પંજાબમાં AAPએ જેમને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા એ ભગવંત માન કોણ છે?

આમ આદમી પાર્ટીએ સંગરૂરની બેઠક ઉપરથી લોકસભાના સાંસદ ભગવંત માનને પાર્ટીના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનાવ્યા છે.

મંગળવારે આમ આદમી પાર્ટીના સંયોજક તથા દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકારપરિષદમાં આ વાતની જાહેરાત કરી હતી.

ભગવત માન

ઇમેજ સ્રોત, Bhagwant Mann/twitter

ગત અઠવાડિયે આપ દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો અને જનતાને મુખ્ય મંત્રી માટે ઉમેદવારનું નામ જણાવવા કહ્યું હતું.

જોકે કેટલાક લોકોએ તેને 'અવૈજ્ઞાનિક' ગણાવીને તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

પંજાબમાં અગાઉ 14 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાવાની હતી, જે હવે 20 ફેબ્રુઆરીએ યોજાશે.

line

શું કહ્યું કેજરીવાલે ?

અરવિંદ કેજરીવાલ અને ભગતવ માન

ઇમેજ સ્રોત, Bhagwant Mann/twitter

ઇમેજ કૅપ્શન, આપની ઇમેજ પંજાબમાં 'દિલ્હીની પાર્ટી'ની છે ત્યારે કેજરીવાલ દ્વારા ભગવંત માનને સંબોધતી વખતે 'સરદાર' નામનો સૂચક રીતે ઉપયોગ કરાઈ રહ્યો છે

પંજાબમાં આપના મુખ્ય મંત્રીપદના ઉમેદવાર તરીકે માનના નામની જાહેરાત કરતી વખતે કેજરીવાલે કહ્યું હતું :

"કેટલાક લોકોએ મુખ્ય મંત્રી તરીકે મારું નામ નાખી દીધું. 93.3 ટકા લોકોએ સરદાર ભગવંત માનને પસંદ કર્યા છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા પંજાબના મુખ્ય મંત્રીના ચહેરા તરીકે સરદાર ભગવંત માનના નામની જાહેરાત કરવામાં આવે છે."

આ પછી એક ટ્વીટ કરીને તેમણે લખ્યું, "પંજાબમાં મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનવા બદલ સરદાર ભગવંત માનને અભિનંદન. સમગ્ર પંજાબ આશાપૂર્વક આમ આદમી પાર્ટી સામે જોઈ રહ્યું છે. આ એક મોટી જવાબદારી છે અને હું એ વાતે નિશ્ચિંત છું કે ભગવંત માન દરેક પંજાબીના ચહેરા ઉપર ફરી સ્મિત લાવશે."

કેજરીવાલ દ્વારા ભગવંત માનને સંબોધતી વખતે 'સરદાર' નામનો સૂચક રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

ગત વર્ષે જુલાઈ મહિનામાં જ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે પાર્ટીનો મુખ્ય મંત્રીપદનો ઉમેદવાર શીખ હશે, ત્યારથી જ એવું માનવામાં આવતું હતું કે ભગવંત માનને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર બનાવવામાં આવશે.

મોબાઇલ નંબર દ્વારા મુખ્ય મંત્રીપદના ઉમેદવારના નામની પસંદગીને વૈજ્ઞાનિક માનવામાં નથી આવતી અને તેની ઉપર સવાલ ઉઠ્યા હતા કે જો કોઈ એક વ્યક્તિ અલગ-અલગ 10 નંબર ઉપર કૉલ કે મૅસેજ કરે તો તેને અટકાવવા માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?

પંજાબ યુનિવર્સિટીમાં રાજનીતિ વિજ્ઞાનના પ્રાધ્યાપક આશુતોષ કુમારે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું, "પંજાબમાં આમ આદમી પાર્ટીની છાપ દિલ્હીની પાર્ટી તથા બિન-પંજાબીઓની પાર્ટીની છે. અકાલીઓ પણ આ મુદ્દે તેમના પર નિશાન સાધતા રહ્યા છે."

"આ કારણથી જ પાર્ટી 2017માં સત્તાથી વંચિત રહી ગઈ હતી. એટલે જ આ વખતે આપ દ્વારા પંજાબીઓની પસંદની વાત કહેવામાં આવી રહી છે."

"કેજરીવાલ દ્વારા એવું દેખાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે બધું પંજાબીઓની મરજી મુજબ થઈ રહ્યું છે. જનતાની પસંદગી જાણવા માટે આપ દ્વારા જે પદ્ધતિ અપનાવવામાં આવી, તે વૈજ્ઞાનિક નથી."

line

કોણ છે ભગવંત માન?

ભગવત માન

ઇમેજ સ્રોત, Bhagwant Mann/twitter

ઇમેજ કૅપ્શન, આપ દ્વારા એક નંબર જાહેર કરીને પંજાબના લોકોને સીએમના ઉમેદવારનું નામ જણાવવા કહેવાયું હતું

ભગવંત માન સંગરૂરની બેઠક ઉપરથી લોકસભાના સંસદસભ્ય છે. તેઓ આપના પંજાબ એકમના વડા પણ છે.

2018માં કેજરીવાલે પંજાબ સરકારના પૂર્વ મંત્રી અને અકાલી દળના નેતા બિક્રમસિંહ મજીઠિયા પર ગેરકાયદેસર ડ્રગના વેપારમાં સંડોવણીનો આરોપ મૂક્યો હતો. પાછળથી કેજરીવાલે આ મુદ્દે માફી માગી લીધી હતી. એ પછી માને આપના વડાના પદેથી રાજીનામું આપી દીધું હતું.

ભગવંત માન ઉપર શરાબ પીવાના આરોપ લાગતા રહ્યા છે અને તેઓ અનેક વખત આ વાતનો સ્વીકાર પણ કરી ચૂક્યા છે.

અકાલીદળ સત્તા ઉપર આવશે તો બાદલ પરિવારમાંથી મુખ્ય મંત્રી બનશે તે વાત નિશ્ચિત માનવામાં આવે છે.

કૉંગ્રેસમાં નવજોતસિંહ સિદ્ધુ તથા મુખ્ય મંત્રી ચરણજીત ચન્નીની વચ્ચે કૉલ્ડવૉર ચાલી રહ્યું છે, પરંતુ કૉંગ્રેસે એક ટ્વીટ દ્વારા અણસાર આપ્યા છે કે ચન્ની જ પાર્ટીનો મુખ્ય મંત્રીનો ચહેરો હશે.

કૉલેજકાળથી જ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાગ લેતા માન લોકકલાકાર છે તથા તેમનાં અનેક હાસ્ય આલ્બમ આવી ચૂક્યાં છે. તેઓ લાફ્ટર ચૅલેન્જમાં ભાગ લઈ ચૂક્યા છે. તેઓ પંજાબ ઉપરાંત યુકે, કૅનેડા અને અમેરિકામાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવે

માન હિંદી તથા પંજાબી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો