લખીમપુર વિવાદ, જાટની નારાજગી અને ગુર્જર-રાજપૂત સામસામે, યોગી આદિત્યનાથ કેવી રીતે સંભાળશે?
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
ઉત્તર પ્રદેશમાં એક પછી એક વિવાદો રોકવાનું નામ નથી લેતા. પહેલાંથી જાટની નારાજગી, પછી ગુર્જરો-રાજપૂતોનું સામસામે આવવું અને અને હવે લખીમપુરનો વિવાદ દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
લખીમપુર ખીરીમાં ચાર ખેડૂત સહિત આઠ લોકોનાં મૃત્યુ બાદ ઊભો થયેલો રાજકીય વિવાદ અટકવાનું નામ નથી લેતો.

ઇમેજ સ્રોત, Getty Images
વિપક્ષના દિગ્ગજ નેતા લખીમપુર ખીરી પહોંચવા પ્રયાસ કરી રહ્યા છે. પહેલાં અટકાવાયા બાદ હવે કૉંગ્રેસ પાર્ટીના નેતાઓને મંજૂરી આપી દેવામાં આવી છે.
રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા ત્રણ અન્યોને જવાની મંજૂરી અપાઈ છે.
ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરી મહિનામાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એટલે કે ચૂંટણી માટે માત્ર ચાર મહિના બાકી છે અને ભારતીય જનતા પાર્ટી સામે હવે દુવિધા છે કે તે લખીમપુર ખીરી વિવાદ, નારાજ રહેલા જાટ, ગુર્જર અને રાજપૂત મતદારો વચ્ચે સંતુલન કઈ રીતે જાળવી રાખશે.
ત્રણ કૃષિકાયદા વિરુદ્ધ દિલ્લીની અલગઅલગ સરહદો પર ખેડૂતો ધરણાં-પ્રદર્શન કરી રહ્યાં છે તેમાં જાટ મોટા પાયે ભાગ લઈ રહ્યા છે. તેમાં હરિયાણા અને રાજસ્થાન સિવાય પશ્ચિમી ઉત્તર પ્રદેશના જાટ ખેડૂતો પણ મોટી સંખ્યામાં સામેલ છે.
ખેડૂતોનું આંદોલન માત્ર દિલ્હીની સરહદો પર પ્રદર્શન સુધી જ સીમિત નથી, કેમ કે ખેડૂત સંગઠનના લોકો (જેમાં ભારતીય કિસાન યુનિયનના જાટ નેતા રાકેશ ટિકૈત પણ સામેલ છે) દેશના વિવિધ ભાગોમાં ફરીફરીને કેન્દ્ર સરકાર વિરુદ્ધ માહોલ બનાવી રહ્યા છે અને કૃષિકાનૂનો વિરુદ્ધ સમર્થન મેળવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટી માટે ચિંતા એટલા માટે પણ છે કે સમાજવાદી પાર્ટીનું પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મજબૂત આધાર રાખનારી પાર્ટી રાષ્ટ્રીય લોકદળ સાથે ગઠબંધન થઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગઠબંધન કેટલું પ્રભાવી હશે એ તો ચૂંટણી પછી જ નક્કી થશે, પરંતુ રાજકીય વિશ્લેષકો માને છે કે આનાથી ભાજપની પરેશાની જરૂર વધશે.

જાટની નારાજગી યોગી આદિત્યનાથને ચૂંટણીમાં નડશે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTYIMAGES
વિશ્લેષકો માને છે કે વર્ષ 2012માં મુઝફ્ફરનગરમાં થયેલાં રમખાણો બાદ જાટોનું વલણ ભારતીય જનતા પાર્ટી તરફ વધ્યું હતું.
પશ્ચિમી ઉત્તર પ્રદેશની 20 વિધાનસભા બેઠકો એવી છે જ્યાં જાટોની વસ્તી 14 ટકાની આસપાસ છે અને આથી આ ક્ષેત્રોમાં તેમના મત પણ વધુ મહત્ત્વ ધરાવે છે.
‘સેન્ટર ફૉર ધ સ્ટડી ઑફ ડેવલપિંગ સોસાયટીઝ’ એટલે કે ‘સીએસડીએસ’ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2014માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 77 ટકા જાટોના મત મળ્યા હતા જે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં વધીને 91 ટકા થઈ ગયા.
વિશ્લેષક કહે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશની 110 બેઠકોમાંથી લગભગ 90 બેઠકો એવી છે જેના પર જાટ મતદારો નિર્ણાયક ભૂમિકામાં છે.
મુઝફ્ફરનગરનાં રમખાણો બાદ જાટ અને પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં મુસલમાનોની મોટી વસ્તી વચ્ચે તિરાડ પડી ગઈ છે, પરંતુ મુઝફ્ફરનગરના સિસૌલીમાં ખેડૂતોની મહાપંચાયતમાં જાટ અને મુસલમાન એકસાથે આવે તથા બંને સમુદાયે પોતાની ‘ભૂલોને માનીને તેને સુધારવાનો’ સંકલ્પ પણ લીધો.
મહાપંચાયતના મંચથી જાટ કિસાન નેતાઓએ ચૌધરી અજિતસિંહનું સમર્થન નહીં કરવા બદલ ખેદ પણ વ્યક્ત કર્યો.
આ મહાપંચાયત બાદ પશ્ચિમી ઉત્તર પ્રદેશની રાજનીતિએ વળાંક લીધો અને ભાજપની ચિંતાઓ વધારી દીધી.
જ્યારે કૃષિકાયદા મામલે વાતચીતની કેટલીક બેઠકો નિષ્ફળ ગઈ અને આ કાનૂન પર ગતિરોધ વધવા લાગ્યો ત્યારે જાટોએ ભાજપ વિરુદ્ધ સ્પષ્ટપણે વિરોધી અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું.
પરિણામ એ આવ્યું કે ચૂંટણી નજીક આવતાંઆવતાં ભાજપ પોતાની રણનીતિ પર વિચાર કરવા મજબૂર થઈ ગયો છે.

મિહિર ભોજની પ્રતિમાનો વિવાદ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES/GETTY
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વરિષ્ઠ પત્રકાર વીજેન્દ્ર ભટ્ટે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "જાટોનું વલણ જોઈને ભાજપે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં બીજા મોટા સમાજ એટલે કે ગુર્જરોને મનાવવાની કોશિશ કરી. આ જ કારણે રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ ગ્રેટર નોઇડાના દાદરીના મિહિર ભોજ ઇન્ટર કૉલેજ પ્રાંગણમાં સમ્રાટ મિહિર ભોજની પ્રતિમાના અનાવરણ માટે તૈયાર થઈ ગયા."
આ કાર્યક્રમ ગુર્જર વિદ્યાસભા દ્વારા આયોજિત કરાયો હતો અને સમ્રાટ મિહિર ભોજની એક મોટી પ્રતિમા પ્રાંગણમાં લવાઈ હતી. 22 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં સામેલ થનારા યોગી આદિત્યનાથ પણ પહોંચ્યા હતા.
પરંતુ તકતી પર લખેલા ‘ગુર્જર’ શબ્દ આપત્તિ કરી રહેલા રાજપૂત કરણીસેનાના કાર્યકર્તાઓ ન માત્ર એનો વિરોધ કર્યો, પરંતુ તકતી પર લખેલા ગુર્જર શબ્દ પર શાહી ફેંકી દીધી.
કરણીસેનાનો દાવો છે કે સમ્રાટ મિહિર ભોજ રાજપૂત હતા અને તકતી પર ‘ગુર્જર’ શબ્દ લખવો યોગ્ય નહોતો.
આનાથી એટલો તણાવ પેદા થયો કે ઘટનાના વિરોધમાં 26 સપ્ટેમ્બરે અખિલ ભારતીય વીર ગુર્જર સમાજની મહાપંચાયત બોલાવાઈ હતી.
સ્થાનિક પ્રશાસને ઘટનાને લઈને એફઆઈઆર પણ દાખલ કરાવી હતી. મહાપંચાયત તો ન થઈ પણ આગલા દિવસે સમાજના લોકોએ તકતી પરથી મુખ્ય મંત્રી અને ભાજપના નેતાઓનું નામ હઠાવી લીધું.
તેનાથી તણાવ પેદા થઈ ગયો અને ઇન્ટર કૉલેજને સીલ કરી દેવાઈ હતી. હવે ગુર્જર સમાજે દિલ્હીમાં ફરી એક મહાપંચાયતનું આહવાન કર્યું છે.
ગુર્જર વિદ્યાસભાના રાધાચરણ ભાટી કહે છે કે સભાએ પ્રસ્તાવ પાસ કર્યો જેમાં ‘વીર ગુર્જર પ્રતિહાર સમ્રાટ મિહિર ભોજની પ્રતિમા લગાવવાનો નિર્ણય સર્વસહમતીથી લેવાયો.’
તેઓ કહે છે કે ગુર્જર વિદ્યાસભાએ જ મુખ્ય મંત્રી સાથે મળીને તેનું અનાવરણ કરવા માટે આમંત્રિત કર્યા હતા.
તેઓ કહે છે, "કાર્યક્રમ ઘણો સફળ રહ્યો હતો, કેમ કે મોટી સંખ્યામાં ગુર્જર સમુદાયના લોકો તેમાં સામેલ થવા માટે રાજસ્થાન, હરિયાણા, મધ્ય પ્રદેશ અને અન્ય પ્રદેશોમાં દાદરી આવવાની માહિતી હતી."

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને આંદોલન અસર કરશે?

ઇમેજ સ્રોત, NURPHOTO
"અમારા ગુર્જર સમાજથી જ ભાજપના રાજ્યસભા સાંસદ સુરેન્દ્ર નાગરે દબાણ બનાવ્યું કે તેઓ સમારોહની અધ્યક્ષતા કરવા ઇચ્છે છે, જ્યારે કાર્યક્રમ વિદ્યાસભાનો હતો અને હું તેની અધ્યક્ષતા કરી રહ્યો હતો. પછી મને હઠાવીને તેમણે અધ્યક્ષતા કરી લીધી અને કાર્યક્રમને પણ ભાજપનો બનાવી દીધો."
પરંતુ કરણીસેનાના અધ્યક્ષ કરણ ઠાકુરના નેતૃત્વમાં રાજપૂતના એક પ્રતિનિધિમંડળ દાદરીના પોલીસ અધિકારી વિશાલ પાંડેને મળ્યું અને તેમણે મુખ્ય મંત્રી તથા અન્ય નેતાઓના નામ તકતીથી હઠાવવા મામલે વિરોધ નોંધાવ્યો.
સેનાનું કહેવું છે કે મુખ્ય મંત્રીનું નામ તકતીથી હઠાવવાવાળા વિરુદ્ધ જો કાનૂની કાર્યવાહી ન થઈ તો પછી રાજપૂત સમાજના લોકો રસ્તા પર ઊતરી આવશે.
દાદરીમાં ચાલી રહેલા ઘટનાક્રમ બાદ વિસ્તારમાં તણાવ તો છે સાથે જ પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપના ગુર્જર સમાજની નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગાઝીપુરમાં ચાલી રહેલા કિસાન આંદોલનના સંયોજક અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના નેતા આશિષ મિત્તલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે ધર્મ અને જાતિનું ધ્રુવીકરણ રાજકીય દળો અને નેતાઓની પારંપારિક રીત રહી છે અને તેઓ એ જ કરી રહ્યા છે.
જોકે તેઓ એ પણ કહે છે કે હાલના સંજોગોને ધ્યાને લીધા નિષ્કર્ષ પર પહોંચવું ઉતાવળ ગણાશે.
જ્યારે જાટ આરક્ષણ સંઘર્ષ સમિતિના અધ્યક્ષ યશપાલ માલિક માને છે કે તમામ જાટ ન તો ભાજપ સાથે હતા અને ન તેના વિરુદ્ધ છે.
તેઓ કહે છે કે આંદોલન પોતાની જગ્યાએ પર છે, પરંતુ મત નાખતી વખતે કોઈ બીજા માપદંડો સામે આવી જાય છે.
વરિષ્ઠ પત્રકાર વીજેન્દ્ર ભટ્ટ કહે છે કે "ભાજપ માટે જાટો અને ગુર્જરોની નારાજગી પડકાર બની ગયો છે, પરંતુ સૌથી મોટો પડકાર યૌગી આદિત્યનાથ સામે પણ છે."
તેઓ કહે છે કે ‘હવે એ પણ માલૂમ પડ્યું છે કે રાજપૂતો પર તેમની કેટલી પકડ છે.’ જો પકડ છે તો પછી વિરોધ કરી રહેલાં રાજપૂત સંગઠનોને એવું કરવાથી મનાઈ કરશે જેથી ગુર્જર સમાજના લોકો માની જાય.
ભટ્ટ કહે છે કે પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં રાજપૂતોની વસ્તી ઘણી છે અને તેઓ રાજકીય રીતે ઘણા મજબૂત પણ છે. આથી જોવું પડશે કે તેઓ રાજપૂત સંગઠનો સાથે કઈ રીતે સંતુલન સાધે છે.
ભટ્ટ અનુસાર, "એવું લાગે છે કે ગુર્જરોને મનાવવા માટેની કોશિશ વચ્ચે અજાણતા જ મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે સમાજની જાતિવાળી ‘દોષરેખા’ એટલે કે ‘ફૉલ્ટ લાઇન’ને છેડી દીધી છે. તેઓ મૂર્તિના અનાવરણમાં સામેલ ન પણ થઈ શકે, પરંતુ આ બધું અજાણતા જ થઈ ગયું છે. આથી હવે ભાજપના નેતા તેના પર એકદમ કાળજીપૂર્વક રીતે આગળ વધી રહ્યા છે અને કોઈ પણ નિવેદન આપવાનું ટાળી રહ્યા છે."
પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં ભાજપના સંગઠન સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે તેઓ ત્રણેય સમાજના લોકો સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ એ પણ દાવો કરી રહ્યા છે કે મામલાનો ઉકેલ લાવી દેવામાં આવે.
તેમનો એવો પણ દાવો છે કે સંગઠન, કિસાન આંદોલનના ગુર્જરો અને રાજપૂતોમાં થઈ રહેલી તકરારને લઈને પોતાની રણનીતિ બનાવી રહ્યા છે.
કેટલાક નેતા માને છે કે જો પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં સંગઠનને નુકસાનની સંભાવના હોય તો પણ પ્રદેશના અન્ય વિસ્તારોથી ભાજપના ખાતામાં સારી બેઠકો આવશે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













