ઉત્તર પ્રદેશની ચૂંટણી : યોગી આદિત્યનાથનો સાથ છોડતા નેતાઓ, શું ભાજપ ભરપાઈ કરી શકશે?
- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્યમાં રાજકીય ઊથલપાથલ શરૂ થઈ ગઈ છે. નેતાઓનો પક્ષપલટો પણ શરૂ થયો છે.
સ્વામીપ્રસાદ મૌર્યે શુક્રવારે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે. તેમની સાથે અન્ય નેતાઓ પણ સપામાં જોડાયા હતા.
સ્વામીપ્રસાદ મૌર્યએ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથનું નામ લઈને અને અમિત શાહ અને અન્ય મોટા નેતાઓનું નામ લીધાં વિના ચેતવણી આપી કે હવે 'તમારા ખરાબ દિવસો શરૂ થઈ ગયા છે.'

ઇમેજ સ્રોત, @YADAVAKHILESH
આ ઉપરાંત પણ મીડિયા, સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ભાજપ છોડીને જનારા કે જવાની તૈયારી કરતા નેતાઓનાં નામ ઊછળી રહ્યાં છે.
શાહજહાંપુરના તિલહરના ધારાસભ્ય રોશનલાલ વર્મા, બિલ્હોરના ધારાસભ્ય ભગવતીપ્રસાદ અને તિંદવારીના ધારાસભ્ય બ્રજેશ પ્રજાપતિએ રાજીનામું આપ્યું હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. આ નેતાઓએ પણ પોતાના રાજીનામામાં દલિતો, પછાતો, વંચિતો અને શોષિતોને નજરઅંદાજ કરાયા હોવાનો આક્ષેપ કર્યો છે.
વિપક્ષ સમાજવાદી પાર્ટીનાં સૂત્રો સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી રહ્યાં છે અને પત્રકારોને માહિતી પહોંચાડી રહ્યાં છે કે આગામી કેટલાક દિવસોમાં 'ભાજપના ઘણા ધારાસભ્યો અને મંત્રીઓ' સમાજવાદી પાર્ટીની આંગળી પકડશે.
સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધીએ કહ્યું કે, "સમાજવાદી પાર્ટી એવા ઘણા નેતાઓના સંપર્કમાં છે જેઓ ભાજપ છોડી દેવા માગે છે. એ સૌનું અમે સ્વાગત કરીએ છીએ. આગામી દિવસોમાં બીજાં ઘણાં માથાં ભાજપ છોડીને સમાજવાદી પાર્ટી સાથે જોડાશે."
એક તરફ આ બધું ચાલી રહ્યું છે તો બીજી તરફ અટકળોનું બજાર ગરમાયેલું છે કે શું ભાજપને છોડી દેવાનો આ સિલસિલો ચાલુ રહેશે? અને, શું ભાજપમાં આ બાબતે કોઈ ચિંતા છે?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શું અનુભવી મૌર્યને રાજકીય ગરમાવાનો અંદાજ હતો?

ઇમેજ સ્રોત, SWAMIPMAURYA
ભાજપમાંથી રાજીનામું આપનારા સ્વામીપ્રસાદ મૌર્ય અનુભવી રાજકારણી છે. 2017ની ચૂંટણી માથે ઝળૂંબતી હતી એવા સમયે તેઓ બસપા છોડીને ભાજપમાં ગયા હતા અને મંત્રી બન્યા હતા. એમને બિનયાદવ ઓબીસી વોટના મોટા નેતા માનવામાં આવે છે.
ભાજપે મૌર્યને સમજાવવાના સંકેતો આપ્યા હતા, પરંતુ જ્યારે એમણે બસપા છોડી હતી ત્યારે માયાવતીએ કહેલું કે મૌર્યએ પાર્ટી છોડીને પાર્ટી પર ઉપકાર કર્યો છે.
મૌર્ય જ્યારે ભાજપમાં આવેલા ત્યારે કેટલાક નેતાઓને પોતાની સાથે લઈ આવેલા. હવે એવું લાગે છે કે ગયા છે તો કેટલાક નેતાઓને સાથે લઈ જઈ રહ્યા છે.
રાજકીય વિશ્લેષકો માને છે કે મૌર્ય અને બીજા નેતાઓના બીજેપી છોડવાનો સ્પષ્ટ સંકેત છે કે પાર્ટીમાં પછાતવર્ગના નેતાઓને એ આભાસ થઈ રહ્યો છે કે એમની જ્ઞાતિનું કોઈ ધ્યાન નથી રાખતું.

