ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી : માયાવતી ચૂંટણીપ્રચારમાં ગાયબ, પણ બીએસપીને સત્તામાં આવવાની આશા

    • લેેખક, રાઘવેન્દ્ર રાવ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને સમાજવાદી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે, ત્યારે ચૂંટણીપ્રચારમાં ગેરહાજર બહુજન સમાજ પાર્ટીનો દાવો છે કે તે રાજ્યમાં આગામી સરકાર બનાવશે.

બસપાએ છેલ્લે 2007માં ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવી હતી. 2007ની ચૂંટણીમાં બસપાને ઉત્તર પ્રદેશની 403 વિધાનસભા બેઠકોમાંથી 206 બેઠકો પર જીત મળી છે.

આ ચૂંટણીમાં બીએસપીની જીતનો સાફો સોશિયલ એન્જિનિયરિંગના માથે બંધાયો હતો, જે અંતર્ગત પાર્ટી બ્રાહ્મણ મતદારોને આકર્ષવામાં સફળ રહી હતી.

બીબીસીએ લખનૌમાં બહુજન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રા સાથે વાત કરી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીબીસીએ લખનૌમાં બહુજન સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રા સાથે વાત કરી.

ઉત્તર પ્રદેશમાં સતત 10 વર્ષ સુધી સત્તામાંથી બહાર રહ્યા બાદ, પાર્ટીએ ફરી એક વાર 2022ની ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બ્રાહ્મણ મતો પર નજર ઠેરવી છે.

પાર્ટીનું માનવું છે કે છેલ્લાં 10 વર્ષમાં સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં બ્રાહ્મણોની ઉપેક્ષા અને ગેરવર્તણૂકને કારણે આ વખતે તેને બ્રાહ્મણ સમુદાયના મત મળશે.

બીબીસીએ લખનૌમાં બહુજન સમાજ પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ સતીશચંદ્ર મિશ્રા સાથે વાત કરી.

અમે તેમને પૂછ્યું કે રાજ્યમાં આટલા સળગતા મુદ્દાઓ હોવા છતાં, શું બસપાના સત્તામાં પાછા આવવાની તમામ આશા માત્ર સોશિયલ એન્જિનિયરિંગ પર જ ટકેલી છે?

સતીશચંદ્ર મિશ્રાએ કહ્યું, "સોશિયલ એન્જિનિયરિંગ એ ખૂબ જ મૂળભૂત બાબત છે જે હોવી જોઈએ. અમારી પાર્ટીનું સૂત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય છે. તેથી સર્વજનને સમાવવા માટે, સોશિયલ તો થવું જ પડે."

બીએસપી છેલ્લા કેટલાક મહિનામાં બ્રાહ્મણોને આકર્ષવા માટે રાજ્યમાં પ્રબુદ્ધ પરિષદોનું આયોજન કરતી જોવા મળી છે. શું પાર્ટીને લાગે છે કે આ વખતે તે બ્રાહ્મણોનું સમર્થન મેળવવામાં સફળ થશે?

સતીશચંદ્ર મિશ્રા કહે છે, "બ્રાહ્મણ સમાજ ખુલ્લી આંખે જુએ છે. તમે તેને આંખ અને કાન બંધ કરવાનું કહી શકતા નથી. તે વિચારશીલ સમાજ છે. તે જોઈ રહ્યો છે કે એકતરફ બસપાનું શાસન હતું તે પહેલા બ્રાહ્મણોની કેવી દશા હતી અને બસપાએ તેમને ક્યાં પહોંચાડ્યા હતા. બીજી તરફ તેઓ જોઈ રહ્યા છે કે સમાજવાદી પાર્ટીની સરકારમાં શું થયું. જેની પાસેથી તેમને અપેક્ષા હતી તે ભારતીય જનતા પાર્ટીએ તેમને સાવ હાંસિયામાં ધકેલી દીધા છે."

સતીશચંદ્ર મિશ્રાનું કહેવું છે કે દલિત, પછાત વર્ગ અને મુસ્લિમ સમાજ તો પહેલેથી જ તેમની સાથે જોડાયેલો છે.

