જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ ગુજરાતમાં કૉંગ્રેસની બાજી પલટી શકશે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસનો સથવારો લીધો છે. હજી સુધી તેમણે અધિકૃત રીતે કૉંગ્રેસનું સભ્યપદ લીધું નથી, પણ 2022ની ચૂંટણી તેઓ કૉંગ્રેસના નેજા હેઠળ લડશે એવું કહી દીધું છે.

હાર્દિક પટેલ કૉંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. હાર્દિક અને જિજ્ઞેશ બે એવા ચહેરા છે, જેના પર આગામી વિધાનસભા ચૂંટણીમાં નજર મંડાયેલી રહેશે.

ઉલ્લેખનીય છે કે, 2017 વિધાનસભા ચૂંટણી વખતે હાર્દિક પટેલ તો કૉંગ્રેસમાં હતા જ.

હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Hardik Patel/Facebook

ઇમેજ કૅપ્શન, હાર્દિક અને જિજ્ઞેશ બે એવા ચહેરા છે, જેના પર આગામી વિધાનસભા ચૂંટણીમાં નજર મંડાયેલી રહેશે

બીજી તરફ ભાજપમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનું સમગ્ર પ્રધાનમંડળ નવું છે.

2022ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અસદુદ્ગીન ઓવૈસીની એઆઈએમઆઈએમ (ઑલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહદુલ મુસ્લિમીન) જેવી પાર્ટી પણ ગુજરાતમાં પોતાનો વિકલ્પ ચકાસવાની છે.

ટૂંકમાં, 2022ની વિધાનસભા ચૂંટણી કૉંગ્રેસ - ભાજપ નવા ચહેરા અને અન્ય પાર્ટીઓ નવા વિકલ્પ સાથે લડશે.

line

કૉંગ્રેસ જિજ્ઞેશ અને હાર્દિક પર કેટલો મદાર રાખશે?

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Hardik Patel/Twitter

ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ દેશ - પ્રદેશ સ્તરે નવા યુવા ચહેરાઓને આગળ ધપાવી રહી છે

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. રાહુલ ગાંધી પાર્ટીમાં યુવાઓને આગળ કરી રહ્યા છે. હાર્દિક પટેલને કાર્યકારી પ્રમુખ પણ બનાવ્યા છે.

હવે વિધિવત્ રીતે કૉંગ્રેસના સભ્ય બને એ પછી જિજ્ઞેશને પણ અગત્યની જવાબદારી સોંપાઈ શકે છે.

શું આ બે ચહેરા પર આગામી 2022ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસનો મોટો મદાર રહેશે?

આ વિશે રાજકીય વિશ્લેષક અને દલિત ચિંતક ચંદુ મહેરિયા બીબીસીને કહે છે કે, "જિજ્ઞેશ અને હાર્દિકને કઈ જવાબદારી મળે છે અને ગુજરાત કૉંગ્રેસ તેમને કઈ રીતે લે છે એ જોવાનું રહે છે. હાર્દિક પાસે તો ગુજરાત કૉંગ્રેસમાં આટલો મોટો હોદ્દો છે, પણ તેનું અસ્તિત્વ દેખાતું નથી."

"ગત વખતે વિધાનસભાની ચૂંટણી વખતે હાર્દિક પટેલને હેલિકૉપ્ટર આપ્યું હતું, પણ જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર્દિક પટેલને લીધે પાર્ટીને મતની કોઈ ઊપજ થઈ હોય એવું વર્તાયું નહોતું."

આની સામે ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ પ્રવક્તા મનીષ દોશીની દલીલ છે કે, "કોઈ ચૂંટણીમાં કોઈ પાર્ટીનું પર્ફૉર્મન્સ સારું ન રહ્યું હોય તો એના માટે કોઈ એક નેતાને જવાબદાર ન ઠેરવી શકાય. ક્યાંક ઉમેદવારોની પસંદગીમાં કચાશ રહી ગઈ હોય કે સંગઠનની કમી રહી ગઈ હોય તો એ પણ પરિબળો હોય છે."

વીડિયો કૅપ્શન, હાર્દિક પટેલે ભુપેન્દ્ર પટેલને અનામત આંદોલનનાં કેસો પાછા ખેંચવા માટે કેમ કહ્યું?

કૉંગ્રેસ દેશ - પ્રદેશ સ્તરે નવા યુવા ચહેરાઓને આગળ ધપાવી રહી છે.