ભાજપમાં અફરાતફરીનો માહોલ છે?

ઇમેજ સ્રોત, BJP
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન કહે છે, "મૌર્ય અને બીજા નેતાઓનાં રાજીનામાંથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ લોકોને એ સમજાઈ રહ્યું છે કે ભાજપ એક અપર કાસ્ટ (સવર્ણ વર્ગ) પાર્ટી બની ગઈ છે. ખાસ કરીને, યોગી આદિત્યનાથે જે રીતે પાંચ વર્ષના શાસન દરમિયાન ઠાકુરવર્ગને મહત્ત્વ આપ્યું છે એનાથી પછાત વર્ગોમાં નારાજગી જોવા મળી રહી છે."
"હવે જે સ્થિતિ નિર્માઈ રહી છે અને જે રીતે લોકો પાર્ટી છોડી રહ્યા છે, ખાસ કરીને ઓબીસી નેતાઓની નાસભાગ થઈ રહી છે, એ લોકો ભાજપ અને યોગી આદિત્યનાથને છોડીને ભાગી રહ્યા છે, એનાથી લાગે છે કે ભાજપનું સાંપ્રદાયિક કાર્ડ નિષ્ફળ થઈ રહ્યું છે."
બીજી તરફ ભાજપ પાર્ટીમાંની અફરાતફરી કે પાર્ટીનેતાઓની નારાજગીના રિપોર્ટ્સને નકારે છે. પાર્ટી પ્રવક્તા રાકેશ ત્રિપાઠી કહે છે, "ભાજપમાં કોઈ અફરાતફરી નથી. બુધવારે જ બે ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. કૉંગ્રેસમાંથી નરેશ સૈની જોડાયા છે અને સમાજવાદી પાર્ટીમાંથી મુલાયમસિંહ યાદવના વેવાઈ હરિઓમ યાદવ પણ પાર્ટીમાં આવી ગયા છે. યાદવ સિરસાગંજ ફિરોઝાબાદના ધારાસભ્ય છે. સમાજવાદી પાર્ટીના ગઢમાંથી ધારાસભ્યો ભાજપમાં આવી રહ્યા છે. એમ કહેવું બિલકુલ ખોટું છે કે ભાજપમાં કોઈ પ્રકારની અફરાતફરી છે."
પાર્ટીમાં અફરાતફરીના પ્રશ્ને ભાજપનું એમ પણ કહેવું છે પાર્ટી છોડીને જનારા નેતાઓની સરખામણીએ પાર્ટીમાં જોડાનારા નેતાઓની સંખ્યા ઘણી વધારે છે.
ત્રિપાઠીએ કહ્યું કે, "એક મહિનામાં જ ભાજપે કૉંગ્રેસ, બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ધારાસભ્યોને પાર્ટીમાં સામેલ કર્યા છે. જનાધારવાળા, સાફસુથરી છબી ધરાવતા નેતાઓ પાર્ટીમાં આવી રહ્યા છે. અમારી પાર્ટીની સમિતિની પાસે ઘણા નેતાઓના પ્રસ્તાવો પડ્યા છે જેઓ પાર્ટીમાં જોડાવા માગે છે. અમે એની સમીક્ષા કરી રહ્યા છીએ. પાર્ટી સતત જનાધારવાળા નેતાઓને સામેલ કરી રહી છે."
ભાજપ છોડી રહેલા નેતાઓ સમાજવાદી પાર્ટી તરફ જઈ રહ્યા છે. પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ ઉમળકાભેર એમનું સ્વાગત કરે છે.
પાર્ટી પ્રવક્તા અબ્દુલ હફીઝ ગાંધીએ કહ્યું કે, "પાર્ટીનો પહેલો પ્રયાસ એ છે કે જે કોઈ નેતા કે વ્યક્તિ સામાજિક ન્યાય માટેની લડાઈ લડે છે એ પાર્ટીનો ભાગ બને. જે નેતાઓ નારાજ થઈને ભાજપને છોડી રહ્યા છે, સમાજવાદી પાર્ટીમાં ખુલ્લા દિલે એમનું સ્વાગત છે. એનાથી સામાજિક ન્યાયની લડત વધારે મજબૂત થશે."

ઓબીસી નેતાઓમાં રોષ?

ઇમેજ સ્રોત, BJP
ભારતમાં જાતિ આધારિત વસ્તીગણતરી નથી થઈ પરંતુ એવું માનવામાં આ રહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં અન્ય પછાતવર્ગની ખૂબ મોટી વસ્તી છે.
2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપે સત્તા મેળવી અને 2017માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં બીજેપીએ જીત મેળવી તેના માટે અન્ય પછાતવર્ગના સમર્થનને મહત્ત્વનું કારણ મનાયું હતું.
એ જોતાં, સ્વામીપ્રસાદ મૌર્યના વિદ્રોહી સૂરથી ભાજપને ઓબીસી વર્ગના મતોનું નુકસાન થઈ શકે છે. સવાલ એ ઊભો થાય છે કે શું ભાજપ પાસે એવો કોઈ ચહેરો છે, જે ઓબીસી વર્ગને પાર્ટી સાથે જોડી રાખે?
શરત પ્રધાને કહ્યું કે, "ભાજપ પાસે એક જ ચહેરો છે, નરેન્દ્ર મોદી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ વર્ષ 2014માં ઓબીસીને ભાજપ તરફ આકર્ષ્યા હતા. ઘણી મોટી સંખ્યામાં ઓબીસી ભાજપની સાથે જોડાયા હતા. પરંતુ હવે યોગી સરકારનું જે વલણ છે એનાથી ઓબીસી વિખેરાઈ ગયા છે. યુપીની ચૂંટણી આડે હવે એટલો સમય પણ નથી કે ભાજપ આ નારાજગી દૂર કરી શકે કે એનો કોઈ અસરકારક તોડ કાઢી શકે."
તો, ભાજપ પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય નિર્વિવાદિતપણે યુપીના પછાતવર્ગના સૌથી મોટા નેતા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ત્રિપાઠીએ કહ્યું કે, "યુપીમાં હવે જાતિ કે વોટબૅન્કની રાજનીતિ ખતમ થઈ ગઈ છે. ભાજપે વિકાસને મહત્ત્વપૂર્ણ મુદ્દો બનાવી દીધો છે. આજે કોઈ, કોઈ જાતિના ઠેકેદાર નથી. જ્યાં સુધી સ્વામીપ્રસાદ મૌર્યનો પક્ષ છોડીને જવાનો પ્રશ્ન છે, ભાજપ પાસે મૌર્ય, શાક્ય, સૈની, કુશવાહા સમાજમાંથી પહેલેથી જ જોઈએ એટલી સંખ્યાના નેતાઓ છે."
"યુપી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને હાલના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય નિર્વિવાદપણે પ્રદેશના પછાતવર્ગના સૌથી મોટા નેતા છે. ભાજપમાં પછાતવર્ગની ઉપેક્ષા થાય છે, એવા દાવા આધાર વિનાના છે."
ભારતીય જનતા પાર્ટી એ વાતને પણ નકારે છે કે પાર્ટીમાં કોઈ ખાસ વર્ગમાં કશો રોષ છે. પાર્ટી પ્રવક્તા રાકેશ ત્રિપાઠીનું કહેવું છે કે પાર્ટીમાંથી એ જ લોકો જઈ રહ્યા છે જેમને પાર્ટીમાં પોતાનું ભવિષ્ય નથી દેખાતું.
ત્રિપાઠીએ કહ્યું કે, "એવા નેતા, જેમને લાગે છે કે પાર્ટીના સરવેમાં એમનો રિપોર્ટ નકારાત્મક છે કે પાર્ટીમાંથી ચૂંટણી લડવી એમના માટે મુશ્કેલ હશે, કે પાર્ટીમાં એમનું ભવિષ્ય અંધકારમય છે, પાર્ટીમાંથી જઈ પણ રહ્યા છે. પરંતુ અમે દાવા સાથે કહી શકીએ છીએ કે અત્યાર સુધીમાં જેટલા નેતા ભાજપ છોડીને ગયા છે એમનું રાજકીય ભવિષ્ય અંધકારમય થયું છે."
સ્વામીપ્રસાદ મૌર્યએ દાવો કર્યો છે કે તેઓ એકલા જ પાર્ટી નથી છોડી રહ્યા, બલકે એમની સાથે બીજા ઘણા ધારાસભ્યો છે. આ દાવાને નકારતાં રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, "સ્વામીપ્રસાદ મૌર્યની સાથે જ ભાજપમાં જોડાનારા એમના નજીકના ધારાસભ્ય અનિલ મૌર્યએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટી નહીં છોડે. ધર્મસિંહ સૈની વિશે પણ અફવા ફેલાવવામાં આવી કે તેઓ પાર્ટી છોડી રહ્યા છે, એમણે પણ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટી નહીં છોડે. એવું સ્પષ્ટ થઈ રહ્યું છે કે સ્વામીપ્રસાદ મૌર્યની પકડ ઢીલી પડી ગઈ છે."