"બ્રાહ્મણ સમાજને આ લોકોએ અહીંતહીં વાળવાનો શું પ્રયાસ કર્યો હતો, જેના કારણે બ્રાહ્મણ સમાજ સાવ શૂન્યની સ્થિતિમાં પહોંચી ગયો. તેમનું માન-સન્માન વધારવા અને સમાજના ભેદભાવને દૂર કરવા માટે અમે પ્રયાસ કર્યો અને અમે સફળ થયા. અમે એક સારી ફૉર્મ્યુલા ચલાવી જે સફળ પણ થઈ અને અમારી સરકાર પણ બની.''

મિશ્રાનું કહેવું છે કે જો સરકાર નહીં બને તો સોશિયલ એન્જિનિયરિંગને અમલી કરી શકાશે નહીં.

તેઓ કહે છે, "આ માટે સરકાર બનાવવી પણ જરૂરી છે અને જો સમાજના તમામ વર્ગના લોકો, ખાસ કરીને બ્રાહ્મણો, પહેલાંની જેમ અમારી સાથે જોડાવા માટે એકત્ર થાય તો અમે ફરીથી પહેલાં જેવી સરકાર બનાવીને ફરીથી એવો સમાજ બનાવવાનું કામ કરીશું."

line

માયાવતી ચૂંટણીપ્રચારમાં કેમ ગાયબ છે?

માયાવતી

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા કેટલાય સપ્તાહોથી ચાલી રહેલા ચૂંટણીપ્રચારમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી પોતાની પૂરેપૂરી તાકાત લગાવતા જોવા મળી રહ્યા છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં ઘણી રેલીઓ કરી ચૂક્યા છે અને અખિલેશ યાદવ આખા રાજ્યમાં વિજય રથયાત્રા લઈને પ્રચાર કરતા જોવા મળ્યા. આ બધાની વચ્ચે ચર્ચા એ હતી કે બસપા સુપ્રીમો માયાવતી ચૂંટણીપ્રચારમાંથી કેમ ગાયબ છે?

સતીશચંદ્ર મિશ્રા કહે છે કે તેમની પાર્ટીની કાર્યશૈલી એવી છે કે પહેલા પાર્ટીના કાર્યકરો દરેક જિલ્લામાં જાય છે અને મીટિંગ કરે છે અને માયાવતી ચૂંટણીની જાહેરાત થઈ ગયા પછી બધા જિલ્લામાં જાય છે.

તેઓ કહે છે, "આ કોઈ નવી વાત નથી. તમે કોઈ પણ જૂની ચૂંટણીને જોઈ લો. ચૂંટણીની જાહેરાત પહેલા માયાવતી એક મોટી સભા કરે છે અને ચૂંટણીની જાહેરાત પછી, તેઓ દરેક જિલ્લામાં પ્રચાર કરે છે, આ વખતે પણ તેમણે 9 ઑક્ટોબરે એક જાહેર સભામાં પાંચ લાખ લોકોને સંબોધિત કર્યા હતા.

કોવિડ સંક્રમણને કારણે, ચૂંટણી પંચે 15 જાન્યુઆરી સુધી ચૂંટણી જાહેર સભાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જો આ પ્રતિબંધ હઠાવવામાં આવે છે તો માયાવતી ચૂંટણીપ્રચાર માટે મેદાનમાં ઊતરે છે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.

line

બસપા કયા મુદ્દાઓ પર ચૂંટણી લડી રહી છે?

અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, યુપીની ચૂંટણીમાં મુખ્ય જંગ અખિલેશ યાદવ અને યોગી આદિત્યનાથ વચ્ચે દેખાઈ રહ્યો છે

સતીશચંદ્ર મિશ્રા કહે છે કે "છેલ્લાં પાંચ વર્ષમાં અને એ પહેલાંનાં પાંચ વર્ષમાં લોકોએ અરાજકતા, લૂંટફાટ, ખંડણી, રમખાણો, તોફાનો અને બળાત્કાર જેવી ઘટનાઓ જોઈ છે".

તેઓ કહે છે, "યોગી સરકારની રોકો અને ઠોકોની નીતિ હેઠળ, 500 થી વધુ બ્રાહ્મણોની હત્યા કરી દેવામાં આવી અને 100થી વધુ બ્રાહ્મણોને ઠાર મારવામાં આવ્યા હતા. દલિતો પર અત્યાચારો થયા."

"ખેડૂત રડી રહ્યા છે, તેની જમીન પર કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે આંદોલન કર્યું તો તેમને કચડીને મારી નાખવામાં આવ્યા. વાયદો કરવામાં આવ્યો હતો કે તેઓ ખેડૂતોની આવક બમણી કરશે. ચૂંટણી આવી ત્યારે શેરડીના ભાવમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.''

