ઓમિક્રૉન વૅરિયન્ટ : 'મને એકવાર ઓમિક્રૉન થઈ ગયો, બીજીવાર ચેપ લાગે?'
- લેેખક, કાર્લોસ સેર્રાનો
- પદ, બીબીસી ન્યૂઝ વર્લ્ડ
ગુજરાત સહિત ભારતમાં ઓમિક્રૉનને લીધે આવેલી કોરોના વાઇરસની ત્રીજી લહેરની અસર હળવી થઈ રહી છે. જોકે, આ દરમિયાન ગુજરાતમાં કોરોના વાઇરસના દર્દીઓનાં મૃત્યુમાં વધારો નોંધાયો છે.
ગુજરાતમાં મંગળવારે 8,338 નવા કોરોના કેસ નોંધાયા હતા. આ સાથે સતત પાંચમા દિવસે 30થી વધુ નવાં મૃત્યુ પણ થયાં છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, ગુજરાતમાં સોમવારની સરખામણીએ મંગળવારે 25 ટકા વધુ કોરોના કેસ નોંધાયા છે.
અહેવાલમાં સત્તાધીશોને ટાંકીને લખવામાં આવ્યું છે કે, આ વધારો છેલ્લા થોડાક દિવસોમાં યોજાયેલા લગ્નપ્રસંગો અને અન્ય જાહેર કાર્યક્રમોનાં કારણે હોઈ શકે છે.

ઇમેજ સ્રોત, Getty Images
PAHOના ડિરેક્ટર કેરિસ્સા એટિઅન્સે કહ્યું કે, "અમેરિકાના ખૂણે-ખૂણે ચેપ ફેલાઈ રહ્યો છે અને ફરી એક વાર આરોગ્ય તંત્ર સામે પડકાર ઊભો થયો છે."
ઓમિક્રૉનથી લાગતો ચેપ હળવો છે એમ માનીને બેકાળજી રાખવાની જરૂર નથી તેવી ચેતવણી નિષ્ણાતો આપી રહ્યા છે ત્યારે અમે અહીં તેની સાથે જોડાયેલી બાબતોની સમજણ રજૂ કરીએ છીએ.

1. ઓમિક્રૉન આટલો વધુ ચેપી કેમ છે?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંસ્થા સાથે સંકળાયેલા એપિડેમિયોલૉજિસ્ટ મારિયા વાન કેર્કોવના જણાવ્યા અનુસાર તેના ત્રણ મુખ્ય કારણો છે:
-આ વૅરિએન્ટ એવા મ્યુટેશન સાથે પેદા થયો છે, જે સહેલાઈથી મનુષ્યના કોષ સાથે જોડાઈ શકે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
-આપણામાં "છટકી જનારી રોગપ્રતિકારક શક્તિ હોય છે". એટલે કે એક વાર ચેપ લાગ્યો હોય તો પણ અને વૅક્સિન લીધો હોય તો પણ બીજી વાર ચેપ લાગી શકે છે.
-ઓમિક્રૉન શ્વસન તંત્રના ઉપલા હિસ્સામાં દ્વિગુણિત થાય છે, તેથી જે ઝડપથી ફેલાય છે. અન્ય વૅરિએન્ટ મોટા ભાગે ફેફસાંમાં પહોંચ્યા પછી દ્વિગુણિત થાય છે.
કોવિડ વૅક્સિન હબના જણાવ્યા અનુસાર અન્ય કરતાં કેટલા ગણો ઓમિક્રૉન ચેપી છે તે સમજવું મુશ્કેલ છે. જોકે યુકેની હેલ્થ સિક્યુરિટી એજન્સીના અંદાજ અનુસાર ડેલ્ટા કરતાં આ ચેપ બેથી ત્રણ ગણી વધારે ઝડપે ફેલાય છે.
અમેરિકાની સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (સીડીસી)ના જણાવ્યા અનુસાર મૂળ સાર્સ-કોવ-2 વાઇરસ કરતાં ઓમિક્રૉન સહેલાઇથી ફેલાય છે "તેવી શક્યતા કહી શકાય", પરંતુ "ડેલ્ટાની સરખામણીએ કેટલી સહેલાઈથી" તે સ્પષ્ટ નથી.
સીડીસી એમ પણ જણાવે છે કે રસી લીધેલી હોય તો પણ અને લક્ષણો ના દેખાતા હોય તો પણ ઓમિક્રૉનનો દર્દી અન્યને ચેપ ફેલાવી શકે છે.