ભાજપ મજબૂત થઈ રહ્યો છે તો પછી નેતાઓ કેમ છોડી જઈ રહ્યા છે?

ઇમેજ સ્રોત, SWAMIPMAURYA
છેલ્લાં કેટલાંક વર્ષોના, ખાસ કરીને 2014 પછીના રેકૉર્ડ જોઈએ તો ભાજપમાં જોડાનારા નેતાઓની સંખ્યા, છોડીને જનારા નેતાઓની સરખામણીએ ઘણી વધારે છે. ભાજપનો રાજકીય જનાધાર પણ વધ્યો છે.
રાજ્ય અને કેન્દ્રમાં પાર્ટી સત્તા પર છે અને સભ્યોના દૃષ્ટિકોણથી જોઈએ તો ભાજપ દુનિયાની સૌથી મોટી પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટી પોતાના રાજકીય ઇતિહાસમાં આ સમયે સૌથી મજબૂત સ્થિતિમાં છે.
ઉત્તર પ્રદેશની ચૂંટણી વિશે પણ રાજકીય વિશ્લેષકોનો મત છે કે ભાજપ મજબૂત સ્થિતિમાં છે.
પાર્ટીનાં સંગઠનાત્મક માળખું, સંસાધનો અને પ્રભાવને જોઈએ તો રાજ્યમાં ચૂંટણી લડી રહેલા અન્ય પક્ષોની તુલનાએ ભાજપ મજબૂત દેખાય છે.
એવી સ્થિતિમાં પણ જો મંત્રી અને ધારાસભ્યો પાર્ટી છોડીને જઈ રહ્યા છે તો એવું કેમ ના માની શકાય કે એમણે અંદાજી લીધું કે પાર્ટીમાં બધું બરાબર નથી અને આગામી ચૂંટણીઓમાં પાર્ટીની સ્થિતિ નબળી પડી શકે છે?
આ સવાલ અંગે રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, "ઉત્તર પ્રદેશમાં ભાજપનો ગ્રાફ સતત ઊંચે ચડતો રહ્યો છે. ગઈ વખતે 2017માં જ્યારે અમે ચૂંટણીમાં ગયેલા તો પાર્ટીના 1 કરોડ 87 લાખ સભ્ય હતા, હવે જ્યારે અમે ચૂંટણી માટે જઈ રહ્યા છીએ તો અમારી પાસે 3 કરોડ 80 લાખ સભ્યો છે."
"3 કરોડ 60 લાખ મત મેળવીને અમે 325 બેઠકો જીત્યા હતા. હવે અમારી પાસે એનાથી વધારે પાર્ટીસભ્યો છે, અમે પૂર્ણ વિશ્વાસ સાથે કહી શકીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી ગઈ વખત કરતાં વધારે સીટ જીતવાની છે."

ઇમેજ સ્રોત, YADAVAKHILESH
પાર્ટી છોડીને જઈ રહેલા નેતાઓ બાબતે ભાજપનો તર્ક છે કે આ એવા લોકો છે, જેમની ટિકિટ કપાઈ શકે એમ છે.
પાર્ટી પ્રવક્તા રાકેશ ત્રિપાઠીએ કહ્યું કે, "ભારતીય જનતા પાર્ટીની અંદર એક લોકશાહી પ્રક્રિયા છે. ધારાસભ્યોના ફીડબૅક લેવાય છે અને એના આધારે જ ટિકિટ આપવાનું નક્કી કરાય છે. પાર્ટી હાલના ધારાસભ્યોનો સરવે કરાવે છે. જ્યાં પાર્ટી ગઈ વખતે જીતી નહોતી શકી ત્યાં પણ યોગ્ય ઉમેદવાર માટે આકલન કરવામાં આવે છે."
"ટિકિટ કાપવી એ એક રાજકીય પક્ષની આંતરિક સ્વાભાવિક પ્રક્રિયા છે. એક વાત એ પણ છે કે જે લોકોને એવા સંકેતો મળી ગયા હશે કે પાર્ટીમાં મજબૂત થવાની એમની સ્થિતિ નથી તો તેઓ અહીંતહીં તક શોધી રહ્યા છે. પરંતુ એનાથી એમનું ભલું નહીં થાય. જે લોકોનું કલ્યાણ ભાજપમાં નથી થતું, ક્યાંય બીજે તો એમનું કલ્યાણ કેમનું થશે?"
શું એમ માની શકાય કે જે લોકો પાર્ટી છોડી રહ્યા છે એમને ભાજપમાં પોતાનું ભવિષ્ય સુરક્ષિત નથી લાગતું અને તેઓ માત્ર પોતાના રાજકીય ભવિષ્ય માટે પાર્ટી છોડી રહ્યા છે? કે ખરેખર તેઓ પોતાના મતદાતાઓ વિશે વિચારે છે?
શરત પ્રધાને કહ્યું કે, "હવે રાજકારણ બદલાઈ ગયું છે. એ જમાનો બદલાઈ ગયો છે કે જેમાં એક નેતા રાજકીય વિચારધારા સાથે જોડાયેલા રહેતા હતા અને એના માટે પોતાની રાજકીય કરિયર પણ દાવ પર મૂકી દેતા હતા. હવે નેતા પહેલાં પોતાનું રાજકીય હિત જુએ છે."
"સાચી વાત એ છે કે જ્યારે પણ નેતાઓને પોતાની રાજનીતિ પર જોખમ દેખાય છે તો તેઓ પક્ષપલટો કરે છે. એવા ગણ્યાગાંઠ્યા નેતાઓ હશે જેઓ આજે પણ રાજકીય વિચારધારા માટે પ્રતિબદ્ધ છે અને એક જ પાર્ટીમાં ટકી રહ્યા છે. સ્વામીપ્રસાદ મૌર્ય છે કે બીજા કોઈ નેતા છે, દેખીતું છે કે તેઓ પોતાનું હિત તો જોતા જ હશે."
"રાજકીય વર્તુળોમાં ચર્ચાય છે કે મૌર્ય પોતાના દીકરાને માટે પણ પાર્ટી પાસે ટિકિટ માગી રહ્યા હતા અને આ વાત કંઈ જામી નહીં. પરંતુ તથ્ય એ પણ છે કે તેઓ આજના રાજકીય માહોલને સમજે છે. એમને એવું લાગે છે કે આ સમયમાં ભાજપ સાથે રહેવામાં એમની રાજકીય કારકિર્દી સુરક્ષિત નથી."

યોગી આદિત્યનાથના નેતૃત્વ પર સવાલ
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન ભાજપની સાથોસાથ પોતાની પણ એક અલગ અને સમકક્ષ છાપ ઊભી કરી છે.
યુપી સરકારને મોટા ભાગે ભાજપ સરકારના બદલે યોગી સરકાર કહેવામાં આવે છે. એ જોતાં સવાલ એ પણ ઊભો થાય છે કે શું પાર્ટી છોડનારા નેતાઓ મુખ્યત્વે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથથી પણ નારાજ હશે?
શરત પ્રધાને કહ્યું કે, "એમાં શંકા નથી કે મુખ્ય નારાજગી મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પ્રત્યે છે. છેલ્લાં પાંચ વર્ષના કાર્યકાળને જોઈએ તો ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથે પોતાની જાતને સર્વોપરી રાખવા અને દર્શાવવાની કોશિશ કરી છે. એવા સંકેત અને સંદેશ વારંવાર અપાયા છે કે યુપીમાં યોગી જ બધું છે."
"લખનૌનાં રાજકીય વર્તુળોમાં એક ચર્ચા એવી પણ છે કે યોગી પોતાની પાર્ટીના નેતાઓને પણ આસાનીથી નહોતા મળતા. એ વાતનું દુખ પાર્ટી છોડી જનારા નેતાઓને જરૂર રહ્યું હશે. બિનસત્તાવાર રીતે ઘણા નેતાઓ એવી ફરિયાદ કરે છે કે યોગી આદિત્યનાથને મળવું આસાન નથી."
શું આનાથી યોગી આદિત્યનાથની છબી પર પણ અસર પડશે? શરત પ્રધાને કહ્યું, "યોગી આદિત્યનાથે ભલે પોતાની એક આગવી મોટી છબી ઊભી કરી હોય પરંતુ સાચું તો એ છે કે તેઓ ભાજપનો ભાગ બનીને જ મુખ્ય મંત્રી બની શકશે. જો યોગી આદિત્યનાથને લાગે છે કે તેઓ પાર્ટીથી મોટા છે તો પછી એ અપરિપક્વ વિચાર છે."
"ભલે ને જે નેતાઓ પાર્ટી છોડીને જઈ રહ્યા છે તેઓ યોગી આદિત્યનાથથી નારાજ હોય પરંતુ એનાથી નુકસાન તો ભાજપને જ થયું છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ત્રિપાઠીએ કહ્યું, "ભાજપ કોઈ એક પરિવારની પાર્ટી નથી બલકે પાર્ટી જ પરિવાર છે. પરિવારમાં કોઈ રિસાય છે કે ઘવાય છે તો પ્રયાસ કરવામાં આવે છે કે તેઓ પાર્ટી પાસે આવે, સંવાદ કરે અને પોતાની સમસ્યાઓ હલ કરે. ફરિયાદ-નારાજગી છે તો એનું પાર્ટીની અંદર જ બેસીને સમાધાન કરે. તેમ છતાં, કોઈ એટલા બધા નારાજ છે કે પાર્ટી છોડીને જવા માગે છે તો તેઓ પોતાનો માર્ગ પસંદ કરવા માટે મુક્ત છે. કોઈને બંધુઆ બનાવીને ન રાખી શકાય. પાર્ટી સંવાદમાં વિશ્વાસ ધરાવે છે, જો કોઈ સમસ્યા હોય તો પાર્ટી સાથે વાત કરવી જોઈએ."
સ્વામીપ્રસાદ મૌર્ય અને અન્ય મંત્રી તથા ધારાસભ્યોનાં રાજીનામાંએ યુપીના રાજકારણને ખળભળાવી મૂક્યું છે. ભાજપ ડૅમેજ કન્ટ્રોલમાં વ્યસ્ત થઈ ગયો છે. તો સમાજવાદી પાર્ટી આ તકનો ફાયદો લઈને એવું સાબિત કરવાના ચક્કરમાં છે કે ભાજપ નબળી પડી રહ્યો છે. જેટલી દેખાય છે એનાથી ઘણી વધારે ઘટનાઓ પરદા પાછળ ચાલી રહી છે.
શરત પ્રધાને કહ્યું કે, "છેલ્લા બે દિવસની ઘટનાઓએ ચૂંટણીને વધુ રોમાંચક કરી દીધી છે. ભાજપના મોટા નેતાઓ, મંત્રીઓએ પાર્ટી છોડ્યાના એવા સંકેતો ગયા છે કે આગામી ચૂંટણીમાં ભાજપ નબળી સ્થિતિમાં મુકાઈ શકે છે. વાસ્તવિકતા જે કંઈ પણ હોય, પરંતુ ચૂંટણીમાં આવા સંકેતોનું મહત્ત્વ હોય છે અને એની ચૂંટણી પર અસર પડે છે. ભાજપ સામે પડકાર છે કે જે નુકસાન થયું છે, એની ભરપાઈ કઈ રીતે કરવી. પરંતુ સવાલ એ જ છે કે શું ભાજપ એ ભરપાઈ કરી શકશે?"
- ભાજપ યુપીની ચૂંટણી જીતવા ગુજરાતના હિંદી ભાષીઓનો ઉપયોગ કઈ રીતે કરે છે?
- યુપીના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્ય કયા સવાલ પર ભડક્યા અને ઇન્ટરવ્યૂ અટકાવી દીધો?
- શાહજહાંનાં પત્ની મુમતાજ મહલને ત્રણ વાર કેમ દફનાવાયાં હતાં?
- મુસલમાનવિરોધી ભડકાઉ ભાષણ આપનારા નરસિંહાનંદને હજુ જેલ કેમ નથી થઈ?
- દલિત પેન્થર : અત્યાચારોનો બદલો લેવા બનાવાયેલું વિદ્રોહી સંગઠન શું હતું?


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













