ધોલેરા સ્માર્ટ સિટી : નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાથી ગુજરાતના ખેડૂતો નારાજ કેમ છે?
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
"નયા જો ધોલેરા બનેગા ઉસ કી સાઈઝ દિલ્લી સે ડબલ હૈ, આજ જો શાંઘાઈ હૈ ઉસ સે છહ ગુના જ્યાદા ધોલેરા બનને વાલા હૈ."
અંદાજે એકાદ દાયકા અગાઉ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે એક ભાષણમાં આ વાત કહી હતી.
ધોલેરા સ્માર્ટ સિટી એ નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે, જે ગુજરાતમાં અમદાવાદથી સો કિલોમીટર દૂર ધોલેરા અને તેની આસપાસના વિસ્તારોમાં તૈયાર થઈ રહ્યો છે.

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
પ્રગતિની વાત કરીએ તો એક દાયકામાં નરેન્દ્ર મોદીના સપનાના શહેરે હજી પા પા પગલી ભરી હોય તેવું વર્તાય છે.
સ્પેશિયલ ઇન્વેસ્ટમૅન્ટ રીજ્યન (સર) હેઠળ 920 ચોરસ કિલોમીટરમાં બની રહેલા ધોલેરા સ્માર્ટ સિટીની 340 ચોરસ કિલોમીટર જમીન દરિયાકાંઠાની છે.
ત્રણ ડિસેમ્બર 2021ના રોજ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે ધોલેરાની મુલાકાત લીધી ત્યારે પ્રાસંગિક પ્રવચનમાં હરીત શુક્લે કહ્યું હતું કે "દરિયાકાંઠાની જમીન પર પાંચ હજાર મેગા વોટનો સોલર પાર્ક તૈયાર થઈ રહ્યો છે." હરીત શુક્લ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમૅન્ટ લિમિટેડના મૅનેજિંગ ડિરેકટર છે.
ધોલેરાને એક એવું શહેર બનાવવાનું આયોજન છે જે પોતે જ પોતાની વીજળી ઉત્પાદિત કરે. ધોલેરામાં એરોસ્પેસ, એન્જિનિયરિંગ ઑટોસ્પાર્ટ્સ, ફાર્માસ્યુટિકલ્સ, ઇન્ફર્મેશન ટેક્નોલૉજી, રીન્યુએબલ ઍનર્જી વગેરે ક્ષેત્રો માટે ત્યાં તકો ઊભી થઈ રહી છે એવો સરકારનો દાવો છે.

"મને તો એમ હતું પ્લોટિંગનાં કામ ચાલતાં હશે પણ..."

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
920 ચોરસ કિલોમીટરમાં વિકસી રહેલા ધોલેરામાં નવા ગામ ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈમથક બની રહ્યું છે. ધોલેરાના ઍરપૉર્ટ વિશે રંગેચંગે સરકારી વાતો થઈ રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલ ત્યાં માત્ર જમીન જોવા મળી રહી છે. ઍરપૉર્ટની તૈયારી કેવી છે એ જોવા માટે અમે એક સિંગલપટ્ટી રસ્તેથી ગયા. એ રસ્તો પણ નવોનવો બન્યો હોય એવું જ લાગે. હજી ત્યાં કામ ચાલી રહ્યું છે.
સાલાસરમાં રહેતા અને નવાગામમાં ઍરપૉર્ટ થવાનું છે ત્યાં પ્લોટ જોવા આવેલા સની ખાવડિયાએ બીબીસીને આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, "ઇન્ટરનેટ પર તો આના વિશે ખૂબ બતાવવામાં આવ્યું છે. હું તો એ જોઈને જ અહીં ઍરપૉર્ટની સાઇટ જોવા આવ્યો હતો. મને તો એમ હતું કે માણસો જોવા મળશે. પ્લોટિંગના કામ ચાલતા હશે પણ એવું તો કશું જોવા મળ્યું નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"મેં સાંભળ્યું હતું કે રોકાણ કરવા માટે પ્લોટિંગ વગેરેનું કામ ચાલુ છે તેથી પ્લોટમાં રોકાણ માટે હું આ જગ્યા જોવા આવ્યો હતો. પરંતુ અહીં તો માત્ર જમીન જ દેખાય છે. અહીં રસ્તો ક્યારે બનશે, ઍરપૉર્ટ ક્યારે બનશે એ જોતાં રોકાણ કેમ કરવું એ સવાલ છે. હું આ જગ્યા જોવા આવ્યો ત્યારે મનમાં ઘણી ખ્વાહિશ લઈને આવ્યો હતો, પણ અહીં જોયા પછી વિચારમાં પડી ગયો છું!"
દુબઈમાં ધોલેરા સંદર્ભે યોજાયેલા એકસ્પોમાં ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયાના ચૅરમૅન સંજીવકુમારે વીડિયો કૉન્ફરન્સિંગથી કહ્યું હતું કે, "ઍરપૉર્ટ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા, ગુજરાત સરકાર અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કૉરિડૉરના સંયુક્ત પ્રયાસથી ઍરપૉર્ટ તૈયાર થઈ રહ્યું છે. આના માટે 3500 એકર જમીન ગુજરાત સરકાર દ્વારા ફાળવી દેવામાં આવી છે. ડિસેમ્બર 2024 સુધી તેના પહેલાં તબક્કાનું કામ પૂર્ણ થઈ જશે એવી આશા છે."
ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમૅન્ટ બોર્ડની વેબસાઈટમાં જણાવાયું છે કે ધોલેરા ઍરપૉર્ટ પબ્લિક – પ્રાઈવેટ પાર્ટનરશિપ ભાગીદારીથી તૈયાર થવાનું છે.

