ઓમિક્રૉન : કોરોનાનો ચેપ લાગ્યાની શંકા હોય તો આ છ બાબતોનું ધ્યાન રાખો
- લેેખક, એન્ડ્રી બર્નાત
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝિલ, સાઓ પાવલો
ઘણા બધા દેશોમાં ઓમિક્રૉન વૅરિયન્ટ ફરવા લાગ્યો છે ને તેના કારણે કોવિડ-19 કેસોની સંખ્યા વધી રહી છે.
4 જાન્યુઆરીએ રોજના નવા કેસનો એક નવો રેકર્ડ થયો: 24 કલાકમાં દુનિયામાં 24 લાખ નવા પૉઝિટિવ કેસ આવ્યા.

ઇમેજ સ્રોત, Ani
આવા સંજોગોમાં તમને કોરોનાનાં લક્ષણો દેખાતાં હોય તો તમારે શું કરવું જોઈએ?
તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે અહીં છ મૂળભૂત સાવધાની માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે.

1. નિદાન કરાવો

ઇમેજ સ્રોત, Getty Images
બ્રાઝિલીય સોસાયટી ઑફ ઇન્ફેક્શિયસ ડિસીઝ (SBI)ના પ્રમુખ ડૉ. હોઝ ડેવિડ અર્બેઝ બ્રિટો જણાવે છે કે કોવિડના નિદાન માટે ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે.
તેઓ ભાર મૂકતા કહે છે, "શ્વાસોચ્છવાસ તંત્રમાં ક્યાંય પણ ચેપ લાગ્યાનાં લક્ષણો દેખાય, એટલે કે ખાંસી આવવી, શરદી થવી, ગળું ખરાબ થઈ જવું તેવું દેખાય ત્યારે જરૂરી છે કે સાચું નિદાન કરાવી લેવામાં આવે."
આવાં લક્ષણો હોય ત્યારે આદર્શ સ્થિતિ એ છે કે કોરોના વાઇરસ માટેનો ટેસ્ટ કરાવી લેવો, જેમ કે એન્ટિજન અથવા આરટી-પીસીઆર.
છેલ્લા 14 દિવસ દરમિયાન કોવિડ થયો હોય તેવા દર્દીના સંપર્કમાં તમે આવ્યા હો કે શંકાસ્પદ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હો ત્યારે પણ આવું નિદાન કરાવવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાના સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન (CDC)ની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર, આ પ્રકારનો ટેસ્ટ કરાવેલો હશે તો તેના કારણે તમને વિમાનમાં પ્રવાસ કરવાની કે અમુક જગ્યાએ પ્રવેશની મંજૂરી પણ મળી શકે. આવા ટેસ્ટથી અભ્યાસ પણ થઈ શકે છે અને શાળા તથા કચેરી જેવી જગ્યાએ ચેપને ફેલાતો રોકી શકાય છે.
એન્ટીજન ટેસ્ટને કારણે 15થી 30 મિનિટમાં જ પરિણામ મળે છે, પરંતુ તે એટલા સચોટ માનવામાં આવતા નથી.
તેની સામે આરટી-પીસીઆર ટેસ્ટ કોરોના પકડવા માટે સ્ટાન્ડર્ડ મનાય છે. આવા ટેસ્ટના પરિણામ માટે એકાદ દિવસની રાહ જોવી પડતી હોય છે.
તમારો ટેસ્ટ નૅગેટિવ આવે (એટલે કે તમને કોરોના ચેપ નથી લાગ્યો) ત્યારે તમે ફરીથી રાબેતા મુજબની પ્રવૃત્તિઓ કરી શકો છે, પણ સાથે જ માસ્ક પહેરવું, ભીડથી દૂર રહેવું અને રસી લઈ લેવા જેવા સાવચેતીનાં પગલાં લેવાનું રાખવું જરૂરી છે.
તમારો ટેસ્ટ પૉઝિટિવ આવે (એટલે કે કોરોના થયાનો ખ્યાલ આવે) ત્યારે જરૂરી છે કે તમે નીચે દર્શાવેલી ગાઇડલાઇનનું પૂર્ણપણે પાલન કરો.

