જેવું થઈ જશે."
મોનાએ જણાવ્યા અનુસાર, ઈ.સ. 2020માં જે સમયે કોવિડ સંક્રમણ અટકાવવા માટે પહેલું લૉકડાઉન થયું, લગભગ એ સમયથી આવાં ટ્રૅડ એકાઉન્ટ્સ ખૂબ સક્રિય થયાં.
તેમણે જણાવ્યું કે, "પહેલાં તો તેઓ ભાજપ સમર્થક જ લાગ્યા. અમારી જેમ ઇસ્લામ, રમખાણ અને આતંકવાદની વિરુદ્ધ બોલતા, પરંતુ જ્યારે મારા જેવી રાઇટ વિંગની હિન્દુ મહિલાઓ એમની જૂની વિચારધારા અંગે સવાલ કરવા માંડી તો તેઓ અમને જ ટાર્ગેટ કરવા લાગ્યા."
"એમનાથી દારૂ પીનારી, વેસ્ટર્ન કપડાં પહેરનારી મૉડર્ન, ભણેલી-ગણેલી મહિલાઓ સહન નથી થતી. અમે એમના માટે સંપૂર્ણ હિન્દુ નથી, કેમ કે અમે દલિત અને મુસલમાનો વિરુદ્ધ હિંસાનો પ્રચાર નથી કરતાં."
મોનાએ જણાવ્યા અનુસાર ટ્રૅડ વડા પ્રધાન મોદીને પણ પસંદ નથી કરતા, એમને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે પ્રભાવશાળી નથી માનતા અને 'મૌલાના મોદી' કહે છે.
દક્ષિણપંથી વિચારધારા પર લેખ લખનારા કૉલમનિસ્ટ અભિષેક બેનરજી પણ પોતાને 'રાયતા' ગણાવે છે અને દક્ષિણપંથનાં આ જુદાં જુદાં જૂથોની તુલના વામપંથનાં જૂથો સાથે કરે છે.
બીબીસી સાથેની વાતચીતમાં એમણે જણાવ્યું કે, "દક્ષિણપંથનું આ વિભાજન ઘણા લાંબા સમયથી છે પણ ચર્ચામાં હવે છે, કેમ કે દક્ષિણપંથ સત્તામાં છે. રાજકારણમાં એનું પ્રભુત્વ છે અને સામાન્યજનોમાં એ લોકપ્રિય થઈ રહ્યો છે."
'ટ્રૅડ્સ' અને 'રાયતા' ઉપરાંત 'યુનિયનિસ્ટ' અને 'બ્લૅક પિલર્સ' જેવી વિચારધારાઓ પણ આ વર્તુળમાં આવે છે.
આવી દુનિયા સાથે જોડાયેલા એક શખ્સે જણાવ્યા અનુસાર પોતાને 'યુનિયનિસ્ટ' ગણાવનારા દલિતોને અશુદ્ધ માને છે અને એમને આ દુનિયામાંથી ખતમ કરી દેવાની વાત કરે છે.
'બ્લૅક પિલર્સ' એ લોકો છે જેમણે એવું માની લીધું છે કે ભારત ક્યારેય હિન્દુ રાષ્ટ્ર નહીં બને અને સમસ્યાનું મૂળ બિનસાંપ્રદાયિક લોકશાહી છે.
મીડિયામાં જ્યારથી ટ્રૅડ અને રાયતા વિશે લખાવા લાગ્યું અને એની પહેલાં બુલ્લી બાઈ અને સુલ્લી ડીલ્સ માટે પોલીસે ધરપકડ શરૂ કરી, ત્યારથી કાં તો આ જૂથો સાથે સંકળાયેલા કેટલાયના સૂર બદલાઈ ગયા, કાં તો પોતાનું એકાઉન્ટ બંધ કરીને ભૂગર્ભમાં સંતાઈ ગયા છે.

આગળ શું?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
સુલ્લી-બુલ્લી કેસમાં પાંચ જણાંની ધરપકડ થઈ પરંતુ ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ, રેડ્ડિટ અને ટેલિગ્રામ જેવી ઍપ્સ પર નફરત ફેલાવવાનો સિલસિલો એમનો એમ છે.
બીબીસી સાથેની વાતચીતમાં મુંબઈ પોલીસના ડીસીપી, સાઇબર ક્રાઇમ, રશ્મિ કરાંદિકરે જણાવ્યું કે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને જલદી જ કોઈ પરિણામ જોવા મળશે.
પોલીસ અનુસાર, આનું એક મોટું કારણ એ છે કે, વિદેશી સોશિયલ મીડિયા કંપનીઓનો જોઈએ એટલો સહકાર નથી મળતો.