તેઓ કહે છે કે માયાવતીએ તેમની સરકારમાં આ તમામ વર્ગોને સુરક્ષા આપી હતી.

તેઓ કહે છે, "મહિલાઓ સુરક્ષિત હતી. તેઓ રાત્રે 12 વાગ્યે પણ ઘરની બહાર નીકળી શકતી હતી. માયાવતીજીએ ખેડૂતોની આવક બમણી કરવાનું કામ કર્યું હતું."

બસપાને આશા છે કે લોકોને માયાવતી સરકારમાં કરેલાં કામો યાદ હશે અને તેઓ પાર્ટીની તુલના સમાજવાદી પાર્ટી અને ભાજપ સાથે કરી શકશે.

line

યોગી અને અખિલેશ અંગે અભિપ્રાય

યોગી, માયાવતી, પ્રિયંકા અને અખિલેશ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બસપાને આશા છે કે લોકોને માયાવતી સરકારમાં કરેલાં કામો યાદ હશે અને તેઓ પાર્ટીની તુલના સમાજવાદી પાર્ટી અને ભાજપ સાથે કરી શકશે.

આ ચૂંટણીપ્રચારમાં મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવ સતત ચર્ચામાં રહ્યા છે.

અમે સતીશચંદ્ર મિશ્રા પાસેથી આ બંને નેતાઓ વિશેનો તેમનો અભિપ્રાય જાણ્યો.

તેમણે કહ્યું, "2012થી 2017 વચ્ચે શું થયું તે બધાએ જોયું છે. સૈફઈમાં કેવી રીતે નાચ-ગાન થઈ રહ્યાં હતાં અને કેવી રીતે મુઝફ્ફરનગરમાં કૌભાંડ થયું હતું. કેવી રીતે 134 રમખાણો થયા. લોકો યાદ રાખશે કે જો સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો આવું જ બધું થશે."

"યોગી આદિત્યનાથની સરકારમાં લોકોએ જોયું છે કે શું થઈ રહ્યું છે. રોકો અને ઠોકો જેવી વાતો થઈ રહી છે. કોઈને એવી અપેક્ષા ન હોય કે એક મુખ્ય મંત્રી આવાં નિવેદનો કરે."

મિશ્રાના કહેવા પ્રમાણે યોગી સરકારમાં કોઈ વિકાસકાર્યો નથી થયાં.

તેઓ કહે છે, "જે પણ કામો થયાં તે અખબારોમાં કે ટીવી પર જાહેરાતોમાં બતાવવા માટે થયાં. આ બંને સરકારો માને છે કે તેઓ રાજ્યને ભ્રમિત કરીને જાહેરાતો પર દર મહિને 500 કરોડ રૂપિયા ખર્ચીને લોકોને બતાવી દેશે કે અમારી સરકાર સારી રીતે ચાલી રહી છે. પરંતુ અસલી ચહેરો લોકો સામે આવી ગયો છે."

"આ બંનેના પ્રચારથી અમને લોકોને કોઈ તકલીફ નથી. આજે પણ જમીની સ્તરે અમે મજબૂત રીતે જોડાયેલા છીએ અને આ લોકો અમારાથી માઈલો પાછળ છે."

line

બસપાની પોતાની સમસ્યાઓ

માયાવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પાર્ટીના કેટલાય ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી અથવા તો તેમને હાંકી કાઢવામાં આવ્યા.

2017ની ઉત્તર પ્રદેશ ચૂંટણી બાદ બસપાની પોતાની મુશ્કેલીઓ પણ ઓછી નથી રહી. પાર્ટીના કેટલાય ધારાસભ્યોએ પાર્ટી છોડી દીધી અથવા તો તેમને હાંકી કાઢવામાં આવ્યા.

2017માં બસપાએ 19 બેઠકો જીતી હતી, તો શું તેની અસર પાર્ટીના ચૂંટણીપ્રચાર પર નહીં પડે?

મિશ્રાનું કહેવું છે કે ચૂંટણીપ્રચાર શરૂ થાય તે પહેલાં જ આ તમામ લોકોને પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, "આ લોકોએ છેતરપિંડી કરવાનું કામ કર્યું હતું. આ લોકો સામે અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા."

"હાંકી કાઢ્યા પછી તેઓ ક્યાં જાય છે, તેઓ શું કરે છે તેનાથી પાર્ટીને કોઈ ફરક પડતો નથી, કારણ કે બસપાનો ઇતિહાસ રહ્યો છે કે તે શૂન્યમાંથી નેતા બનાવવાનું કામ કરે છે અને નેતા બન્યા પછી જો આ લોકો પાર્ટી સાથે દગો કરે તો તો તેઓ એકલા જ જાય છે. પાર્ટીનો કોઈ કાર્યકર, સમર્થક કે મતદાર તેમની સાથે નથી જતો. એટલે જ તેઓ પછીની ચૂંટણીમાં તેમને પછડાટ મળે છે."

line

ઈવીએમ સાથે છેડછાડની વાત કેમ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, માયાવતીએ તાજેતરમાં કહ્યું હતું કે જો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે તો ભાજપની હાર થશે (પ્રતીકાત્મક તસવીર)

માયાવતીએ તાજેતરમાં કહ્યું હતું કે જો મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી થશે તો ભાજપની હાર થશે.

તેમણે ઈવીએમ સાથે છેડછાડની શક્યતા વિશે પણ વાત કરી હતી. અમે સતીશચંદ્ર મિશ્રાને પૂછ્યું કે શું ભાજપની દરેક જીતનું કારણ ઈવીએમ સાથે ચેડાં એ માત્ર આગળ ધરી દેવા માટેનું બહાનું નથી?

તેમણે કહ્યું, "જો ચૂંટણીપંચ સત્તાનો દુરુપયોગ કરવા દેશે અથવા સરકારને મનમાની કરવા દેશે, તો સમસ્યા સર્જાશે. અમે માત્ર એટલું જ કહ્યું છે કે અમારી મત ટકાવારી એટલી વધી રહી છે કે જો કોઈ ઈવીએમ સાથે છેડછાડ કરે તો પણ તેઓ જીતી શકશે નહીં."

"સરકારમાં રહીને તેઓ તેનો દુરુપયોગ તો કરી જ રહ્યા છે. ચૂંટણીપંચે ચૂંટણીની જાહેરાત કરી તેના આગલા દિવસે મુખ્ય મંત્રી ઉદ્ઘાટન કરી રહ્યા હતા. શું આ દુરુપયોગ નથી?"

માયાવતી ચૂંટણી લડશે?

આ પ્રશ્નના જવાબમાં સતીશચંદ્ર મિશ્રાએ કહ્યું કે, "બહેન માયાવતી ચૂંટણી લડશે કે નહીં તે અંગે પાર્ટી દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આખરે ચૂંટણી લડવી કે નહીં તે તેમણે નક્કી કરવાનું છે."

line

પરિવારવાદનો આરોપ

માયાવતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં માયાવતી ગાયબ, પરંતુ બીએસપીને સત્તામાં પાછા ફરવાની આશા

સતીશચંદ્ર મિશ્રાનાં પત્ની કલ્પના મિશ્રા અને તેમના પુત્ર કપિલ મિશ્રા પણ રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવતાં જોવાં મળી રહ્યાં છે. આ બંનેએ બસપાના પ્રબુદ્ધ સંમેલનમાં ભાગ લીધો હતો.

અમે તેમને પૂછ્યું કે ભારતમાં પરિવારવાદ પર મોટા ભાગે મોટી ચર્ચા થાય છે તો શું તેમની પત્ની અને પુત્રનો રાજકારણમાં પ્રવેશ પરિવારવાદ નથી?

આના જવાબમાં મિશ્રાએ કહ્યું કે, "મને નથી ખબર કે પરિવારવાદ કોને કહેવાય. મને લાગે છે કે અમે અમારી પત્ની અને પુત્રને ચૂંટણી લડવા માટે ઊભાં રાખીએ તો એ પરિવારવાદ કહેવાય. તેમણે પોતે પણ એવું કહ્યું છે અને હું પણ કહી ચુક્યો છું કે નથી તેઓ ચૂંટણી લડી રહ્યા કે નથી પક્ષનો હોદ્દો સંભાળી રહ્યાં. તેઓ માત્ર પાર્ટીને મજબૂત કરવા અને જીતાડવા માટે બહાર મેદાનમાં આવ્યાં છે.''

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો