અમદાવાદ : 'બળાત્કારની કોશિશ' કરનારને અંધ મહિલાએ કેવી રીતે અવાજ પરથી ઓળખી કાઢ્યો?
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"તે અચાનક મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો, મેં વાંધો ઉઠાવ્યો તો તેણે મને ધક્કો માર્યો અને હું નીચે પડી ગઈ. મારા શરીરે કાંટા ખૂંચી ગયા."
"હું ઊભી થઈ શકતી નહોતી અને મેં તેને મારી લાકડી મારી. હું જોઈ શકતી નહોતી એટલે હવામાં લાકડી ફેરવવા લાગી તો તેણે લાકડી છીનવી લીધી."

ઇમેજ સ્રોત, Getty Images
"તે મને મારવા લાગ્યો અને મારાં કપડાં ફાડી નાખ્યાં. મેં બૂમાબૂમ શરૂ કરી એટલે એ મારી લાકડી અને અનાજની કિટ લઈને ભાગી ગયો. મારા પતિની દવા માટેના પૈસા પણ હતા એ પણ લૂંટી ગયો."
આ શબ્દો છે 45 વર્ષીય કોકિલાબેહનનાં જે જન્મથી અંધ છે.
અમદાવાદ નજીક બાવળાનાં રહેવાસી કોકિલાબહેન પર કથિત બળાત્કારની કોશિશ કરનાર તથા તેમની સાથે લૂંટફાટ કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે.
પરંતુ જેને કોકિલાબહેન જોઈ શકતાં નહોતાં અને બીજું કોઈ સાક્ષી મળ્યું નહોતું, ત્યારે પોલીસ આ આરોપી સુધી પહોંચી કઈ રીતે?

'ગંજીમાંથી સોય શોધવા જેવું'

ઇમેજ સ્રોત, Bhargav parikh
અમદાવાદ ગ્રામ્ય પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ વીરેન્દ્ર યાદવે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં કહ્યું કે, "અમારી ઑફિસમાં આવેલાં દૃષ્ટિહીન મહિલાએ જયારે અમને કહ્યું કે એમની પર બળત્કારની કોશિશ થઈ છે ત્યારે એ ગુનેગારને શોધવો એ ગંજીમાંથી સોય શોધી કાઢવા જેવું હતું."
વીરેન્દ્ર યાદવે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે, "આરોપીને પકડવો મુશ્કેલ હતો, કારણ કે એ દૃષ્ટિહીન મહિલા એનું વર્ણન કરી શકે અથવા જ્યાં આ બધું બન્યું એ જગ્યા બતાવી શકે તેમ નહોતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીરેન્દ્ર યાદવે જણાવ્યું કે "કોકિલાબહેન માત્રે એટલું જ કહેતાં હતાં કે તેઓ અમદાવાદમાં અંધજનમંડળમાંથી રાશનની કિટ લઈને બસમાં બેસીને સરખેજ આવ્યાં હતાં. ત્યાંથી રિક્ષામાં તેમના બાવળાસ્થિત ઘરે જતાં હતાં."
"એક માણસ તેમને મદદ કરવાના બહાને ઑટોરિક્ષામાંથી ઉતારીને કોઈ જગ્યાએ લઈ ગયો અને ત્યાં તેમની સાથે મારપીટ કરીને બળાત્કારનો પ્રયાસ કર્યો. તેમણે બૂમાબૂમ કરી તો આરોપી તેમને લૂંટીને ભાગી ગયો."
મહિલા તો આરોપીનો દેખાવ કે એ જગ્યાની માહિતી આપી શકે તેમ નહોતાં પરંતુ ઑટોરિક્ષાચાલક પોલીસ માટે આરોપી સુધી પહોંચવાની કડી હતી.
પોલીસ ત્રણ દિવસ સુધી આ કેસની તપાસ કરતી રહી. કોકિલાબહેનના શરીર પર કાંટા વાગ્યા હતા એ જોઈને પોલીસ સમજી ગઈ હતી કે તેમને જે જગ્યાએ લઈ જવામાં આવી તે એકાંત અને અવાવરું હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ચાંગોદરના પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મંડોરાએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમદાવાદ પોલીસના સીસીટીવી કૅમેરાની મદદથી સરખેજની આસપાસ લોકોને અમદાવાદથી બાવળા લઈ જતી ઑટોરિક્ષાઓમાંથી કંઈ રિક્ષામાં એ દૃષ્ટિહીન મહિલા સવાર થયાં એ શોધવાનું શરૂ કર્યું. પરંતુ સાંજનો સમય હતો એટલે કંઈ સ્પષ્ટ દેખાતું ન હતું."
તેઓ આગળ કહે છે કે, "સીસીટીવીમાં એ મહિલા તો દેખાતાં હતાં પણ તે કઈ રિક્ષામાં સવાર થયાં એ ન દેખાયું. છેવટે પોલીસે 300 જેટલા રિક્ષાચાલકોની તપાસ કરી પણ તેમાં પણ પોલીસને હાથ કંઈ ન લાગ્યું."
અમદાવાદ રૂરલના એસ.પી. વીરેન્દ્ર યાદવ કહે છે કે, "મહિલા સાથે લાંબી વાતચીત કરી ત્યારે એક વાક્ય બોલ્યાં કે એમને રિક્ષામાં સવાર અન્ય એક યાત્રીએ બાવળા આવતાં પહેલાં રસ્તામાં મોરૈયા નામના ગામ પાસે ઉતારી દીધાં હતાં."
"રિક્ષાચાલકે જ્યારે એમ કહ્યું કે બાવળા નથી આવ્યું તો તે યાત્રીની રિક્ષાચાલક સાથે ગરમાગરમી પણ થઈ હતી. મહિલાએ જણાવ્યું કે મને ઉતારીને તે વ્યક્તિએ કહ્યું હતું કે એની પુત્રી ત્યાં રહે છે એને મળીને આગળ જઈશું. એક અન્ય ગામ જેનું નામ મટોડા છે, ત્યાં જવું છે એમ કહીને બીજી ઑટોરિક્ષામાં બેસાડ્યાં હતાં."