2. ઓમિક્રૉનના લક્ષણો શું છે?

ઇમેજ સ્રોત, Uma Shankar sharma
લંડનની કિંગ્ઝ કૉલેજના એપિડેમિયોલૉજિસ્ટ ટિમ સ્પૅક્ટરની આગેવાનીમાં કોવિડ લક્ષણો અંગે થયેલા અભ્યાસમાં ઓમિક્રૉનનાં નીચે મુજબનાં સામાન્ય લક્ષણો જણાયાં છે:
- શરદી થવી
- માથું દુખવું
- થાક લાગવો (હવળો અથવા ભારે)
- છીંકો આવવી
- ગળું ખરાબ થવું
યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS) કહે છે કે નીચે પ્રમાણેના કોવિડના જૂના લક્ષણો પર પણ આપણે નજર રાખતા રહેવું પડશે:
- સતત અથવા અચાનક ખાંસી આવવી
- તાવ આવવો, શરીર તપવું
- સ્વાદ અને ગંધ જતા રહેવા

3. ડેલ્ટા કરતાં ઓમિક્રૉનની બીમારી ઓછી ગંભીર હોય છે?
સીડીસી કહે છે કે હજી પૂરતાં પ્રમાણમાં આંકડાંની જરૂર છે, જેના આધારે કહી શકાય કે ઓમિક્રૉન બીજા પ્રકારના વાઇરસ કરતાં હળવો ચેપ છે અને ઓછો ઘાતક છે.
જોકે કેટલાંક ચિહ્નો એવી મળી રહ્યાં છે કે ઓમિક્રૉનથી હળવા લક્ષણો દેખાય છે. જોકે કેટલાક લોકોને ખાસ કરીને રસી ના લીધી હોય તેમને ઓમિક્રૉનને કારણે પણ હૉસ્પિટલમાં દાખલ થવું પડે કે તેનાથી મૃત્યુ થાય તેવું બની શકે છે.
યુકેની હેલ્થ સિક્યુરિટી એજન્સીએ 31 ડિસેમ્બરે જાહેર કરેલા અહેવાલ અનુસાર ડેલ્ટા કરતાં ઓમિક્રૉનના ચેપમાં ત્રીજા ભાગના દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ થવું પડી રહ્યું છે.
કેલિફોર્નિયા યુનિવર્સિટીના એપિડેમિયોલૉજિસ્ટ લોરેના ગાર્સિયાએ જણાવ્યું છે કે રસી લીધો હોય તેમને અને ના લીધો હોય તેમને બંનેમાં ઓમિક્રૉનનાં લક્ષણો જુદાં-જુદાં દેખાય છે.
ગાર્સિયા કહે છે, "પૂર્ણ રસી લીધેલી હોય અને બૂસ્ટર ડૉઝ લીધો હોય તેવા લોકોમાં લક્ષણો બહુ હળવાં હોય છે. તેની સામે રસી ના લીધેલી વ્યક્તિમાં તીવ્ર લક્ષણો દેખાઈ શકે છે, જેનાથી દાખલ થવું પડે કે મોત પણ થાય."
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ચેતવણી આપી છે કે ઓમિક્રૉનને હળવી બીમારી સમજી લેવી જોઈએ નહીં.
વિશ્વ આરોગ્ય સંસ્થાના વડા ટેડ્રોસ ઘેબ્રેયસસે જાન્યુઆરીમાં જ ચેતવણી આપી હતી કે "ડેલ્ટા કરતાં ઓમિક્રૉન હળવો દેખાય છે, ખાસ કરીને રસી લીધેલી હોય તેવા લોકોમાં, પરંતુ તેનો અર્થ એ નથી કે તેણે માઇલ્ડ ગણી લેવામાં આવે."
"અગાઉના વૅરિએન્ટ્સની જેમ જ ઓમિક્રૉનને કારણે લોકો હૉસ્પિટલમાં આવી રહ્યા છે અને લોકોનાં મોત પણ થઈ રહ્યાં છે."

4. ઓમિક્રૉન સામે રસી અસરકારક છે?

ઇમેજ સ્રોત, Getty Images
સ્પેનની નેવાર્રા યુનિવર્સિટીના માઇક્રોબાયોલૉજીના પ્રોફેસર ઇન્ગેસિયો લૉપેઝ-ગોનીએ ધ કન્વઝર્વેશનમાં એક લેખમાં લખ્યું હતું કે રસીના બે ડૉઝ લીધેલા હોય તેમને દાખલ થવું પડતું નથી
એમઆઈટી/હાર્વર્ડ યુનિવર્સિટીનો એક અભ્યાસ 7 જાન્યુઆરીએ પ્રગટ થયો તેમાં જણાવ્યા અનુસાર ફાઇઝર અથવા મોડેર્નાની બે રસી હોય તેટલા માત્રથી "ઓમિક્રૉનને ઓળખીને તેને નકામો કરી દે તેવી એન્ટીબૉડીઝ પેદા થતી નથી", પરંતુ "બૂસ્ટર ડૉઝ લીધા પછી ઓમિક્રૉન સામે સારું રક્ષણ મળે છે."
ઇંગ્લૅન્ડની શેફિલ્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ઍન્ડ્રૂ લી કહે છે કે બે ડૉઝને કારણે ઓમિક્રૉન સામે મર્યાદિત સુરક્ષા જ મળે છે તેવું આંકડાં દર્શાવે છે. પરંતુ બૂસ્ટર ડૉઝ લેવાથી સુરક્ષા વધી જાય છે એવો ઉલ્લેખ તેમણે 5 જાન્યુઆરીએ ધ કન્વર્ઝેશનમાં લખેલા લેખમાં કર્યો હતો.
લી ઉમેરે છે કે રસી લીધેલી વ્યક્તિઓમાંથી પણ કેટલાકને ઓમિક્રૉન થઈ શકે છે, કેમ કે રસી ચેપ થતો રોકવા માટે નહીં, પરંતુ ચેપ લાગે ત્યારે તીવ્રતા ઓછી હોય કે મૃત્યુ ના થાય તે માટે રસી છે.
તેઓ કહે છે, "અત્યાર સુધી રસીને કારણે ગંભીર બીમારી થવાનું જોખમ ઘટ્યું તેવું દેખાયું છે."
સીડીસી જણાવે છે કે "ઓમિક્રૉનના ફેલાવાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે રસી લઈ લેવી જોઈએ અને બૂસ્ટર ડૉઝ લઈ લેવો જોઈએ."
11 જાન્યુઆરીએ વિશ્વ આરોગ્ય સંસ્થાની પેનલે જણાવ્યું હતું કે કોવિડ-19 વૅક્સિનને અપડેટ કરવાની પણ જરૂર છે, જેથી ઓમિક્રૉન જેવા આવનારા કોઈ પણ નવા વૅરિયન્ટ સામે તે અસરકારક રહે.

5. શું એક વાર કોરોના થયો હોય અથવા રસી લીધેલી હોય તો પણ ઓમિક્રૉનનો ચેપ લાગે ખરો?

ઇમેજ સ્રોત, Aitor Diago
લંડનની ઇમ્પિરિયલ કૉલેજે 17 ડિસેમ્બરે પ્રગટ કરેલા અહેવાલમાં જણાવ્યું છે કે અગાઉ ચેપ લાગ્યો હોય તો પણ ઓમિક્રૉન ફરીથી લાગે તેવી ઘણી શક્યતા રહેલી છે.
ડેલ્ટા કરતાં ઓમિક્રૉનમાં ફરીથી ચેપ લાગવાની શક્યતા 5.4 ગણી વધારે છે.
આ અહેવાલ અનુસાર અગાઉ થયેલા ચેપને કારણે ઓમિક્રૉન સામે રક્ષણ મળે તેવી શક્યતા 19 ટકા જેટલી નીચી છે.
અમેરિકાની મેયો ક્લિનિકના વૅક્સિન રિસર્ચ ગ્રુપના ડિરેક્ટર ડૉ. ગ્રેગરી પોલેન્ડના જણાવ્યા અનુસાર રસી લીધેલી વ્યક્તિમાં દિવસો વીતવા સાથે ઓમિક્રૉન સામે સુરક્ષાની શક્યતા ઘટતી જાય છે.
પોલૅન્ડ કહે છે, "તમે બંને ડૉઝ લીધેલા હોય તેવા સંજોગોમાં ત્રણ મહિના પછી હોસ્પિટલમાં દાખલ થવાની કે મૃત્યુ થવાની બાબતમાં મળતી સુરક્ષામાં અંદાજે 30%થી 40% જેટલો ઘટાડો થાય છે."
પોલૅન્ડ ઉમેરે છે કે બૂસ્ટર ડૉઝ લેવાથી ઇમ્યુનિટી 75%થી 80% સુધી થઈ શકે છે.
તેઓ ચેતવણી આપતા કહે છે, "તમે જુઓ કે હું 100 ટકા નથી કહી રહ્યો. એટલે માસ્ક પહેરીએ છીએ અને એક બીજાથી દૂર રહીએ છીએ."

6. ઓમિક્રૉન ચેપમાંથી સાજા થઈ ગયા પછી કેવી ઇમ્યુનિટી મળે?

ઇમેજ સ્રોત, David Talukdar
સ્પેનની સંશોધક સંસ્થા FISABIOના સંશોધક સાલ્વાડોર પેઈરો કહે છે, "અગાઉના કિસ્સામાંથી આપણને ખ્યાલ આવ્યો કે બંને રીતની સુરક્ષા (ચેપ લાગવો અને રસી લેવી) તેના કારણે વધારે લાંબો સમયની રોગપ્રતિકારક શક્તિ મળે છે. માત્ર ચેપ લાગ્યો કે માત્ર રસી લીધી હોય તેના કરતાં આ વધારે અસરકારક છે."
જોકે પેઇરો ચેતવણી આપે છે કે ચેપ લાગ્યો હોય કે રસી લીધી હોય તે બંનેને ઓમિક્રૉન ફરી લાગે છે. ખાસ કરીને ચેપ લાગ્યાને કે રસી લીધાને પાંચથી છ મહિના થઈ ગયા હોય તે પછી ચેપ લાગી શકે છે.
7. ઓમિક્રૉનમાંથી સારા થયા પછી ફરી કોવિડ નહીં થાય? ઓમિક્રૉનનો જ ચેપ બીજી વાર લાગે?

ઇમેજ સ્રોત, Getty Images
પેઇરો કહે છે, "થિયરીમાં હા, પણ બહુ ઓછા પ્રમાણમાં થતું હોય છે કે ફરીથી ચેપ લાગે."
એક વાર સાજા થયા હોય અને રસીનો ત્રીજો ડૉઝ પણ લઈ લીધો હોય, તે પછી ભાગ્યે જ લોકોને ચેપ લાગશે તેવી શક્યતા પેઈરો વ્યક્ત કરી રહ્યા છે.
જોકે હજી આ ચેપ ફેલાયાને થોડો સમય જ થયો છે એટલે લાંબા ગાળે ફરીથી ચેપ લાગશે કે કેમ તે અત્યારે કહી શકાય તેમ નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