"જેનો રાજા વેપારી હોય એની પરજા સુખી ન હોય"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
ધોલેરા અને આસપાસનાં ગામોમાં બે વર્ગ જોવા મળી રહ્યા છે. એક વર્ગ જેમને જમીનના સારા ભાવ મળ્યા છે તે ખુશ છે. બીજો વર્ગ જે સરકારની જમીન અને વળતરની નીતિથી નારાજ છે.
ધોલેરા પાસેના બાવળિયારી ગામે પોતાના ખેતરમાં જુવારના પાકમાંથી નિંદામણ કાઢતાં કાઢતાં ખેડૂત રામદેવસિંહ ચૂડાસમા તળપદા લહેકામાં બીબીસીને કહે છે કે, "જેનો રાજા વેપારી હોય એની પરજા સુખી ન હોય, એ ભીખારી જ હોય."
"અમે લોકો બાપદાદાના વખતથી જમીનમાં ઘઉં, ચણા, જીરું વગેરે પાક લઈએ છીએ. ધોલેરામાં વિકાસ માટે સરનો કાયદો લાગુ કર્યો ત્યારથી ભયભિત છીએ કે ક્યારે અમારી જમીન જતી રહેશે?"
દિલીપસિંહ ચૂડાસમા પોતાના ખેતરમાં મશીનથી પડેલા સળંગ ખાડા દર્શાવતાં કહે છે કે, "આ મારા ખેતરમાં ઊભી જુવાર હતી. થોડા દિવસ પહેલાં સર ઑથૉરિટીવાળોએ આવીને રસ્તો બનાવવા માટે મશીનરીથી બધું હાંકી નાખ્યું છે. અમને ન તો કોઈ નોટિસ આપી કે ન કોઈ જાણ કરી."

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
"અમને જ્યારે ખબર પડી કે ખેતરમાં મશીન ફરી રહ્યાં છે ત્યારે અમે દોડતાં દોડતાં આવ્યા તો અમને પોલીસ સ્ટેશને લઈ ગયા. તેઓ પોલીસ સુરક્ષા સાથે આવ્યા હતા. જમીન સાત બારના ઉતારામાં અમારા નામે છે."
અન્ય એક ખેડૂત સુજાણસિંહ કહે છે કે, "ધોલેરા સર વિકસાવવા અમારી પચાસ ટકા જમીન મફત લઇ લે છે. જે ફાઈનલ પ્લોટ આપવાની વાત છે તે દરિયાની ખાડી છે એમાં પ્લોટ આપ્યા છે. ત્યાં દરિયાના પાણીમાં ખેતી કેવી રીતે કરવી?"
ખેડૂત રામદેવસિંહ કહે છે કે, "સરના કાયદામાં ક્યાંય ખેડૂત કે ખેતી શબ્દ નથી. પૈસા ચૂકવવાનું પણ કંઈ લખેલું નથી. આવો કોઈ કાળો કાયદો તમે દેશમાં જોયો છે? આખો ઍક્ટ વાંચો તો તમને એમ જ લાગે કે કોઈ ઉજ્જડ જમીનની જ વાત છે. અમે તો જાણે નાગરિક જ ન હોઈએ એના જેવી વાત છે."

"ટાઉન પ્લાનિંગ સ્કીમનો કાયદો શહેરમાં લાગુ પડી શકે, ગામડાં કેવી રીતે લાગુ પડે?"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
સર કાયદાના વિરોધ રૂપે બાવળિયારીમાં ગયા વર્ષે ગ્રામપંચાયતની ચૂંટણીનો બહિષ્કાર થયો હતો. ગ્રામજનોએ ગ્રામસભા ભેગી કરીને મામલતદારની હાજરીમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો.
બાવળિયારીના સરપંચ પ્રદ્યુમનસિંહ ચૂડાસમા સર કાયદા સામે લાંબા સમયથી લડી રહ્યા છે. તેમની રાય છે કે ગ્રામપંચાયતને સત્તા બંધારણે આપી છે. સરના કાયદા દ્વારા જાહેરનામું બહાર પાડીને પંચાયતની સત્તા છીનવાઈ રહી છે.
ધોલેરા સર આસપાસનાં ગામોમાં જમીન વગેરેની પ્રક્રિયાને પડકારાતી અરજી કોર્ટમાં 2014માં કરવામાં આવી હતી. જેમાં નગરનિયોજન - ટાઉન પ્લાનિંગ સ્કીમ લાગુ કરવા સામે પણ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો હતો.
પ્રદ્યુમનસિંહ કહે છે કે, "2014માં ગુજરાત હાઈકોર્ટમાં અમારો કેસ દાખલ થયો ત્યારે કોર્ટમાં ચર્ચા થઈ કે ધોલેરા સરમાં નગરનિયોજન - ટાઉન પ્લાનિંગનો કાયદો તમે લાગુ પાડ્યો છે. ત્યાં મોટામાં મોટું શહેર કયું છે? અને વસતી કેટલી છે? સરકાર તરફથી ઍડ્વોકેટ જનરલે રજૂઆત કરી હતી કે મોટામાં મોટું ગામ ધોલેરા છે અને તેની વસતી 8000 છે. જોવાની વાત એ છે કે ધોલેરા અને આસપાસનાં ગામોમાં તો તમામ ગ્રામપંચાયત છે. નગરપાલિકા પણ નથી. તો જજસાહેબે કહ્યું હતું કે ટાઉન પ્લાનિંગ તો શહેરની આજુબાજુ હોય."

"ધોલેરા એટલે આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ સંતુલિત વિકાસ"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોલેરા મુલાકાત વખતે કહ્યું હતું કે, "આર્થિક તેમજ સામાજિક દૃષ્ટિએ સંતુલિત એવા વિશ્વ કક્ષાના ન્યૂ એજ ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચર સિટીના આયોજન અને વિકાસ માટે ધોલેરા સરની રચના રાજ્ય સરકારે કરી છે."
રાજ્ય સરકાર આર્થિક અને સામાજિક દૃષ્ટિએ સંતુલિત વિકાસની વાત કરે છે પણ ખેડૂતોને તો એ બંધારણ બહારની લાગે છે.
પ્રદ્યુમનસિંહ કહે છે કે, "દેશના સમવાયતંત્રમાં જમીનનો વિષય રાજ્ય અને કેન્દ્ર વચ્ચે સહિયારો છે. સહિયારા વિષયમાં બંધારણનો નિયમ એવો છે કે કેન્દ્ર અને રાજ્ય બંનેનો કાયદો લાગુ પડતો હોય તો કેન્દ્રનો કાયદો ઉપરવટ ગણાય. 2013માં કેન્દ્ર સરકારે નવો જમીન સંપાદનધારો ઘડ્યો તેમાં જાહેરહિત – હેતુ માટે જમીન લેવી હોય તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં કેવી રીતે વળતર આપવું, સંપાદન કરવું એની જોગવાઈ છે."
"2009માં ગુજરાત સરકારે સર કાયદો બનાવ્યો. એ કાયદામાં એક જાહેરનામું બહાર પડે અને જમીન સરકારની થઈ જાય. એમાં નોટિસ આપવાની કે વળતરની કોઈ જોગવાઈ નથી. તેથી અમે કહીએ છીએ કે સરનો કાયદો ગેરબંધારણીય છે. ધોલેરાનાં 22 ગામોમાં ઉદ્યોગ ઊભા કરવાના હોય તો અમારો પુનર્વસવાટ કરી દેવો જોઈએ, વાજબી વળતર આપવું જોઈએ."

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
ધોલેરા સરની બે ટાઉન પ્લાનિંગ સ્કીમમાં એંશી ટકા લોકોએ જમીન આપી દીધી છે અને તેમને વળતર પણ ચૂકવવામાં આવ્યું છે, એવી રજૂઆત ધોલેરા સર ડેવલપમૅન્ટ ઑથૉરિટીએ હાલમાં જ કોર્ટમાં સુનાવણી દરમ્યાન કરી હતી.
ધોલેરા સર આસપાસનાં ગામોમાં જમીનસંપાદન સહિતની પ્રક્રિયાને પડકારાતી અરજીને પગલે હાઈકોર્ટે વર્ષ 2015માં ત્યાંના કેટલાક વિસ્તારમાં સ્થિતિ જેમ છે તેમ રાખવાનો સ્ટેટસ ક્વો હુકમ આપ્યો છે.
સ્ટેટસ ક્વો ન જળવાયો હોવાની ફરિયાદ થતાં ધોલેરા સર ડેવલપમૅન્ટ ઑથૉરિટી દ્વારા માફી માગવામાં આવી હતી. જેમાં તેમણે વળતરની આ વાત કહી હતી.

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
ખેડૂત સમાજ સંસ્થા અને ધોલેરાના બાવીસ ગામના ખેડૂતો વતી ગુજરાતના જાણીતા કર્મશીલ તેમજ રાજ્યના પૂર્વ નાણામંત્રી સ્વ. સનત મહેતાએ 2014માં એક જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી હતી. જેમાં ડિસેમ્બર 2015માં સ્ટેટસ ક્વો – યથાસ્થિતિ જાળવવા કોર્ટે આદેશ આપ્યો હતો.
ઉદ્યોગોના વિકાસ માટેના 2009ના સર કાયદાને એ અરજીમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં અરજદારના વકીલ કૃષ્ણકાંત વખારિયાએ રજૂઆત કરી હતી કે એ કાયદાની કેટલીક કલમો ગેરબંધારણીય છે. કલમ 17 ખેડૂતોની અડધોઅડધ જમીન તેમને વળતર ચૂકવ્યા વગર લઈ લેવાની મંજૂરી આપે છે.

"જે જમીનના પાંચ હજાર નહોતા મળતા, તેના પચીસ લાખ મળે છે"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
ધોલેરામાં જ્યાં નવું શહેર તૈયાર થઈ રહ્યું છે તે એક્ટિવેશન સાઇટ પર ધમધોકાર કામ ચાલી રહ્યાં છે. પહોળા પાક્કા રોડ પથરાઈ ચૂક્યા છે. અમદાવાદ જેવો એક રિવરફ્રન્ટ ત્યાં તૈયાર થઈ રહ્યો છે.
લોકો તે નિહાળવા આવે છે અને ત્યાં સેલ્ફી લે છે. ખેડૂતોનો એક વર્ગ નારાજ છે, તો એવો પણ વર્ગ છે જે વિકાસથી ખૂબ ખુશ છે.
ધોલેરાના જમીનધારક અને ડેવલપર હાર્દિકસિંહ ચૂડાસમા ત્યાંની એક્ટિવેશન સાઈટ બતાવતાં કહે છે કે, "આ સર્વે નંબર 18ની જમીન ધોલેરાનો ભાઠો એટલે કે ખારોપાટ છે. અહીં ખેતી કે કંઈ થતું નહોતું. હાલ વિકાસનાં કામો થઈ રહ્યાં છે."

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
"આ જમીન કોઈ લેવા રાજી નહોતું. જેનો ભાવ પાંચ હજાર પણ નહોતો મળતો તેના પચીસ લાખ મળ્યા છે. જે ખેડૂતોને વાંધો છે તેમને ઓછું વળતર મળે છે એનો વાંધો છે, વિકાસ સામે કોઈને વાંધો નથી."
ગુજરાતમાં વર્ષેવર્ષે યોજાતા વાઇબ્રન્ટ ઉત્સવોમાં પણ ધોલેરામાં રોકાણ માટે કેટલી વિપુલ તકો રહેલી છે તેની રજૂઆત થતી રહેતી હતી.
કોરોનાને કારણે મોકૂફ રહેલા વાઈબ્રન્ટ ગુજરાત 2022માં પણ ધોલેરામાં રોકાણ માટે વિવિધ સૅક્ટર્સમાં રોકાણકારો રીઝે એ માટેની રજૂઆત તેની વેબસાઈટ પર રજૂ કરવામાં આવી હતી.
ધોલેરાના જ વતની અને કૉન્ટ્રાક્ટર જયપાલસિંહ ચૂડાસમા કહે છે કે, "આ વિસ્તારમાં મોટા ભાગની જમીન ખારોપાટ છે. ખેતીલાયક જમીન ઓછી છે. ખેતીનો લાભ પણ માત્ર મોટા ખેડૂતોને જ મળે છે. નાના ખેડૂતોને લાભ મળતો નથી."

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
"અહીં સ્થિતિ એવી હતી કે રોજગારી માટે લોકો સુરત વગેરે શહેરોમાં જતા હતા. છ મહિના ત્યાં રોજગારી મેળવે અને બાકીના છ મહિના અહીં રહે. ધોલેરામાં થઈ રહેલા વિકાસને પગલે છેલ્લાં બે વર્ષથી લોકોએ બહાર જવાનું બંધ કરી દીધું છે. અહીં સરેરાશ સાડા ત્રણસો રૂપિયે રોજ મજૂરી મળે છે."
ધોલેરામાં પાંચ હજાર મેગાવૉટનો જે સોલર પાર્ક તૈયાર થઈ રહ્યો છે એ વિશે જણાવતાં હરીત શુક્લે 3 ડિસેમ્બર, 2021ના રોજ કહ્યું હતું કે, "ત્યાં 300 મેગાવૉટનો સોલર પાર્ક ઑલરેડી તાતા કંપની દ્વારા બની ગયો છે. આગામી બે વર્ષમાં સંપૂર્ણ સોલર પાર્કનું કામ સંપન્ન થઈ જશે."
"ધોલેરામાં સાઈટ પર જે રોડ તૈયાર થયા છે એની નીચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ, પાણીની લાઇન, ગૅસની લાઇન, ફાઇબરની લાઇન, પાવરની લાઇન ઑલરેડી નંખાઈ ચૂકી છે. કોઈ પણ ઉદ્યોગ જ્યારે પણ કામ શરૂ કરશે ત્યારે પહેલાં દિવસથી તેને આ તમામ સવલતો મળશે."

"વિકાસ એટલે સ્થાનિક માણસોને એનાં ફળ સૌથી પહેલા મળવાં જોઈએ"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
એકાદ દાયકામાં ધોલેરામાં ચણતર અને રસ્તાના કામ તો દેખાય છે, પણ કોઈ ઉદ્યોગ શરૂ થયા હોય એવું જણાતું નથી.
સામાન્ય ક્રમ એવો હોય છે કે ગામમાંથી નગર અને નગરમાંથી મહાનગર બનતું હોય છે. ધોલેરામાં સીધું જ મહાનગર – સ્માર્ટ સિટી બની રહ્યું છે.
ઉદ્યોગો, ઇમારતો અને એમ્યુઝમેન્ટ પાર્ક તો બની જશે પણ શું એનાથી જ આકર્ષાઈને લોકો એને શહેર તરીકે વસવાટ માટે પસંદ કરશે?
ધોલેરા પ્રોજેક્ટનો એક મોટો હિસ્સો દરિયાકાંઠે તૈયાર થઈ રહ્યો છે. આબોહવા પરિવર્તનને કારણે ગુજરાતમાં વાવાઝોડાં વારંવાર આવી રહ્યાં છે ત્યારે એની સામે સ્માર્ટ સિટીમાં શું આયોજન છે?
પ્રદ્યુમનસિંહ કહે છે કે, "ઍરપૉર્ટની જે જમીન છે ત્યાં ચોમાસામાં દશ-દશ ફૂટ પાણી ભરાય છે. ભોગાવો, ભાદર અને સાબરમતી ત્રણેય નદીનું પાણી ભેગું થાય છે. આટલા મોટા વિસ્તારને પૂરાણ કરવામાં ખર્ચ કેટલો થશે? પૂરાણ કર્યા પછી એ નદીઓનું પાણી કંઈ થોડું બંધ થઈ જવાનું છે? એ ક્યાં જશે?"

ઇમેજ સ્રોત, tejas vaidya bbc
જો તમારે આંગણે વિશ્વકક્ષાનું શહેર બનતું હોય, ઉદ્યાનથી લઈને ઉદ્યોગો આવતા હોય તો આ વિકાસ સામે વાંધો શા માટે હોવો જોઈએ?
આ સવાલના જવાબમાં પ્રદ્યુમનસિંહ કહે છે કે, "વિકાસની વ્યાખ્યા એ છે કે ત્યાંના સ્થાનિક માણસોને એનાં ફળ સૌથી પહેલા મળવાં જોઈએ. પછી એ આદિવાસી હોય કે કોઈ પણ છેવાડાનો માણસ હોય. 2011થી અત્યાર સુધી અહીં કરોડો રૂપિયા વપરાઈ ગયા છે. ધોલેરામાં એક પણ સારું પ્રસૂતિગૃહ નથી. સાયન્સની એક પણ હાયર સેકન્ડરી સ્કૂલ નથી. એન્જિનિયરિંગ કૉલેજની તો અપેક્ષા જ ન રખાય."
પરંતુ અહીં ઉદ્યોગો, ઍરપૉર્ટ વગેરેનો વિકાસ થશે એની સાથે સાથે આ બધું તો આવશે જ ને?
એના જવાબમાં તેઓ કહે છે કે, "ચાલો એમ માની લઈએ કે રોજગારી મળશે. રોજગારી એટલે મજૂરથી લઈને મૅનેજર સુધીના માણસો આવે. અમારે ત્યાં સારી બાલવાડી કે કૉલેજો તો છે નહીં. અમારાં સંતાનોએ સારું શિક્ષણ તો મેળવ્યું નથી. તો એને કઈ કૅટેગરીમાં નોકરી મળશે?"
"ખરેખર તો મૅનપાવર પ્લાનિંગ તેમણે અત્યારથી કરવું પડે. ઉદ્યોગો અહીં શરૂ થશે ત્યારે એન્જિનિયરની જરૂર પડશે ત્યારે શું અહીં એન્જિનિયર જન્મ લેશે? કહેવાનો મતલબ એ છે કે એ ધંધા-ઉદ્યોગોમાં સારા હોદ્દેદારો તો બહારથી જ આવશે અને જેમની જમીનો ગઈ છે એ અમારા ખેડૂતો અને એના દીકરા મજૂરી કરશે."
- માયાવતી યુપીના ચૂંટણીપ્રચારમાં ગાયબ, પણ બીએસપીને સત્તામાં આવવાની આશા
- ભાજપ યુપીની ચૂંટણી જીતવા ગુજરાતના હિંદી ભાષીઓનો ઉપયોગ કઈ રીતે કરે છે?
- ભારતના ભાગલા વખતે છૂટા પડેલા ભાઈઓ અંદાજે 75 વર્ષે મળ્યા, એકબીજાને ભેટીને ચોધાર આંસુએ રડ્યા
- શાહજહાંનાં પત્ની મુમતાજ મહલને ત્રણ વાર કેમ દફનાવાયાં હતાં?
- દલિત પેન્થર : અત્યાચારોનો બદલો લેવા બનાવાયેલું વિદ્રોહી સંગઠન શું હતું?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