રિક્ષાચાલકે આપ્યું પગેરું
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
પોલીસ ઇન્સ્પેક્ટર વી.ડી. મંડોરાએ કહ્યું કે, "મોરૈયા અને મટોડા તરફ આ ઘટનાના દિવસે કયા-કયા રિક્ષાચાલકો ગયા હતા તેની તપાસ શરૂ કરી. તપાસનો વ્યાપ થોડો નાનો થયો અને 142 રિક્ષાચાલકોની ફરીથી અલગ-અલગ સ્થળેથી તપાસ કરી તો એક રિક્ષાચાલકે એક દૃષ્ટિહીન મહિલા (કોકિલાબહેન)ને પોતાની રિક્ષામાં જોયા હોવાનું જણાવ્યું. તે વખતે ઑટોરિક્ષામાં પાંચ લોકો હતા."
પોલીસ ઇન્સ્પેક્ટર મંડોરા કહે છે કે, "એ ઑટોરિક્ષાચાલકે જણાવ્યું કે રિક્ષામાં એક વ્યક્તિ બેઠી હતી જેની ડાબી આંખે ઈજાનું નિશાન હતું અને તેણે દૃષ્ટિહીન મહિલાને બાવળા પહોંચતાં પહેલાં જ મોરૈયા ગામ પાસે ઉતાર્યાં હતાં. મેં તેમને કહ્યું કે બાવળા નથી આવ્યું તો તે વ્યક્તિએ મારી સાથે ઝઘડો કર્યો. પરંતુ બીજી મુસાફરોને મોડું થતું હતું એટલે હું નીકળી ગયો."
પોલીસે ત્યાર બાદ મટોડા ગામ સુધી જતાં રિક્ષાચાલકોની તપાસ કરી. એક રિક્ષાચાલક મળ્યો જેણે દૃષ્ટિહીન મહિલા અને તે વ્યક્તિને મટોડા પાસે ઉતાર્યાં હતાં.
"વધુ તપાસ કરતા રાત્રે બે વાગ્યે એક વ્યક્તિ સ્પૉટ થઈ જેની તસવીર રિક્ષાચાલકને મોકલીને ખરાઈ કરવામાં આવી. ત્યાર બાદ રાત્રે ત્રણ વાગ્યે તે આરોપીને પકડી પાડવામાં આવ્યો."

અવાજ પરથી થઈ આરોપીની ઓળખ

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ મુજબ તે આરોપી પાસેથી રાશનની કિટ અને દૃષ્ટિહીન મહિલાની લાકડી મળી હતી પણ તે પૂછપરછમાં ગુનો કબૂલ કરવા તૈયાર નહોતો.
પછી પોલીસે મામલતદારની હાજરીમાં એક પડદા પાછળ કોકિલાબહેનને બેસાડ્યાં અને બીજી બાજુ આરોપીને બેસાડ્યો તથા તેની સાથે વાતચીત શરૂ કરી.
એસ.પી. વીરેન્દ્ર યાદવ અનુસાર, તરત જ કોકિલાબહેને અવાજ ઓળખી પાડ્યો અને કહ્યું કે આ જ ગુનેગાર છે. આરોપીએ પણ પછી ગુનો કબૂલ કરી લીધો અને તેની ધરપકડ થઈ.

જન્મથી દૃષ્ટિહીન છે કોકિલાબહેન

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદ નજીક બાવળામાં રહેતાં 45 વર્ષનાં કોકિલાબહેન જન્મથી દૃષ્ટિહીન છે.
15 વર્ષ પહેલાં તેમણે શૈલેશભાઈ સાથે લગ્ન કર્યાં હતાં. શૈલેશભાઈ હૃદયરોગને કારણે કામ કરી શકતા નથી અને કોકિલાબહેન પણ કામ કરી શકતાં નથી. કોરોના મહામારી પહેલાં હૅન્ડીક્રાફ્ટનું કામ કરતાં હતાં પરંતુ હવે તે બંધ થઈ ગયું છે.
તેઓ અમદાવાદ અંધજનમંડળથી દર મહિને રાશનની કિટ લાવીને ગુજરાન ચલાવી રહ્યાં છે.
કોકિલાબહેને બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે, "દર મહિનાની જેમ હું બસમાં બેસીને સરખેજ આવી અને ત્યાંથી બાવળા જતી હતી. એ જ રિક્ષામાં બેઠી એક વ્યક્તિએ મને પૂછ્યું કે ક્યાં જવું છે. મેં તેમને મારું સરનામું આપ્યું."
"એમણે મને કહ્યું કે એમની દીકરીનું સાસરું ત્યાં જ છે, અંધારું થઈ ગયું છે તો એ મને ઘરે મૂકી જશે. મેં એમનો ભરોસો કર્યો અને બાવળા આવતાં પહેલાં જ ઊતરી ગયાં. રિક્ષાચાલકે પણ કહ્યું કે બાવળા નથી આવ્યું તો તેની સાથે બોલાચાલી થઈ."
"ત્યાર બાદ બીજી ઑટોરિક્ષામાં બેઠાં પરંતુ વચ્ચે ઊતરી ગયાં. તે મારો હાથ પકડીને ચાલવા લાગ્યો. હું તો કંઈ જોઈ શકું નહીં. મને થયું કે તેની દીકરીના ઘરે લઈ જાય છે."
"અચાનક મારા શરીર પર હાથ ફેરવવા લાગ્યો, મેં વાંધો ઉઠાવ્યો તો તેણે મને ધક્કો માર્યો અને હું નીચે પડી ગઈ. મારા શરીરે કાંટા વાગી ગયા."
"હું ઊભી થઈ શકતી નહોતી અને મેં તેને મારી લાકડી મારી. હું જોઈ શકતી નહોતી એટલે હવામાં લાકડી ફેરવવા લાગી તો તેણે લાકડી છીનવી લીધી."
"તે મને મારવા લાગ્યો અને મારાં કપડાં ફાડી નાખ્યાં. મેં બૂમાબૂમ શરૂ કરી એટલે એ મારી લાકડી અને અનાજની કિટ લઈને ભાગી ગયો. મારા પતિની દવા માટેના પૈસા પણ હતા એ પણ લૂંટી ગયો."
તેમણે જણાવ્યું કે તેમની બૂમો સાંભળીને લોકો ભેગા થઈ ગયા હતા.

'દૃષ્ટિહીન વ્યક્તિઓ પાસે સાંભળીને ઓળખવાની અનોખી તાકાત હોય છે'

ઇમેજ સ્રોત, Bhargav parikh
અમદાવાદ અંધજનમંડળના પ્રમુખ ડૉક્ટર ભૂષણ પૂનાનીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "જ્યારે કોકિલાબહેન અમારી પાસે આવ્યાં ત્યારે અમે ચોંકી ગયા હતા. પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી."
ભૂષણ પૂનાની કહે છે કે, "દૃષ્ટિહીન લોકો અવાજ સાંભળીને ભૂલ ન કરે, વ્યક્તિના ઉચ્ચારણથી તેઓ વ્યક્તિને ઓળખી શકે છે, જેમ કે સ અને શ અને શે જેવા અક્ષરોના ઉચ્ચારણોમાં જે હવા નીકળે છે તેમાં સીટી જેવો અવાજ હોય એ ડાર્ક વ્યક્તિત્વની ખાસિયત હોય છે."
"એટલે અંધ વ્યક્તિ જો કોઈનો અવાજ સાંભળે તો પાંચ વર્ષે પણ ઓળખી શકે છે, એટલે આ કેસમાં પણ અવાજ પરથી આરોપીને મહિલાએ ઓળખી પાડ્યો."
ગુજરાત હાઈકોર્ટના વકીલ આશિષ શુક્લે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે , "ગુજરાતમાં કોઈ બળાત્કારની કોશિશ અને લૂંટ કરનાર આરોપીને અવાજ પરથી ઓળખીને સજા કરવાનો કદાચ આ પહેલો કિસ્સો છે, પરંતુ આ કેસમાં બીજા સાક્ષી તરીકે રિક્ષાવાળા છે એટલે ગુનેગાર મહિલા અંધ હોવાને કારણે બચી જવાની કોઈ સંભાવના નથી."
તેઓ જણાવે છે કે, "કાનૂનીપ્રક્રિયામાં અંધ વ્યક્તિ ઓળખ પરેડમાં અવાજ અને સ્પર્શથી ઓળખી કાઢે તો પણ સજાની જોગવાઈ છે. જો બચાવપક્ષના વકીલ અવાજમાં ભ્રમની દલીલ કરે તો સ્પર્શથી આરોપીને દોષિત ઠેરવી શકાય છે. એટલે જ અત્યારે આ આરોપી પ્રહલાદજી ઠાકોરને જજે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