મુંબઈ પોલીસના વિશેષ આઇજી બ્રજેશ સિંહે જણાવ્યું કે, "જ્યારે અમે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સને માહિતી આપવા માટે લખીએ છીએ તો જવાબ આવે છે કે તેઓ માત્ર અમેરિકાના કાયદાનું પાલન કરશે અને ત્યારે જ માહિતી આપશે જ્યારે તેઓ નિશ્ચિત કરી લેશે કે ગુનો થયો છે કે નહીં."
સુલ્લી ડીલ્સ અને બુલ્લી બાઈ ઍપ્સના કેસમાં થયેલી ધરપકડ વિશે તેમણે જણાવ્યું કે ઍપ્સને ટ્રૅક કરવી સરળ હોય છે.
તેમણે જણાવ્યું કે, "ઍપ સ્ટોર પરથી આપણે જાણી શકીએ છીએ કે કોણે ઍપ બનાવી અને પછી વધારાની શોધતપાસ આસાન થઈ જાય છે. પરંતુ જ્યારે એક વિચારણાના લોકો સમૂહમાં સોશિયલ મીડિયા પર કામ કરે છે ત્યારે એમની માહિતી એ જ પ્લૅટફૉર્મ પાસે હોય છે. પ્લૅટફૉર્મ ઇચ્છે તો એમનાં ડિવાઇસ, મૉડલ નંબર, ઑપરેટિંગ સિસ્ટમ, લોકેશન, એમણે બનાવેલાં બીજાં અકાઉન્ટ, જો તેઓ વીપીન કે ટોરનો ઉપયોગ કરતા હોય કે બૉટ જેવું વર્તન કરે છે, એ બધું આપણને જણાવી શકે, પરંતુ જણાવતાં નથી."
બ્રજેશ સિંહ અનુસાર કાયદા-વ્યવસ્થા પાસે એટલી બધી સગવડ નથી કે એ લાખો અકાઉન્ટ્સને મોનિટર અને ટ્રૅક કરી શકે, તેથી પોલીસ ત્યારે જ પગલાં ભરી શકે છે જ્યારે એમની પાસે કોઈ ફરિયાદ આવે.
બીબીસી સાથેની વાતચીતમાં ઘણાં હૅન્ડલ્સે 'ટ્રૅડ'ની વધતી જતી લોકપ્રિયતાનું એક કારણ સોશિયલ મીડિયા પર બીજાં લોકપ્રિય દક્ષિણપંથી હૅન્ડલ્સ દ્વારા આવા 'ટ્રૅડ્સ'ની ધૂંસરી ન ખેંચવી, એમની નફરત ભરેલી વાતોને ન વખોડવી અને શાંતિથી સ્વીકૃતિ આપવીને ગણાવ્યું.
પરંતુ કૉલમનિસ્ટ અભિષેક બેનરજી એવું નથી માનતા, "મેં એક પણ મોટા હૅન્ડલને હિંસાને સમર્થન આપતું કે ટ્રૅડ્સને પ્રોત્સાહન આપતું નથી જોયું અને કોણ કોનાથી પ્રોત્સાહિત થાય છે એ તો માત્ર જોવાનો દૃષ્ટિકોણ છે. આ દોષારોપણ યોગ્ય નથી."
અભિષેકે જણાવ્યા અનુસાર, હાંસિયા પરનાં આવાં ગ્રૂપને ખતમ નથી કરી શકાતાં, માત્ર કન્ટ્રોલ કે કાયદા દ્વારા અંકુશમાં રાખી શકાય છે.
યૂટ્યૂબર રિતેશ ઝા પોતાને પીડિત ગણાવે છે જેઓ પાકિસ્તાની છોકરીઓની તસવીરોના લાઇવસ્ટ્રીમિંગની આકરી આલોચના પછી બિલકુલ એકલા પડી ગયા છે.
રિતેશે જણાવ્યું કે લોકોએ એમનાથી એક અંતર ઊભું કરી લીધું છે અને મીડિયા કંપનીમાંની એમની નોકરી છૂટી ગઈ છે.
તેમણે જણાવ્યું કે, "મને હવે સમજાઈ રહ્યું છે કે આ બધાથી કશો ફાયદો નથી. એનાથી ના તો માસૂમ લોકોને ફાયદો થયો, ના મને. માત્ર એ લોકોને ફાયદો થયો જે આ માહોલ વડે એક છૂપો એજન્ડા ચલાવે છે. અમારો તો બસ આમાં ઉપયોગ કરાઈ રહ્યો છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












