કોરોના ટેસ્ટ કિટ : કોરોનાનો ટેસ્ટ ઘરે કઈ રીતે કરવો અને ટેસ્ટિંગ કિટથી નુકસાન શું થાય?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે, ભારત સરકારે કોણે કોરોનાપરીક્ષણ કરાવવું જોઈએ અને કોણે ન કરાવવું જોઈએ તે અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

તમને કોરોનાનાં લક્ષણો ન હોય પરંતુ તમે તાજેતરમાં કોવિડ પૉઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો અને એટલે ટેસ્ટ કરાવવા માગતા હો તો તમારે ટેસ્ટ કરાવવાની જરૂર નથી, પણ જો તમને બીજી કોઈ બીમારી હોય અને તમારી ઉંમર 60 વર્ષ કરતાં વધુ હોય તો તમે કોરોના ટેસ્ટ કરાવી શકો છો.

ટેસ્ટ કિટ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ભારત સરકારે કોને કોરોના ટૅસ્ટ કરાવવો જોઈએ અને કોને ન કરાવવો જોઈએ તે અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

ભારત સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર, હોમ આઇસોલેશનના દિવસો પૂરો થયા પછી અથવા હૉસ્પિટલમાંથી રજાના સમયે કે એક રાજ્યથી બીજા રાજ્યમાં મુસાફરી કરતી વખતે પણ કોવિડ-19 ટેસ્ટ કરાવવાની જરૂર નથી.

બીજી તરફ, આંકડા દર્શાવે છે કે દરરોજ વધી રહેલા નવા કેસ વચ્ચે ઘરે ટેસ્ટ કિટ લાવીને કોરોનાની તપાસ કરનારાની સંખ્યા રોજ વધી રહી છે.

કોરોના ટેસ્ટ કિટની કંપની 'માયલેબ્સ'ના મૅનેજિંગ ડાયરેક્ટર હસમુખ રાવલે બીબીસીને જણાવ્યું કે ડિસેમ્બરના અંતથી જાન્યુઆરીના પહેલા સપ્તાહ સુધી ઘરે બેઠા કોવિડ-19ના ટેસ્ટિંગની કિટના વેચાણમાં 400-500 ટકાનો વધારો થયો છે.

ઉલ્લેખનિય છે કે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તરફથી ગયા વર્ષના મેના અંતે ઘરે બેઠા કોરોનાની તપાસ માટેની ટેસ્ટ કિટની મંજૂરી મળી ગઈ હતી. ત્યારે કોરોનાની બીજી લહેરની પીક લગભગ પૂરી થઈ ગઈ હતી. આવી સાત જેટલી કિટ બજારમાં ઉપલબ્ધ છે.

line

કોરોનાની ટેસ્ટિંગ કિટ કેવી રીતે કામ કરે છે?

ટેસ્ટ

ઇમેજ સ્રોત, Science Photo Library

ઇમેજ કૅપ્શન, ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) તરફથી ગયા વર્ષના મેના અંતમાં ઘરે બેઠા કોરોનાની તપાસ માટેની ટેસ્ટ કિટની મંજૂરી મળી ગઈ હતી.

સરકારે કિટના સાચા ઉપયોગ માટે સૂચનાઓ જારી કરી છે, પરંતુ ઘણા નિષ્ણાતો હવે તેના ઉપયોગ સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે ચેતવણી આપી રહ્યા છે.

આ કિટ દ્વારા ઘરે બેઠા કોરોના ટેસ્ટ કરવા માટે પહેલાં ગુગલ પ્લે-સ્ટોર અથવા એપલ સ્ટોર પર હોમ ટેસ્ટિંગની માહિતી આપતી મોબાઈલ ઍપ ડાઉનલૉડ કરી, એના પર નોંધણી કરવી પડે છે.

ટેસ્ટ કિટમાં સ્વેબ સ્ટીક, દ્રાવણ, ટેસ્ટ કાર્ડ અને ટેસ્ટ કેવી રીતે કરવો તેની સમજણ આપતી પત્રિકા હોય છે.

પહેલા સ્વેબ સ્ટિક વડે સેમ્પલ લેવું, પછી સેમ્પલને દ્રાવણની અંદર ભેળવવું. બાદમાં તેનું એક ટીપું ટેસ્ટ કાર્ડ પર મૂકવું.

જો ટેસ્ટ કાર્ડ પર 15 મિનિટની અંદર બે લાલ રેખાઓ (C અને T) દેખાય તો પરિણામ પૉઝિટિવ સમજવું અને જો એક લાલ રેખા (C) જ દેખાય તો પરિણામ નૅગેટિવ સમજવું.

ઘર બેઠા ટેસ્ટ કરી રહેલા તમામ લોકોએ મોબાઈલ ફોન દ્વારા ઍપમાં ટેસ્ટની તસવીર અપલૉડ કરવી પણ ફરજિયાત છે. જોકે ઘણા લોકો સરકારને પરીક્ષણનાં પરિણામો વિશે જાણ કર્યા વિના પણ ટેસ્ટ કિટનો ઉપયોગ કરી રહ્યા છે.

આ જ કારણ છે કે નિષ્ણાતો માની રહ્યા છે કે નવી લહેરમાં દરરોજ આવતા નવા કેસની સંખ્યા વાસ્તવિક સંખ્યા નથી.

જોકે, હસમુખ રાવલનું કહેવું છે, "જો આરટીપીસીઆર ટેસ્ટ પૉઝિટિવ આવે તો પણ, ભારત સરકાર તે તમારી વિવેકબુદ્ધિ પર છોડી દે છે કે તમે આઇસોલેશનના નિયમોનું પાલન કરશો કે નહી. "

"તે જ રીતે જે કંપની હોમ ટેસ્ટ કિટ બનાવે છે તે પણ એવું માનીને ચાલે છે કે લોકો કોવિડ નિયમોનું સખતપણે પાલન કરશે અને તેમનો રિપોર્ટ સાઇટ પર અપલૉડ કરશે. અમે પૅકેટમાં પણ લખીએ છીએ અને પ્રચારસામગ્રી દ્વારા લોકોને જાણ પણ કરીએ છીએ."

line

સમસ્યા ક્યાં આવી શકે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલના કમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડૉ. જુગલ કિશોરે ટેસ્ટ કિટનો ઉપયોગ કરવામાં કઈકઈ સમસ્યાઓ આવી શકે એ અંગે વાત કરી.

ડૉ. જુગલ કિશોર કહે છે, "આ પરીક્ષણો આરટીપીસીઆર ટેસ્ટની જેમ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ટેસ્ટ નથી. ઘરે ટેસ્ટ કરવાથી પૉઝિટિવ આવે છે ત્યારે લોકોમાં સ્ટ્રૅસ વધે છે. કોઈ 'ક્લિનિકલ ફાયદો' મળતો નથી. અને દર વખતે સાચો રિપોર્ટ આપવામાં આવે તેની પણ કોઈ ગૅરંટી નથી."

"ઘણા લોકો ઘરે બેઠા ટેસ્ટ કરાવે છે અને તેઓ પૉઝિટિવ આવે છે ત્યારે તેમના ટેસ્ટનાં પરિણામો અપલૉડ કરતા નથી અને તેના કારણે આવા કેસના ટ્રૅકિંગ અને ટ્રૅસિંગ કરવામાં મુશ્કેલી પડે છે. "

"સખત મહેનતથી બનાવવામાં આવેલ સર્વેલન્સ સિસ્ટમ આના કારણે નબળી પડશે. આ કારણે આપણે કોરોનાની જૂની સ્થિતિએ પહોંચી શકીએ છીએ.''

જોકે, ડૉ. જુગલ કિશોર એ પણ ઉમેરે છે કે આવી ટેસ્ટ કિટ વ્યક્તિને પોતાનો ટેસ્ટ કરવા સમર્થ જરૂર બનાવે છે. પરંતુ તેઓ સાથે ઉમેરે છે કે બીપી મશીન હોય કે થર્મોમીટરથી શરીરનું તાપમાન માપવાનું હોય - આ તમામ શોધોએ અન્ય રીતે લોકોને મદદ જ કરી છે.

તેઓ આગળ કહે છે, "જ્યારે પણ જાહેર આરોગ્યમાં કોઈ વસ્તુના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે ત્યારે ઘણી બાબતોને ધ્યાનમાં રાખવાની જરૂર પડે છે અને સૌથી મોટી વાત એ કે લોકોનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયેલું હોય છે."