મનીષ દોશી બીબીસીને કહે છે કે, "યુવાઓ મોટી સંખ્યામાં પાર્ટી સાથે જોડાય તેમજ દેશમાં બદલાવ આવે તે માટે રાહુલ ગાંધી લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છે. હાર્દિકભાઈ તો કાર્યકારી પ્રમુખ છે જ એટલે 2022માં તેમની અગત્યની ભૂમિકા રહેશે જ."

"જિજ્ઞેશભાઈની વાત કરીએ તો સંપૂર્ણપણે સમજદારી સાથે પક્ષની વિચારધારાથી અને રાજ્યના લોકોને ન્યાય અપાવવા માટે જ્યારે તેઓ જોડાઈ રહ્યા હોય ત્યારે પક્ષને ફાયદો થતો જ હોય છે."

આની સામે ગુજરાત કૉંગ્રેસ સંદર્ભે એવી દલીલ થઈ રહી છે કે કેટલાક જુનવાણી નેતાઓએ હદનું વર્ચસ્વ ધરાવીને બેઠા છે કે ઉપરથી પ્રોજેક્ટ થયેલા નેતાને કેટલી તક મળશે?

ચંદુ મહેરિયા કહે છે કે, "રાહુલ ગાંધી અને મોવડીમંડળ દ્વારા ઉપલા થરેથી નેતાને પ્રોજેક્ટ કરવામાં આવે ત્યારે નીચલા એટલે કે પ્રદેશના થરે તેમને સ્વીકૃતિ ન મળે તો તકલીફ પડતી હોય છે."

2017ની જેમ કૉંગ્રેસ જો સૉફ્ટ હિન્દુત્વ અપનાવે તો મેવાણીનું સ્થાન ક્યાં હશે?

જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Jignesh Mevani/Twitter

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં દલિતોની વોટબૅન્ક સંદર્ભે જિજ્ઞેશથી પાર્ટીને કેટલો લાભ મળી શકે?

અલ્પેશ ઠાકોર હોય કે હાર્દિક પટેલ કે પછી જિજ્ઞેશ મેવાણી તેઓ પાર્ટી માટે મતો તાણી લાવશે એ રીતે પાર્ટી દ્વારા સ્વાભાવિક રીતે જોવાતું હોય છે. આમાં જ્ઞાતિગત સમીકરણ તેમજ નેતા તરીકેની અપીલ જોવાતી હોય છે.

જોકે, ચંદુ મહેરિયા માને છે કે હાર્દિક પટેલ કે મેવાણી કે અલ્પેશ ઠાકોર પાસે વોટબૅન્ક ખેંચી લાવવાનું સામર્થ્ય હોય એવું મને લાગતું નથી. જો હાર્દિક પાસે એવું હોત તો કાર્યકારી પ્રમુખ થયા પછી હાર્દિકે તાકાત બતાવી હોત.

"અલ્પેશ પાસે મતબળ હોત તો તેઓ ભાજપમાંથી ચૂંટણી હારી ગયા ન હોત. જિજ્ઞેશ પાસે છે કે નહીં એ પ્રશ્ન છે."

ગુજરાતમાં દલિતોની વોટબૅન્ક સંદર્ભે જિજ્ઞેશથી પાર્ટીને કેટલો લાભ મળી શકે?

આ સવાલના જવાબમાં વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ કહે છે કે, "મેવાણીને ગુજરાતની ચૂંટણી માટે સામેલ કર્યા હોય એવું મને નથી લાગતું. ગયા વખતે પણ કૉંગ્રેસે ગુજરાતમાં અપક્ષ તરીકે મેવાણીને ટેકો આપ્યો જ હતો. તેથી આડકતરી રીતે મેવાણી કૉંગ્રેસમાં હતા એ સ્પષ્ટ જ હતું."

તેઓ કહે છે કે જિજ્ઞેશની હાજરી કૉંગ્રેસ માટે ગુજરાત કરતાં રાષ્ટ્રીયસ્તરે વધુ પ્રસ્તુત બની શકે.

"બીજી વાત એ છે કે 2017 વિધાનસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મંદિરોમાં ફરીફરીને સોફ્ટ હિન્દુત્વનો મેસેજ ચૂંટણીટાણે રજૂ કર્યો હતો. જો આ લાઈન ફરી પકડવામાં આવે તો તેઓ જિજ્ઞેશને આગળ કરે ખરા?"

જો દલિત નેતા તરીકે જિજ્ઞેશને રાજ્યમાં કૉંગ્રેસ પ્રસ્તુત કરે તો પણ પંજાબ કે ઉત્તર પ્રદેશ જેવી દલિત વૉટબૅન્ક ગુજરાતમાં નથી.

ચંદુ મહેરિયા કહે છે કે, "જોવા જઈએ તો ગુજરાતમાં દલિતોની વેટબૅન્ક 7-8 ટકા છે. એ વૉટબૅન્ક વહેંચાયેલી છે. બીજું કે જે દલિત અનામત બેઠકો છે ત્યાં ચૂંટાતા નેતાઓ દલિતોના મતને આધારે નથી જીતતા."

"તેઓ જીતે છે તો બિનદલિતો કે મુસ્લિમોના મતોથી. આ સમીકરણ કૉંગ્રેસ કે ભાજપ બંનેની અનામત બેઠકો પર ચૂંટાયેલા નેતાઓમાં જોવા મળે છે."

"અપક્ષ જિજ્ઞેશ મેવાણી જ્યાં વડગામની બેઠક પરથી ચૂંટાયા હતા ત્યાં મુસ્લિમ મતદારોની સંખ્યા મોટી છે. અનામત બેઠક પર કૉંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર અમદાવાદની દાણીલીમડા બેઠક પરથી ચૂંટાયા તો ત્યાં પણ મુસ્લિમ મતદારોની સંખ્યા મોટી છે."

"ભાજપના સાંસદ કિરીટ સોલંકી અમદાવાદમાં અનામત બેઠક પર ચૂંટાય છે ત્યાં બિનદલિત મતદારોનો મોટો વર્ગ છે."

line

'આમ આદમી પાર્ટી કૉંગ્રેસને જ નહીં ભાજપને પણ નુકસાન પહોંચાડી શકે'

ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી

ઇમેજ સ્રોત, TWITTER/AAPGUJARAT

ઇમેજ કૅપ્શન, આમ આદમી પાર્ટી સત્તામાં ન આવે પણ મોટો ચમત્કાર કરી જાય એ શક્યતા જોવાઈ રહી છે

અત્યાર સુધી ગુજરાતમાં એવું ચિત્ર રહ્યું છે કે ત્રીજો પક્ષ અહીં ફાવતો નથી. આમ આદમી પાર્ટી સત્તામાં ન આવે પણ મોટો ચમત્કાર કરી જાય એ શક્યતા જોવાઈ રહી છે.

આમ આદમી પાર્ટી એમ કહીને વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી શકે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરતમાં મુખ્ય વિપક્ષ બન્યા પછી રાજ્યની રાજધાનીમાં પણ અમારું પર્ફૉર્મન્સ સારું રહ્યું છે.

ચંદુ મહેરિયા કહે માને છે કે ગાંધીનગરમાં તેઓ નોંધપાત્ર બેઠકો લઈ આવશે તો વિધાનસભાની ચૂંટણી માટે તેમનો આત્મવિશ્વાસ વધશે.

આમ આદમી પાર્ટી કોઈ પાર્ટીમાંથી અલગ થઈને કે બળવાખોરોએ ઊભો કરેલો પક્ષ નથી. એ વિકલ્પ તરીકે સામે આવ્યો છે. તેથી કદાચ સરકાર ન રચી શકે પણ નોંધ લે તેવું પ્રદર્શન કરી શકે છે.

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં જલદી ચૂંટણી યોજાવા જઈ રહી છે?

દિલીપ ગોહિલ કહે છે કે, "કેશુભાઈ અને શંકરસિંહ વાઘેલાએ સ્થાપેલી અલગ રાજકીય પાર્ટીઓએ જે તે વખતે 8-10 ટકા મત મેળવ્યા હતા. 'આપ' એના કરતાં વધુ મત મેળવી શકે છે."

"જો આવું થાય તો કૉંગ્રેસની સાથેસાથે 'આપ' ભાજપને પણ નુકસાન કરાવી શકે. 'આપ' એવી બેઠકોમાં ભાજપને નુકસાન કરી શકે જ્યાં તેઓ પાતળી સરસાઈથી જીત્યા હોય."

કૉંગ્રેસ વારંવાર આમ આદમી પાર્ટીને ભાજપની 'બી ટીમ' કહે છે. એવું માનવામાં આવે કે તે જેટલા મત લેશે એટલો ભાજપને ફાયદો કરાવશે, પણ એનાથી ઊલટું પણ થઈ શકે.