2. તમારે સૌથી અલગ થઈને રહેવું જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાનો ચેપ મોઢા તથા નાકમાંથી નીકળતા પ્રવાહીના છાંટાને કારણે ફેલાય છે. નજીકની વ્યક્તિને આવા છાંટા ઊડે ત્યારે વાઇરસ તેના શરીરને ચોંટે છે અને પછી શરીરમાં દાખલ થઈને ચેપ લગાવે છે.
આથી અન્ય લોકોને આપણો ચેપ ના લાગવા દેવા માટે સૌથી અલગ રહેવું જોઈએ.
તમે મોટા કુટુંબમાં રહેતા હો કે મિત્રો સાથે રહેતા હો ત્યારે એ જરૂરી છે કે દરેક વ્યક્તિ સારી ગુણવત્તા સાથેના માસ્ક પહેરે. ખાસ કરીને તમારી નજીક આવવાનું થાય ત્યારે અથવા તમે એક જ રૂમમાં હો ત્યારે વિશેષ કાળજી લેવી જોઈએ.
અન્ય સભ્યોથી દૂર અન્ય રૂમમાં રહી શકાય તેમ હોય ત્યારે એ વધારે સારું. એ જ રીતે બાથરૂમ અલગ પણ રાખવું જોઈએ અને કટલરી, ગ્લાસ, વાસણો, ટુવાલ વગેરે તદ્દન અલગ જ રાખવાં જોઈએ.
ચેપ લાગ્યો હોય તે વ્યક્તિએ કેટલા દિવસો માટે આઇસોલેશનમાં રહેવું જોઈએ તે વિશે જુદાં જુદાં ધોરણો છે.
27 ડિસેમ્બરે CDCની ગાઇનલાઇન બદલાઈ હતી અને જણાવ્યું હતું કે પાંચ જ દિવસ માટે વ્યક્તિને અલગ રહેવાની જરૂર હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે યુકે અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સાતથી દસ દિવસ માટે આઇસોલેશનમાં રહેવું જરૂરી ગણાય છે.
Dr. Sylvia Lemos Hinrichsen, SBIના બાયોસેફ્ટીના કન્સલ્ટન્ટ ડૉ. સિલ્વિયા લેમોસ હિનરિચસેન કહે છે કે હાલની સ્થિતિમાં વધારે સાવચેતી લેવી જરૂરી છે.
તેઓ કહે છે, "ઓમિક્રૉન ફેલાઈ રહ્યો છે અને કેસો વધી રહ્યા છે ત્યારે સાતથી દસ દિવસ માટે અલગ રહેવું જ સલાહયોગ્ય છે."
બ્રિટો પણ તેમની સાથે સહમત થતા કહે છે, "10 દિવસ સુધી આઇસોલેટ રહેવા માટેનો નિયમ અમલમાં રાખવો જોઈએ. નવમાં દિવસે દર્દીને કોઈ લક્ષણો ના દેખાતાં હોય તે પછી જ અન્યના સંપર્કમાં આવવું જોઈએ."
આઇસોલેશનનો અર્થ જ એ થાય છે કે વ્યક્તિએ ઘરની બહાર ના નીકળવું. માત્ર ડૉક્ટરને મળવા કે હૉસ્પિટલે જવા માટે જ દર્દીએ બહાર નીકળવાનું હોય છે.

3. તમે સંપર્કમાં આવ્યા હો તે લોકોને જાણ કરો

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજું અગત્યનું પગલું એ છે કે તમને ચેપ લાગ્યો હોય ત્યારે છેલ્લા 14 દિવસ દરમિયાન તમે જેમની નીકટના સંપર્કમાં આવ્યા હો તેવી વ્યક્તિઓને જાણ કરો.
તમને (ખાંસી, ખરેડ, તાવ, થાક જેવાં) લક્ષણો દેખાવાં લાગ્યાં તે પહેલાં જ તમને ચેપ લાગી ગયો હોય તેવું બની શકે છે.
તેના કારણે એવું બની શકે કે તમારા કારણે નીકટના સંપર્કમાં આવેલી અન્ય વ્યક્તિને ચેપ લાગી પણ ગયો હોય.
આ રીતે તેમને જાણ કરવાથી તેઓ સાવધ થઈ શકે છે. તેમને જરાક પણ લક્ષણો જણાય તો ટેસ્ટ કરાવી શકે છે. જો તેમને પણ ચેપ લાગ્યો તેવો ટેસ્ટ આવે તો તેમણે પણ આઇસોલેટ થઈ જવું જોઈએ. તે રીતે ચેપને આગળ વધતો અટકાવી શકાય છે.
જો તમારે સંતાનો હોય, તમે બાળકોને ભણાવતા હો તમારે શાળાને પણ જાણ કરવી જોઈએ, જેથી બાળકો જે ક્લાસમાં હોય તે ક્લાસના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફના લોકો પણ સાવધ થાય અને સંભાળ લે.
આ જ રીતે તમારે ઑફિસમાં તમારા બૉસને, એચઆર વિભાગને તથા સાથે કામ કરનારાને પણ જાણ કરવી જોઈએ.
હિનરીચસેન કહે છે, "મહામારી દરમિયાન જેમના સંપર્કમાં આવ્યા હોઈએ તેમને જાણ કરવીએ તે આપણી નૈતિક જવાબદારી છે અને તે રીતે આપણે તેમને સાવધ કરીને તેમના આરોગ્યની સંભાળ લેવા માટે તૈયાર કરી શકીએ છીએ." .

4. લક્ષણોને કાબૂમાં રાખવાં

ઇમેજ સ્રોત, Getty Images
સામાન્ય રીતે તાવ, શરદી, ખાંસી, થાક લાગવો, ગળું ખરાબ થવું, ઝાડા થવા વગેરે લક્ષણો સમય વીતવા સાથે ઓછાં થવાં લાગે છે.
તમે આઇસોલેશનમાં હો ત્યારે કેવાં લક્ષણો દેખાય છે તેનાથી સાવધ રહેશો અને કોઈ પણ લક્ષણ વકરતું જણાય ત્યારે તરત જ ડૉક્ટરની સલાહ લેશો.
હિનરીચસેન કહે છે, "આવી સંભાળ લેવી જરૂરી છે, ખાસ કરીને મોટી ઉંમરના લોકો માટે અને અન્ય ગંભીર રોગ હોય ત્યારે."
તેઓ ઉમરે છે, "દાખલા તરીકે 60 વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિને ઝાડા થઈ જાય તો શરીરમાં પ્રવાહી ઘટી જાય છે અથવા ફેફસામાં કફ જમા થવાથી ન્યૂમોનિયા થઈ શકે છે."
શક્ય હોય તો ઘરે ઓક્સિમીટર પણ રાખવું જોઈએ એવી સલાહ તેઓ આપે છે.
આ બહુ નાનકડું ઉપકરણ હોય છે અને તેના કારણે લોહીમાં કેટલો ઓક્સિજન છે તે માપી શકાય છે. તેના કારણે ફેફસાના ગંભીર કોમ્પ્લિક્શન્સ, શ્વાસ લેવામાં તકલીફ થવી વગેરે મુશ્કેલી આવે તે પહેલાં સાવધ થઈ શકાય છે.
તેઓ કહે છે, "ઓક્સિજનનું પ્રમાણ 95%થી વધારે હોવું જોઈએ. આ માપ 98% હોય અને તેમાં ધીમે ધીમે ઘટાડો થઈને 97%, 96%, 95% અને 94% ટકા થવા લાગતું હોય ત્યારે તે ચેતવણી છે કે ડૉક્ટરની સારવાર લેવી પડશે."
બ્રિટો વધુમાં જણાવે છે કે "દિવસમાં બે વાર ઓક્સિમીટરથી માપ લઈ લેવું જોઈએ. આ ઉપરાંત કોવિડના દર્દીને છઠ્ઠા અને સાતમા દિવસે પણ તાવ ના ઊતરે અને સ્નાયુઓનો દુખાવો વધવા લાગે ત્યારે તેમને ઇમરજન્સી સારવાર માટે લઈ જવા જરૂરી છે."
તેઓ કહે છે, "આવા કિસ્સામાં ઓક્સિજન આપીને અને કેટલીક દવા આપીને, જેમ કે એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-થ્રોમ્બોસિસ દવા આપીને મૃત્યુનો દર ઘટાડી શકાય છે."

5. આરામ કરો અને પાણી પીતાં રહો

ઇમેજ સ્રોત, Getty Images
નિષ્ણાત તબીબો સાથે અમે વાતચીત કરી તેમાં એવી પણ સલાહ આપવામાં આવી છે કે કોવિડની સારવાર માટેનો દાવો કરનારી જાહેરખબરો અને પ્રચારથી તથા ઘરેલુ નુસખાથી સાવધ રહેવાની જરૂર છે.
આવી રીતની સારવાર કે નુસખાની કોઈ વૈજ્ઞાનિક તપાસ થયેલી હોતી નથી અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ તેની ભલામણ કરતી નથી.
કેટલીક દવાના નામ આ રોગચાળા દરમિયાન વારંવાર ચર્ચામાં આવ્યા હતા, પરંતુ આ બધી દવાઓ એટલે કે હાઇડ્રોક્લોરોક્વિન, આઇવરમેક્ટિન અને નિટાક્સોનાઇડ વગેરે "પ્રારંભિક સારવાર" માટે ઉપયોગમાં લેવાઈ હતી, પરંતુ તેનાથી કોરોના વારઇસ નાબૂદ થાય છે તેવું સાબિત થયું નથી.
કેટલાક દેશોમાં કોરોનાની સારવાર માટેની એન્ટીવાઇરલ દવાને મંજૂરી આપવામાં આવી છે, પણ મોટા ભાગે તે ઉપલબ્ધ નથી.
આવા સંજોગોમાં કોરોના ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોય અને સામાન્ય લક્ષણો જ દેખાતાં હોય ત્યારે આરામ કરવાની અને ખૂબ પાણી પીવા માટેની સલાહ આપવામાં આવે છે.
બ્રિટો કહે છે, "ખૂબ પાણી પીવાથી સાયટોક્લાઇનને ડાઇલ્યૂટ કરી શકાય છે અને તેને કિડની મારફત બહાર કાઢી શકાય છે."
તમને તાવ હોય, કળતર થતી હોય કે માથું દુખતું હોય ત્યારે તેમાં રાહત આપે તેવી દવાઓ લઈ શકાય છે.
બ્રિટો કહે છે, "આમાં સૌથી સામાન્ય રીત પ્રચલિત છે પેરાસિટામોલ અને ડાયપ્રોન."
પરંતુ થોડી દવા લેવા છતાં લક્ષણો જતાં ના રહે કે વધે ત્યારે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

6. સાજા થયા પછી રસી લઈ લેવી

ઇમેજ સ્રોત, Reuters
કોવિડ થયો હોય તેમને પણ રસી લેવા માટેનું જણાવવામાં આવે છે, કેમ કે તે સલામત છે અને તેનાથી રોગપ્રતિકારક શક્તિ જાગૃત થાય છે અને એન્ટીબૉડીઝ વધે છે.
જોકે કોવિડનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો તે પછી તરત જ રસી લેવી જોઈએ નહીં. દાખલા તરીકે બ્રાઝિલમાં આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા છે કે ચેપ લાગ્યો હોય તેના 30 દિવસ પછી જ રસીનો પહેલો ડોઝ લેવો જોઈએ.
હિનરીચસેન કહે છે, "તમને કોરોના ચેપ લાગ્યો હોય ત્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ કામે લાગી હોય છે. તેના કારણે રસી લેવામાં આવે ત્યારે તે પછી રોગપ્રતિકારક શક્તિ એટલી અસરકારક ના રહે. તેથી એક મહિનો પસાર થઈ જાય તે પછી જ રસી લેવી જોઈએ."
આ રીતે રાહ જોઈને રસી લેવાથી રોગપ્રતિકારક શક્તિ બરાબર કામ કરતી રહે છે અને ભવિષ્યમાં ફરીથી ચેપ લાગવાની શક્યતા ઘટી જાય છે.
તમારો રસી લેવા માટેનો સમય થઈ ગયો હોય અને તમને કોવિડ થયેલો હોય ત્યારે તરત રસી ના લેવી અને એક મહિનો પસાર થવા દેવો.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