આ પ્રકારની હોમ ટેસ્ટિંગ કિટમાં નૅગેટિવ પરિણામોના કિસ્સામાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો પૉઝિટિવ પરિણામ આવે, તો બીમારીની ગંભીરતા અનુસાર હૉસ્પિટલમાં અથવા ઘરે આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.

પરંતુ કેટલાક ડૉકટરોનું કહેવું છે કે આ ટેસ્ટ કિટ સસ્તા દરે સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે લોકો ઘરે બેઠા ટેસ્ટ કરીને પૉઝિટિવ આવે તો હૉસ્પિટલમાં દાખલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે હૉસ્પિટલો પર પણ ભારણ વધી રહ્યું છે.

line

કોરોા ટેસ્ટ કિટનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો?

ટેસ્ટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાક ડોકટરોનું કહેવું છે કે આ કિટ સસ્તા દરે સરળતાથી ઉપલબ્ધ હોવાને કારણે હૉસ્પિટલો પર ભારણ વધી રહ્યું છે

કેટલાક ડૉકટરો આ ટેસ્ટ કિટને સારી પણ માને છે. ડૉ. સુનિલા ગર્ગ સરકારની કોવિડ ટાસ્ક ફોર્સનાં સભ્ય પણ છે.

તેઓ કહે છે, "હવે લોકોએ ટેસ્ટ માટે લાઈનમાં રાહ જોવાની જરૂર નથી. ઘણી વખત લોકો હૉસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવવાની પ્રક્રિયામાં કોરોનાનો શિકાર પણ બને છે. "

"આ ટેસ્ટ કિટ એ બધી ઝંઝટનો અંત લાવે છે. આરોગ્યતંત્ર પરનો બોજ ઓછો થાય છે અને રિપોર્ટ માટે ઘણા દિવસો સુધી રાહ જોવાની જરૂર પડતી નથી. ઓછી કિંમતને કારણે, ફરીથી ટેસ્ટ કરાવવામાં પણ કોઈ સમસ્યા નથી. તે છ કલાકના અંતરમાં બે વાર પણ કરી શકાય છે.''

જોકે, ડૉ. સુનિલાનું માનવું છે કે આ ટેસ્ટ કિટના ઉપયોગ બાદ લોકો પરિણામ અપલૉડ નથી કરી રહ્યા, જેના કારણે સાચો ડેટા એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી છે.

તેમના મતે, "આ માટે લોકોએ પોતાની આદતો બદલવી પડશે. એકલી સરકાર બધું જ કરી શકતી નથી. કોવિડ એક બીમારી છે, પરંતુ લોકો હજુ પણ લોકો તેને છુપાવે છે જે યોગ્ય નથી. "

"કેટલીક જવાબદારી કિટ વેચતી દુકાનો પર નાખી શકાય છે, જેથી લોકો તેમના ટેસ્ટ રિપોર્ટ કેવી રીતે સરળતાથી અપલૉડ કરી શકે તે અંગે જાગૃતિ લાવી શકે.''

પૉઝિટિવ આવતાં જ હૉસ્પિટલમાં દાખલ થવા પર તેઓ કહે છે, "આ માટે માત્ર હોમ ટેસ્ટિંગ કિટ એકલી જ જવાબદાર નથી. કોરોનાની સારવારમાં ઇન્સ્યૉરન્સની સરળ ઉપલબ્ધતા પણ આ પાછળનું એક કારણ છે."

સુનિલા ગર્ગ કહે છે, "કોરોનાની ત્રીજી લહેર અને ઑમિક્રોનના ખતરા વચ્ચે, એવું કહેવામાં આવી રહ્યું છે કે સંક્રમણ ત્રણ ગણું ઝડપથી ફેલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, તમામ પૉઝિટિવ કેસોના આરટીપીસીઆર ટેસ્ટના આદેશ સાથે જ સમગ્ર સિસ્ટમ ભાંગી શકે છે. હાલમાં પણ ભારત પાસે આટલા મોટા પાયે કોરોનાનું પરીક્ષણ કરવાની ક્ષમતા નથી.''

આ કારણે સરકારે ટેસ્ટિંગ અને આઇસોલેશન માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે.

નિષ્ણાતોનું માનવું છે કે ઘરે કોરોનાનું પરીક્ષણ કરવામાં કોઈ નુકસાન નથી, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે અને બિનજરૂરી રીતે ગભરાવાની જરૂર નથી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો