લખીમપુર ખીરીમાં આખરે કઈ રીતે ફાટી નીકળી હિંસા? જાણો સંપૂર્ણ ઘટનાક્રમ
- લેેખક, અનંત ઝણાણે
- પદ, લખીનપુરથી, બીબીસી માટે
લખીમપુર જિલ્લા વડામથકથી લગભગ 75 કિલોમીટર દૂર નેપાળ સરહદ પાસેના તિકુનિયા ગામમાં હિંસા અને આગચંપીની ઘટનામાં અત્યાર સુધી 8 લોકોનાં મૃત્યુ થયાં છે. તેમાંથી ચાર ખેડૂત અને અન્ય લોકો પણ સામેલ છે.
અન્ય લોકોમાં બે ભાજપના કાર્યકરો અને બે ડ્રાઇવરોનો સમાવેશ થાય છે. એ સિવાય 12થી 15 લોકો પણ ઘાયલ થયા છે.

ઇમેજ સ્રોત, ANI
મૃતક ખેડૂતોમાં દલજિતસિંહ (35), ગુરવેન્દ્રસિંહ (18), લવપ્રીતસિંહ (20) અને નક્ષત્રસિંહ (55) સામેલ છે.
તિકુનિયાની આ ઘટનામાં સાધના ન્યૂઝ ચૅનલના નિઘાસન તાલુકાના સંવાદદાતા રતન કશ્યપનું પણ રિપોર્ટિંગ દરમિયાન મૃત્યુ થયું છે. ગાડીની ટક્કરના લીધે તેઓ રસ્તાના કિનારે પાણીમાં પડી ગયા હતા.

તિકુનિયામાં થયેલી હિંસાનો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, ANANT ZANANE
3 ઑક્ટોબરે ઉત્તર પ્રદેશના ઉપમુખ્ય મંત્રી કેશવપ્રસાદ મોર્ય પહેલાંથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ લખીમપુર ખીરીના પ્રવાસે હતા. જ્યાં વંદન ગાર્ડનમાં તેમણે સરકારી યોજનાઓનો શિલાન્યાસ કરવાનો હતો.
આ કાર્યક્રમ માટે પહેલાં તેઓ હૅલિકૉપ્ટરથી આવવાના હતા, પરંતુ શનિવારે સવારે પ્રૉટોકોલ બદલાયો અને તેઓ રસ્તાવાટે લખીમપુર પહોંચ્યા.
સંયુક્ત કિસાન મોરચા દ્વારા ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મોર્ય તથા કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી અજય મિશ્રના વિરોધ અને કાફલાના ઘેરાવનો કૉલ આપવામાં આવ્યો હતો, જેમાં લખીમપુર અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોના અન્ય જિલ્લામાંથી ખેડૂતોને સામેલ થવાનું આહ્વાન કરાયું હતું.
લગભગ એકથી દોઢ વાગ્યાની વચ્ચે કેશવપ્રસાદ મૌર્ય અને અજય મિશ્રા લખીમપુર જિલ્લા મુખ્યાલયથી યોજનાઓના શિલાન્યાસના કાર્યક્રમને ખતમ કરીને નેપાળ સરહદ પર ટેનીના બનવીરપુર ગામ માટે રવાના થયા, જે તુકિયાનાથી માત્ર 4 કિલોમિટર અંતરે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તકુનિયાની એક પ્રાથમિક સ્કૂલમાં 2 ઑક્ટોબરે યોજાયેલા દંગલના વિજેતાઓનો પુરસ્કાર-સમારોહ હતો.
અજય મિશ્રાને કેન્દ્રીય મંત્રી બનાવાયા બાદ તેમના સન્માનમાં આ વખતે મોટો અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આથી ઉપમુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તેમના મુખ્ય મહેમાન હતા.
જોકે, આ દરમિયાન સ્થાનિક ખેડૂતોએ મંત્રી અજય મિશ્રાનો વિરોધ કરવાનું નક્કી કરી રાખ્યું હતું.
કેટલાક દિવસો પહેલા લખીમપુરના સમ્પૂર્ણાનગરના એક ખેડૂત સંમેલનમાં મંત્રી અજય મિશ્રા મંચથી ખેડૂતોને ધમકાવતા નજરે પડ્યા હતા.
તેમણે કાળા ઝંડા ફરકાવનારા ખેડૂતોને ચેતવણી આપતાં કહ્યું હતું, "હું માત્ર મંત્રી નથી અથવા સાંસદ કે ધારાસભ્ય નથી. હું સાંસદ-ધારાસભ્ય બન્યો એ પહેલાં મારા અંગે જાણતા હશે, તેમને એ પણ ખબર છે કે હું પડકારથી ભાગતો નથી."
"જે દિવસે મેં એ પડકારને સ્વીકારીને કામ કર્યું, એ દિવસે પલિયા જ નહીં પણ લખીમપુર પણ છોડી દેવું પડશે, એ યાદ રહે."
મંત્રીનાં આ પ્રકારનાં તીખાં નિવેદનો બાદ ખેડૂતોને ગુસ્સો આવ્યો હતો અને તેમણે 29 સપ્ટેમ્બરે લખીમપુરના ખૈરટિયા ગામમાં એક પ્રતિજ્ઞા સમારોહમાં જાહેર કર્યું કે શાંતિપૂર્ણ ઢંગથી તેઓ વિરોધ કરશે.

તિકુનિયામાં રવિવારનો ઘટનાક્રમ

ઇમેજ સ્રોત, PRASHANT/BBC
રવિવાર સવારે જ સંખ્યાબંધ ખેડૂતો તિકુનિયાના મહારાજા અગ્રસેન ઇન્ટર કૉલેજ પહોંચ્યા અને સ્કૂલમાં બનેલા હૅલિપૅડને ઘેરી લીધું.
તેઓ 'ભારત માતા કી જય'નાં સૂત્રો લગાવી રહ્યા હતા અને કાળા ઝંડા સાથે વિરોધ કરી રહ્યા હતા.
બાદમાં જ્યારે ખબર ફેલાઈ કે મંત્રી રોડ મારફતે ગામ પહોંચી રહ્યા છે તો ખેડૂત તિકુનિયાથી બનવીરપુરની સરહદ પર ગાડીઓથી રસ્તો રોકીને બેસી ગયા.
લગભગ દોઢથી અઢી કલાકમાં ત્રણ ગાડીઓનો એક નાનો કાફલો તિકુનિયા પહોંચ્યો.
અજય મિશ્રા ટેની અને તેમના પુત્ર આશિષ મિશ્રા અનુસાર આ કાફલો ઉપ-મુખ્યમંત્રીના મોટા કાફલાને બનવીરપુર ગામ સુધી લાવવા માટે એક રેલવેના ફાટક માટે રવાના થયો હતો અને આ ત્રણ ગાડીઓ તિકુનિયા જઈ પહોંચી, જ્યાં ખેડૂતો ઉપમુખ્ય મંત્રીના સરકારી કાફલાની રાહ જોઈ રહ્યા હતા.
જોકે, સંયુક્ત કિસાન મોરચાના નેતાઓનો આરોપ છે કે ખેડૂતોની ભીડ પર પૂરપાટ ઝડપે ગાડીઓ હંકારી દેવા હતી, જેમાં ચાર ખેડૂત કચડાઈને માર્યા ગયા જ્યારે લગભગ 12ને ઈજા પહોંચી.
વાઇરલ વીડિયોમાં એક-બે ખેડૂતના મૃતદેહ રોડકિનારે દેખાય છે. ખેડૂત નેતાઓનો આરોપ છે કે મંત્રીના પુત્ર આશિષ મિશ્રા પણ એ સમયે ગાડીમાં હાજર હતા અને તેમણે એક ખેડૂતનો ગોળી પણ મારી.
પ્રદર્શનમાં સામેલ અને ઘટનાના સાક્ષી સંયુક્ત મોરચાના સભ્ય પિંડરસિંહ સિદ્ધુએ જણાવ્યું, "માહોલ ઠીક હતો, લગભગ અઢી વાગ્યે અજય મિશ્રનો પુત્ર કેટલાક ગુંડાઓ સાથે આવ્યો અને જે ખેડૂત ત્યાં પોતાના ઝંડા લઈને ફરી રહ્યા હતા તેમના પર ગાડી ચઢાવી દીધી. તેમના દીકરાએ ગોળી પણ ચલાવી."
"આ ઘણી દુખદ ઘટના હતી. અમારા ચાર ખેડૂત ભાઈ શહીદ થઈ ગયા. જે ખેડૂતોએ વોટ આપ્યો છે તેમના પ્રદર્શન પર ગાડી ચઢાવી દેવી, કચડી નાખવા એ ક્યાંની સંસ્કૃતિ છે? આ સત્તાનો નશો છે. મંત્રી અજય મિશ્રાએ જે પડકાર આપ્યો છે તેનો જવાબ લોકો હવે ઘરની બહાર નીકળીને આપશે."
જોકે અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ આ આરોપો ફગાવી દીધા છે. તેમનું કહેવું છે કે તેઓ પોતે નિર્દોષ છે તે સાબિત કરવા પુરાવા રજૂ કરશે.
વાઇરલ વીડિયોમાં ખેડૂતોની હિંસાત્મક પ્રતિક્રિયા પણ કૅદ થઈ છે.
વીડિયોમાં ક્રોધે ભરાયેલી ભીડ એક જીપ પર દંડા વરસાવી રહી છે અને ગાડીની બહાર પડેલી બે વ્યક્તિને પણ દંડાથી મારી રહી છે.
ભીડ ગાડીને ધકેલીને તેને રસ્તાની નીચે ફેંકી દે છે. આ હિંસા અને હુમલા બાદના કેટલીક તસવીરો સામે આવી જેમાં રસ્તાના કિનારે બે મૃતદેહો પડ્યા હતા અને તેની આસપાસ ખેડૂતો ઊભા હતા.

મંત્રી પુત્ર બચાવ કઈ રીતે કરી રહ્યા છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
મંત્રીના પુત્ર આશિષ મિશ્રા પોતાના બચાવમાં કહે છે, "અમારા જ કાર્યકર્તાઓની હત્યા થઈ અને તમે કહો છો કે અમારી ગાડીએ કિસાનોને કચડી નાખ્યા? અમને અંદાજ નહોતો કે આ પ્રકારની ઘટના થશે. અમને તો લાગ્યું કે માત્ર કાળા ઝંડા બતાવશે. પણ હત્યાનો અમને કોઈ આભાસ નહોતો."
પોતાનાં નિવેદનો પર સફાઈ આપતાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાએ કહ્યું, "મેં ખેડૂતો વિરુદ્ધ કોઈ વાત નથી કહી, માત્ર હૉર્ડિંગ ફાડવાવાળા વિરુદ્ધ કહી હતી. કેટલાક લોકો જે આ દેશમાં અશાંતિ ફેલાવવા માગે છે તેમણે આને ખેડૂતો સાથે જોડવાની કોશિશ કરી છે."
"આંદોલન કરનારા લોકો બહારથી લવાયા અને બોલાવાયા. આ અમારા કાર્યકર્તાઓ પર આક્રમણ છે, તેમના પર આક્રમણ કરવામાં આવ્યું તેમને પ્રતાડિત કરવામાં આવ્યા અને તેમની હત્યા કરવામાં આવી."
"કેટલાક લોકો ઘાયલ પણ થયા. કેટલીક ગાડીઓ પણ સળગાવવામાં આવી. તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી કાર્યવાહી કરાવીશ."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