દિલીપ ગોહિલ કહે છે કે, "સાઈલન્ટ મતદારો હોય તો એ આમ આદમી પાર્ટીને ફાયદો કરાવે અને નુકસાન ભાજપને કરાવી શકે. સાઈલન્ટ મતદારોની લહેર પરખવી અઘરી પડે છે. ભાજપનો વિકલ્પ જે લોકો લાંબા સમયથી શોધતા હતા તેમના મત આપને મળી શકે છે."

કૉંગ્રેસ એઆઈએમઆઈએમને પણ ભાજપની બી ટીમ કહે છે. તેનાથી કૉંગ્રેસને નક્કી નુકસાન જઈ શકે છે એવું દિલીપ ગોહિલ માને છે.

તેઓ કહે છે કે, "મુસ્લિમોના 9 ટકા વોટ છે. તેથી મજલીસની અસર ત્રણથી પાંચ બેઠકો પર થાય, જેનો ગેરફાયદો કૉંગ્રેસને થાય."

line

'ભૂપેન્દ્ર પટેલની સરકાર નહીં નફો, નહીં નુકસાનના રાજકીય ગણિતે રચાયેલી છે'

ભૂપેન્દ્ર પટેલ

ઇમેજ સ્રોત, Bhupendra Patel/Twitter

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં 2022 અગાઉ સમૂળગું પ્રધાનમંડળ અને મુખ્ય મંત્રી બદલવા પડ્યા એ દર્શાવે છે કે પાર્ટીને રૂપાણી સરકાર જનાધાર લઈ આવશે કે કેમ એ સવાલ હતો

ગુજરાતમાં 2022 અગાઉ સમૂળગું પ્રધાનમંડળ અને મુખ્ય મંત્રી બદલવા પડ્યા એ દર્શાવે છે કે પાર્ટીને રૂપાણી સરકાર જનાધાર લઈ આવશે કે કેમ એ સવાલ હતો.

દિલીપ ગોહિલ માને છે કે, "ભાજપે આમાં વ્યવહારુ અભિગમ અપનાવ્યો છે. રૂપાણી સરકાર સામે ઓલરેડી મુશ્કેલી હતી. એ જ સરકાર અને એ જ સમસ્યા અને મુદ્દાઓ સામે 2022ની ચૂંટણી લડવી ભાજપ માટે થોડું અઘરું પડત."

"ભાજપ માટે ભૂપેન્દ્ર પટેલ અને નવું પ્રધાનમંડળ રજૂ કરવું એ નહીં નફો નહીં નુકસાન જેવી સ્થિતિ છે. કોરોનાની બીજી લહેર વખતની સમસ્યા અને મુદ્દાઓ તો ઊભા જ છે, તેથી ભાજપે માણસો જ બદલી નાખ્યા, જેથી એક નવી જ શરૂઆત એટલે કે ફ્રેશ સ્ટાર્ટનો મેસેજ જાય. આ ફેરફારથી ભાજપને એ ફાયદો થઈ શકે કે જે વધુ નુકસાન થવાનું હતું એ હવે નહીં થાય."

ગુજરાતમાં મુખ્ય મંત્રી આનંદીબહેન પટેલ હોય કે વિજય રૂપાણી, ચૂંટણીઓ નરેન્દ્ર મોદીના ચહેરાથી જ લડાય છે. જ્યાં પણ ભાજપનું શાસન છે તે દરેક રાજ્યોમાં ભાજપની આ જ રણનીતિ રહી છે.

ચંદુ મહેરિયા કહે છે કે, "સ્થાનિક સ્વરાજ અને સુધરાઈની ચૂંટણીઓ પણ ભાજપ ગુજરાતમાં મોદીના નામે લડે છે. ભૂપેન્દ્ર પટેલને ભલે મુખ્ય મંત્રી બનાવ્યા હોય, પણ તેમના નામે ચૂંટણી નહીં લડાય."

આ જ વાત આગળ વધારતાં ભાજપના સૌરાષ્ટ્રના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ કહે છે કે, "ગુજરાતમાં નરેન્દ્ર મોદીનું શાસન એ વીર વિક્રમની ખુરશી જેવું છે. ગુજરાતની પ્રજા તેમના નેતૃત્વને સ્વીકારે છે."

"નવી ટીમ ભલે ચૂંટણીના એક કે સવા વર્ષ પહેલાં આવી હોય પણ નરેન્દ્રભાઈની કામગીરી તો આટલાં વર્ષેથી બોલે જ છે. તેમની શાન ન જળવાય એવો જનાધાર ગુજરાતની પ્રજા ન આપે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો